પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત ગણરાજ્ય અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય વચ્ચે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે સંયુક્ત નિવેદન
પોસ્ટેડ ઓન:
06 MAY 2026 5:24PM by PIB Ahmedabad
ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમે 05 મે થી 07 મે 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી તો લમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ અને એક મજબૂત બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું.
06 મે 2026 ના રોજ, જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી. ત્યારપછી બંને નેતાઓની ઉપસ્થિતિમાં દ્વિપક્ષીય દસ્તાવેજોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ મુલાકાતે આવેલા મહાનુભાવના સન્માનમાં બેન્ક્વેટ લંચ નું આયોજન કર્યું હતું. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમે રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી, જેમણે તેમના સન્માનમાં રાત્રિભોજન નું આયોજન કર્યું હતું. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) ખાતે નીતિવિષયક વક્તવ્ય આપ્યું હતું અને વિયેતનામ-ભારત ઇનોવેશન ફોરમને સંબોધિત કર્યું હતું. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમ રાજ્ય સરકાર અને ઉદ્યોગ જગત સાથે વાર્તાલાપ અને આદાનપ્રદાન માટે મુંબઈની મુલાકાત લેવાના છે અને ત્યાં તેઓ વિયેતનામ-ભારત બિઝનેસ ફોરમને સંબોધિત કરશે.
રાજકીય
પ્રધાનમંત્રી મોદી અને જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમે સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વ્યાપક ચર્ચાઓ કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી અને પરસ્પર હિતના પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જનરલ સેક્રેટરી તો લમને વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમના નેતૃત્વ હેઠળ વિયેતનામ તેની વિકાસલક્ષી આકાંક્ષાઓ તરફ સતત પ્રગતિ કરતું રહેશે. જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમે પ્રધાનમંત્રી મોદીને રાષ્ટ્રીય વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિઓ, ઉચ્ચ આર્થિક વિકાસ અને બહુપક્ષીયવાદને મજબૂત કરવા તેમજ ગ્લોબલ સાઉથ સહયોગને પ્રોત્સાહન આપવાની ભારતની પહેલો બદલ અભિનંદન પાઠવ્યા હતા. નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-વિયેતનામ સંબંધો વધુ ઊંડા થવાથી બંને દેશોના લોકોને પરસ્પર લાભ મળતો રહેશે અને તેમના સંબંધિત રાષ્ટ્રીય લક્ષ્યો, એટલે કે ભારતના 'વિકસિત ભારત 2047' અને વિયેતનામના 'વિઝન 2045' ને પ્રાપ્ત કરવામાં અર્થપૂર્ણ યોગદાન મળશે.
વૈશ્વિક અને પ્રાદેશિક પરિદ્રશ્યમાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવો પર સમાન વિચારો વ્યક્ત કરતા, બંને નેતાઓએ પરસ્પર વિશ્વાસ, આદર, સમજણ, સમાન દૃષ્ટિકોણ અને અસંખ્ય ક્ષેત્રોમાં અસરકારક સહયોગ પર આધારિત સંબંધોના મજબૂત પાયાનો સ્વીકાર કર્યો હતો. તેથી, તેઓ દ્વિપક્ષીય સંબંધોને 'સહિયારા વિઝન, વ્યૂહાત્મક સંકલન, નક્કર સહયોગ' ની ભાવના સાથે ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Enhanced Comprehensive Strategic Partnership) ના સ્તરે લઈ જવા માટે સંમત થયા હતા, જેથી આ અપાર સદભાવનાને મૂર્ત પરિણામોમાં પરિવર્તિત કરી શકાય.
તેઓએ નોંધ્યું હતું કે વર્ષ 2026 ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠ દર્શાવે છે અને આ પ્રસંગને યોગ્ય રીતે ઉજવવા માટે તેઓ સંમત થયા હતા. વિતેલા દાયકા દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી નોંધપાત્ર પ્રગતિને આવકારતા, બંને પક્ષો તાજેતરના વર્ષોમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો અને મુલાકાતોના પરિણામોના અસરકારક અમલીકરણને ચાલુ રાખવા માટે સંમત થયા હતા, જેમાં ઓગસ્ટ 2024 માં ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અંગેનું સંયુક્ત નિવેદન, 2020 માં શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટે ભારત-વિયેતનામ સંયુક્ત વિઝન અને બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠકોના પરિણામો સામેલ છે. નેતાઓ નેતૃત્વ-સ્તર સહિત તમામ સ્તરે નિયમિત જોડાણો જાળવી રાખવા માટે સંમત થયા હતા.
ભારતીય સંસદમાં ભારત-વિયેતનામ સંસદીય મૈત્રી જૂથની રચનાની નોંધ લેતા, નેતાઓએ બંને દેશોની ધારાસભાઓ વચ્ચે સહયોગ વધારવા અને ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન અને આસિયાન ઇન્ટર-પાર્લામેન્ટરી એસેમ્બલી સહિત બહુપક્ષીય મંચો પર બંને પક્ષોના સંસદીય પ્રતિનિધિમંડળો વચ્ચે ગાઢ સંકલન ચાલુ રાખવાનું સ્વાગત કર્યું હતું.
નેતાઓએ સ્વીકાર્યું હતું કે સહયોગના વિવિધ ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવતી સંસ્થાકીય પ્રણાલીઓ હેઠળ નિયમિત સંવાદ અને આદાનપ્રદાનથી વિશ્વાસ ઊંડો થયો છે અને પરસ્પર સમજણમાં વધારો થયો છે. આ સંદર્ભમાં, તેઓ સંમત થયા હતા કે પોલિટિકલ કન્સલ્ટેશન એન્ડ સ્ટ્રેટેજિક ડાયલોગ (રાજકીય પરામર્શ અને વ્યૂહાત્મક સંવાદ) તેમજ આર્થિક, વ્યાપારી, વૈજ્ઞાનિક સહયોગ પર સંયુક્ત પંચની બેઠક (Joint Commission Meeting) ભારત-વિયેતનામ સંબંધોના મુખ્ય સ્તંભો છે. નેતાઓ સંમત થયા હતા કે આ પ્રણાલીઓ હેઠળની બેઠકો, ખાસ કરીને સંરક્ષણ, સુરક્ષા દરિયાઈ ક્ષેત્ર, વ્યાપાર અને રોકાણ, કૃષિ, આરોગ્ય, આઈસીટી (ICT), સાયબર, વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ અને પરમાણુ ઊર્જાના ક્ષેત્રોમાં નિયમિતપણે યોજવામાં આવે. બંને પક્ષો સ્ટ્રેટેજિક ડિપ્લોમસી - ડિફેન્સ ડાયલોગ (વ્યૂહાત્મક રાજદ્વારી - સંરક્ષણ સંવાદ - 2+2) ની સ્થાપનાની આશા રાખે છે.
નેતાઓ વર્ષ 2024 - 2028 ના સમયગાળા માટે ભારત અને વિયેતનામ વચ્ચેની કાર્યયોજના (પ્લાન ઓફ એક્શન) અને આ સંયુક્ત નિવેદનના અસરકારક અમલીકરણને ઝડપી બનાવવા માટે સંમત થયા હતા.
આર્થિક, વ્યાપાર અને રોકાણ
બંને પક્ષો દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ અને તકનીકી ભાગીદારી વધારવા માટે સરકારો અને વ્યવસાયોના સ્તરે આ બે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સહયોગ મજબૂત કરવા સંમત થયા હતા. છેલ્લા 10 વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારમાં થયેલા વધારાની નોંધ લેતા, નેતાઓએ તેને સંતુલિત અને પરસ્પર ફાયદાકારક રીતે વધુ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને 2030 સુધીમાં 25 અબજ યુએસ ડોલરના નવા વ્યાપાર લક્ષ્યાંક પર સંમતિ દર્શાવી હતી.
તેઓએ નક્કી કર્યું કે બંને પક્ષો પોતપોતાના દેશોમાં કૃષિ પેદાશો સહિતની ચીજો માટે બજાર પ્રવેશ (માર્કેટ એક્સેસ) ને સરળ બનાવશે. તેમણે ભારતીય દ્રાક્ષ અને વિયેતનામના ડુરિયનને બજાર પ્રવેશ આપવાના નિર્ણયને આવકાર્યો હતો. તેઓ ઝડપી દ્વિપક્ષીય પરામર્શ દ્વારા તકનીકી મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવીને ભારતીય દાડમ અને વિયેતનામના પોમેલોસ માટે બજાર પ્રવેશને ઝડપી બનાવવા માટે પણ સંમત થયા હતા.
બંને પક્ષો પરસ્પર હિતના ક્ષેત્રોમાં સપ્લાય ચેઈનને મજબૂત કરવા સંમત થયા હતા. વિયેતનામે તેના સ્થાનિક ઉત્પાદન અને નિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેના સપ્લાય સ્ત્રોતોમાં વિવિધતા લાવવા અને ભારતમાંથી વધુ ઉત્પાદનોની આયાત કરવાની તેની પ્રતિબદ્ધતાઓ પુષ્ટિ કરી હતી. બંને પક્ષો સ્ટાન્ડર્ડ્સ કમ્પ્લાયન્સ સર્ટિફિકેશન (ધોરણોના પાલનનું પ્રમાણપત્ર) સહિત બંને દેશોની કંપનીઓ માટે વેપાર કરવાની સરળતા (ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ) ને સુવિધાજનક બનાવવા માટે વધુ અનુકૂળ નિયમનકારી વાતાવરણના માર્ગો શોધવા સંમત થયા હતા. તેમણે દ્વિપક્ષીય સંસ્થાકીય પ્રણાલીઓ હેઠળ પરસ્પર ચિંતાઓનો ઉકેલ લાવવા માટે રચનાત્મક સંવાદ જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
નેતાઓ સંમત થયા હતા કે આસિયાન ભારત માલસામાન વ્યાપાર કરાર (AITIGA) ની ચાલી રહેલી સમીક્ષા વહેલી તકે પૂર્ણ થવી જોઈએ. તેઓ સંમત થયા હતા કે પરિણામી કરાર પરસ્પર ફાયદાકારક, વ્યાપાર સરળ બનાવતો અને વર્તમાન વૈશ્વિક વ્યાપારી પદ્ધતિઓને અનુરૂપ હોવો જોઈએ.
નેતાઓ ભારત - વિયેતનામ આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખાસ કરીને હાઇ-ટેકનોલોજી, પરિવહન, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), લોજિસ્ટિક્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, સ્માર્ટ એગ્રીકલ્ચર, ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આરોગ્ય સંભાળ, કૃષિ અને એગ્રો-પ્રોસેસિંગ, એક્વાકલ્ચર (જળઉછેર), પ્રવાસન અને હોસ્પિટાલિટી વગેરે ક્ષેત્રોમાં વધુ પરસ્પર રોકાણને પ્રોત્સાહિત કરવા સંમત થયા હતા. તેઓ બંને દેશોના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વચ્ચેના જોડાણોને મજબૂત કરવા અને ઇનોવેશન સેન્ટરો વચ્ચે નક્કર સહયોગને પ્રોત્સાહિત કરવા પણ સંમત થયા હતા.
તેલ અને ગેસ સંશોધન ક્ષેત્રે ભારત અને વિયેતનામ વચ્ચેના દાયકાઓ જૂના સંસ્થાકીય જોડાણોની પ્રશંસા કરતા અને આ ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક સહયોગને સ્વીકારતા, નેતાઓ વિયેતનામીસ કાયદા અને આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને 1982 UNCLOS અનુસાર, ભારતીય કંપનીઓ જે નવા કુવાઓના વિકાસમાં ભાગ લેવા ઈચ્છુક હોય તે સહિત સંશોધન અને ઉત્પાદન પ્રવૃત્તિઓને વધુ વધારવા માટે સંમત થયા હતા.
ઇ-કોમર્સ અને ડિજિટલ અર્થતંત્રના વધતા મહત્વને સ્વીકારતા, નેતાઓએ આ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા સંમતિ દર્શાવી હતી, જેના માટે તેમના વિકાસને ટેકો આપવા માટે સક્ષમ નિયમો અને નીતિઓ વિકસાવવા તેમજ વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઈ (MSMEs) ને પ્રાદેશિક અને વૈશ્વિક વેલ્યુ ચેઈનમાં ઊંડાણપૂર્વક તેમજ ટકાઉ રીતે સંકલિત થવા માટે ઇ-કોમર્સમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે અનુભવોના આદાનપ્રદાનને વધારવામાં આવશે.
આરોગ્ય
નેતાઓએ આરોગ્ય ક્ષેત્રે સહયોગ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી પ્રગતિને સ્વીકારતા, બંને પક્ષો પરસ્પર સંમતિ મુજબ, 2027 થી વિયેતનામીસ સરકારી આરોગ્ય સંભાળ કેન્દ્રો માટે દવાઓની ખરીદીમાં ભારતીય કંપનીઓની સંભવિત ભાગીદારી માટેના માર્ગો શોધવા સંમત થયા હતા. ટેકનોલોજીના વધતા મહત્વને સ્વીકારતા, તેઓએ આરોગ્ય ક્ષેત્રમાં એઆઈ (AI) ના ઉપયોગ સહિત આરોગ્ય સંભાળના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહયોગને પ્રોત્સાહિત કર્યો હતો.
બંને દેશોમાં પરંપરાગત દવાઓના લાંબા ઇતિહાસ અને સમૃદ્ધ વારસાને ધ્યાનમાં રાખીને, નેતાઓ ગાઢ સંસ્થાકીય જોડાણોને પ્રોત્સાહિત કરતી વખતે જ્ઞાન, સંશોધન અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. તેઓએ પરંપરાગત દવા અંગેના એમઓયુ (MoU) પૂર્ણ કરવા તરફની પ્રગતિ અને વિયેતનામમાં આયુર્વેદમાં શૈક્ષણિક ચેરની સ્થાપના અંગેના પ્રસ્તાવિત એમઓયુનું સ્વાગત કર્યું હતું.
સંરક્ષણ અને સુરક્ષા
નેતાઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ એ ભારત-વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય સ્તંભ છે. તેઓએ 2030 તરફ ભારત-વિયેતનામ સંરક્ષણ ભાગીદારી પર સંયુક્ત વિઝન સ્ટેટમેન્ટના અસરકારક અમલીકરણની પ્રશંસા કરી હતી, જે બંને દેશો વચ્ચેના વધતા સંરક્ષણ સંબંધોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે.
નેતાઓ સંરક્ષણ સહયોગના પરંપરાગત અને ઉભરતા બંને ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત કરવા અને જોડાણો વધારવા માટે સંમત થયા હતા, જેમાં સંરક્ષણ નીતિ સંવાદ, સંયુક્ત કવાયત, સ્ટાફ વાટાઘાટો, સંયુક્ત સંશોધન અને નવી સંરક્ષણ ટેકનોલોજીનું સહ-ઉત્પાદન, નૌકાદળના જહાજો અને વાયુસેનાના વિમાનો દ્વારા પોર્ટ કોલ્સમાં વધારો, શાંતિ રક્ષા પ્રવૃત્તિઓ (પીસકીપિંગ), માહિતીનું આદાનપ્રદાન, હાઇડ્રોગ્રાફી, સંરક્ષણ પ્રદર્શનો, ક્ષમતા નિર્માણ, સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ, દરિયાઈ સુરક્ષા, દરિયાઈ સલામતી અને પરસ્પર હિત તેમજ પ્રાથમિકતાઓના આધારે શોધ અને બચાવ કામગીરીનો સમાવેશ થાય છે, જે વ્યાપક ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધુ સ્થિરતા લાવવામાં પણ યોગદાન આપશે. તેઓએ બંને દેશો વચ્ચે સંરક્ષણ પ્રણાલીઓની ખરીદી વધારવાનો પણ નિર્ણય કર્યો હતો.
નેતાઓએ વિયેતનામ માટે ભારત દ્વારા લંબાવવામાં આવેલી સંરક્ષણ લાઇન ઓફ ક્રેડિટ (Defence Lines of Credit) ના અમલીકરણમાં સતત પ્રગતિને આવકારી હતી, જેણે વિયેતનામની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવામાં અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે.
નેતાઓએ મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ; સબમરીન સર્ચ એન્ડ રેસ્ક્યુ સપોર્ટ એન્ડ કોઓપરેશન પર સમજૂતી કરાર; અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવા અંગેના પત્ર (લેટર ઓફ ઇન્ટેન્ટ) સહિતના દ્વિપક્ષીય સંરક્ષણ કરારોના અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
નેતાઓએ મે 2025 માં વિયેતનામના દરિયાકાંઠે બંને નૌકાદળો દ્વારા સૌપ્રથમ સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણને આવકાર્યું હતું અને ભવિષ્યમાં નિયમિતપણે આવી કવાયત હાથ ધરવા સંમતિ દર્શાવી હતી.
વિયેતનામે ટેલિકોમ્યુનિકેશન્સ યુનિવર્સિટી (TCU), નેવલ એકેડેમી, એરફોર્સ કોલેજ, નહા ત્રાંગ ખાતે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની તાલીમ ટીમો દ્વારા ક્ષમતા નિર્માણ તરફ ભારતીય તકનીકી અને આર્થિક સહયોગ (ITEC) કાર્યક્રમ હેઠળ વિયેતનામીસ સંરક્ષણ કર્મચારીઓને આપવામાં આવતી તાલીમની પ્રશંસા કરી હતી; તેમજ નહા ત્રાંગની ટીસીયુ (TCU) ખાતે આર્મી સોફ્ટવેર પાર્કની સ્થાપના માટે ભારતના સમર્થનની પણ પ્રશંસા કરી હતી. નેતાઓએ આવકાર્યું હતું કે બંને દેશો 2027 - 2030 ના ચક્ર માટે સાયબર સુરક્ષા પર આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક-પ્લસ એક્સપર્ટ્સ વર્કિંગ ગ્રુપ (ADMM-Plus EWG) ના સહ-અધ્યક્ષ બનશે.
નેતાઓ ભારતના કાયદા અને ન્યાય મંત્રાલય અને વિયેતનામના ન્યાય મંત્રાલય વચ્ચેના એમઓયુના અસરકારક અમલીકરણ દ્વારા બંને દેશો વચ્ચે કાયદાકીય અને ન્યાયિક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા સંમત થયા હતા.
બંને પક્ષો સહિયારા ઉદ્દેશ્યો સાકાર કરવા માટે વિયેતનામના જાહેર સુરક્ષા મંત્રાલય અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) વચ્ચે સહયોગ વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા. તેઓ માહિતીના આદાનપ્રદાન, સાયબર સુરક્ષા, આતંકવાદ સામે લડવા અને હાઇ-ટેક ક્રાઇમ, દેશાંતરીય (ટ્રાન્સનેશનલ) ગુનાઓ, મની લોન્ડરિંગ અને ઓનલાઇન કૌભાંડો સામે લડવાના ક્ષેત્રોમાં સહયોગ વિસ્તારવા માટે વધુ સંમત થયા હતા. આ ઉપરાંત, બંને પક્ષોએ ભારત-વિયેતનામ સુરક્ષા સંવાદ સહિત અસ્તિત્વ ધરાવતી સહયોગ પ્રણાલીઓનો અસરકારક ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
નેતાઓએ પ્રથમ ભારત - વિયેતનામ સાયબર પોલિસી સંવાદના સફળ આયોજનને આવકાર્યું હતું, જે દરમિયાન બંને પક્ષોએ સાયબર નીતિઓમાં તાજેતરના પ્રવાહો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું, સાયબર જોખમોના પરિદ્રશ્યની સમીક્ષા કરી હતી, દ્વિપક્ષીય સહયોગના ક્ષેત્રોની ઓળખ કરી હતી અને સંયુક્ત ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ તેમજ આઇસીટી (ICT) મુદ્દાઓ પર બહુપક્ષીય મંચો પર સહયોગ અંગે ચર્ચા કરી હતી.
બંને પક્ષો સુરક્ષા ક્ષેત્રે અનુભવોના આદાનપ્રદાનને વધારવા અને સહયોગ વિસ્તારવા સંમત થયા હતા, જેમાં કાયદો અમલીકરણ અધિકારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણમાં સહયોગને પ્રોત્સાહન આપવું, વ્યાવસાયિક તાલીમ માટે સહાય, વિદેશી ભાષા તાલીમ, સાયબર સુરક્ષા ઘટના પ્રતિભાવ કૌશલ્યો, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા (UN Peacekeeping) અને પરસ્પર સંમતિ મુજબ અન્ય સહયોગ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
દરિયાઈ (મેરિટાઇમ)
ભારત અને વિયેતનામ સહસ્ત્રાબ્દી જૂના આદાનપ્રદાનનો ઇતિહાસ ધરાવતા દરિયાઈ દેશો હોવાનું સ્વીકારીને, નેતાઓએ દરિયાઈ ક્ષેત્રને તેમના સહયોગના મુખ્ય સ્તંભોમાંના એક તરીકે રેખાંકિત કર્યો હતો અને બંને પક્ષો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવા માટે હાકલ કરી હતી. તેઓએ નોંધ્યું હતું કે દ્વિપક્ષીય દરિયાઈ સુરક્ષા સંવાદે પરસ્પર વિશ્વાસ અને સંબંધિત ચિંતાઓની બહેતર સમજણને પ્રોત્સાહન આપ્યું છે અને તેને નિયમિતપણે યોજવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મેરિટાઇમ ડોમેન અવેરનેસ (દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ) માં સહયોગ મજબૂત કરવા માટે ગુરુગ્રામ, ભારત ખાતેના ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર - ઇન્ડિયન ઓશન રીજન (IFC-IOR) માં આંતરરાષ્ટ્રીય સંપર્ક અધિકારી (ઇન્ટરનેશનલ લાયઝન ઓફિસર) નિયુક્ત કરવાના ભારતના આમંત્રણ બદલ વિયેતનામે આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામના ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિએટિવ (IPOI) માં જોડાવાના નિર્ણયને આવકાર્યો હતો અને તે માળખા હેઠળ વધુ સહયોગની આશા વ્યક્ત કરી હતી. વિયેતનામ IPOIના માળખામાં ભારત અને અન્ય ભાગીદારો સાથે સંકલન ચાલુ રાખશે, જ્યારે IPOI અને આસિયાન આઉટલુક ઓન ધ ઈન્ડો-પેસિફિક (AOIP) વચ્ચે વધુ સુમેળ સાધશે અને આસિયાન-ભારત દરિયાઈ સહયોગ વર્ષ 2026 માં નક્કર સહયોગને પ્રોત્સાહન આપશે.
બંને નેતાઓ સમુદ્ર વિજ્ઞાનમાં સહયોગ વધારવા સંમત થયા હતા, જેમાં સમુદ્ર નિરીક્ષણ પ્લેટફોર્મ, ડેટા મેનેજમેન્ટ, સમુદ્ર પૂર્વાનુમાન અને સેવાઓ, ક્ષમતા નિર્માણ અને દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં પંગાસિયસ (Pangasius) બ્રીડિંગ અને ફાર્મિંગ સુવિધાઓ સ્થાપવા તેમજ ભારતમાં મસલ્સ (Mussels) ના બ્રીડિંગ અને પ્રાપ્તિને સક્ષમ બનાવવામાં વિયેતનામ સાથેના સહયોગને આવકાર્યો હતો.
વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં ગંભીર અને ઉભરતી ટેકનોલોજીઓ સામેલ છે
નેતાઓએ ડિજિટલ ટેકનોલોજીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો અને નાણાકીય નવીનતા તેમજ ડિજિટલ ચૂકવણી પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ વિયેતનામ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થવાને આવકાર્યા હતા. તેઓ ક્યુઆર કોડ્સ (QR Codes) દ્વારા રિટેલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ માટેના જોડાણોને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા જે બંને પક્ષોના પ્રવાસન અને વ્યવસાયોને સુવિધા આપશે.
નેતાઓ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI), 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્પેસ (અવકાશ) અને ન્યુક્લિયર ટેકનોલોજી, મરીન સાયન્સ, બાયોટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, એડવાન્સ મટીરીયલ્સ અને ગંભીર ખનિજો જેવા મહત્વપૂર્ણ અને ઉભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં વધુ સહયોગ અને ભાગીદારીની સુવિધા આપવા માટે સંમત થયા હતા. સહયોગ પરસ્પર ફાયદાકારક હોય તેવા સંયુક્ત સંશોધન, આર એન્ડ ડી (R&D) કેન્દ્રો અને ઉત્પાદન વિકાસ જેવી વ્યવહારુ પહેલો પર કેન્દ્રિત રહેશે.
નેતાઓએ પોતપોતાની આબોહવા, ટકાઉ વિકાસ લક્ષ્યો અને ઊર્જા સંક્રમણની પ્રાથમિકતાઓ સ્વીકારી હતી અને સ્વચ્છ તેમજ પુનઃપ્રાપ્ય ઊર્જાની સાથે આબોહવા અને આપત્તિ પ્રતિરોધક ટેકનોલોજીમાં સહયોગ વધારવા સંમતિ દર્શાવી હતી. તેમણે આ સંદર્ભમાં મિશન લાઇફ (Mission LiFE - Lifestyle for Environment) અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) જેવી સંસ્થાઓની સુસંગતતા સ્વીકારી હતી. ભારતે ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ (GBA) માં જોડાવાની વિયેતનામની રુચિને આવકારી હતી. નેતાઓએ આપત્તિ જોખમ ઘટાડવા અને સ્થિતિસ્થાપકતામાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) ના મહત્વનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે સ્માર્ટ એગ્રીકલ્ચર, ટકાઉ જળ વ્યવસ્થાપન અને વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં ડિજિટલ અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગમાં વધુ સહયોગને પ્રોત્સાહિત કર્યો હતો.
નેતાઓએ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રે ચાલી રહેલા સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને પરમાણુ ઊર્જા પર ચોથી ભારત-વિયેતનામ સંયુક્ત સમિતિની બેઠકમાંથી ઉભરી રહેલા વધુ સહયોગના વિવિધ માર્ગો પર ફોલો-અપ તેજ કરવા સંમતિ દર્શાવી હતી. ભારતે વિયેતનામના ન્યુક્લિયર પાવર સેક્ટરમાં ભાગ લેવાના આમંત્રણની પ્રશંસા કરી છે. વિયેતનામે કોબાલ્ટ-60ના સપ્લાય માટે ભારતનો આભાર માન્યો હતો અને બંને પક્ષો વિયેતનામને તેનો સપ્લાય સતત ચાલુ રાખવા માટેના માર્ગો શોધવા સંમત થયા હતા.
તેઓએ વિયેતનામમાં આસિયાન-ભારત ટ્રેકિંગ, ડેટા રિસેપ્શન સ્ટેશન અને ડેટા પ્રોસેસિંગ સુવિધાની સ્થાપના તરફ થયેલી પ્રગતિની નોંધ લીધી હતી. વિયેતનામે આ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવામાં સુવિધા આપવાના હેતુથી તેની બાજુની બાકીની પ્રક્રિયાઓને ઝડપી બનાવવા સંમતિ દર્શાવી હતી.
નેતાઓએ ભારતના આઇઆરઇએલ (IREL - ઇન્ડિયા) લિમિટેડ અને વિયેતનામના ઇન્સ્ટિટ્યૂટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ, વિનાટોમ (VINATOM) વચ્ચે રેર અર્થ્સ (દુર્લભ પૃથ્વી તત્વો) ના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ અંગેના એમઓયુ પર હસ્તાક્ષર થવાને આવકાર્યા હતા અને તેના વહેલા તેમજ સંપૂર્ણ અમલીકરણ પર ભાર મૂક્યો હતો.
વિકાસલક્ષી ભાગીદારી
નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યાપક અને પ્રભાવશાળી વિકાસલક્ષી ભાગીદારીની પ્રશંસા કરી હતી, જે મેકોંગ-ગંગા સહયોગ માળખા હેઠળ ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ (QIPs), આઇટીઇસી (ITEC) કાર્યક્રમો અને શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ (સ્કૉલરશિપ) દ્વારા સમર્થિત છે. તેમણે ભારતના સમર્થન દ્વારા વિયેતનામના 34 પ્રદેશોમાંથી 32 પ્રદેશોમાં 66 ક્યુઆઈપી (QIPs) ના અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેને તેમના પાયાના સામાજિક-આર્થિક પ્રભાવ માટે સ્થાનિક સરકારો અને સમુદાયો તરફથી વ્યાપક પ્રશંસા મળી છે.
નેતાઓએ રેખાંકિત કર્યું હતું કે ભારતનો ITEC કાર્યક્રમ દ્વિપક્ષીય વિકાસ સહયોગનો મુખ્ય સ્તંભ છે. વિયેતનામે આઇટીઇસી કાર્યક્રમ દ્વારા વિયેતનામીસ અધિકારીઓની ક્ષમતા નિર્માણમાં ભારતના મજબૂત અને સતત સમર્થનની પ્રશંસા કરી હતી, જેમાં તેમની જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ તાલીમ અભ્યાસક્રમો તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્વાનો માટે આઇસીસીઆર (ICCR) શિષ્યવૃત્તિઓનો સમાવેશ થાય છે.
નેતાઓએ બંને દેશોની યુનિવર્સિટીઓ, થિંક ટેન્ક્સ અને અન્ય સંસ્થાઓ વચ્ચે વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધનના વધુ આદાનપ્રદાનને પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે ભારતની નાલંદા યુનિવર્સિટી અને હો ચી મિન્હ નેશનલ એકેડેમી ઓફ પોલિટિક્સ વચ્ચેના એમઓયુને આવકાર્યા હતા.
સંસ્કૃતિ, પ્રવાસન સહયોગ અને લોકો વચ્ચે પરસ્પર સંપર્ક
મે-જૂન 2025 દરમિયાન વિયેતનામમાં પ્રદર્શન માટે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો મોકલવાના ભારતના અભિગમ બદલ વિયેતનામે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી. નેતાઓએ સ્વીકાર્યું હતું કે પવિત્ર અવશેષો પ્રત્યે વિયેતનામના લોકોનો ઊંડો પ્રતિભાવ બંને દેશો વચ્ચેના ગાઢ સભ્યતા સંબંધો, સહિયારા આધ્યાત્મિક વારસા અને શાશ્વત મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.
નેતાઓએ સ્વીકાર્યું હતું કે પ્રવાસન એ લોકો વચ્ચેના સંબંધો અને આર્થિક વિકાસનું મુખ્ય ચાલક બળ છે. તેઓએ પ્રવાસન ક્ષેત્રે સહયોગ અંગેના એમઓયુ પર હસ્તાક્ષર થવાને આવકાર્યા હતા અને સાંસ્કૃતિક તેમજ હેરિટેજ, મેડિકલ અને વેલનેસ પ્રવાસન સહિત પરસ્પર પ્રવાસનની વૃદ્ધિને ટકાઉ અને સમાવેશી રીતે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ વિયેતનામના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને ભારતમાં બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સમાં થયેલા વધારાને આવકારતા, તેઓએ તેમના નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીઓને હવાઈ કનેક્ટિવિટી વધારવા અંગે ચર્ચા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
નેતાઓએ 2026 - 2030 માટે સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ પર હસ્તાક્ષર થવાને આવકાર્યા હતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ લોકો વચ્ચેના સંબંધોને વધુ પ્રોત્સાહન આપવા સંમત થયા હતા.
બંને દેશો વચ્ચેના ઊંડા સભ્યતાના સંબંધોને રેખાંકિત કરતા, નેતાઓએ બૌદ્ધ વિદ્વાનો, સાધુઓ, શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓના વધુ આદાનપ્રદાનને પ્રોત્સાહિત કર્યો હતો. વિયેતનામે માય સન (My Son) યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની જાળવણી માટે ભારતની પ્રતિબદ્ધતા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા એ, એચ અને કે બ્લોક્સમાં કરાયેલા પુનઃનિર્માણ અને સંરક્ષણ કાર્યની તેમજ વિયેતનામના ડાક લાક (Dak Lak) પ્રાંતમાં ઇ એન્ડ એફ બ્લોક્સ અને ન્હાન ટાવર (Nhan Tower) પ્રોજેક્ટમાં ચાલી રહેલા કામની પ્રશંસા કરી હતી.
ભારતે વિયેતનામના મોટી સંખ્યામાં શહેરો અને પ્રાંતોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વાર્ષિક આયોજન માટે વિયેતનામના સમર્થનની પ્રશંસા કરી હતી. નેતાઓએ બંને દેશોની યોગ સંસ્થાઓ વચ્ચે વધુ સહયોગ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. તેઓ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારવા અને દા નાંગ (Da Nang) યુનિવર્સિટી તેમજ યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝમાં ભારત અભ્યાસની આઇસીસીઆર ચેર્સ (ICCR Chairs of India Studies) સ્થાપવા સંમત થયા હતા.
નેતાઓએ મુંબઈ અને હો ચી મિન્હ સિટી વચ્ચે મિત્રતા અને સહયોગની સ્થાપના અંગેના એમઓયુ પર હસ્તાક્ષર થવાને આવકાર્યા હતા અને આવા સહયોગ તેમજ જોડાણને પ્રોત્સાહિત કર્યો હતો.
બંને પક્ષોએ માનવ સંસાધનની ગતિશીલતા (મોબિલિટી ઓફ હ્યુમન રિસોર્સિસ) ના ક્ષેત્રમાં સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ શ્રમ બજારની ગતિશીલતાને સરળ બનાવવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓને ઉકેલવા માટે કોન્સ્યુલર સંવાદની સ્થાપનાને આવકારી હતી.
પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહયોગ
બદલાતા વૈશ્વિક ભૌગોલિક રાજકીય અને આર્થિક પરિદ્રશ્યને સ્વીકારતા, નેતાઓએ આ પ્રદેશમાં અને તે બહાર શાંતિ, સ્થિરતા, સહયોગ અને સમૃદ્ધિ પર આધારિત આંતરરાષ્ટ્રીય કાયદા પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ભારત અને વિયેતનામ વચ્ચે વધતા વ્યૂહાત્મક સંકલન પર ભાર મૂક્યો હતો. તેમણે વૈશ્વિક શાસનમાં ગ્લોબલ સાઉથનો અવાજ અને ભૂમિકા મજબૂત કરવા હાકલ કરી હતી.
નેતાઓ સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય મંચો પર સહયોગ મજબૂત કરવા સંમત થયા હતા. બહુપક્ષીયતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરતા, નેતાઓએ યુએનએસસી (UNSC) સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાઓ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું, જેથી તેમને વધુ પ્રતિનિધિત્વ ધરાવતી અને સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતી બનાવી શકાય. પ્રધાનમંત્રી મોદીએ સુધારેલી યુએનએસસીમાં ભારતની કાયમી સદસ્યતા માટે વિયેતનામના સતત સમર્થનની પ્રશંસા કરી હતી.
વિયેતનામે ભારતની 2026 બ્રિક્સ (BRICS) અધ્યક્ષતાને આવકારી હતી, જ્યારે ભારતે બ્રિક્સ પાર્ટનર કન્ટ્રી (BRICS Partner Country) તરીકે વિયેતનામની ભૂમિકાને સમર્થન આપવાની તેની પ્રતિબદ્ધતાનો પુર્નોચ્ચાર કર્યો હતો.
નેતાઓએ સ્વીકાર્યું હતું કે વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી (Act East Policy), વિઝન સાગર (MAHASAGAR) અને ઇન્ડો-પેસિફિક વિઝનનો મુખ્ય સ્તંભ છે, જે મેકોંગ પેટા-પ્રદેશ, આસિયાન અને ઇન્ડો-પેસિફિક સાથે ભારતના જોડાણને વેગ આપે છે. નેતાઓએ મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના તેમના સહિયારા વિઝનની પુષ્ટિ કરી હતી. પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ઉભરી રહેલા પ્રાદેશિક માળખામાં આસિયાન એકતા અને આસિયાન કેન્દ્રીયતા માટે ભારતના સતત સમર્થનની વિયેતનામે પ્રશંસા કરી હતી. બંને પક્ષોએ આસિયાન-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સમર્થન આપ્યું હતું, જે સંબંધિત સભ્ય દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને પૂરક બનાવે છે.
સમૃદ્ધિ અને સુરક્ષા વચ્ચેના જોડાણને રેખાંકિત કરતા, નેતાઓએ દક્ષિણ ચીન સાગરમાં શાંતિ, સ્થિરતા, સુરક્ષા અને નેવિગેશન તેમજ ઓવરફ્લાઇટની સ્વતંત્રતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે ધમકી અથવા બળપ્રયોગનો આશરો લીધા વિના આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને 1982 યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS) અનુસાર વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રયત્નશીલ રહેવાની હિમાયત કરી હતી. નેતાઓએ તમામ દાવેદારો અને અન્ય તમામ રાજ્યો દ્વારા તમામ પ્રવૃત્તિઓના સંચાલનમાં બિન-લશ્કરીકરણ અને સ્વ-સંયમ રાખવાના મહત્વ પર અને શાંતિ તેમજ સ્થિરતાને અસર કરતા વિવાદોને વધુ જટિલ બનાવી શકે તેવી અથવા વધારી શકે તેવી ક્રિયાઓ ટાળવા પર ભાર મૂક્યો હતો. નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે UNCLOS એ મહાસાગરો અને સમુદ્રોમાં તમામ પ્રવૃત્તિઓનું નિયમન કરતું વ્યાપક કાનૂની માળખું છે. નેતાઓએ દક્ષિણ ચીન સાગરમાં પક્ષકારોના વર્તન અંગેની ઘોષણા (DOC) ના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણ માટે અને આંતરરાષ્ટ્રીય કાયદા સહિત UNCLOS અનુસાર દક્ષિણ ચીન સાગરમાં એક સાર્થક અને અસરકારક કોડ ઓફ કંડક્ટ (COC) તરફની વાટાઘાટો વહેલી તકે પૂર્ણ કરવા હાકલ કરી હતી, જે આ વાટાઘાટોમાં સામેલ ન હોય તેવા દેશો સહિત તમામ રાષ્ટ્રોના કાયદેસરના અધિકારો અને હિતો પર પ્રતિકૂળ અસર ન કરે.
નેતાઓએ સરહદ પારના આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની સ્પષ્ટપણે નિંદા કરી હતી. તેમણે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા (ઝીરો ટોલરન્સ) રાખવા અને યુએન તેમજ FATF દ્વારા વ્યાપક અને ટકાઉ રીતે આતંકવાદનો સામનો કરવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસો કરવા હાકલ કરી હતી. નેતાઓએ ટેરર ફાઇનાન્સિંગ નેટવર્ક્સ અને સુરક્ષિત આશ્રયસ્થાનોને તોડી પાડવા, આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્વસ્ત કરવા અને આતંકવાદના ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવવા માટે હાકલ કરી હતી.
જનરલ સેક્રેટરી, રાષ્ટ્રપતિ તો લમે પ્રધાનમંત્રી મોદીનો તેમની અને તેમના પ્રતિનિધિમંડળ માટે કરવામાં આવેલી ઉષ્માભરી આતિથ્ય સત્કાર અને ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ બદલ આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મોદીને વિયેતનામની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2258473)
મુલાકાતી સંખ્યા : 24