યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

ડેમોગ્રાફિક (વસ્તિવિષયક) શક્તિ બ્રિક્સ (BRICS) દેશોને કાર્યના ભવિષ્યને આકાર આપવાની તક પૂરી પાડે છે: ડૉ. મનસુખ માંડવિયા


જ્યારે બ્રિક્સ રાષ્ટ્રો સાથે મળીને કામ કરે છે અને એકબીજા પાસેથી શીખે છે, ત્યારે સ્થાનિક નવીનતાઓ વૈશ્વિક પ્રભાવ ઊભો કરી શકે છે: રાજ્ય મંત્રી રક્ષા ખડસે

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ બ્રિક્સ યુવા પરિષદ આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા) વર્કિંગ ગ્રુપની બેઠક ચાલી રહી છે

પોસ્ટેડ ઓન: 20 MAY 2026 6:57PM by PIB Ahmedabad

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 ના ભાગ રૂપે, મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે બ્રિક્સ યુવા પરિષદ આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિકતા) વર્કિંગ ગ્રુપની બેઠક હાલમાં ચાલી રહી છે. બેઠકે ઉદ્યોગસાહસિકતામાં સહકારને મજબૂત કરવા અને નવીનતા આધારિત ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અંગે વિચાર-વિમર્શ કરવા માટે બ્રિક્સ દેશોના યુવા ઉદ્યોગસાહસિકો, પ્રતિનિધિઓ, નીતિ ઘડવૈયાઓ અને હિતધારકોને એકસાથે લાવ્યા છે.

ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા આયોજિત બેઠક "બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી" (સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ) ની થીમ હેઠળ યોજાઈ રહી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા હતા. પોતાની ટિપ્પણીઓમાં, તેમણે વસ્તીવિષયક શક્તિ (ડેમોગ્રાફિક સ્ટ્રેન્થ) પર ભાર મૂક્યો હતો જે બ્રિક્સ દેશોને કાર્યના ભવિષ્યને આકાર આપવાની તક પૂરી પાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સાથે મળીને, આપણા દેશો વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. અસંખ્ય બ્રિક્સ અર્થતંત્રોમાં, 50% થી વધુ વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. એકલા ભારતની લગભગ 65% વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. વસ્તીવિષયક શક્તિ બ્રિક્સ દેશોને કાર્યના ભવિષ્યને આકાર આપવાની તક આપે છે. બ્રિક્સ રાષ્ટ્રોમાં, યુવાન લોકો પહેલેથી પરિવર્તનકારી બદલાવ લાવી રહ્યા છે.”

તેમણે વધુમાં નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે કૌશલ્ય વિકાસ, ડિજિટલ સમાવેશીકરણ અને ઉદ્યોગ-આધારિત વિકાસ પર કેન્દ્રિત પ્રયાસો દ્વારા યોગ્ય રોજગારીની તકોના વિસ્તરણમાં અને વિશ્વની સૌથી ગતિશીલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ્સમાંની એકનું નિર્માણ કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. "સ્થાનિક નવીનતાથી વૈશ્વિક પ્રભાવ સુધી: યુવા-સંચાલિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે બ્રિક્સ સહકાર" પરના એક સમર્પિત સત્રમાં સહભાગી બ્રિક્સ દેશોને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં તેમના અનુભવો, પહેલો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરવા માટે એકસાથે લાવવામાં આવ્યા હતા. સત્રએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધારવા અંગે વિચારોના આદાનપ્રદાન અને ચર્ચાઓ માટે એક મંચ પૂરો પાડ્યો હતો. સત્રને સંબોધતા, યુવા બાબતો અને રમતગમતના રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસેએ જણાવ્યું હતું કે, "જ્યારે બ્રિક્સ રાષ્ટ્રો સાથે મળીને કામ કરે છે અને એકબીજા પાસેથી શીખે છે, ત્યારે સ્થાનિક નવીનતાઓ વૈશ્વિક પ્રભાવ ઊભો કરી શકે છે."

તેમણે ભારતની ઝડપથી વિકસતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે નાના નગરો અને ટિયર-2 તેમજ ટિયર-3 શહેરોના યુવાનો વધુને વધુ સફળ સાહસોનું નિર્માણ કરી રહ્યા છે, જે સર્વસમાવેશી અને યુવા-સંચાલિત નવીનતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પૂર્ણ સત્રને સંબોધતા, યુવા બાબતોના વિભાગના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલે નવીનતા અને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવામાં યુવા ઉદ્યોગસાહસિકતાના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “યુવા-સંચાલિત ઉદ્યોગસાહસિકતાને નવીનતા, રોજગાર અને સર્વસમાવેશી વિકાસના મુખ્ય ચાલક બળ તરીકે વધુને વધુ માન્યતા આપવામાં આવી રહી છે. જેમ જેમ આપણી અર્થવ્યવસ્થાઓ સતત વિકસિત થઈ રહી છે, તેમ યુવા ઉદ્યોગસાહસિકો એવા ઉકેલો ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે જે સ્થાનિક રીતે સુસંગત અને વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય બંને હોય.”

તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિક્સ આંત્રપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપ સભ્ય દેશોને વિકાસાત્મક અનુભવોના આદાનપ્રદાન માટે અને વિવિધ આર્થિક સંદર્ભોમાં સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યવહારુ અને સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવા) અભિગમો ઓળખવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. ઉદ્ઘાટન સત્રમાં મધ્ય પ્રદેશ સરકારના રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી શ્રી વિશ્વાસ કૈલાશ સારંગ; ભારત સરકારના યુવા બાબતોના વિભાગના અધિક સચિવ શ્રી નિતેશ કુમાર મિશ્રા; બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ; વરિષ્ઠ સરકારી અધિકારીઓ; યુવા ઉદ્યોગસાહસિકો; અને ઉદ્યોગસાહસિકતા તેમજ નવીનતા ઇકોસિસ્ટમના હિતધારકો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત ટેકનોલોજી, ટકાઉપણું અને સામાજિક સાહસ સહિતના ક્ષેત્રોમાં નવીનતાઓ અને ઉદ્યોગસાહસિક પહેલો દર્શાવતા પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે થઈ હતી. કાર્યક્રમમાં બ્રિક્સ દેશોમાં યુવા-સંચાલિત ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર કેન્દ્રિત પૂર્ણ ચર્ચાઓ અને અરસપરસ જોડાણો પણ સામેલ હતા. બેઠકમાં ડિજિટલ નવીનતા અને ટેકનોલોજી-સંચાલિત ઉદ્યોગસાહસિકતા, સામાજિક અને સર્વસમાવેશી ઉદ્યોગસાહસિકતા, અને ગ્રીન (હરિત) ઉદ્યોગસાહસિકતા તેમજ ક્લાઇમેટ-પોઝિટિવ (વાતાવરણ માટે હકારાત્મક) બિઝનેસ મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી વિષયવાર પેનલ ચર્ચાઓ પણ રજૂ કરવામાં આવી હતી. ચર્ચાઓમાં AI, ફિનટેક, એગ્રીટેક, ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાં યુવા ઉદ્યોગસાહસિકો માટે ઉભરતી તકોની શોધ કરવામાં આવી હતી, જ્યારે સર્વસમાવેશી વિકાસ અને સમુદાય-સંચાલિત સાહસોના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

પેનલ ચર્ચાઓ ઉપરાંત, કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ નેટવર્કિંગ જોડાણો અને યુવા ઉદ્યોગસાહસિકો સાથે એક ઉત્સાહપૂર્ણ વાતચીતનો સમાવેશ થતો હતો, જેનો હેતુ સહભાગીઓ વચ્ચે સંવાદ, સહયોગ અને ક્રોસ-કન્ટ્રી લર્નિંગને પ્રોત્સાહિત કરવાનો હતો. બેઠકે પ્રતિનિધિઓને અનુભવો શેર કરવાની, શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવાની અને બ્રિક્સ દેશોમાં ઉદ્યોગસાહસિકતા તેમજ નવીનતામાં ઊંડા સહકાર માટેના માર્ગો શોધવાની તક પૂરી પાડી છે. બ્રિક્સ દેશોના યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સહયોગને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્કશોપ, ચર્ચાઓ અને ઇન્ટરેક્ટિવ સત્રો સાથે કાર્યક્રમ આગળ ચાલુ રહેશે. બ્રિક્સ યુવા પરિષદ આંત્રપ્રિન્યોરશિપ વર્કિંગ ગ્રુપની બેઠક તેની બ્રિક્સ અધ્યક્ષતા દરમિયાન યુવા-સંચાલિત નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટેની ભારતની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

IJ/DK/JD


(રીલીઝ આઈડી: 2263453) મુલાકાતી સંખ્યા : 19