ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડિબ્રુગઢમાં આસામ વિધાનસભાના નવા ભવનનો શિલાન્યાસ કર્યો, સાથે આશરે ₹1,715 કરોડના કુલ ખર્ચના 5 પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત-EU વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી આસામની ચા પેરિસથી બર્લિન સુધી ઝીરો ટેરિફ (શૂન્ય શુલ્ક) સાથે પહોંચવા સક્ષમ બની છે
અમે હવે એવી સિસ્ટમ બનાવી રહ્યા છીએ જેથી ઘૂસણખોરો હવે ભારતમાં પ્રવેશી શકશે નહીં, અને જેઓ પહેલેથી પ્રવેશી ચૂક્યા છે તેમને છોડવામાં આવશે નહીં; અમે તેમને એક પછી એક ઓળખીશું અને બહાર કાઢીશું
માત્ર આપણી સરકાર જ ઘૂસણખોરો દ્વારા આસામની વસ્તીવિષયક સ્થિતિ બદલવાના અને દેશની સુરક્ષાને જોખમમાં મૂકવાના પ્રયાસોને રોકી શકે છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દરેક તકે આસામ અને ઉત્તર પૂર્વને પ્રાથમિકતા આપે છે, કારણ કે આ પ્રદેશ તેમના હૃદયમાં વસે છે
વિરોધ પક્ષે, વોટ બેંક ખાતર, શ્રીમંત શંકરદેવની પવિત્ર ભૂમિ ઘૂસણખોરોને સોંપી દીધી હતી, પરંતુ આસામની હિમંતા સરકાર હવે તેને ઘૂસણખોર મુક્ત બનાવી રહી છે
આસામને વધુ સમાવેશી બનાવવાના પ્રયાસોના ભાગરૂપે, ડિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
વિરોધ પક્ષની સરકાર દરમિયાન, ત્યાં કર્ફ્યુ અને વિસ્ફોટોના અવાજો હતા; આજે, આપણી પાર્ટીના શાસન હેઠળના એ જ આસામમાં ભૂપેન દાનું સંગીત ગુંજે છે
આસામમાં હિમંતાજીની સરકારના નેતૃત્વ હેઠળ, ચાના બગીચાઓના 3 લાખથી વધુ સંથાલ, કોલ, ભીલ, મુંડા અને બંગાળી કામદારોને જમીનના માલિક બનાવવામાં આવ્યા છે
વિરોધ પક્ષના શાસન હેઠળ, આસામ બોમ્બ બ્લાસ્ટ, હિંસા અને યુવાનોના મૃત્યુ માટે જાણીતું હતું, જ્યારે મોદી સરકાર હેઠળ યુવાનોની આવકમાં 50 ટકા સુધીનો વધારો થયો છે
એક સમય હતો જ્યારે અહીં કર્ફ્યુ, બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારના અવાજોથી વાતાવરણ ભરેલું રહેતું હતું; આજે અહીંથી ભૂપેન દાનું સંગીત આખી દુનિયામાં પહોંચે છે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્વ કક્ષાના મલ્ટી-ડિસિપ્લિનરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કર્યું, તેના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો, ધારાસભ્યો માટેના આવાસનું નિર્માણ શરૂ કર્યું અને વાઈલ્ડ લાઈફ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું ભૂમિપૂજન કર્યું
प्रविष्टि तिथि:
30 JAN 2026 6:14PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ડિબ્રુગઢમાં આસામ વિધાનસભાના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો, સાથે આશરે ₹1,715 કરોડના કુલ ખર્ચના 5 પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે આસામના મુખ્ય મંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્મા, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, વિદેશ રાજ્ય મંત્રી શ્રી પબિત્ર માર્ગેરિટા અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આસામના મુખ્ય મંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્માએ 2025 માં જાહેરાત કરી હતી કે, આસામને સમાવેશી બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ડિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે વિરોધ પક્ષોની સરકારોમાં ઘણી જાહેરાતો માત્ર જાહેરાતો જ રહી જતી હતી, પરંતુ હવે આપણી પાર્ટીની સરકાર છે. મુખ્ય મંત્રી શ્રી શર્માએ જાહેરાત કરી હતી અને આજે 57 વીઘા જમીન પર આસામના બીજા વિધાનસભા સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હવે ડિબ્રુગઢના રહેવાસીઓને પણ આસામની રાજધાનીના રહેવાસી ગણવામાં આવશે. શ્રી શાહે કહ્યું કે આસામને સમાવેશી બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ડિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અહીં ઘણી જ્ઞાતિઓ, સમુદાયો અને આદિવાસીઓ રહે છે; તે તમામનો આસામ પર અધિકાર છે અને આપણે સૌ સાથે મળીને એક મહાન આસામ બનાવીશું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આસામની નદીઓ આપણી સંસ્કૃતિનો વારસો છે, આપણા ખેડૂતોની આર્થિક જીવાદોરી છે અને આપણા માટે માતા સમાન છે. તેમણે કહ્યું કે વર્ષોથી આસામ પૂરની સમસ્યાથી પીડાતું હતું. આસામને પૂરથી બચાવવા માટે, અમે સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા રાજ્યનું સર્વેક્ષણ કર્યું અને તેના આધારે મોટા વેટલેન્ડ્સ (જળપ્લાવિત વિસ્તારો) ની ઓળખ કરી. શ્રી શાહે જણાવ્યું હતું કે ભારત સરકારના ગૃહ મંત્રાલયે પ્રથમ તબક્કામાં 15 વેટલેન્ડ્સ વિકસાવવા માટે ₹692 કરોડ ખર્ચ્યા છે. આનાથી લગભગ 7.5 લાખ લોકો પૂરથી બચશે, અંદાજે 77,000 હેક્ટર જમીનમાં સિંચાઈ થશે, પૂરની તીવ્રતા ઘટશે અને પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થવાને કારણે ભૂગર્ભ જળનું સ્તર વધશે. તેમણે કહ્યું કે આ 15 મોટા તળાવોમાંથી સિંચાઈ પૂરી પાડવામાં આવશે, જે આસામના ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર પાક લેવામાં મદદ કરશે, પશુપાલનને પ્રોત્સાહન આપશે અને ડેરી ઉદ્યોગને પણ વેગ આપશે. તેનો ઉપયોગ વોટર સ્પોર્ટ્સ માટે પણ કરવામાં આવશે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં, ભારત સરકારે તાજેતરમાં યુરોપિયન યુનિયનના 27 દેશો સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે અને તેનો સૌથી મોટો ફાયદો ડિબ્રુગઢને મળશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ EU વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી આસામની ચા પેરિસથી બર્લિન સુધી ઝીરો ટેરિફ સાથે પહોંચવા સક્ષમ બની છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષની સરકારોએ દાયકાઓ સુધી આસામના વિકાસ માટે કંઈ કર્યું નથી. તેમણે કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વન્યજીવન અને પર્યાવરણ સુરક્ષા, સેમિકન્ડક્ટર્સ અને ચિપ ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રમાં મોદી સરકારની પ્રથમ પ્રાથમિકતા આસામ છે. શ્રી શાહે એમ પણ કહ્યું કે રેલવે, જળમાર્ગો, એરપોર્ટ હોય કે ઉદ્યોગો સ્થાપવાની વાત હોય, દરેક ક્ષેત્રમાં પ્રધાનમંત્રી મોદીજી આસામને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દરેક જગ્યાએ આસામ અને ઉત્તર પૂર્વને પ્રાથમિકતા આપે છે, કારણ કે આ પ્રદેશ તેમના હૃદયમાં વસે છે.
શ્રી અમિત શાહે કહ્યું કે વિરોધ પક્ષની સરકારોએ આસામને ગોળીઓ, બોમ્બ બ્લાસ્ટ, સંઘર્ષ અને યુવાનોના મોત આપ્યા. તેમણે કહ્યું કે જ્યારથી મોદીજી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી સમગ્ર ઉત્તર પૂર્વમાં 20 થી વધુ કરારો હેઠળ 10,000 થી વધુ યુવાનોએ પોતાના હથિયારો નીચે મૂક્યા છે, જેનાથી આસામ અને ઉત્તર પૂર્વ સુરક્ષિત બન્યા છે. શ્રી શાહે કહ્યું કે એક સમય હતો જ્યારે અહીં કર્ફ્યુ, બોમ્બ વિસ્ફોટો અને ગોળીબારનો અવાજ પ્રવર્તતો હતો, પરંતુ આજે ભૂપેન દાનું સંગીત આ પ્રદેશમાંથી સમગ્ર વિશ્વમાં પહોંચે છે. તેમણે કહ્યું કે તે મોદી સરકાર જ છે જેણે ભૂપેન હજારિકા અને ભારત માતાના મહાન પુત્ર ગોપીનાથ બોરદોલોઈને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન — ભારત રત્ન એનાયત કર્યું છે. અમે અહીં શાંતિ, સુશાસન, વિકાસ અને સૌને સાથે લઈને ચાલવાની નવી પરંપરા શરૂ કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે 2021 માં, ડિબ્રુગઢની ધરતી પર, વિરોધ પક્ષની સરકારે એક ટૂલકિટ ફેલાવી હતી જે આસામ વિરોધી હતી અને જેનો હેતુ વિશ્વભરમાં આસામની ચાની છબીને ખરાબ કરવાનો હતો. તેમણે કહ્યું કે વિરોધ પક્ષની સરકારોએ આસામમાં આપણા ચાના બગીચાના કામદારોના કલ્યાણ માટે આજ દિન સુધી કંઈ કર્યું નથી. શ્રી શાહે કહ્યું કે આપણી પાર્ટીની સરકારે 2025 માં લેન્ડ હોલ્ડિંગ એમેન્ડમેન્ટ એક્ટ પસાર કર્યો, જેનાથી 825 ચાના બગીચાઓના 3 લાખથી વધુ સંથાલ, કોલ, ભીલ, મુંડા અને બંગાળી કામદારોને જમીનના માલિક બનાવ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજી અને આસામ સરકારે લચિત બોરફુકનની જીવનકથાનો દેશની 23 ભાષાઓમાં અનુવાદ કરાવ્યો છે.
શ્રી અમિત શાહે કહ્યું કે વિરોધ પક્ષની સરકારોએ આસામમાં ઘૂસણખોરીની છૂટ આપીને તેને સત્તા મેળવવા માટે વોટ-બેંકની રાજનીતિનું હથિયાર બનાવ્યું હતું. તેમણે કહ્યું કે આસામ સરકારે વસ્તીવિષયક સ્થિતિ બદલવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે અને 1 લાખ 26 હજાર એકર જમીન ઘૂસણખોરોથી મુક્ત કરાવી છે. શ્રી શાહે કહ્યું કે હિમંતા બિસ્વા શર્માજીના નેતૃત્વમાં અમે આસામમાંથી એક-એક ઘૂસણખોરને હાંકી કાઢીશું. તેમણે કહ્યું કે ઘૂસણખોરો આસામ કે દેશને કોઈ પણ રીતે ફાયદો કરી શકતા નથી કારણ કે તેઓ આપણી વસ્તીવિષયક સ્થિતિ બદલી રહ્યા છે અને દેશની સુરક્ષા માટે પણ ખતરો છે. તેમણે કહ્યું કે જો વસ્તીવિષયક ફેરફાર રોકવામાં નહીં આવે, તો આસામને આગામી દિવસોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને માત્ર આપણી સરકાર જ તેને રોકી શકે છે. શ્રી શાહે કહ્યું કે અગાઉ આસામની સરહદો ઘૂસણખોરો માટે ખુલ્લી હતી, પરંતુ પ્રધાનમંત્રી મોદીજી અને આસામ સરકારે મળીને ઘૂસણખોરોને આસામની સરહદોમાં પ્રવેશતા અટકાવ્યા છે. શ્રી શાહે કહ્યું કે વિરોધ પક્ષે, વોટ બેંક ખાતર, શ્રીમંત શંકરદેવજીની પવિત્ર ભૂમિ ઘૂસણખોરોને સોંપી દીધી હતી, જેને આસામની હિમંતા સરકાર હવે ઘૂસણખોર મુક્ત બનાવી રહી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં અમે આસામમાં ખૂબ જ મહત્વપૂર્ણ આર્થિક સુધારા પણ હાંસલ કર્યા છે. તેમણે કહ્યું કે અમે આસામની GSDP ₹4.1 લાખ કરોડથી વધારીને ₹7.2 લાખ કરોડ કરી છે. તેમણે કહ્યું કે વિરોધ પક્ષના શાસન હેઠળ, આસામ બોમ્બ બ્લાસ્ટ, હિંસા અને યુવાનોના મૃત્યુ માટે જાણીતું હતું, જ્યારે મોદી સરકાર હેઠળ યુવાનોની આવકમાં 50 ટકા સુધીનો વધારો થયો છે. તેમણે કહ્યું કે જો આપણે શાંતિ, વિકાસ, શિક્ષણ, ઉદ્યોગ અને રોજગાર જોઈએ છે, તો માત્ર આપણી સરકાર જ તે આપી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દેશના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ જગાડ્યો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, ભારતના યુવાનો આજે રમતગમતમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. શ્રી શાહે કહ્યું કે જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમવાની સુવિધાઓ, આધુનિક તાલીમ વ્યવસ્થા, પારદર્શક પસંદગી પ્રક્રિયા અને ખેલાડીઓને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ ન મળે ત્યાં સુધી યુવાનોમાં માત્ર ઉત્સાહથી કંઈ જ હાંસલ થતું નથી. તેમણે કહ્યું કે આજે ડિબ્રુગઢમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશ્વ કક્ષાના મલ્ટી-ડિસિપ્લિનરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન થયું છે. ₹238 કરોડના ખર્ચે, 106 વીઘા જમીન પર ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, ફૂટબોલ મેદાન, લૉન ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ખેલાડીઓ માટે હોસ્ટેલ અને કોચ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સાથે જ ₹209 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે ડિબ્રુગઢમાં આસામ વિધાનસભા સંકુલની સાથે રાજ્યના ધારાસભ્યો માટે આવાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ₹292 કરોડના ખર્ચે ડિબ્રુગઢમાં વાઈલ્ડ લાઈફ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ પણ કરવામાં આવશે. આ સંસ્થામાં રોગ દેખરેખ (disease surveillance), સંશોધન અને નિદાન તેમજ ક્ષમતા નિર્માણ માટેની સુવિધાઓ હશે. તેમણે રાજ્ય સરકારને આ સંસ્થામાં માત્ર પ્રાણીઓ માટે જ નહીં પણ પક્ષીઓ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. શ્રી શાહે કહ્યું કે આ સંસ્થામાં વૈજ્ઞાનિક સંશોધન અને આનુવંશિક રોગોના અભ્યાસ માટેની વ્યવસ્થા પણ હશે, જેના કારણે તે વિશ્વની એક મહત્વપૂર્ણ સંસ્થા તરીકે સ્થાપિત થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું કે બાપુએ તેમના આંદોલનો દ્વારા સમગ્ર દેશને જગાડ્યો અને આપણને સ્વરાજ અપાવ્યું, અને તેઓ પવિત્ર આત્મા મહાત્મા ગાંધીજીને આદરપૂર્વક નમન કરે છે.
SM/ JY/GP/JD
(रिलीज़ आईडी: 2221018)
आगंतुक पटल : 7