ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ ગંગટોકમાં સિક્કિમના 51મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરી
સિક્કિમ માત્ર કૃષિમાં જ ઓર્ગેનિક નથી પરંતુ ચારિત્ર્યથી પણ ઓર્ગેનિક છે: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સિક્કિમ પ્રકૃતિ, સંસ્કૃતિ અને શાસન વચ્ચેના સુમેળનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે
પીએમના “એક્ટ ઈસ્ટ, એક્ટ ફાસ્ટ” અભિગમથી અષ્ટલક્ષ્મી રાજ્યોમાં વિકાસ ઝડપી બન્યો છે: ઉપરાષ્ટ્રપતિ
રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ સિક્કિમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરી
ભારતના ઉપરાષ્ટ્રપતિ, સી. પી. રાધાકૃષ્ણને આજે ગંગટોક ખાતે સિક્કિમના 51મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરી હતી
પોસ્ટેડ ઓન:
16 MAY 2026 7:08PM by PIB Ahmedabad
રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીના અવસરે સિક્કિમના લોકોને શુભેચ્છા પાઠવતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષોમાં આ હિમાલયન રાજ્યની સફર અસાધારણ રહી છે. તેમણે નોંધ્યું હતું કે એક વિદ્યાર્થી તરીકે તેમણે સિક્કિમના ભારતમાં વિલીનીકરણ સંબંધિત પ્રતિક્રિયાઓ અને વિકાસને નજીકથી જોયો હતો અને આજે 51મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
સિક્કિમનું વર્ણન “લીલુંછમ, ઓર્ગેનિક, ચોખ્ખું અને સ્વચ્છ” તરીકે કરતા ઉપરાષ્ટ્રપતિએ ટિપ્પણી કરી હતી કે સિક્કિમ માત્ર કૃષિમાં જ ઓર્ગેનિક નથી પરંતુ “ચારિત્ર્યથી પણ ઓર્ગેનિક” છે. રાજ્યમાં તેમની માર્ગ યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ સિક્કિમના લોકોના શિસ્તબદ્ધ અને કરુણાપૂર્ણ સ્વભાવના સાક્ષી બન્યા છે. તેમણે ઉમેર્યું કે સારા વિચારો અને સુમેળભર્યું જીવન વ્યક્તિ અને સમાજ બંનેને મજબૂત બનાવે છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિક્કિમ એ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને શાસન વચ્ચેના સુમેળ શું હાંસલ કરી શકે છે. આ અવસરે રાજ્યના લોકોને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સ્થાપનાનું 51મું વર્ષ વૃદ્ધિ, પરિવર્તન અને સર્વસમાવેશી વિકાસના એક નવા તબક્કાની શરૂઆત કરશે.
સિક્કિમના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કાઝી લેન્દુપ દોરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા એક એવા દૂરંદેશી નેતા તરીકે યાદ રહેશે જેમણે ડહાપણ, હિંમત અને પ્રતિબદ્ધતા સાથે સિક્કિમને એક ઐતિહાસિક લોકશાહી સંક્રમણ (transition) માં માર્ગદર્શન આપ્યું હતું.
સિક્કિમના રાજ્ય સ્થાપનાના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સિક્કિમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે રૂપિયા 4,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા અને લોકોને સમર્પિત કરવામાં આવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીના “એક્ટ ઈસ્ટ, એક્ટ ફાસ્ટ” ના વિઝન પર પ્રકાશ પાડ્યો અને સિક્કિમને ઉત્તર-પૂર્વની “અષ્ટલક્ષ્મી” ના એક અભિન્ન અંગ તરીકે વર્ણવ્યું.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે “વિકસિત ભારત @2047” નું વિઝન સર્વસમાવેશી વિકાસમાં રહેલું છે જ્યાં કોઈ પણ પ્રદેશ પાછળ ન રહી જાય. ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવા બદલ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (Ministry of Development of North Eastern Region) ની પ્રશંસા કરતા તેમણે સમગ્ર પ્રદેશમાં રેલવે અને હેલિપોર્ટ સુવિધાઓના વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો હતો. મિઝોરમની તેમની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બહેતર રેલ કનેક્ટિવિટીએ ઉત્તર-પૂર્વમાં વ્યાપાર, પ્રવાસન અને આર્થિક વૃદ્ધિને વેગ આપ્યો છે. સિક્કિમને પણ ટૂંક સમયમાં સીધી રેલ કનેક્ટિવિટી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે નોંધ્યું હતું કે તેનાથી રાજ્યના ઓર્ગેનિક ઉત્પાદનોને સમગ્ર ભારતના બજારો સુધી પહોંચવામાં મદદ મળશે અને વિકસિત ભારત @2047 માં તેનું યોગદાન મજબૂત થશે.
મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગના નેતૃત્વ હેઠળની સિક્કિમ સરકારની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ રાજ્ય ટકાઉ વિકાસના વૈશ્વિક મોડલ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે યાદ કર્યું કે સિક્કિમ 2016 માં વિશ્વનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક રાજ્ય બન્યું હતું અને 76,000 હેક્ટરથી વધુ કૃષિ ભૂમિને રસાયણ મુક્ત ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવાની બાબતને માત્ર કૃષિ સુધારણા જ નહીં પરંતુ એક “સાંસ્કૃતિક ક્રાંતિ” ગણાવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ “મેરો રુખ મેરો સંતતિ” (Mero Rukh Mero Santati) જેવી પહેલોની પ્રશંસા કરી હતી, જે અંતર્ગત જન્મ લેનારા પ્રત્યેક બાળક માટે 108 વૃક્ષો વાવવામાં આવે છે, અને “શિશુ સમૃદ્ધિ યોજના” જે બાળકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. તેમણે કહ્યું કે આવી પહેલો આધ્યાત્મિકતાને ટકાઉપણું સાથે અને પર્યાવરણીય નેતૃત્વને સામાજિક સુરક્ષા સાથે જોડવાની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સિક્કિમના વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ આ રાજ્યને રાષ્ટ્રના પ્રહરી (sentinel) તરીકે વર્ણવ્યું હતું. તેમણે કહ્યું કે સમુદાયો વચ્ચેની એકતા, સહકારની ભાવના અને લોકોમાં દેશભક્તિની ઊંડી ભાવના સિક્કિમને ભારતની અખંડિતતાનો એક મજબૂત સ્તંભ બનાવે છે. તેમણે સરહદી અને વાઇબ્રન્ટ (જીવંત) ગામોની મુલાકાત લેવા અને વિકાસ કાર્યોને ઝડપી બનાવવા બદલ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરની પણ પ્રશંસા કરી હતી.
ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (Vibrant Village Programme) અંતર્ગત સિક્કિમના 58 ગામોને તબક્કાવાર રીતે આવરી લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે સરહદી ગામો હવે “છેલ્લા ગામો” નથી પરંતુ “ભારતના પ્રથમ ગામો” છે.
કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને શાસન સંબંધિત કેટલાય વિકાસ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આમાં રિમ્બી-યુક્સમ (Rimbi–Yuksam) રોડનું અપગ્રેડેશન, NH-10 પર પ્રોટેક્ટિવ કાર્યો અને બ્રિજનું નિર્માણ, રંગપો ખોલા પર સ્ટીલ બ્રિજ, બુરતુક હેલિપોર્ટ (Burtuk Heliport) નું રિમોડેલિંગ અને અપગ્રેડેશન, નામચીમાં કામરાંગ ગવર્નમેન્ટ ડિગ્રી કોલેજ ખાતે નવું સાયન્સ બ્લોક અને પાક્યોંગના અરીતારમાં એક ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) નો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિએ શાસન અને કાર્યક્ષમતામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સિક્કિમ એક્સાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ (Sikkim Excise Management System) પણ લોન્ચ કરી હતી.
આ અવસરે, ઉપરાષ્ટ્રપતિએ “સિક્કિમ રાઇઝ” (Sikkim Rise) પણ લોન્ચ કર્યું હતું, જે માર્ગદર્શન (mentorship), ઇન્ક્યુબેશન, ફંડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ દ્વારા નવીન વિચારોને સ્કેલેબલ બિઝનેસમાં રૂપાંતરિત કરવા માટે ડિઝાઇન કરાયેલ સરકાર સમર્થિત ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ છે. તેમણે “મિશન સિક્કિમ ઓર્ગેનિક્સ” (Mission Sikkim Organics) પણ લોન્ચ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ઓર્ગેનિક અને ટકાઉ વિકાસમાં રાજ્યના નેતૃત્વને વધુ મજબૂત કરવાનો છે.
ઉપરાષ્ટ્રપતિએ લેપ્ચા, ભુટિયા અને નેપાળી સમુદાયો સહિત વિવિધ સમુદાયોના પરંપરાગત પોશાક અને સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. સિક્કિમની સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, રાષ્ટ્રભાવના હેઠળ વિવિધ પરંપરાઓનું એકસાથે આવવું એ સાચા અર્થમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકોમાં સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુર; સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગ; કેન્દ્રીય ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા; સિક્કિમ વિધાનસભાના અધ્યક્ષ શ્રી મિંગમા નોર્બુ શેરપા; સિક્કિમ સરકારના જાહેર આરોગ્ય ઇજનેરી મંત્રી શ્રી સોનમ લામા; વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો સામેલ હતા.
IJ/NP/JD
(રીલીઝ આઈડી: 2261841)
મુલાકાતી સંખ્યા : 9