ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં 'પીએમ ફેમિલી કેર ટ્રેકર' પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને આ અવસરે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાંબા ગાળાની નીતિઓ ઘડીને, તેનું સતત નિરીક્ષણ સુનિશ્ચિત કરીને અને પાયાના સ્તરે તેનો અસરકારક અમલ કરીને સર્વગ્રાહી અને સમાવેશી વિકાસની નવી વ્યાખ્યા આપી

જન્મ અને મરણના નોંધણી ડેટા સાથે સંકલિત, પીએમ ફેમિલી કેર ટ્રેકર દરેક બાળકને એક યુનિક આઈડી પ્રદાન કરશે, જેનાથી સરકારી યોજનાઓના લાભો આપોઆપ અને સમયસર તેમના સુધી પહોંચશે અને તેની ખાતરી પણ થશે

પીએમ ફેમિલી કેર ટ્રેકર લાભાર્થીઓની ઓળખ, સરકારી પહોંચ અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક વિતરણના મુખ્ય પડકારોનો ઉકેલ લાવશે

સંકલિત નિરીક્ષણ પ્રણાલી (ઇન્ટિગ્રેટેડ મોનિટરિંગ સિસ્ટમ) દ્વારા, પીએમ ફેમિલી કેર ટ્રેકર જરૂરિયાતમંદોને સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભોનું અસરકારક વિતરણ સુનિશ્ચિત કરશે

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા, મોદી સરકારે ગરીબો માટે પારદર્શક અને અસરકારક કલ્યાણ વિતરણનું નવું માળખું સ્થાપિત કર્યું છે

માત્ર 12 વર્ષમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેઢીઓથી ગરીબ પરિવારોને પીડિત કરતી અસંખ્ય લાંબા ગાળાની સમસ્યાઓનો ઉકેલ લાવ્યો

प्रविष्टि तिथि: 28 JUN 2026 9:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 'પીએમ ફેમિલી કેર ટ્રેકર' પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તેમના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ આઝાદી પછીના ભારતનો 100 વર્ષનો ઇતિહાસ લખશે, ત્યારે તે ઇતિહાસના બે ભાગ હશે. પ્રથમ ભાગ 2014 પહેલાનું ભારત અને બીજો ભાગ 2014 પછીનું ભારત હશે. 2014 ની ચૂંટણીમાં ભારતના લોકોએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા હતા. તેમણે કહ્યું કે 2014 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશના દરેક ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની નવી વ્યાખ્યા આપી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે મોદી સરકારે દરેક ક્ષેત્રમાં માત્ર લાંબા ગાળાની નીતિઓ જ નથી ઘડી, પરંતુ તેનું નિરીક્ષણ પણ કર્યું છે અને પાયાના સ્તરે તેનો અસરકારક અમલ સુનિશ્ચિત કર્યો છે. દેશની સુરક્ષા મજબૂત કરવા, તેની સંસ્કૃતિનું જતન કરવા, શિક્ષણ નીતિ લાગુ કરવા, અર્થતંત્રને વેગ આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા, આત્મનિર્ભરતા તરફ આગળ વધવા અને દરેક ક્ષેત્રમાં નીતિઓ ઘડવાની સાથે તેમાં સમયસર સુધારા કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતના કરોડો ગરીબ લોકોના જીવનધોરણને ઊંચું લાવવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે પ્રધાનમંત્રી મોદીજી દેશના ગરીબો માટે જેટલી પણ રકમ મોકલે છે, તે તમામ રકમ સીધી જ તેમના સુધી પહોંચે છે. મોદી સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) શરૂ કરીને ગરીબોના કલ્યાણના એક નવા યુગની શરૂઆત કરી છે. માત્ર 12 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે દેશભરના કરોડો ગરીબ લોકોને ઘર, વીજળી, નળનું પાણી, શૌચાલય, ગેસ સિલિન્ડર, 5 કિલો મફત અનાજ, ₹5 લાખ સુધીની મફત તબીબી સારવાર પૂરી પાડી છે અને 90 ટકા સસ્તી દવાઓની વ્યવસ્થા કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આઝાદી પછીથી  ભારતમાં પોતાના હકની માંગણી કરવા માટે મથામણ કરી રહેલા કરોડો લોકોને નરેન્દ્ર મોદી સરકારે તેમનો હક આપ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશના કરોડો લોકોમાં પેઢીઓથી ચાલી આવતી સમસ્યાઓનો માત્ર 12 વર્ષમાં ઉકેલ લાવ્યો છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે અહીં દરેક માટે ગવર્નન્સ ટ્રેક કરવાની એક વ્યવસ્થા અસરકારક રીતે શરૂ થઈ છે. આજે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા અને ન્યુટ્રિશન કિટ (પોષણ કીટ) નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ડેટાબેઝને સંકલિત કરીને અને તેને જન્મ તેમજ મરણના ડેટા સાથે જોડીને, દરેક બાળકને એક આઈડી અને યુનિક નંબર આપવાનું કામ પીએમ ફેમિલી કેર ટ્રેકર દ્વારા કરવામાં આવશે. આ પ્લેટફોર્મ દ્વારા તમામ સરકારી યોજનાઓના લાભો પહોંચાડવામાં આવશે. પીએમ ફેમિલી ટ્રેકર એક સંકલિત નિરીક્ષણ પ્રણાલી (ઇન્ટિગ્રેટેડ મોનિટરિંગ સિસ્ટમ) બનાવશે, જે હેઠળ જરૂરિયાતમંદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવશે અને તેમના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજીએ દેશના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને અનુરૂપ કેટલીય પહેલો શરૂ કરી છે, જેમાં ડૉક્ટરોની ઉપલબ્ધતા વધારવી, કરોડો નાગરિકોને ₹5 લાખ સુધીની મફત તબીબી સારવાર પૂરી પાડવી, સસ્તી દવાઓ સુલભ બનાવવી, આરોગ્યના માળખાકીય ઢાંચાને મજબૂત કરવો અને આયુષ (AYUSH) દ્વારા ભારતની પરંપરાગત આરોગ્ય સંભાળ પ્રણાલીઓને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. આજે આ તમામ પહેલો પર નજર રાખવા માટે પીએમ ફેમિલી કેર ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું છે.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2278706) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी