રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ ચક્રવર્તી રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ કર્યું અને રાષ્ટ્રપતિ ભવનમાં રાજાજી ઉત્સવમાં હાજરી આપી


જેમ આપણે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ રાજાજી જેવા પ્રતિકો આપણને તેમના વિચારો અને આદર્શોથી પ્રેરણા આપે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

રાજાજી ઉત્સવના ભાગરૂપે પ્રદર્શન 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી જનતા માટે ખુલ્લું રહેશે

પોસ્ટેડ ઓન: 23 FEB 2026 6:16PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (23 ફેબ્રુઆરી, 2026) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીની અર્ધપ્રતિમા (bust) નું અનાવરણ કર્યું હતું. મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે અશોક મંડપ પાસે ગ્રાન્ડ ઓપન સીડી પર સી. રાજગોપાલાચારીની પ્રતિમા, એડવિન લુટિયન્સની પ્રતિમાની જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલ વસાહતી માનસિકતાના અવશેષોને ત્યાગવા અને ગર્વ સાથે ભારતની સંસ્કૃતિ, વારસા અને કાલાતીત પરંપરાઓની સમૃદ્ધિને અપનાવવા તરફ લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો એક ભાગ છે.

ત્યારબાદ રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રાજાજી ઉત્સવમાં હાજરી આપી હતી જ્યાં તેમણે તેમના જીવન અને કાર્ય પરના ફોટો અને પુસ્તક પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. રાજાજીના જીવન પરની એક ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ કાર્યક્રમના ભાગરૂપે સાંસ્કૃતિક પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે રાજાજી ગવર્નમેન્ટ હાઉસ (હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે) માં આવ્યા ત્યારે તેમણે તેમના રૂમમાં રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીના ચિત્રો મૂક્યા હતા. રાજાજીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત ઔપચારિક રીતે હજુ પણ ડોમિનિયન હોવા છતાં, ભારતીયોના હૃદયમાં સ્વરાજ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે. આમ, રાજાજીએ માનસિક વિ-ઉપનિવેશીકરણ (decolonisation) નું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના આદર્શો ભારતની વિરાસત પર ગર્વ કરવા અને વસાહતી માનસિકતાના અવશેષોને ખતમ કરવા માટે ભારતના લોકો દ્વારા અપનાવવામાં આવેલા રાષ્ટ્રીય અભિયાનમાં પ્રતિબિંબિત થાય છે. ભારતીય ચેતના અને તમામ ભારતીયો, ખાસ કરીને નબળા વર્ગો સાથેનું જોડાણ રાજાજીના વિચારો અને કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતનું શોષણ કરનારા બ્રિટિશ શાહી અધિકારીઓના ચિત્રો અગાઉ રાષ્ટ્રપતિ ભવનના કોરિડોરમાં લટકાવવામાં આવતા હતા. હવે, 'પરમવીર દીર્ઘા' નામની ગેલેરી પરમવીર ચક્ર વિજેતાઓના ચિત્રોથી સુશોભિત છે. ભારતની શાસ્ત્રીય ભાષાઓની હસ્તપ્રતો અને ગ્રંથોમાં સંચિત જ્ઞાનની મહાન પરંપરાને જાળવી રાખવા માટે રાષ્ટ્રપતિ ભવનમાં ગ્રંથ કુટીરની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપતિ ભવન એ "રાષ્ટ્રનું ભવન" છે; તે દેશના નાગરિકોનું છે. રાષ્ટ્રપતિ ભવન અને શિમલા, હૈદરાબાદ અને દેહરાદૂનમાં આવેલી અન્ય પ્રેસિડેન્ટ એસ્ટેટ્સ એ તમામ લોકોના સ્વાગત માટે ખોલવામાં આવી છે જેઓ ભારતના લોકશાહીની પરંપરાઓ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે જાણવા ઈચ્છે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતના લોકોએ ઘણી વખત દુષ્કાળ અને અછતની આપત્તિનો સામનો કર્યો હતો. આઝાદી પછીના યુગમાં પણ આપણા નાગરિકોને અનાજની અછતનો સામનો કરવો પડ્યો હતો. સાથી નાગરિકો પ્રત્યેની કરુણાથી અને ખેડૂતોને પ્રેરણા આપવા માટે, રાજાજીએ રાષ્ટ્રપતિ ભવન સંકુલની અંદર અનાજની ખેતી શરૂ કરી હતી. તેમણે પોતે ખેતર ખેડ્યું હતું, જે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે રાજાજી બહુમુખી સર્જનાત્મકતા અને અનેક પરિમાણો ધરાવતા હતા. કાયદાકીય વ્યવસાય, સ્વાતંત્ર્ય સંગ્રામ, સામાજિક અને આર્થિક સુધારા, પ્રાચીન ભારતીય ગ્રંથો, તમિલ અને અંગ્રેજી લેખન, કવિતા અને સંગીત, રાજકારણ અને શાસનમાં તેમના યોગદાનથી આ ક્ષેત્રોને ઘણું સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે રેખાંકિત કર્યું કે આપણા દેશનો સ્વદેશી અને આત્મનિર્ભરતા પરનો ભાર રાજાજી દ્વારા વર્ણવ્યા મુજબના સ્વરાજના વિચારને આગળ ધપાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જેમ આપણે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ, તેમ રાજાજી જેવા પ્રતિકો આપણને તેમના વિચારો અને આદર્શોથી પ્રેરણા આપે છે. તેમણે રાજાજીના સપનાઓને સાકાર કરવા માટે એન્ટરપ્રાઇઝ (ઉદ્યોગસાહસિકતા) ની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે સૌને સંકલ્પ કરવા વિનંતી કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતના લોકો રાજાજીના વ્યક્તિત્વ અને કાર્યથી પ્રેરિત થઈને "રાષ્ટ્ર પ્રથમ" ની ભાવના સાથે આગળ વધતા રહેશે.

રાજાજી ઉત્સવમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ, કાયદા અને ન્યાય તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ અને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનનો સમાવેશ થાય છે. સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આજે રાજાજી ઉત્સવની ઉજવણી કરીને આપણે વસાહતી વારસામાંથી મુક્ત થવાની આપણી સફરમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારત વસાહતી પ્રભાવથી દૂર જઈ રહ્યું છે. તે કોઈ એક ઘટના નથી. તે શાસન, કાયદો, શિક્ષણ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ઓળખમાં ચાલી રહેલું પરિવર્તન છે. રાજભવનો લોકભવન બન્યા, PMO સેવા તીર્થ બન્યું, કેન્દ્રીય સચિવાલય કર્તવ્ય ભવનમાં પરિવર્તિત થયું, વસાહતી યુગના ફોજદારી કાયદાઓની ફેરબદલી, ઈન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાની સ્થાપના, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું નિર્માણ. આ ફેરફારો માત્ર પ્રતીકાત્મક નથી; તેઓ સરકારની 'સેવા ભાવના' ને પ્રતિબિંબિત કરે છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાજાજી ઉત્સવ એ ભારતના મહાન સપુતની ઉજવણી અને સાચી ઓળખ છે. રાજાજીએ ભારતના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા માણસ હતા. તેમણે સતત આર્થિક સ્વતંત્રતાની હિમાયત કરી હતી અને માનતા હતા કે ભારતની આર્થિક નીતિ સ્વતંત્ર અને ઉદાર રહેવી જોઈએ. તેમનું જીવન આપણને યાદ અપાવે છે કે સાચી મહાનતા પદ કે સત્તાથી નહીં પણ આંતરિક શુદ્ધિ, નૈતિક શક્તિ અને મૂલ્યો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાથી આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ અવસર માટે સંદેશ મોકલ્યો હતો જે પ્રેક્ષકો સમક્ષ સંસ્કૃતિ મંત્રી દ્વારા વાંચવામાં આવ્યો હતો. તેમના સંદેશમાં, પ્રધાનમંત્રી લખે છે, “રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક કેન્દ્રીય પ્રાંગણમાં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા રાજાજી તરીકે ઓળખાતા શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ એ ભારતના લોકો માટે ગર્વની ક્ષણ છે. રાજાજીએ મહાત્મા ગાંધી સાથે જે ગાઢ સંબંધો શેર કર્યા હતા, જે ઊંડો પરસ્પર વિશ્વાસ અને મિત્રતા દ્વારા ચિહ્નિત થયેલ છે, તે જાણીતું છે. તેથી, તે યોગ્ય છે કે રાજાજીની પ્રતિમા મહાત્મા ગાંધીની પ્રતિમાની બરાબર સામે સ્થાપિત કરવામાં આવી રહી છે. વધુમાં, એ હકીકત છે કે રાજાજીની પ્રતિમા ત્યાં મૂકવામાં આવશે જ્યાં એડવિન લ્યુટિયન્સની પ્રતિમા હતી, તે એક મહત્વપૂર્ણ વિગત છે, જે તેને માનસિક વિ-ઉપનિવેશીકરણનું એક મહત્વપૂર્ણ કાર્ય બનાવે છે. આજે, રાષ્ટ્રપતિ ભવન સત્તાની બેઠક તરીકે નહીં, પરંતુ ભારતીય સભ્યતામાં મૂળ ધરાવતા લોકશાહી આત્મવિશ્વાસના દૃશ્યમાન મૂર્ત સ્વરૂપ તરીકે ઉભું છે. ‘રાજાજી ઉત્સવ’ અને શ્રી સી. રાજગોપાલાચારીજીની પ્રતિમાના અનાવરણ જેવી પહેલો આ દિશાને મજબૂત બનાવે છે. તેઓ એવા નેતાઓનું સન્માન કરે છે જેમણે રાષ્ટ્રને ઘડ્યું અને આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા તેમની સ્મૃતિની ઉજવણી દ્વારા જળવાઈ રહે છે.” પ્રધાનમંત્રીએ ગઈકાલે તેમના 'મન કી બાત' સંબોધનમાં કહ્યું હતું કે રાજાજીની પ્રતિમાનું અનાવરણ એ વસાહતી માનસિકતાના અવશેષોને દૂર કરવા તરફના પગલાં પૈકીનું એક છે. રાજાજીના જીવન અને કાર્ય પરના પ્રદર્શનનું આયોજન રાજાજી ઉત્સવના ભાગરૂપે 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ, 2026 દરમિયાન અમૃત ઉદ્યાન ખાતે કરવામાં આવશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2231922) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil