પ્રધાનમંત્રીનું કાર્યાલય
ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન
પોસ્ટેડ ઓન:
19 MAY 2026 8:00PM by PIB Ahmedabad
તમામ નોર્ડિક દેશોના નેતાઓ, પ્રતિનિધિઓ, મીડિયાના સાથીઓ, આપ સૌને મારા નમસ્કાર!
આજે ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેવા બદલ મને ખૂબ જ આનંદ થાય છે. સૌથી પહેલા, હું નોર્વેના પ્રધાનમંત્રીનો આ સમિટનું આયોજન કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું અહીં તમામ નોર્ડિક નેતાઓનું પણ સ્વાગત કરું છું.
લોકશાહી, કાયદાનું શાસન અને બહુપક્ષીયવાદ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા આપણને કુદરતી ભાગીદાર બનાવે છે. અને ટેકનોલોજી તેમજ ટકાઉપણામાં આપણી સહિયારી પ્રાથમિકતાઓ આપણા સંબંધોને તકોથી ભરી દે છે. એટલા માટે, 8 વર્ષ પહેલા, અમે નોર્ડિક દેશો સાથેના અમારા સંબંધોને ઊર્જા અને ગતિ આપવા માટે આ ફોર્મેટની રચના કરી હતી.
મિત્રો,
મને ખૂબ જ આનંદ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે આપણા સંબંધોેમાં વિશેષ પ્રગતિ કરી છે. 10 વર્ષમાં આપણો દ્વિપક્ષીય વેપાર લગભગ ચાર ગણો વધી ગયો છે.
નોર્ડિક દેશોના ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ પણ ભારતના ઝડપી વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં નોર્ડિક દેશોમાંથી ભારતમાં રોકાણમાં લગભગ 200 ટકાનો વધારો થયો છે.
ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે ભારતના વિકાસની વાર્તામાં તો યોગદાન આપ્યું જ છે; સાથે જ, નોર્ડિક દેશોના અર્થતંત્રોમાં પણ ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે અને હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ મજબૂત પાયા પર આપણા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે અમે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ પહેલો કરી છે.
મિત્રો,
ઓક્ટોબર 2025 થી નોર્વે, આઇસલેન્ડ અને અન્ય એફ્ટા દેશો સાથે અમે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર અમલમાં મૂક્યો છે. અને થોડા મહિનાઓ પહેલા જ અમે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર કર્યો હતો, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન પણ ભાગીદાર છે. આ મહત્વાકાંક્ષી વેપાર કરારોથી અમે ભારત અને નોર્ડિક દેશો વચ્ચેના સંબંધોમાં એક નવા સુવર્ણ યુગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
મિત્રો,
આજે અમે ભારત અને નોર્ડિક સંબંધોેને ગ્રીન ટેકનોલોજી અને ઇનોવેશન વ્યુહાત્મક ભાગીદારીનું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રીન ટેકનોલોજી ભાગીદારીથી અમે આઇસલેન્ડની જીઓ-થર્મલ અને મત્સ્યઉદ્યોગ, નોર્વેની બ્લુ ઇકોનોમી અને આર્કટિક તેમજ તમામ નોર્ડિક દેશોની મેરિટાઇમ અને ટકાઉપણું ક્ષેત્રની કુશળતાને ભારતના સ્કેલ સાથે જોડીને સમગ્ર વિશ્વ માટે એક બહેતર ભવિષ્ય સુનિશ્ચિત કરીશું.
અને આપણી વચ્ચે આ અનોખી વ્યુહાત્મક ભાગીદારીની રચના કરીને, અમે સ્વીડનનું અદ્યતન ઉત્પાદન અને સંરક્ષણ, ફિનલેન્ડની ટેલિકોમ અને ડિજિટલ ટેકનોલોજી તેમજ ડેનમાર્કની સાયબર સુરક્ષા અને હેલ્થ-ટેકને ભારતના ટેલેન્ટ સાથે જોડીને સમગ્ર વિશ્વ માટે વિશ્વસનીય ઉકેલો વિકસાવીશું.
મિત્રો,
ભારત-નોર્ડિક ભાગીદારીનો એક મહત્વપૂર્ણ સ્તંભ આપણો વ્યાપક સંશોધન અને નવપ્રવર્તન સંબંધ પણ છે. તેને મજબૂત કરવા માટે, આપણે સાથે મળીને યુનિવર્સિટી, લેબ્સ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વચ્ચેના જોડાણો વધારીશું. અમે આર્કટિક અને પોલર સંશોધનમાં અમારો સહયોગ વધુ ઊંડો કરીશું. અને ભારત અને નોર્ડિક દેશો વચ્ચે કૌશલ્ય વિકાસ અને ટેલેન્ટ ગતિશીલતાની નવી તકો સુનિશ્ચિત કરીશું.
મિત્રો,
આજે આપણે બધાએ મળીને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા છે. વૈશ્વિક તણાવ અને સંઘર્ષના આ સમયગાળામાં, ભારત અને નોર્ડિક દેશો સાથે મળીને નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થાને બળ આપતા રહેશે. અને યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે સંઘર્ષના વહેલા અંત અને શાંતિના પ્રયાસોને સમર્થન આપતા રહીશું.
અમે આ બાબત પર સહમત છીએ કે બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારો આવશ્યક પણ છે અને તાકીદનો પણ છે. અને આતંકવાદ પર પણ અમારું સ્પષ્ટ અને સંયુક્ત વલણ છે- કોઈ બાંધછોડ નહીં. કોઈ બેવડા ધોરણો નહીં.
મહામહિમ,
જો કે આપણે બધા અલગ-અલગ ભાષાઓ બોલીએ છીએ. પરંતુ ક્યારેક એક શબ્દ પણ આપણી કુદરતી ભાગીદારીને રેખાંકિત કરવા માટે પૂરતો હોય છે. આજે મેં ઘણી વખત "સંબંધ" શબ્દનો ઉપયોગ કર્યો છે. ઘણી નોર્ડિક ભાષાઓમાં "સંબંધ" શબ્દનો અર્થ કનેક્શન, રિલેશન્સ, એક બોન્ડ થાય છે અને હિન્દીમાં પણ "સંબંધ" નો અર્થ આ જ થાય છે.
આ માત્ર શબ્દોની સમાનતા નથી. આ આપણા વિચારોની નિકટતા દર્શાવે છે. આવો, આપણે આપણી વચ્ચેના સંબંધોને દરેક ક્ષેત્રમાં ગાઢ બનાવીએ અને ભારત-નોર્ડિક ભાગીદારીને સહિયારી સમૃદ્ધિ, નવપ્રવર્તન અને ટકાઉ ભવિષ્યનું એક મોડેલ બનાવીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ.
IJ/NP/JD
(રીલીઝ આઈડી: 2263014)
મુલાકાતી સંખ્યા : 82
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Telugu
,
Telugu
,
Malayalam