માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને CBSE મુખ્યાલય ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી


વિદ્યાર્થીઓનું હિત અમારી પ્રાથમિકતા છે; તમામ મુદ્દાઓ ઉકેલવામાં આવશે: શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

પોસ્ટેડ ઓન: 28 MAY 2026 7:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં CBSE મુખ્યાલય ખાતે CBSE ધોરણ 12ની પરીક્ષાઓના મૂલ્યાંકન અને પરિણામ પછીની પ્રક્રિયાઓ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ શ્રી સંજય કુમાર; CBSE ના અધ્યક્ષ શ્રી રાહુલ સિંહ; IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રો. વી. કામાકોટી; IIT કાનપુરના ડાયરેક્ટર; શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ના વરિષ્ઠ અધિકારીઓ; અને SBI, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા અને કેનરા બેંક સહિતની જાહેર ક્ષેત્રની બેંકોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

બેઠક દરમિયાન, મંત્રીશ્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો સમયસર, પારદર્શક અને વિદ્યાર્થી-અનુકૂળ રીતે ઉકેલ આવે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે. તેમણે પારદર્શિતા, જવાબદારી અને વિદ્યાર્થી-કેન્દ્રીય પરીક્ષા પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી હતી કે તમામ વાસ્તવિક ચિંતાઓનું અસરકારક અને ઝડપી નિવારણ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓની સહાયક પ્રણાલીઓને મજબૂત કરવા, મૂલ્યાંકન અને દેખરેખના માળખામાં સુધારો કરવા, CBSE ડિજિટલ પ્લેટફોર્મને બહેતર બનાવવા અને વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત સેવાઓને વધુ સુલભ તેમજ કાર્યક્ષમ બનાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પરિણામ પછીની સેવાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા કે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષામાં આશરે 18 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાં અંદાજે 98 લાખ ઉત્તરવહીઓ અને લગભગ 40 કરોડ સ્કેન કરેલા પૃષ્ઠો સામેલ હતા. અત્યાર સુધીમાં, આશરે ચાર લાખ વિદ્યાર્થીઓએ પોર્ટલના માધ્યમથી લગભગ 11 લાખ સ્કેન કરેલી ઉત્તરવહીઓ મેળવી છે.

વિદ્યાર્થીઓનું હિત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તે બાબતનો પુનરોચ્ચાર કરતા શ્રી પ્રધાને કોઈપણ ખામીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સિસ્ટમની અંદર કે બહાર કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

મંત્રીશ્રીએ પરિણામ પછીની સેવાઓના પોર્ટલ પર લોગિન એક્સેસની સમસ્યાઓ, ભારે સર્વર લોડ અને પેમેન્ટ (ચુકવણી) સંબંધિત મુશ્કેલીઓ અંગેના અહેવાલોની પણ નોંધ લીધી હતી.

IIT મદ્રાસના પ્રોફેસરો અને ડિજિટલ સિસ્ટમ્સના નિષ્ણાતોની બનેલી એક ટેકનિકલ નિષ્ણાત ટીમને પોર્ટલની સ્થિરતા, સર્વર ક્ષમતા, લોગિન મેનેજમેન્ટ અને પેમેન્ટ ગેટવે ઇન્ટિગ્રેશનની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ માટે સીમલેસ (અવિરત) અને અવરોધ રહિત સેવાઓ સુનિશ્ચિત કરી શકાય.

શિક્ષણ મંત્રાલય આ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2266406) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu