ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સે ઉત્તરીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લીગલ મેટ્રોલોજી સુધારાઓના અમલીકરણની સમીક્ષા કરી
વિશ્વાસ-આધારિત નિયમન, સરળ પાલન (કમ્પ્લાયન્સ) અને ગ્રાહક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરાયું
GATC નિયમોના અમલીકરણ અને અગાઉની લાયસન્સ આધારિત પ્રણાલીમાંથી નોંધણી (રજીસ્ટ્રેશન) આધારિત માળખાના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો GATC નિયમો અને નોંધણી-આધારિત માળખાના અમલીકરણના અદ્યતન તબક્કામાં છે
પોસ્ટેડ ઓન:
31 MAY 2026 3:23PM by PIB Ahmedabad
દેશભરમાં હાથ ધરવામાં આવી રહેલી પ્રાદેશિક સમીક્ષાઓની શ્રેણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને લદ્દાખના ઉત્તરીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લીગલ મેટ્રોલોજી સુધારાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) અધિનિયમ, 2026 અને નિયમનકારી સુધારાઓ પરની ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC) ની ભલામણોના અમલીકરણને સરળ બનાવવા માટે આ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. આ બેઠકની અધ્યક્ષતા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ (ગ્રાહક બાબતોના વિભાગ) ના સચિવ સુશ્રી નિધિ ખરે દ્વારા કરવામાં આવી હતી.
આ બેઠક આ અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણના રાજ્યો સાથે યોજાયેલી સમાન પરામર્શ પછીની છે અને લીગલ મેટ્રોલોજી એક્ટ, 2009 હેઠળ રજૂ કરાયેલા તાજેતરના સુધારાઓના સરળ, સમાન અને અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિભાગના સતત જોડાણનો એક ભાગ છે.
બેઠક દરમિયાન, વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કંટ્રોલર્સ અને લીગલ મેટ્રોલોજી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેનો ઉદ્દેશ્ય પાલનનો બોજો ઘટાડવા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) માં સુધારો કરવા અને ગ્રાહકના હિતોનું રક્ષણ કરવાની સાથે વધુ વિશ્વાસ આધારિત નિયમનકારી માળખું બનાવવાના મુખ્ય સુધારાઓ પરની પ્રગતિની સમીક્ષા કરવાનો હતો.
ચર્ચાઓનો મોટો ભાગ વજન અને માપના ઉત્પાદકો, ડીલરો અને સમારકામ કરનારાઓ (રિપેરર્સ) માટે હાલની લાયસન્સિંગ વ્યવસ્થાને બદલીને નોંધણી-આધારિત (રજીસ્ટ્રેશન-બેઝ્ડ) સિસ્ટમ લાવવા પર હતો. રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે આ સુધારાનો હેતુ માત્ર "લાયસન્સ" શબ્દને બદલીને "નોંધણી" કરવાનો નથી, પરંતુ નિયમનકારી પ્રક્રિયાને મૂળભૂત રીતે સરળ બનાવવાનો છે. નિર્ધારિત દસ્તાવેજો સબમિટ કરવા પર નોંધણી આપમેળે મંજૂર કરવામાં આવશે, જેનાથી વિલંબ ઘટશે અને વ્યવસાયો માટે કાનૂની માળખામાં કામ કરવાનું સરળ બનશે.
વિભાગે જન વિશ્વાસ સુધારા હેઠળ નવેસરથી રજૂ કરાયેલ "ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ" (સુધારણા નોટિસ) મિકેનિઝમના અમલીકરણની પણ સમીક્ષા કરી હતી. આ જોગવાઈ દંડાત્મક કાર્યવાહી શરૂ કરતા પહેલા પ્રથમ વખતની પ્રક્રિયાગત ઉલ્લંઘનોને સુધારવાની તક પૂરી પાડીને સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે. આ સુધારાથી બિનજરૂરી મુકદ્દમાઓ ઘટશે અને વધુ પાલન-ઓરિએન્ટેડ નિયમનકારી વાતાવરણને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
વજન અને માપનું વેરિફિકેશન (ચકાસણી) અને સ્ટેમ્પિંગ એ ચર્ચાનો બીજો મુખ્ય વિષય હતો. રાજ્યોને ગવર્નમેન્ટ એપ્રુવ્ડ ટેસ્ટ સેન્ટર (GATC) માળખાના વિસ્તરણ અને સેલ્ફ-વેરિફિકેશન તેમજ થર્ડ-પાર્ટી વેરિફિકેશન મિકેનિઝમ્સની વધતી જતી ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિભાગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વહેલી તકે તેમના GATC નિયમો અધિસૂચિત કરવા અને વેરિફિકેશન સેવાઓની ઉપલબ્ધતામાં સુધારો કરવા તેમજ વ્યવસાયો માટેનો સમય ઘટાડવા માટે વજન અને માપવાના સાધનોની વધુ શ્રેણીઓને GATC માળખા હેઠળ લાવવાનો આગ્રહ કર્યો હતો.
બેઠકમાં ઇ-માપ (e-Maap) પોર્ટલ સહિત ડિજિટાઇઝેશન પહેલ, લીગલ મેટ્રોલોજી અધિકારીઓની ક્ષમતા નિર્માણ અને દેશભરમાં વેરિફિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પગલાં સંબંધિત પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યોએ તેમના એન્ફોર્સમેન્ટ નિયમોમાં સુધારા અને તેમના નિયમનકારી માળખાને તાજેતરના સુધારાઓ સાથે સંરેખિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં અંગેની અપડેટ્સ શેર કરી હતી.
વિભાગે પુનરોચ્ચાર કર્યો હતો કે પ્રક્રિયાગત પાલનને સરળ બનાવવામાં આવી રહ્યું છે અને નિયમનકારી પ્રક્રિયાઓને ઉદ્યોગ માટે વધુ અનુકૂળ બનાવવામાં આવી રહી છે, તેમ છતાં ગ્રાહક સુરક્ષા પર કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ગ્રાહકોને અસર કરતા છેતરપિંડી અને ઇરાદાપૂર્વકના ઉલ્લંઘનો સામે લીગલ મેટ્રોલોજી માળખા હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ચાલુ પ્રાદેશિક પરામર્શ એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને એક આધુનિક, પારદર્શક અને કાર્યક્ષમ લીગલ મેટ્રોલોજી ઇકોસિસ્ટમ બનાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે દેશભરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે, સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહિત કરે છે અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ મજબૂત કરે છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2267241)
મુલાકાતી સંખ્યા : 21