MIFF 2026માં, બિપ્લબ ગોસ્વામીએ વિચારથી લઈને પટકથા સુધીની લાંબી, એકલવાઈ અને સુંદર સફરનો ચિતાર આપ્યો
પોતાનામાં વિશ્વાસ રાખવા સિવાય લેખન માટેનો કોઈ ફોર્મ્યુલા નથી, તેમ 'લાપતા લેડીઝ' ના લેખકે જણાવ્યું
એક ક્ષણિક વિચાર કેવી રીતે સંપૂર્ણ પટકથા (સ્ક્રીનપ્લે) નું સ્વરૂપ લે છે? કોઈ લેખક કોઈ વાર્તા આખરે સ્ક્રીન પર પહોંચે તે પહેલાં વર્ષો સુધી તેના પ્રત્યે કેવી રીતે પ્રતિબદ્ધ રહે છે? આ એવા કેટલાક પ્રશ્નો હતા જે પટકથા લેખક, સંપાદક (એડિટર) અને દિગ્દર્શક બિપ્લબ ગોસ્વામીએ આજે 19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026 માં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલી વર્કશોપ શ્રેણીની શરૂઆત કરતા તેમના "વિચારથી લઈને રૂપરેખા સુધી: દ્રશ્યની શરીરરચના" (From Idea to Outline: The Anatomy of a Scene) વર્કશોપ દરમિયાન સંબોધ્યા હતા.
ઓસ્કાર 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી અને તાજેતરના વર્ષોની સૌથી પ્રશંસા પામેલી ફિલ્મોમાંની એક 'લાપતા લેડીઝ' લખવા માટે જાણીતા ગોસ્વામી સહભાગીઓને વાર્તા કહેવાની ઘણી વખત અસ્તવ્યસ્ત, ઊંડી વ્યક્તિગત અને અત્યંત માગણી કરતી પ્રક્રિયા દ્વારા લઈ ગયા હતા.
onJune16,2026.N7WY.JPG)
"કોઈ ફોર્મ્યુલા નથી," તેમણે સમગ્ર સત્ર દરમિયાન વારંવાર કહ્યું હતું. ગોસ્વામી માટે, દરેક વાર્તાની શરૂઆત અલગ રીતે થાય છે. ક્યારેક તે સહજ રીતે ઉભરી આવે છે, ક્યારેક અવલોકનમાંથી, અને ક્યારેક કોઈ એવી ઘટનામાંથી જે વિચારને ઉત્તેજિત કરે છે. "લેખકો તરીકે, આપણે હંમેશા શોધમાં હોઈએ છીએ. ક્યારેક આપણને વિચારમંથનની જરૂર હોય છે. ક્યારેક વાર્તા પોતે જ આવી જાય છે. કોઈ નિશ્ચિત રસ્તો નથી."
લેખકે સર્જનાત્મક પ્રક્રિયા સાથે આવતા ભાવનાત્મક પડકારો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સૌથી મોટા અવરોધોમાંનો એક એ છે કે જ્યારે કોઈ પ્રોડ્યુસર આ પ્રોજેક્ટને સમર્થન આપશે તેની કોઈ ગેરંટી ન હોય ત્યારે પણ લખવાનું ચાલુ રાખવું.
"તમારી પાસે સારી વાર્તા હોઈ શકે છે, પરંતુ કોઈ પ્રોડ્યુસર નથી. તે નિરાશાજનક હોઈ શકે છે. પરંતુ જો તમે ખરેખર સિનેમાને પ્રેમ કરો છો, તો તમે ગમે તે થાય તો પણ લખવાનું ચાલુ રાખો છો," તેમણે કહ્યું. "હું એક જ સમયે એક લેખક, એક દિગ્દર્શક અને એક પ્રોડ્યુસરના દૃષ્ટિકોણથી લખું છું. ભલે કોઈ પ્રોડ્યુસર ન હોય, હું લખવાનું ચાલુ રાખીશ."
સિનેમાને સર્વગ્રાહી જુસ્સો ગણાવતા, ગોસ્વામીએ જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માણ માટે એક ચોક્કસ વળગણ (ઓબ્સેસન) જરૂરી છે.
onJune16,2026.(2)4QRS.JPG)
"સિનેમા દરેક માટે નથી. તમારે તેના માટે પાગલ થવું પડે છે. તેના માટે ભૂખ્યા રહેવું પડે છે. ક્યારેક ગેરહાજર મન અને વિસ્મૃત રહેવું પડે છે કારણ કે તમે સતત વાર્તાઓની અંદર જીવી રહ્યા છો. તો જ તમે આ પ્રક્રિયામાં ટકી શકો છો."
તેમણે વાર્તા કહેવાની શૈલીને શંકા અને થાકની ક્ષણોથી ભરેલી એક લાંબી સફર તરીકે વર્ણવી હતી. "આપણે કંઈક નવું બનાવવા ઈચ્છીને શરૂઆત કરીએ છીએ. પછી વચમાં ક્યાંક આપણે થાકી જઈએ છીએ. ક્યારેક ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા વર્ષો વીતી જાય છે. પરંતુ વાર્તાઓ સમય લે છે. તમારે તેમની સાથે જીવવું પડે છે."
'લાપતા લેડીઝ' નો વિકાસ પોતે જ એક શક્તિશાળી ઉદાહરણ બન્યો. ગોસ્વામીએ ખુલાસો કર્યો કે તેમણે પહેલીવાર 2014 માં આ વાર્તા રજીસ્ટર કરાવી હતી, જ્યારે તે માત્ર 22 દ્રશ્યોના સંગ્રહ તરીકે અસ્તિત્વમાં હતી. "પછી જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા. મારે આર્થિક રીતે ટકી રહેવાનું હતું. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધીમાં દુનિયા બદલાઈ ગઈ હતી. પરંતુ મારે હજી પણ એ જ વાર્તા કહેવાની હતી. પડકાર એ સમજવાનો હતો કે ગઈકાલની વાર્તા આજના પ્રેક્ષકોને કેવી રીતે કહેવી."
આ પ્રક્રિયા પીડાદાયક હતી, તેવું તેમણે સ્વીકાર્યું હતું. "દિવસ-રાત તમે વાર્તા વિશે વિચારો છો. તમારે શું લખવું જોઈએ? પ્રેક્ષકો શેની સાથે જોડાશે? દબાણ હોય છે. પરંતુ આખરે તમને રસ્તો મળી જાય છે."
onJune16,2026.(1)BSHE.JPG)
વર્કશોપના સૌથી આકર્ષક વિભાગોમાંનો એક પ્રોડક્શન શરૂ થાય તે પહેલાં પટકથાની કલ્પના (વિઝ્યુઅલાઈઝિંગ) કરવા પર કેન્દ્રિત હતો. ગોસ્વામીએ લેખકોને તેમની પોતાની ફિલ્મોના પ્રથમ પ્રેક્ષકો બનવા માટે પ્રોત્સાહિત કર્યા. "જ્યારે હું લખું છું, ત્યારે હું એક કાલ્પનિક સ્ક્રીન પર ફિલ્મ જોઉં છું. હું પ્રથમ દર્શક બનું છું. પછી હું કલ્પના કરું છું કે પ્રેક્ષકો તેને કેવી રીતે જોશે. હું માનસિક રીતે એડિટિંગ ટેબલની પણ મુલાકાત લઉં છું અને જોઉં છું કે દ્રશ્યો કેવી રીતે સંરચિત છે. આ કવાયત મને ફિલ્મને બહુવિધ દૃષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે."
એક ફિલ્મ એડિટર તરીકેની તેમની પૃષ્ઠભૂમિએ તેમની લેખન પ્રક્રિયા પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે. સહયોગના મહત્વ પર ભાર મૂકતા, તેમણે મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓને યાદ અપાવ્યું કે સિનેમા ક્યારેય એક વ્યક્તિનું કામ નથી.
"ફિલ્મ એ એક સામૂહિક માધ્યમ છે. લેખકોએ અન્ય વિભાગોને પણ સમજવાની જરૂર છે. એકવાર તમે કંઈક લખો, પછી તમારે તેનાથી મુક્ત (ડિટેચ) થવાની પણ જરૂર છે. જો તમે જડ થઈ જશો અને આગ્રહ રાખશો કે બધું બરાબર તે જ રીતે રહે જેવી તમે કલ્પના કરી હતી, તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડશે. અન્ય વિભાગોના પોતાના દૃષ્ટિકોણ હશે, અને તે હોવા જ જોઈએ."
પટકથાના સિદ્ધાંતો અને વાર્તા કહેવાના ફોર્મ્યુલા વિશે પૂછવામાં આવતા, ગોસ્વામી કડક માળખાઓ પ્રત્યે શંકાસ્પદ રહ્યા હતા. "હું સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી. હું વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. સિનેમા આખરે વાર્તા કહેવાની કળા છે," તેમણે કહ્યું. "ક્યારેક કોઈ આશ્ચર્યજનક ઘટના વાર્તાની શરૂઆત કરે છે. ક્યારેક બીજો ટેક-ઓફ હોય છે. દરેક વાર્તા પોતાની લય શોધી લે છે."
onJune16,2026.(3)QK3H.JPG)
તેમના મતે, મહત્વાકાંક્ષી લેખકો ઘણીવાર ચિંતિત થઈ જાય છે જ્યારે તેમની પાસે કોઈ આશાસ્પદ વિચાર હોય છે પરંતુ તેને સંપૂર્ણ પટકથામાં વિસ્તૃત કરવા માટે સંઘર્ષ કરે છે. "તમે કેવી રીતે લખી રહ્યા છો તેની ચિંતા કરશો નહીં. તમે શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ક્યારેક હું એક સિંગલ લાઇનથી શરૂઆત કરું છું. પછી તે સારાંશ (સિનોપ્સિસ) બને છે. પછી દ્રશ્યો ઉભરી આવે છે. અન્ય સમયે, હું શરૂઆતથી જ દ્રશ્ય દર દ્રશ્ય લખું છું. કોઈ નિયમ નથી."
સૌથી વધુ જે મહત્વનું છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તે દ્રઢતા છે. "પહેલા તમારામાં વિશ્વાસ રાખો. પછી તમારા માટે જે પણ રીતે કામ કરે તે રીતે લખવાનું ચાલુ રાખો. પછીથી, જ્યારે તમે તેને વ્યવસાયિક રીતે રજૂ કરો છો, ત્યારે તમે તેને ઉદ્યોગના ધોરણો અનુસાર સંરચિત કરી શકો છો."
ગોસ્વામીએ એ ધારણાને પણ પડકારી હતી કે લેખન પર માત્ર શોર્ટકટ્સ અથવા તકનીકી યુક્તિઓ દ્વારા પ્રભુત્વ મેળવી શકાય છે. "કોઈ શોર્ટકટ્સ નથી. લેખન મુશ્કેલ છે. તમે તકનીકો શીખી શકો છો, પરંતુ તે તમને આપોઆપ સારા લેખક બનાવશે નહીં."
તેના બદલે, તેમણે સહભાગીઓને અવલોકનની આદત કેળવવા વિનંતી કરી. "લોકોનું અવલોકન કરો. સમાજનું અવલોકન કરો. હાવભાવ, સંબંધો અને પરિસ્થિતિઓનું અવલોકન કરો. તે અવલોકનો તમારા પાત્રો અને તમારી વાર્તાઓ બને છે."
આ સત્રએ મહત્વાકાંક્ષી લેખકોને માત્ર કથાના ઘર્ષણ, પાત્રની ભૂમિકા અને દ્રશ્ય નિર્માણ વિશે વ્યવહારુ આંતરદૃષ્ટિ જ પૂરી પાડી ન હતી, પરંતુ એક આશ્વાસન આપતી યાદ અપાવી હતી કે દરેક પટકથા પોતાનો માર્ગ શોધી લે છે. ઉભરતા વાર્તાકારો અને ફિલ્મ પ્રેમીઓથી ભરેલા રૂમમાં, ગોસ્વામીનો સંદેશ સરળ છતાં શક્તિશાળી હતો: વાર્તા પર વિશ્વાસ રાખો, પ્રક્રિયા પર વિશ્વાસ રાખો અને સૌથી અગત્યનું, લખવાનું ચાલુ રાખો.
સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ (SRFTI), કોલકાતામાંથી ફિલ્મ એડિટિંગના સ્નાતક, બિપ્લબ ગોસ્વામી હાલમાં ત્રિપુરા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ (TFTI), અગરતલા ખાતે સલાહકાર (એડવાઈઝર) છે.
19મા MIFF વિશે
MIFF ની 19મી આવૃત્તિ એક ગહન અને સમૃદ્ધ સિનેમેટિક અનુભવનું વચન આપે છે, જેમાં ઉદ્યોગ-કેન્દ્રિત પહલોની રોમાંચક શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલી ફિલ્મોની વિચારપૂર્વકની લાઇનઅપ રજૂ કરવામાં આવી છે.
- આ વર્ષે, મહોત્સવના સ્પર્ધાત્મક વિભાગમાં ભારત સહિત 47 દેશોમાંથી 1,459 ફિલ્મોની એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે.
- આ મહોત્સવ 42 થી વધુ ભારતીય ભાષાઓ અને ભારત બહારની 30 થી વધુ ભાષાઓમાં ફિલ્મો પ્રદર્શિત કરે છે, જે તેની વૈશ્વિક પહોંચ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે.
- વિશ્વભરના પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓની કૃતિઓને પ્રદર્શિત કરતા, આ મહોત્સવમાં કેટલીક શ્રેષ્ઠ દસ્તાવેજી, ટૂંકી કાલ્પનિક ફિલ્મો, એનિમેશન, ડેબ્યૂ ડિરેક્ટર ફિલ્મો અને વિદ્યાર્થીઓની ફિલ્મો રજૂ કરવામાં આવશે.
- સ્ક્રીનીંગની સાથે, ડોક બજાર (Doc Bazaar) ની બીજી આવૃત્તિ, સમૃદ્ધ માસ્ટરક્લાસ અને IDPA દ્વારા ઓપન ફોરમ મહોત્સવમાં સિનેમેટિક અને સર્જનાત્મક આદાનપ્રદાનને વધુ વધારશે.
MIFF 2026 માં વાર્તા કહેવાની જીવંત દુનિયામાં પ્રવેશ કરો, જ્યાં શક્તિશાળી સિનેમા, સર્જનાત્મક મગજ અને પ્રેરણાદાયી અવાજો એકસાથે આવીને ડોક્યુમેન્ટરી, એનિમેશન અને શોર્ટ ફિક્શન ફિલ્મ નિર્માણની એક અવિસ્મરણીય ઉજવણીનું નિર્માણ કરે છે.
SM/DK/JD
रिलीज़ आईडी:
2273726
| Visitor Counter:
13