પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ના 132મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.03.2026)

પોસ્ટેડ ઓન: 29 MAR 2026 11:54AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર

'મન કી બાત'માં એક વાર ફરી આપ સહુનું સ્વાગત છે. માર્ચનો આ મહિનો, વૈશ્વિક સ્તર પર ખૂબ જ હલચલભર્યો રહ્યો છે. આપણને બધાને યાદ છે કે સમગ્ર વિશ્વ ભૂતકાળમાં કોવિડના લીધે એક લાંબા સમય સુધી અનેક સમસ્યાઓમાંથી પસાર થયો હતો. આપણને બધાને અપેક્ષા હતી કે કોરોના સંકટમાંથી નીકળ્યા પછી દુનિયા નવેસરથી પ્રગતિની રાહ પર આગળ વધશે. પરંતુ દુનિયાનાં અલગ-અલગ ક્ષેત્રોમાં સતત યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિઓ બનતી ગઈ. વર્તમાનમાં આપણા પડોશમાં એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આપણા લાખો પરિવારોના સગા-સંબંધી આ દેશોમાં રહે છે, વિશેષ તો અખાતના દેશોમાં કામ કરે છે. હું અખાતના દેશોનો ખૂબ જ આભારી છું, તેઓ આવા એક કરોડથી વધુ ભારતીયોને ત્યાં દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે.

સાથીઓ,

જે ક્ષેત્રમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તે ક્ષેત્ર આપણી ઊર્જા આવશ્યકતાઓનું મોટું કેન્દ્ર છે. તેના કારણે દુનિયા ભરમાં પેટ્રૉલ અને ડીઝલ અંગે સંકટની સ્થિતિ બનતી જઈ રહી છે. આપણા વૈશ્વિક સંબંધ, અલગ-અલગ દેશો તરફથી મળી રહેલો સહયોગ અને છેલ્લા એક દાયકામાં દેશનું જે સામર્થ્ય બન્યું છે, તેના કારણે ભારત આ પરિસ્થિતિઓનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે.

સાથીઓ,

ચોક્કસ, આ સમય પડકારજનક છે જ. હું આજે 'મન કી બાત'ના માધ્યમથી બધા દેશવાસીઓને ફરીથી આગ્રહ કરીશ કે આપણે એકસંપ થઈને આ પડકારમાંથી બહાર નીકળવાનું છે. જે લોકો અત્યારે આ વિષય પર રાજનીતિ કરી રહ્યા છે, તેમણે રાજનીતિ ન કરવી જોઈએ. એ દેશના 140 કરોડ દેશવાસીઓના હિત સાથે જોડાયેલો વિષય છે, તેમાં સ્વાર્થભરી રાજનીતિને કોઈ સ્થાન નથી. આવામાં જે પણ લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે, તેઓ દેશનું બહુ મોટું નુકસાન કરી રહ્યા છે. હું બધા દેશવાસીઓને અપીલ પણ કરીશ કે તેઓ જાગૃત રહે, અફવાઓથી ગેરમાર્ગે ન દોરાઈ જાય. સરકાર દ્વારા તમને જે નિરંતર જાણકારી આપવામાં આવી રહી છે, તેના પર વિશ્વાસ કરે અને તેના પર વિશ્વાસ કરીને કોઈ પગલું ભરે. મને દર વખતની જેમ આ વખતે પણ વિશ્વાસ છે કે જેવી રીતે આપણે દેશના 140 કરોડ દેશવાસીઓના સામર્થ્યથી જૂનાં સંકટોને હરાવ્યાં હતાં, આ વખતે પણ આપણે બધા મળીને આ મુશ્કેલ સમયમાંથી ખૂબ જ સારી રીતે બહાર નીકળી જઈશું.

મારા પ્રિય દેશવાસીઓ,

ભારતની શક્તિ અહીંના કોટિ-કોટિ લોકોમાં નિહિત છે. આજે 'મન કી બાત'માં એક એવા પ્રયાસ વિશે જણાવવા માગું છું, જે દેશવાસીઓની જનભાગીદારીની ભાવનાને દર્શાવે છે. આ પ્રયાસ છે જ્ઞાન ભારતમ સર્વે, જેનો સંબધ આપણી મહાન સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા સાથે છે. તેનો ઉદ્દેશ્ય દેશભરમાં પ્રાપ્ય મેન્યુસ્ક્રિપ્ટ અર્થાત્ પાંડુલિપિઓ વિશે જાણકારી એકઠી કરવાનો છે. આ સર્વે સાથે જોડાવાનું એક માધ્યમ જ્ઞાન ભારતમ્ ઍપ છે. તમારી પાસે જો કોઈ મેન્યુસ્ક્રિપ્ટ હોય, પાંડુલિપિ હોય અથવા તેના વિશે જાણકારી હોય તો તેનો ફૉટો 'જ્ઞાન ભારતમ્ ઍપ' પર જરૂર મૂકજો. દરેક એન્ટ્રી સાથે જોડાયેલી જાણકારીને અંકિત કરતા પહેલાં તેની પુષ્ટિ પણ કરવામાં આવી રહી છે. મને એ વાતે પ્રસન્નતા છે કે અત્યાર સુધીમાં હજારો મેન્યુસ્ક્રિપ્ટ પાંડુલિપિ લોકોએ વહેંચી છે. ઉદાહરણ તરીકે અરુણાચલ પ્રદેશના નામસાઈના ચાઓ નંતિસિન્ધ લોકાંગજીએ તાઈ લિપિમાં પાંડુલિપિઓ વહેંચી છે.

અમૃતસરના ભાઈ અમિતસિંહ રાણાએ ગુરુમુખી લિપિમાં પાંડુલિપિ વહેંચી છે. તે આપણી મહાન શીખ પરંપરા અને પંજાબી ભાષા સાથે જોડાયેલી લિપિ છે. કેટલીક સંસ્થાઓએ પાર્મ લીફ અર્થાત્ તાડ પત્રો પર લખાયેલી મેન્યુસ્ક્રિપ્ટ આપી છે. રાજસ્થાનના અભય જૈન ગ્રંથાલયે તામ્રપત્ર પર લખાયેલી બહુ જૂની પાંડુલિપિઓ આપી છે. તો, લદ્દાખના હામીસ મોનાસ્ટરીએ તિબ્બતીમાં બહુમૂલ્ય પાંડુલિપિઓ વિશે જાણકારી આપી છે. અહીં મેં માત્ર કેટલાંક જ ઉદાહરણ આપ્યાં છે. આ સર્વે જૂનના મધ્ય સુધી ચાલુ રહેવાનો છે. તમને સહુને મારો અનુરોધ છે કે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલાં પાસાંઓને સામે લાવો અને વહેંચો.

મારા પ્રિય દેશવાસીઓ,

ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનોની શક્તિ જ્યારે રાષ્ટ્ર નિર્માણમાં જોડાય છે તો ખૂબ જ મોટી સહાય મળે છે. રાષ્ટ્રનિર્માણના આ દાયિત્વને નિભાવવામાં મોટી ભૂમિકા નિભાવે છે, મારું યુવા ભારત અર્થાત્ માય ભારત સંગઠન. આ સંગઠન દેશના યુવાનોને અલગ-અલગ સકારાત્મક ગતિવિધિઓ સાથે જોડી રહ્યું છે. તાજેતરમાં જ માય ભારત દ્વારા બજેટ ક્વેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો હેતુ હતો દેશભરના યુવાનોને બજેટ પ્રક્રિયા અને નીતિ નિર્માણ સાથે જોડવા. તેની સાથે જોડાયેલી ક્વિઝમાં દેશભરમાંથી લગભગ 12 લાખ યુવાનોએ ભાગ લીધો. ક્વિઝ પછી લગભગ એક લાખ સાઇઠ હજાર પ્રતિભાગીઓને નિબંધ પ્રતિયોગિતા માટે પસંદ કરવામાં આવ્યા. મને તેમનામાંથી કેટલાક નિબંધ વાંચવાનો અવસર મળ્યો. તેનાથી જાણવા મળે છે કે યુવા સાથીઓ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે કેટલા તત્પર છે. તેલંગાણાના સૂર્યાપેટથી કોટલા રઘુવીર રેડ્ડી, ઉત્તરપ્રદેશના બારાબંકીના સૌરભ બૈસવાર અને બિહારના ગોપાલગંજથી સુમિતકુમારે ખેડૂત કલ્યાણ સાથે જોડાયેલા વિષય પર લખ્યું છે. પંજાબના મોહાલીથી આંચલ અને ઓડિશાના કેન્દ્રપાડાથી ઓમપ્રકાશ રથે મહિલાના નેતૃત્વમાં વિકાસને આગળ વધારવાના ઉપાયો પર પોતાના વિચારો પ્રગટ કર્યા છે.

હરિયાણાના યમુનાનગરથી પ્રથમ બરારે લખ્યું છે કે ગ્રીન અને ક્લીન ભારત જ સમૃદ્ધ ભારતનો માર્ગ છે. તેનાથી તેમની ઊંડી વિચારસરણી જાણવા મળે છે. દિલ્લીના શંખ ગુપ્તાનું સૂચન છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં ખેલ પ્રતિભાઓને ઓળખવા માટે હજુ વધુ પ્રયાસ થવા જોઈએ. આપણા યુવાન સાથીઓએ સ્કીલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ પોતાના વિચારો જણાવ્યા છે. હું એ બધા યુવાનોની પ્રશંસા કરું છું, જે પોતાના વિચારો જણાવી રહ્યા છે. આ વિચારો દેશને આગળ લઈ જવામાં બહુ મહત્ત્વપૂર્ણ છે.

મારા પ્રિય દેશવાસીઓ,

દેશભરના ક્રિકેટ ચાહકો માટે આ મહિનો જોશ અને ઉત્સાહથી ભરી દેનારો રહ્યો છે. જ્યારે ભારતે T20 વિશ્વ કપમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી તો દેશમાં બધી જગ્યાએ પ્રસન્નતાની લહેર દોડી ગઈ. પોતાની ટીમની આ શાનદાર સફળતા પર આપણને બધાને ખૂબ જ ગર્વ છે. ગત મહિનાના અંતે કર્ણાટકના હુબલીમાં એક ખૂબ જ રોચક સ્પર્ધા જોવા મળી. આ સ્પર્ધાને જીતીને જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમે રણજી ટ્રૉફીને પોતાના નામે કરી લીધી. સૌથી આનંદની વાત એ છે કે લગભગ સાત દાયકાની લાંબી પ્રતીક્ષા પછી આ ટીમે પોતાનું પહેલું રણજી શીર્ષક જીત્યું. આ અભૂતપૂર્વ સફળતા ખેલાડીઓના અનેક વર્ષોના નિરંતર પ્રયાસોનું પરિણામ છે. ટીમના કપ્તાન પારસ ડોગરાએ અદ્ભુત કૌશલ્ય દાખવ્યું. પોતાના નેતૃત્વમાં આ જીતમાં તેમણે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આજે દેશમાં કાશ્મીરના યુવાન બૉલર આકિબ નબીના પ્રદર્શનની પણ ચર્ચા થઈ રહી છે જેમણે રણજી શ્રેણીમાં 60 વિકેટ લીધી છે. આ જીતથી ટીમના ખેલાડીઓ અને પ્રશિક્ષણ સ્ટાફની સાથોસાથ જમ્મુ-કાશ્મીરના લોકો પણ ખૂબ જ રોમાંચિત છે.

ક્રિકેટના મેદાનમાં આ શાનદાર પ્રદર્શન પછી ત્યાંના યુવાનોમાં રમત પ્રત્યે ઉત્સાહ પહેલાં કરતાં વધી ગયો છે. આવનારા સમયમાં તે અનેક યુવાનોને રમતોને અપનાવવા માટે પ્રેરિત કરશે. જમ્મુ-કાશ્મીરના લોકોમાં રમત અંગે અદ્ભુત ધગશ છે. મને આનંદ છે કે અત્યારે તે મોટાં ખેલ આયોજનોનું કેન્દ્ર પણ બનતું જઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ માટે ગુલમર્ગ તો પહેલાં જ પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે. ફૂટબૉલ જેવુી રમત પણ અહીંના યુવાનો વચ્ચે ઘણી લોકપ્રિય છે. મને આશા છે કે આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓની જીતનો આ ક્રમ આમ જ ચાલુ રહેશે.

મારા પ્રિય દેશવાસીઓ,

હું ઘણી વાર કહું છું, જે રમશે, તે જીતશે. મને એ જાણીને સારું લાગ્યું કે આપણા દેશના યુવાનો, હવે તે રમતોને પણ ઘણી અપનાવી રહ્યા છે, જે પહેલાં એટલી લોકપ્રિય નહોતી. ઉત્તર પ્રદેશના પ્રતિભાશાળી એથ્લેટ ગુલવીરસિંહે આવા જ એક ખેલમાં કમાલ કરી દીધો છે. તેમણે કેટલાંક અઠવાડિયાં પહેલાં ન્યૂયોર્ક સિટી હાફ મેરેથોનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો. તેઓ એક કલાકથી ઓછા સમયમાં હાફ મેરેથોન પૂરી કરનારા પહેલા ભારતીય એથ્લેટ બન્યા. સ્કવૉશ ખેલાડી બેટી અનાહતસિંહે સ્ક્વોશ ઓન ફાયર ઓપનની મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતી. માત્ર 17 વર્ષની વયમાં તેમણે આ સફળતા પ્રાપ્ત કરી. તેની સાથે જ તે પીએસએ વર્લ્ડ રેન્કિંગમાં ટોચના 20માં જગ્યા બનાવનારાં સૌથી નાની વયનાં એશિયાઈ મહિલા ખેલાડી બની ગઈ છે. મને અસ્મિતા એથ્લેટિક્સ લીગની જાણકારી પણ મળી છે. તેમાં આઠ માર્ચે મહિલા દિવસના અવસર પર અનેક સ્પૉર્ટિંગ ઇવેન્ટ્સનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. લીગમાં લગભગ બે લાખ દીકરીઓએ ભાગ લીધો.

એ જોઈને સારું લાગે છે કે ભારતની નારીશક્તિ દેશમાં થઈ રહેલા આ રમત પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

સાથીઓ,

મારો સદૈવ એવો આગ્રહ રહ્યો છે કે તમે બધા તમારી ફિટનેસ પર અવશ્ય ધ્યાન આપો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં હવે 100 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. સમગ્ર દુનિયામાં યોગ પ્રત્યે આકર્ષણ પણ સતત વધી રહ્યું છે. આફ્રિકાના જિબૂતિમાં અલ્મીસ જી પોતાના અરવિંદ યોગ સેન્ટર દ્વારા યોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ત્યાંના અનેક સ્થાનો પર પણ લોકોને યોગ શીખવાડે છે. તમારામાંથી અનેક લોકોએ ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર યુવરાજ દુઆની પૉસ્ટ પર મારા પ્રતિભાવ અંગે કૉમેન્ટ કરી છે. તેમણે મને આગ્રહ કર્યો હતો કે હું તેમના પિતાને કહું કે તેઓ ખાંડ ઓછી લે. મને આનંદ છે કે મારા અનુરોધનો તેમના પિતા પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે. હું તમને બધાને આગ્રહ કરીશ કે તમે પણ ખાંડનું પ્રમાણ ઓછું કરો અને જેવું મેં અગાઉ પણ કહ્યું છે, આપણે ભોજનના તેલમાં 10 ટકાનો કાપ પણ કરવો છે. આ નાના-નાના પ્રયાસોથી તમે સ્થૂળતા અને જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓથી દૂર રહેશો.

મારા પ્રિય દેશવાસીઓ,

એક જૂની કહેવત છે, 'કરત કરત અભ્યાસ કે, જડમત હોત સુજાન' અર્થાત્, આપણે જ્યારે નિરંતર અભ્યાસ કરીએ છીએ તો એટલી જ વધુ બુદ્ધિમતા પ્રાપ્ત કરતા જઈએ છીએ. લોકો પણ સૌથી શ્રેષ્ઠ ત્યારે શીખે છે જ્યારે તેમની સક્રિય ભાગીદારી હોય છે. મને બેંગ્લુરુમાં શિક્ષણ સાથે જોડાયેલા એક અદ્વિતીય પ્રયાસ વિશે જાણકારી મળી છે. અહીં એક ટીમ પ્રયોગ ઇન્સ્ટિચુટ ઓફ એજુકેશન રિસર્ચ ચલાવી રહી છે. આ ટીમનું રિસર્ચ પ્રોજેક્ટ્સ પર વિશેષ ફોકસ છે. આ ટીમ શાળાના સ્તરે વિજ્ઞાન શિક્ષણને લોકપ્રિય બનાવવામાં લાગેલી છે.

તેમણે 'અન્વેષણ' નામનો એક પ્રયોગ કર્યો છે, તેના દ્વારા 9માથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી, અર્થ સાયન્સ અને વેલનેસ જેવાં ક્ષેત્રોમાં ઇન્નૉવેશન કરવાનો અવસર મળે છે- તેનાથી વિદ્યાર્થીઓને રિસર્ચનો ખૂબ જ સારો અનુભવ પ્રાપ્ત થાય છે, સાથે જ પોતાના પ્રૉજેક્ટ્સને પબ્લિશ કરવાનું પ્લેટફૉર્મ પણ મળે છે.

સાથીઓ,

પરીક્ષા પર ચર્ચા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ મને જણાવ્યું હતું કે તેઓ વિજ્ઞાન ભણવા તો માગે છે, પરંતુ તેમને તેનાથી ડર પણ લાગે છે. આ દિશામાં પ્રયોગની ટીમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે, આ પહેલ વિદ્યાર્થીઓને સાયન્સ સાથે જોડાવા અને પ્રૅક્ટિકલી કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે. જ્યારે આપણે કોઈ ચીજને પોતે કરીને જોઈએ છીએ તો જિજ્ઞાસા અને રુચિ ઉત્પન્ન થાય છે. કોને ખબર કે મારા આ યુવાન સાથીઓમાંથી જ કોઈ આવનારા સમયમાં ઉત્તમ વૈજ્ઞાનિક બને.

સાથીઓ,

શિક્ષણના માધ્યમથી અતીતને સંરક્ષિત કરવા અને ભવિષ્યને તૈયાર કરવાનો એક પ્રયાસ નાગા સમુદાય કરી રહ્યો છે. આ સમુદાયના લોકો પોતાની આદિવાસી પરંપરાઓનું ખૂબ જ સન્માન કરે છે. તેઓ એના પર ગર્વ તો કરે જ છે, સાથે જ પોતાના અભિગમને આધુનિક પણ રાખે છે. નાગા જનજાતિમાં મોરુંગ લર્નિંગની એક પારંપરિક વ્યવસ્થા હતી, તેમાં વડીલો પોતાના અનુભવોથી યુવાનોને પારંપરિક જ્ઞાન, ઇતિહાસ અને જીવન કૌશલ્યો વિશે શીખવતા હતા. સમયની સાથે આ પ્રણાલિ હવે મોરુંગ શિક્ષણનો ખ્યાલમાં બદલાઈ ગઈ છે. તેના માધ્યમથી બાળકોમાં ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં રુચિ ઉત્પન્ન કરવામાં આવે છે. તેમાં સમુદાયના વડીલો તેમને વાર્તાઓ, લોકગીત અને પારંપરિક રમતોની સાથે જીવન કૌશલ્યો પણ શીખવાડે છે. આ રીતે આપણું નાગાલેન્ડ પોતાના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવાની સાથે, બાળકોના શિક્ષણને આગળ લઈ જઈ રહ્યું છે.

તમને પણ પોતાના ક્ષેત્રમાં આવા પ્રયાસો વિશે જાણવા મળે તો મને જરૂર જણાવજો.

મારા પ્રિય દેશવાસીઓ,

દેશના અનેક હિસ્સાઓમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે આ સમય જળ સંરક્ષણના પોતાના સંકલ્પનો ફરીથી પુનરોચ્ચાર કરવાનો છે. છેલ્લાં 11 વર્ષમાં 'જળ સંચય અભિયાને લોકોને ઘણા જાગૃત કર્યા છે. આ અભિયાન હેઠળ દેશભરમાં લગભગ 50 લાખ કૃત્રિમ પાણી સંગ્રહ માળખું બનાવવામાં આવ્યા છે. મને એ જોઈને સારું લાગે છે કે હવે જળ સંકટનો સામનો કરવા માટે ગામેગામ સામુદાયિક સ્તર પર પ્રયાસ થવા લાગ્યા છે. ક્યાંક જૂનાં તળાવોની સફાઈ થઈ રહી છે, ક્યાંક વરસાદના પાણીને સંગ્રહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમૃત સરોવર અભિયાન હેઠળ પણ દેશભરમાં લગભગ 70 હજાર અમૃત સરોવર બનાવવામાં આવ્યાં છે. ચોમાસું આવતા પહેલાં આ સરોવરોની સાફ-સફાઈ પણ શરૂ થઈ ગઈ છે. આજે હું તમને કેટલાંક પ્રેરક ઉદાહરણો પણ કહેવા માગું છું. આ ઉદાહરણો બતાવે છે કે જનભાગીદારીથી જળ સંરક્ષણનું કામ કેટલું વ્યાપક બની જાય છે.

સાથીઓ,

ત્રિપુરાની જંપુઈ પહાડીઓમાં વસેલું વાંગમુન ગામ 3,000 ફીટની ઊંચાઈ પર આવેલું છે. આ ગામ પાણીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું હતું. ઉનાળાના દિવસોમાં ગામના લોકો પાણી માટે દૂર-દૂર સુધી જતા હતા. છેવટે ગામના લોકોએ વરસાદના દરેક ટીપાંનો સંગ્રહ કરવાનો નિર્ણય કર્યો. આજે વાંગમુન ગામના લગભગ દરેક ઘરમાં છત પર વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ (રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ) સ્થાપિત થઈ ગઈ છે. જે ગામ ક્યારેક પાણીની તંગીનો સામનો કરી રહ્યું હતું તે જળ સંરક્ષણનું પ્રેરક ઉદાહરણ બની ગયું છે.

સાથીઓ,

આ જ રીતે છત્તીસગઢના કોરિયા જિલ્લામાં પણ એક અનોખી પહેલ જોવા મળી. અહીંના ખેડૂતોએ એક સરળ પરંતુ પ્રભાવશાળી વિચાર પર કામ કર્યું. અહીંના ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં નાનાં-નાનાં રિચાર્જ તળાવ અને ઝમણકુવાં બનાવ્યાં જેનાથી વરસાદનું પાણી ખેતરમાં જ રોકાવા લાગ્યું અને ધીમેધીમે તે જમીનની અંદર જવા લાગ્યું. આજે તે ક્ષેત્રમાં 1,200થી વધુ ખેડૂતો આ મૉડલને અપનાવી ચૂક્યા છે અને ગામનું ભૂગર્ભ જળનું સ્તર ખૂબ જ સારું થઈ ગયું છે. આ જ રીતે તેલંગાણાના મંચેરિયાલ જિલ્લાના મુધિગુંટા ગામમાં પણ લોકોએ મળીને પાણીની સમસ્યા દૂર કરી દીધી છે. ગામના 400 પરિવારોએ પોતાના ઘરોમાં સોક પીટ બનાવ્યા અને પાણી સંરક્ષણને જન આંદોલન બનાવી દીધું. તેનાથી ગામનું ભૂગર્ભ જળ સ્તર સારું થયું છે, સાથે જ, પ્રદૂષિત પાણીના કારણે થનારી બીમારીઓ બહુ ઓછી થઈ ગઈ છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણા માછીમાર ભાઈ-બહેનો કેવળ સમુદ્રના યૌદ્ધાઓ જ નથી, પરંતુ તેઓ આત્મનિર્ભર ભારતનો એક મજબૂત પાયો પણ છે. તેઓ સવાર પડતા પહેલાં સમુદ્રની લહેરો સામે ઝઝૂમતાં, પોતાના પરિવારની સાથે-સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં લાગી જાય છે. આવા મહેનતુ માછીમારોનું જીવન આજે અનેક રીતે સરળ બનાવવામાં આવી રહ્યું છે. ચાહે તે બંદરગાહોનો વિકાસ હોય કે માછીમારો માટે વીમો, એવી અનકે પહેલો તેમના બહુ કામમાં આવી રહી છે. આપણે જાણીએ છીએ કે સમુદ્રમાં તેમની પ્રવૃત્તિઓને હવામાન બહુ જ પ્રભાવિત કરે છે. તેને જોતાં, ટૅક્નૉલૉજી દ્વારા પણ તેમની પૂરી મદદ કરવામાં આવી રહી છે. મને ખૂબ જ આનંદ છે કે આવા પ્રયાસોથી આપણું માછીમારીનું ક્ષેત્ર ન માત્ર સમૃદ્ધ થઈ રહ્યું છે, પરંતુ કંઈક નવું કરવાની ધગશ પણ ભરી રહ્યું છે. આજે માછીમારી અને શેવાળના ક્ષેત્રમાં પણ નવાં-નવાં ઇન્નૉવેશન થઈ રહ્યાં છે, અને આપણા માછીમાર ભાઈ-બહેનો આત્મનિર્ભર બની રહ્યાં છે.

ઓડિશાના સમ્બલપુરની સૂજાતા ભૂયાન જી એક ગૃહિણી હતાં, પરંતુ તેઓ કંઈક નવું કરવા પોતાના પરિવારની વધુ મદદ કરવા માગતાં હતાં. આથી કેટલાક વર્ષ પહેલાં તેમણે હીરાકુંડ જળાશયમાં માછલીપાલન શરૂ કર્યું. શરૂઆતના દિવસો તેમના માટે સરળ નહોતા. હવામાનમાં થતું પરિવર્તન, માછલીઓના ભોજનનો પ્રબંધ અને ઘરની જવાબદારીઓ સાથે સંતુલન બનાવવા જેવા અનેક પડકારો હતા, પરંતુ તેમનો જુસ્સો અડગ હતો. માત્ર બે-ત્રણ વર્ષની અંદર તેમણે પોતાના પ્રયાસને એક ધમધમતા વેપારમાં બદલી નાખ્યો. આજે તેમની સફળતા સમુદાયની મહિલાઓ માટે આશાનું નવું કિરણ બની ગઈ છે.

સાથીઓ,

લક્ષદ્વીપમાં મિનીકૉયના હાવ્વા ગુલઝારજીની વાત પણ આપણી માતાઓ-બહેનોની અદ્ભુત સંકલ્પ શક્તિને સામે લાવે છે. ખરેખર તો તેઓ એક ફિશ પ્રૉસેસિંગ યૂનિટ ચલાવતા હતા. પરંતુ તેમને લાગ્યું કે તેમની પાસે એક સારું કૉલ્ડ સ્ટૉરેજ હોય તો તેઓ વધુ સારું કરી શકે છે, આથી તેમણે કૉલ્ડ સ્ટૉરેજ યૂનિટ મૂકવાનો નિર્ણય કર્યો. આજે તે તેમની શક્તિ બની ચૂક્યું છે. હવે તેઓ વધુ સારા આયોજન સાથે વેપાર કરી શકે છે.

સાથીઓ,

દેશમાં આજે ચારે બાજુ એવા પ્રયાસો થઈ રહ્યા છે, જે પ્રેરિત કરનારા છે. બેલગાવીના શિવલિંગ સતપ્પા હુદ્દારે પારંપરિક ખેતીથી અલગ માર્ગ પસંદ કર્યો. તેના માટે તેમણે એક પોન્ડ ફાર્મ બનાવ્યું. તેના વેપાર માટે તેમને પ્રશિક્ષણ પણ મળ્યું. હવે પોતાના Pondથી માછલીઓને વેચીને તેઓ સારી કમાણી કરી રહ્યા છે. તો શેવાળ (Seaweed)ની માગને જોતા, અનેક લોકોએ દરિયાઈ શેવાળની ખેતીને પણ અપનાવ્યું છે. તેનો તેમને મોટો લાભ થઈ રહ્યો છે. હું એક વાર ફરી મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા બધા લોકોની પ્રશંસા કરું છું.

આપણા અર્થતંત્રને સશક્ત બનાવવામાં તેમના પ્રયાસો ખૂબ જ પ્રશંસનીય છે.

મારા પ્રિય દેશવાસીઓ,

જ્યારે સમાજ પોતે આગળ આવે છે તો નાના-નાના પ્રયાસો પણ મોટા પરિવર્તનનો પાયો બની જાય છે. આપણા દેશના અલગ-અલગ ભાગોમાં એવાં અનેક ઉદાહરણો સામે આવી રહ્યા છે, જે આપણને આ જ શીખવાડે છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક પ્રેરક પ્રયાસ જોવા મળ્યો. ત્યાં એક જ કલાકમાં બે લાખ એકાવન હજારથી વધુ છોડો વાવવામાં આવ્યા અને એક નવો ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ બન્યો. આ પ્રયાસની સૌથી વિશેષ વાત એ રહી કે તેમાં હજારો લોકો એક સાથે જોડાયા. વિદ્યાર્થી, યુવાનો, સ્વયંસેવી સંગઠન, અલગ-અલગ સંસ્થાઓ, બધાએ મળીને આ કામને સંભવ બનાવ્યું. જનભાગીદારીનું આ જ સ્વરૂપ 'એક પેડ માઁ કે નામ' અભિયાન દરમિયાન પણ જોવા મળે છે. આ અભિયાન હેઠળ દેશભરમાં કરોડોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

સાથીઓ,

નાગાલેન્ડના ચિજામી ગામથી પણ એક ખૂબ જ પ્રેરક પ્રયાસ સામે આવ્યો છે. ચિજામી ગામની મહિલાઓ મળીને 150થી વધુ વિવિધતાના પારંપરિક બીજોને સુરક્ષિત રાખી રહી છે. આ બીજોને એક કોમ્યુનિટી સીડ બેંકમાં સંરક્ષિત કરવામાં આવી રહ્યાં છે, જેને ગામની મહિલાઓ જ ચલાવે છે. તેમાં ચોખા, બાજરો, મકાઈ, કઠોળ, શાક અને અનેક પ્રકારની જડીબુટ્ટીઓ સમાવિષ્ટ છે. આ એક એવો પ્રયાસ છે જેમાં જ્ઞાન પણ સુરક્ષિત છે, પરંપરા પણ જીવિત છે અને આવનારી પેઢીઓ માટે એક મજબૂત આધાર પણ તૈયાર થઈ રહ્યો છે.

સાથીઓ,

આજે જ્યારે દુનિયા આબોહવા પરિવર્તન જેવા પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે એવા પ્રયાસો આપણને એ જણાવે છે કે સમાધાન ક્યારેય દૂર નથી હોતું.

ઘણી વાર આપણું પોતાનું પારપંરિક જ્ઞાન અને સામુદાયિક પ્રયાસો જ આપણને સૌથી મજબૂત રસ્તો દેખાડે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે તમે દેશના કોઈ નાના-મોટા શહેરમાં જશો તો એક પરિવર્તન જરૂર જોશો. તમને મોટી સંખ્યામાં ઘરોની છત પર Solar Panel લાગેલી દેખાશે. કેટલાંક વર્ષ પહેલાં સુધી તે ગણ્યાગાંઠ્યા ઘરો પર જ દેખાતી હતી. પરંતુ આજે 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના'નો પ્રભાવ દેશના ખૂણેખૂણે દેખાવા લાગ્યો છે. આ યોજનાના કારણે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની પાયલ મુંજપરાના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. તેમણે સૂર્ય પહેલના માધ્યમથી સૌર ઉર્જા ટેકનોલોજીની ટ્રેનિંગ લીધી અને ચાર મહિનાનો સોલાર પીવી ટેકનિશિયનનો કૉર્સ પૂરો કર્યો. હવે તેઓ એક કુશળ સોલાર ટેકનિશિયન બની ગયાં છે. પાયલ એક સૉલર ઉદ્યમીના રૂપમાં પોતાની ઓળખાણ બનાવી રહ્યાં છે. તેઓ આસપાસના જિલ્લામાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનનું કામ કરે છે અને તેનાથી તેમને દર મહિને હજારો રૂપિયાની આવક પ્રાપ્ત થઈ રહી છે.

સાથીઓ,

મેરઠના અરુણકુમાર પણ હવે પોતાના વિસ્તારમાં ઊર્જા દાતા બની ગયા છે. તાજેતરમાં જ, દિલ્લીમાં થયેલા કાર્યક્રમમાં અરુણકુમારે ભાગ લીધો હતો અને પોતાનો અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ન માત્ર વીજળી બિલની બચત કરી રહ્યા છે, પરંતુ પોતાની વધારાની વીજળી વેચી પણ રહ્યા છે.

સાથીઓ,

જયપુરના મુરલીધરજીની સફળતા પણ કંઈક આવી જ છે. પહેલાં તેમની ખેતી ડીઝલ પંપ પર નિર્ભર હતી, જેમાં દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ થતા હતા. જ્યારે તેમણે સોલાર પમ્પ અપનાવ્યો તો તેમની ખેતીની રીત જ બદલાઈ ગઈ. હવે તેમને ઈંધણની ચિંતા નથી રહેતી, સિંચાઈ સમય પર થાય છે અને તેમની વાર્ષિક આવક પણ વધી ગઈ છે.

સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હવે તેમનો પરિવાર સ્વચ્છ ઊર્જાની સાથે, વધુ સારું જીવન પણ જીવી રહ્યો છે. સાથીઓ, 'પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના'નો ફાયદો પૂર્વોત્તર ભારતના ક્ષેત્રોને પણ મળી રહ્યો છે. ત્રિપુરામાં રિયાંગ જનજાતિનાં અનેક ગામો એવાં હતાં જ્યાં વીજળીની સમસ્યા હતી. હવે સૌર મીની-ગ્રીડના માધ્યમથી ત્યાંનાં ઘરોમાં વીજળી રહે છે. ત્યાં બાળકો હવે સાંજ પછી પણ ભણી શકે છે. લોકો મોબાઇલ ચાર્જ કરી શકે છે અને ગામનું સામાજિક જીવન પણ બદલાઈ ગયું છે.

સાથીઓ,

દેશમાં સૌર ઊર્જા ક્રાંતિનાં આવાં અગણિત ઉદાહરણ છે. તમે પણ આ ક્રાંતિ સાથે જોડાવ અને બીજાને પણ જોડજો.

મારા પ્રિય દેશવાસીઓ,

'મન કી બાત' માટે મને દર મહિને દેશના અલગ-અલગ હિસ્સાઓમાંથી ઢગલો સંદેશાઓ મળે છે. આ સંદેશાઓથી એ પણ ખબર પડે છે કે અંતરીયાળ ક્ષેત્રોમાં બેઠેલા લોકો કેટલી રુચિથી આ કાર્યક્રમને સાંભળે છે. જ્યારે હું તમારાં સૂચનો વાંચું છું તો મને લાગે છે કે આ કેવળ એક કાર્યક્રમ જ નથી, તે આપણો બધાનો એક સંયુક્ત સંવાદ બની ગયો છે. તમારા વિચાર, તમારા અનુભવ, આ કાર્યક્રમને સતત વધુ સારો બનાવવાની પ્રેરણા આપે છે. તમે તમારી આસપાસની પ્રેરક ગાથાઓ આમ જ જણાવતા રહેજો. બની શકે છે કે તમારો એક નાનકડો પ્રયાસ, બીજા કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવે, કોઈને આગળ વધવાનો નવો જુસ્સો આપે - રેડિયોની આ જ અસલી શક્તિ છે. તે દેશના અલગ-અલગ ખૂણામાં બેઠેલા લોકોને એક વિચાર, એક ભાવના અને એક ઉદ્દેશ્ય સાથે જોડી દે છે. આગામી મહિને ફરી મળીશું, કેટલાંક નવાં પ્રેરક વ્યક્તિત્વોની સાથે, કેટલાક એવા પ્રયાસોની સાથે, જે આપણને આગળ વધવાની નવી ઊર્જા આપશે.

ત્યાં સુધી, તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો - સ્વસ્થ રહો, આનંદમાં રહો. ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2246618) મુલાકાતી સંખ્યા : 24