વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની અધ્યક્ષતામાં મુંબઈમાં કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરનેશનલ 2026નું સમાપન, કુદરતી હીરા ક્ષેત્રના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું


કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે નેચરલ ડાયમંડ સેક્ટરમાં વિશ્વસનીયતા, અનુપાલન અને ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ઇન્ટરસેસનલ નેચરલ ડાયમંડ ટ્રેડમાં પારદર્શિતા, શાસન અને કાર્યાત્મક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

પોસ્ટેડ ઓન: 15 MAY 2026 11:53AM by PIB Ahmedabad

કિમ્બર્લી પ્રોસેસ (KP) ઇન્ટરસેસનલ મીટિંગ 2026 ભારતની અધ્યક્ષતામાં મુંબઈમાં સંપન્ન થઈ હતી, જેમાં નેચરલ ડાયમંડ સેક્ટરના ભાવિ પર ચાર દિવસની ચર્ચા-વિચારણા માટે KP સહભાગીઓ, નિરીક્ષકો, ઉદ્યોગના હિતધારકો અને નાગરિક સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ એકઠા થયા હતા.

ઇન્ટરસેસનલના નિષ્કર્ષને આવકારતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, હીરાના કટિંગ અને પોલિશિંગ માટેના વિશ્વના અગ્રણી કેન્દ્ર તરીકે ભારત સ્વીકારે છે કે નેચરલ ડાયમંડ વિશ્વાસ, જવાબદારી અને સહિયારી સમૃદ્ધિનું પ્રતીક બની રહે તે સુનિશ્ચિત કરવામાં KPની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ભારતની અધ્યક્ષતા હેઠળ, દેશ 3Cs – વિશ્વસનીયતા (Credibility), અનુપાલન (Compliance) અને ગ્રાહક વિશ્વાસ (Consumer Confidence)ને આગળ વધારવા માટે અને ઝડપથી બદલાતા વૈશ્વિક બજારમાં KPની સુસંગતતાને મજબૂત કરવા માટે તમામ સહભાગીઓ અને હિતધારકો સાથે મળીને કામ કરવા માટે મક્કમપણે પ્રતિબદ્ધ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નેચરલ ડાયમંડ સેક્ટર ઉત્પાદક, પ્રક્રિયા કરનાર અને વપરાશકર્તા દેશોમાં લાખો લોકોની આજીવિકા ટકાવી રાખે છે, અને ભારત એક એવી KPની હિમાયત કરવાનું ચાલુ રાખશે જે મજબૂત, પારદર્શક અને ઉદ્યોગ તથા ગ્રાહકોની અપેક્ષાઓ બંને પ્રત્યે પ્રતિભાવશીલ હોય. ભારતની અધ્યક્ષતાની થીમ 3Cs – વિશ્વસનીયતા, અનુપાલન અને ગ્રાહક વિશ્વાસ – હેઠળ આયોજિત આ ઇન્ટરસેસનલે કિમ્બર્લી પ્રોસેસ માળખામાં વિશ્વાસ, પારદર્શિતા અને સહકારને મજબૂત કરવા પર ચર્ચાઓને આગળ વધારી હતી.

ઇન્ટરસેસનલ દરમિયાન, કાર્યકારી જૂથો અને સમિતિઓએ દેખરેખ, તકનીકી પ્રક્રિયાઓ, શાસન, આંકડા અને કારીગર ઉત્પાદન પર વિગતવાર ચર્ચાઓ કરી હતી, જેમાં પારદર્શિતા મજબૂત કરવા, કાર્યાત્મક મિકેનિઝમમાં સુધારો કરવા અને નેચરલ ડાયમંડ વેલ્યુ ચેઇનમાં વિશ્વાસ મજબૂત કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

KP ચેર 2026 શ્રી સુચિન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મુંબઈ ઇન્ટરસેસનલ દરમિયાન પ્રાપ્ત થયેલી પ્રગતિ કિમ્બર્લી પ્રોસેસને વિશ્વસનીય, સુસંગત અને વૈશ્વિક હીરા વેપારની બદલાતી ગતિશીલતા અને ગ્રાહકોની અપેક્ષાઓ પ્રત્યે પ્રતિભાવશીલ રાખવા માટે સહભાગીઓ અને નિરીક્ષકોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વાસ એ નેચરલ ડાયમંડ ટ્રેડનો પાયો છે અને હીરાની વેલ્યુ ચેઇનમાં જવાબદાર સોર્સિંગ, પારદર્શિતા અને આત્મવિશ્વાસના આધારસ્તંભ તરીકે કિમ્બર્લી પ્રોસેસને મજબૂત કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

ઇન્ટરસેસનલે અંતિમ ગ્રાહકો સુધી કિમ્બર્લી પ્રોસેસની સકારાત્મક અસરોને વધુ સારી રીતે પહોંચાડવા માટે સંચાર અને આઉટરીચના પ્રયાસો વધારવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, જેમાં જવાબદાર સોર્સિંગ પદ્ધતિઓ, વિકાસના પરિણામો અને ઉત્પાદક રાષ્ટ્રો અને સમુદાયોમાં આજીવિકા સહાયનો સમાવેશ થાય છે.

ઇન્ટરસેસનલ દરમિયાન થયેલી ચર્ચાઓ આ વર્ષના અંતમાં નવી દિલ્હીમાં યોજાનારી KP પ્લેનરીમાં આગળ વધારવામાં આવશે, જેમાં 2026 સુધી ભારતની અધ્યક્ષતા હેઠળ વિશ્વસનીયતા, અનુપાલન અને ગ્રાહક વિશ્વાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ બેઠકમાં KP સહભાગીઓ, વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ, સિવિલ સોસાયટી કોએલિશનના સભ્યો, ઉદ્યોગ સંસ્થાઓ અને અન્ય હિતધારકોની સહભાગિતા જોવા મળી હતી. અધ્યક્ષે રેખાંકિત કર્યું હતું કે કિમ્બર્લી પ્રોસેસનું અનોખું ત્રિપક્ષીય માળખું અને સર્વસંમતિ-આધારિત અભિગમ, જે સરકારો, ઉદ્યોગ અને નાગરિક સમાજને એકસાથે લાવે છે, તે તેની મુખ્ય શક્તિઓમાંની એક છે.

કિમ્બર્લી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ, જે 2000ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ 55/56 હેઠળ સ્થપાઈ હતી, તે એક વૈશ્વિક પહેલ છે જેનો ઉદ્દેશ્ય સંઘર્ષવાળા હીરાને (conflict diamonds) કાયદેસરના વેપારમાં પ્રવેશતા અટકાવવાનો અને નેચરલ ડાયમંડ સપ્લાય ચેઇનમાં જવાબદાર સોર્સિંગને પ્રોત્સાહન આપવાનો છે.

હીરાના કટિંગ અને પોલિશિંગ માટેના અગ્રણી વૈશ્વિક કેન્દ્ર તરીકે, ભારતે કિમ્બર્લી પ્રોસેસના ઉદ્દેશ્યો અને નેચરલ ડાયમંડ સેક્ટરમાં પારદર્શિતા, ટકાઉપણું અને જવાબદાર પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

 

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2261307) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी , Marathi , Bengali