પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ફિનલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક

પોસ્ટેડ ઓન: 19 MAY 2026 6:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 મે 2026 ના રોજ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પેટ્ટેરી ઓર્પો સાથે મુલાકાત કરી હતી.

દ્વિપક્ષીય સંબંધોને ડિજિટલાઇઝેશન અને સસ્ટેનેબિલિટી (ટકાઉપણું)માં વ્યૂહાત્મક ભાગીદારી (સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) સુધી લઈ જવા સાથે, બંને નેતાઓએ ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ અને શિક્ષણ જગત વચ્ચે સહયોગને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ ભવિષ્યની આર્થિક વૃદ્ધિ અને વિકાસને આગળ ધપાવવામાં ટકાઉપણું અને ડિજિટલાઇઝેશનની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેઓએ વેપાર અને રોકાણ, ડિજિટલાઇઝેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), 5G/6G, ક્વોન્ટમ ટેકનોલોજી, અવકાશ, ટકાઉપણું, પુનઃપ્રાપ્ય ઊર્જા, સર્ક્યુલર ઇકોનોમી (ચક્રીય અર્થતંત્ર), નવપ્રવર્તન, શિક્ષણ, ગતિશીલતા (મોબિલિટી) અને લોકો-વચ્ચેના પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરી હતી.

બંને પક્ષોએ વૈશ્વિક પડકારો છતાં માલસામાન અને સેવાઓના દ્વિપક્ષીય વેપારમાં સતત વૃદ્ધિને આવકારી હતી અને વર્ષ 2030 સુધીમાં વર્તમાન દ્વિપક્ષીય વેપારને બમણો કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વધુમાં, તેઓએ વિસ્તૃત કામગીરી અને ભાગીદારી દ્વારા પરસ્પર બજારોમાં પોતાની અગ્રણી ટેકનોલોજી કંપનીઓની વધતી જતી હાજરીને આવકારી હતી. ફિનિશ પક્ષે ફિનલેન્ડના ટેકનોલોજી ક્ષેત્રની વૃદ્ધિ અને નવપ્રવર્તનમાં ભારતીય વ્યાવસાયિકોના નોંધપાત્ર યોગદાનની પણ પ્રશંસા કરી હતી. નેતાઓએ સપ્ટેમ્બર 2026 માં ગાંધીનગર, ગુજરાત, ભારતમાં સંયુક્ત રીતે વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમિક ફોરમનું આયોજન કરવાની જાહેરાત પણ કરી હતી.

ભારત અને ફિનલેન્ડ સહિયારા લોકશાહી મૂલ્યો પર આધારિત સૌહાર્દપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને બહુઆયામી સંબંધો ધરાવે છે. ફિનલેન્ડ યુરોપિયન યુનિયન અને નોર્ડિક પ્રદેશમાં ભારત માટે એક મૂલ્યવાન ભાગીદાર છે. બંને નેતાઓએ ભારત-ઇયુ (EU) વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભારત-ઇયુ મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) વહેલી તકે અમલમાં આવે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વધુ સહયોગ અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

IJ/JD


(રીલીઝ આઈડી: 2262952) મુલાકાતી સંખ્યા : 15