કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ત્રીજા એડવાન્સ અંદાજો ભારતના કૃષિ ક્ષેત્રની મજબૂતી દર્શાવે છે; કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રેકોર્ડ પાક અંદાજોને મંજૂરી આપી ભારતે અત્યાર સુધીનું સૌથી વધુ અન્ન ધાન્ય ઉત્પાદન નોંધાવ્યું; શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા


રેકોર્ડ અન્ન ધાન્ય ઉત્પાદન 376.56 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની સમૃદ્ધિ માટે સરકારના સતત પ્રયાસો ઐતિહાસિક પરિણામો લાવી રહ્યા છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

ચોખા, ઘઉં અને મકાઈના ઉત્પાદનમાં જોરદાર ઉછાળો; કેટલાક પાકો રેકોર્ડ સ્તરે પહોંચ્યા: શ્રી ચૌહાણ

તેલીબિયાં અને શેરડીના ઉત્પાદનમાં મોટો ઉછાળો, કારણ કે ભારતની કૃષિ વૃદ્ધિ ગતિ પકડી રહી છે: શ્રી શિવરાજ સિંહ

ઐતિહાસિક પાક: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ખેડૂત-કેન્દ્રી વિઝન હેઠળ ભારતનું અન્ન ધાન્ય ઉત્પાદન નવી ઊંચાઈએ પહોંચ્યું

પોસ્ટેડ ઓન: 27 MAY 2026 6:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વર્ષ 2025-26 માટે મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના ત્રીજા એડવાન્સ અંદાજો (થર્ડ એડવાન્સ એસ્ટીમેટ્સ) જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કામ કરી રહી છે, જેની સકારાત્મક અસર હવે રેકોર્ડ કૃષિ ઉત્પાદનના સ્વરૂપમાં દેખાઈ રહી છે.

ત્રીજા એડવાન્સ અંદાજો અનુસાર, દેશનું કુલ અન્ન ધાન્ય ઉત્પાદન 376.563 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 357.732 મિલિયન ટનના ઉત્પાદન કરતા આશરે 18.8 મિલિયન ટન (5.3%) વધુ છે. આ દેશના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ અન્ન ધાન્ય ઉત્પાદન છે. શ્રી ચૌહાણે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ દેશના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા એડવાન્સ અંદાજો ભારતની કૃષિ પ્રગતિનું મજબૂત અને પ્રોત્સાહક ચિત્ર રજૂ કરે છે. પાકવાર વિગતો શેર કરતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ચોખાનું ઉત્પાદન રેકોર્ડ 154.024 મિલિયન ટન, ઘઉંનું 120.657 મિલિયન ટન અને મકાઈનું રેકોર્ડ 55.093 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે. શ્રી અન્ન (મોટા અનાજ) નું ઉત્પાદન 17.584 મિલિયન ટન, તુવેરનું 3.592 મિલિયન ટન, ચણાનું 12.514 મિલિયન ટન અને મસૂરનું 1.762 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે.

તે જ રીતે, કુલ તેલીબિયાંનું ઉત્પાદન 43.059 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે. મગફળીનું ઉત્પાદન રેકોર્ડ 13.074 મિલિયન ટન પર પહોંચી ગયું છે, સોયાબીનનું ઉત્પાદન 12.596 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે અને રાયડો તેમજ સરસવનું ઉત્પાદન રેકોર્ડ 13.768 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે. શેરડીનું ઉત્પાદન રેકોર્ડ 500.063 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જ્યારે કપાસનું ઉત્પાદન 29.024 મિલિયન ગાંસડી (બેલ્સ) અને શણનું ઉત્પાદન 9.176 મિલિયન ગાંસડી અંદાજવામાં આવ્યું છે.

શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે વિગતવાર પાકવાર આંકડા દર્શાવે છે કે ચોખાનું ઉત્પાદન 154.024 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે વર્ષ 2024-25 માં 150.184 મિલિયન ટન હતું, જે 3.84 મિલિયન ટનનો વધારો દર્શાવે છે. ઘઉંનું ઉત્પાદન 120.657 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 117.945 મિલિયન ટન કરતા 2.712 મિલિયન ટન વધુ છે. શ્રી અન્નનું ઉત્પાદન 17.584 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે. મકાઈનું ઉત્પાદન રેકોર્ડ 55.093 મિલિયન ટન પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના 43.409 મિલિયન ટનના ઉત્પાદન કરતા 11.684 મિલિયન ટન વધુ છે. પૌષ્ટિક અને બરછટ અનાજના ઉત્પાદનમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળી છે, જેનું કુલ ઉત્પાદન 74.472 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે.

કઠોળમાં, તુવેરનું ઉત્પાદન 3.592 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 3.624 મિલિયન ટનની લગભગ બરાબર છે. ચણાનું ઉત્પાદન 12.514 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 11.114 મિલિયન ટન કરતા 1.4 મિલિયન ટન વધુ છે. મસૂરનું ઉત્પાદન 1.762 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે.

તેલીબિયાંમાં, કુલ ઉત્પાદન 43.059 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે. મગફળીનું ઉત્પાદન 13.074 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 11.942 મિલિયન ટન કરતા 1.132 મિલિયન ટન વધુ છે. સોયાબીનનું ઉત્પાદન 12.596 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે. રાયડો અને સરસવનું ઉત્પાદન 13.768 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 12.667 મિલિયન ટન કરતા 1.101 મિલિયન ટનનો વધારો દર્શાવે છે.

કૃષિ મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે વ્યાપારી પાકોમાં, શેરડીનું ઉત્પાદન 500.063 મિલિયન ટન અંદાજવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 454.611 મિલિયન ટનના ઉત્પાદન કરતા 45.452 મિલિયન ટન વધુ છે. કપાસનું ઉત્પાદન 29.024 મિલિયન ગાંસડી (પ્રત્યેક ગાંસડીનું વજન 170 કિગ્રા) અંદાજવામાં આવ્યું છે, જ્યારે શણનું ઉત્પાદન 9.176 મિલિયન ગાંસડી (પ્રત્યેક ગાંસડીનું વજન 180 કિગ્રા) અંદાજવામાં આવ્યું છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ત્રીજા એડવાન્સ અંદાજો સ્પષ્ટપણે દર્શાવે છે કે દેશમાં અન્ન ધાન્ય, મુખ્ય અનાજ, તેલીબિયાં અને વ્યાપારી પાકોની ઉત્પાદન સ્થિતિ મજબૂત છે, જેમાં કેટલાક પાકો રેકોર્ડ ઉત્પાદન સ્તર હાંસલ કરે તેવો અંદાજ છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) અને તેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા કૃષિ સંશોધનોએ પણ મુખ્ય પાકોના ઉત્પાદન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રયાસોમાં આબોહવા-સનુકૂળ પાકની જાતો, વર્ષા-આધારિત (રેનફેડ) ઉત્પાદન તકનીકોનો વિકાસ અને પાયાના સ્તરે ખેડૂતો સુધી સંશોધન પરિણામો પહોંચાડવાનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે યોજાયેલા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ, વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતો સુધી સીધા પહોંચીને દેશભરમાં કૃષિ પદ્ધતિઓને વધુ મજબૂત બનાવવામાં આવી હતી. ખેડૂતોને આબોહવા-સનુકૂળ તકનીકો, સુધારેલી પાક ઉત્પાદન પદ્ધતિઓ, વર્ષા-આધારિત ખેતી પદ્ધતિઓ અને સર્વગ્રાહી કૃષિ વિકાસ માટે વૈજ્ઞાનિક સલાહકાર સહાય પૂરી પાડવામાં આવી હતી.

વર્ષ 2025-26 માં, ICAR એ દેશના વિવિધ કૃષિ-આબોહવા વિસ્તારો માટે યોગ્ય એવી પાકની 339 જાતો બહાર પાડી હતી, જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, વ્યાપારી પાકો અને ચારા પાકોનો સમાવેશ થાય છે.

વર્ષ 2024-25 દરમિયાન, બ્રીડર સીડ (સવર્ધક બિયારણ) નું ઉત્પાદન 109,370.2 ક્વિન્ટલ પર પહોંચ્યું હતું, જ્યારે ગુણવત્તાયુક્ત બિયારણનું ઉત્પાદન 433,114.7 ક્વિન્ટલ રહ્યું હતું. જમીન અને જળ સંસાધન વ્યવસ્થાપન, ક્લાઇમેટ-સ્માર્ટ કૃષિ, ડિજિટલ સોઇલ ઇન્ટેલિજન્સ અને ટકાઉ કૃષિ તકનીકોમાં સંકલિત નવીનતાઓએ મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદન વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2265999) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी