વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ઇન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન સાથે નોર્થ અમેરિકાના સમર ફેન્સી ફૂડ શો 2026માં ભારતે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી નોંધાવી
ઇન્ડિયન મેંગો શોકેસમાં ઇન્ડિયા પેવેલિયન ખાતે નિકાસની છ પ્રીમિયમ જાતો આકર્ષણનું કેન્દ્ર બની
બાસમતી ક્યુલિનરી શોકેસમાં સમર ફેન્સી ફૂડ 2026 ખાતે ભારતીય ચોખાની વિવિધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો
प्रविष्टि तिथि:
29 JUN 2026 8:26PM by PIB Ahmedabad
નોર્થ અમેરિકાના અગ્રણી સ્પેશિયાલિટી ફૂડ પ્રદર્શનમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી દર્શાવતા, સમર ફેન્સી ફૂડ 2026 (Summer Fancy Food 2026) ખાતેના 'ઇન્ડિયા પેવેલિયન'નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ શ્રી બિનયા શ્રીકાંત પ્રધાન અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા શેફ, લેખક અને TIME100 સન્માનિત શેફ વિકાસ ખન્ના દ્વારા 28 જૂન, 2026 ના રોજ જેકોબ કે. જેવિટ્સ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ પેવેલિયન સેંકડો ભારતીય ફૂડ બ્રાન્ડ્સ, નિકાસકારો અને ઇનોવેટર્સને એક જ છત નીચે લાવે છે.
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળના એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન (ITPO) દ્વારા સંયુક્ત રીતે પ્રદર્શિત કરાયેલું ઇન્ડિયા પેવેલિયન, ભારતીય ખાદ્ય ઉત્પાદનોની વધતી વૈશ્વિક માંગની ઉજવણી કરે છે, તેમજ સમગ્ર વિશ્વના ખરીદદારો, રિટેલર્સ અને વિતરકો સમક્ષ ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીની સમૃદ્ધિ, વિવિધતા અને ગુણવત્તાનું પ્રદર્શન કરે છે.
સમર ફેન્સી ફૂડ શોમાં ભારતના અત્યાર સુધીના આ સૌથી મોટા પ્રદર્શનમાં બાસમતી ચોખા, મસાલા, રેડી-ટુ-ઈટ ફૂડ, પીણાં (બેવરેજીસ), ઓર્ગેનિક ઉત્પાદનો, ફ્રોઝન ફૂડ, સ્નેક્સ અને મૂલ્ય-વર્ધિત (વેલ્યુ-એડેડ) કૃષિ ઉત્પાદનો સહિત વિવિધ શ્રેણીઓના નિકાસકારો સામેલ છે, જે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ફૂડ એક્સપોર્ટ ડેસ્ટિનેશન તરીકે દેશના સ્થાનને વધુ મજબૂત બનાવે છે.
આ પેવેલિયનમાં એક મુખ્ય આકર્ષણ 'ઇન્ડિયન મેંગો શોકેસ' (ભારતીય કેરી પ્રદર્શન) છે, જેમાં કેરીમાંથી બનતી નવીન વાનગીઓની સાથે નિકાસ માટેની છ પ્રીમિયમ જાતો દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શન કેરીની સમૃદ્ધ વિવિધતા પર પ્રકાશ પાડે છે અને આ ફળના વિશ્વના અગ્રણી ઉત્પાદક તરીકે ભારતના સ્થાનને મજબૂત કરે છે.
મુલાકાતીઓ અહીં ક્યુરેટેડ 'બાસમતી ક્યુલિનરી શોકેસ'નો પણ અનુભવ કરી રહ્યા છે, જ્યાં પ્રીમિયમ ભારતીય બાસમતી ચોખાનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી વિવિધ વાનગીઓ આંતરરાષ્ટ્રીય પાકશૈલીમાં તેની વિવિધતા અને ઉપયોગીતાને સાબિત કરે છે. મિશેલિન-સ્ટાર વિજેતા શેફ હેમંત માથુર મુલાકાતીઓ માટે દરરોજ ભારતીય વાનગીઓનું સેમ્પલિંગ મેનૂ તૈયાર કરી રહ્યા છે.
આ પ્રદર્શન તે અનન્ય સુગંધ, રચના (ટેક્સચર) અને ગુણવત્તા પર પ્રકાશ પાડે છે જેણે ભારતીય બાસમતી ચોખાને વૈશ્વિક બજારોમાં પસંદગીનો વિકલ્પ બનાવ્યો છે. અસલી (ઓથેન્ટિક) ભારતીય ફૂડની વૈશ્વિક માંગ સતત વધી રહી છે, ત્યારે કૃષિ અને ફૂડ વેલ્યુ ચેઇન સાથે જોડાયેલા લાખો લોકોના સામૂહિક પ્રયાસોના પરિણામે, ઇન્ડિયા પેવેલિયન ભારતના ખેતરો અને ફેક્ટરીઓથી લઈને વિશ્વભરના ડાઇનિંગ ટેબલ સુધીની સફરના એક શક્તિશાળી પ્રતીક તરીકે ઊભું છે.
ITPO ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. નીરજ ખરવાલે પણ સમર ફેન્સી ફૂડ 2026 માં અત્યાર સુધીના સૌથી મોટા ઇન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન પર ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ITPO અને APEDA વચ્ચેનો આ સહયોગ ભારતના ફૂડ એક્સપોર્ટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
સભાને સંબોધતા ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ શ્રી બિનયા શ્રીકાંત પ્રધાને આ પેવેલિયનને એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી જે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) માં ભારતના ફૂડ એક્સપોર્ટ અને બ્રાન્ડની ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે સમર ફેન્સી ફૂડ શોમાં ઇન્ડિયા પેવેલિયન એ યુએસ માર્કેટમાં વિસ્તરણ કરવા ઈચ્છતી ભારતીય બ્રાન્ડ્સ માટે એક બેન્ચમાર્ક પહેલ છે અને તે ભારતના ફૂડ ઉદ્યોગના આત્મવિશ્વાસ, ક્ષમતા અને ગુણવત્તાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉદ્ઘાટન પ્રસંગે શેફ વિકાસ ખન્નાની ઉપસ્થિતિ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ છેલ્લા લગભગ ત્રણ દાયકાથી સોફ્ટ પાવરના ભારતના સૌથી મોટા એમ્બેસેડર પૈકીના એક રહ્યા છે, જેઓ ખોરાકની સાર્વત્રિક ભાષા દ્વારા ભારતની સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યોને પશ્ચિમના દેશો સુધી લઈ ગયા છે.
આ ઉદ્ઘાટન ભારતના ફૂડ એક્સપોર્ટ માટે એક નિર્ણાયક સમયે આવ્યું છે. વ્યાપારી અંદાજો અનુસાર, ભારતીય કન્ઝ્યુમર પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ માટે નોર્થ અમેરિકન માર્કેટ આગામી દાયકામાં આશરે USD 30-50 બિલિયનની તકો રજૂ કરે તેવી અપેક્ષા છે. અસલી ભારતીય સ્વાદ, પ્રીમિયમ સામગ્રી અને ભરોસાપાત્ર ફૂડ બ્રાન્ડ્સ માટે ગ્રાહકોની વધતી માંગને કારણે આ વૃદ્ધિ થઈ રહી છે.
ઉદ્ઘાટન દરમિયાન બોલતા શેફ વિકાસ ખન્નાએ જણાવ્યું હતું કે, પ્રદર્શનમાં મૂકવામાં આવેલી દરેક પ્રોડક્ટ દેશના ફૂડ ઇકોસિસ્ટમમાં કામ કરતા લાખો ભારતીયોના સપના અને આજીવિકાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે આ ઉદ્યોગ માત્ર શેલ્ફ પર રહેલી પ્રોડક્ટ્સ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરેક અનાજ, મસાલા અને પેકેજ પાછળ લાખો ખેડૂતો, વેપારીઓ, ઉત્પાદકો, ફેક્ટરી કામદારો, નિકાસકારો, વિતરકો અને રિટેલર્સ રહેલા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય ભોજન માટે ઊભી થતી દરેક તક સપ્લાય ચેઇન સાથે જોડાયેલા અસંખ્ય પરિવારો માટે તકોનું સર્જન કરે છે અને આ સફળતા દરેક ખેડૂત, વેપારી, ઉત્પાદક અને કામદારની છે જેમણે આ ઉત્પાદનોને શક્ય બનાવ્યા છે.
ઇન્ડિયા પેવેલિયનમાં આંતરરાષ્ટ્રીય ખરીદદારોનું સ્વાગત કરતા, APEDA ના ચેરમેન શ્રી અભિષેક દેવે આ પ્રદર્શનમાં ભારતના રેકોર્ડબ્રેક સહભાગીત્વ અને વૈશ્વિક ફૂડ એક્સપોર્ટમાં તેના વધતા નેતૃત્વના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમર ફેન્સી ફૂડ શો ભારતીય ફૂડ બ્રાન્ડ્સને વૈશ્વિક બજાર સમક્ષ તેમની ગુણવત્તા, ઇનોવેશન અને વિવિધતા પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે 70 થી વધુ ભારતીય પ્રદર્શકોની ભાગીદારી ભારતીય નિકાસકારોના આત્મવિશ્વાસને અને પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકોનો ભારતની પ્રોડક્ટ્સ પર વધી રહેલા વિશ્વાસને દર્શાવે છે.
SM/JD
(रिलीज़ आईडी: 2279213)
आगंतुक पटल : 10