ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ રામ જન્મભૂમિ આંદોલન પરના પુસ્તકનું વિમોચન કર્યું
અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ ભારતની સભ્યતાની યાત્રામાં એક નિર્ણાયક ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે: ઉપરાષ્ટ્રપતિ
2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ લાખો લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરી અને રામ જન્મભૂમિના ચુકાદા દ્વારા ભારતીય લોકશાહીની તાકાત સાબિત થઈ, તેમ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું
ભગવાન રામ રાષ્ટ્રનો આત્મા અને ભારતનો ધર્મ છે; રામ મંદિરે વિશ્વભરના ભારતીયોનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કર્યું છે: ઉપરાષ્ટ્રપતિ
જનભાગીદારી અને ક્રાઉડ ફંડિંગે રામ મંદિરને જન આંદોલન બનાવ્યું: ઉપરાષ્ટ્રપતિ
રામ રાજ્ય સૌના માટે ન્યાય અને સમાનતાનું પ્રતિનિધિત્વ કરે છે: ઉપરાષ્ટ્રપતિ
પુસ્તક સભ્યતાના મૂલ્યોને સાચવવાના ઐતિહાસિક સંઘર્ષનું દસ્તાવેજીકરણ કરે છે: ઉપરાષ્ટ્રપતિ
प्रविष्टि तिथि:
20 JAN 2026 6:59PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ભારત સરકારના પૂર્વ સચિવ શ્રી સુરેન્દ્ર કુમાર પચૌરી દ્વારા લિખિત પુસ્તક "ચેલિસ ઓફ એમ્બ્રોસિયા: રામ જન્મભૂમિ – ચેલેન્જ એન્ડ રિસ્પોન્સ"નું વિમોચન કર્યું.
સભાને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે આ પુસ્તક ભગવાન શ્રી રામના જન્મસ્થળને પુનઃપ્રાપ્ત કરવા માટેના સદીઓ જૂના સંઘર્ષને આવરી લે છે અને ઐતિહાસિક કથાનકને સંતુલન, સહાનુભૂતિ અને વિદ્વત્તાપૂર્ણ સંયમ સાથે રજૂ કરે છે.
તેમણે કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ ભારતની સભ્યતાની યાત્રામાં એક નિર્ણાયક ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં શ્રદ્ધા, ઇતિહાસ, કાયદો અને લોકશાહી ગરિમા સાથે એકબીજાને મળ્યા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભલે ગમે ત્યાં હજારો મંદિરો બાંધવામાં આવ્યા હોય, પરંતુ ભગવાન રામના જન્મસ્થળ પરના મંદિરના મહત્વની બરાબરી કોઈ કરી શકે નહીં.
શ્રી સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે ભગવાન રામ રાષ્ટ્રનો આત્મા અને ભારતના ધર્મનો આત્મા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધર્મનો ક્યારેય પરાજય થઈ શકતો નથી અને સત્યનો હંમેશા વિજય થાય છે. મહાત્મા ગાંધીના રામ રાજ્યના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સૌના માટે ન્યાય, સમાનતા અને ગૌરવનું પ્રતીક છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન રામના જન્મસ્થળને સ્થાપિત કરવા માટે જરૂરી લાંબી પ્રક્રિયા જોવી પીડાદાયક હતી, અને ઉમેર્યું કે અન્ય મોટાભાગના દેશોમાં આવી પરિસ્થિતિની કલ્પના કરવી પણ અશક્ય હશે. તેમણે અવલોકન કર્યું કે આ જ ભારતીય લોકશાહીની તાકાત દર્શાવે છે, કારણ કે આખા રાષ્ટ્રની શ્રદ્ધા હોવા છતાં, યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અને પુરાવા પછી જ જમીન ફાળવવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે ભારતને સાચા અર્થમાં 'લોકશાહીની જનેતા' કહેવામાં આવે છે.
2019 ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા, શ્રી સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે આ ચુકાદાએ લાખો ભારતીયોના લાંબા સમયથી સેવાયેલા સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરી છે અને ભારતીય ઇતિહાસમાં એક વળાંક ચિહ્નિત કર્યો છે. તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણથી ભારતીયોનું સ્વાભિમાન પુનઃસ્થાપિત થયું છે.
ઉપરાષ્ટ્રપતિએ અવલોકન કર્યું કે ઇતિહાસ લખવો એ સાહિત્યિક કાર્યના સૌથી પડકારજનક સ્વરૂપોમાંનું એક છે, કારણ કે તેમાં ભાવનાત્મક સંતુલન અને સત્ય પ્રત્યેની વફાદારીની જરૂર હોય છે. લેખકની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે શ્રી પચૌરીએ સનસનાટીભર્યા કે વિકૃતિ વિના રામ જન્મભૂમિ આંદોલનનો સાર સફળતાપૂર્વક રજૂ કર્યો છે.
ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ઐતિહાસિક દસ્તાવેજીકરણમાં ખામીઓએ ન્યાય માટેના લાંબા સંઘર્ષમાં ફાળો આપ્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે પુસ્તક આ ઐતિહાસિક આંદોલનના આધુનિક તબક્કાનું દસ્તાવેજીકરણ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે ભાવિ પેઢીઓ રાષ્ટ્રીય સ્વાભિમાન પુનઃસ્થાપિત કરવા માટે આપવામાં આવેલા બલિદાનો અને સંઘર્ષોથી વાકેફ રહે. પુસ્તકમાં ટાંકવામાં આવેલા ASI ના તારણોમાંથી ઉદહરણ આપતા, ઉપરાષ્ટ્રપતિએ પહેલાથી અસ્તિત્વમાં રહેલા માળખાના પુરાવા તરફ ધ્યાન દોર્યું હતું, અને પુરાતત્વીય આધાર પર ભાર મૂક્યો હતો જેણે ન્યાયિક નિર્ણયમાં માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિએ ચુકાદા પછીના જાહેર પ્રતિસાદને અસાધારણ ગણાવ્યો હતો, અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવેલા દેશવ્યાપી ક્રાઉડ-ફંડેડ અભિયાનને યાદ કર્યું હતું, જેણે રામ મંદિર બનાવવા માટે વિશ્વભરના ભક્તો પાસેથી ₹3,000 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેમણે 1990 ના દાયકા દરમિયાન શિલા પૂજનમાં તેમના માતાના સહભાગી થવાની વ્યક્તિગત સ્મૃતિ પણ શેર કરી હતી.
શ્રી સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય આપ્યો કે જેણે સુનિશ્ચિત કર્યું કે પવિત્ર સ્થળનું પુનરુત્થાન ભારતની પરિપક્વ લોકશાહી અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસની અભિવ્યક્તિ તરીકે ઉભરી આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ 25 નવેમ્બર 2025 ના રોજ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થયેલા ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહને યાદ કર્યો હતો, જે તેમણે કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર દ્વારા નિહાળવામાં આવેલી અત્યંત ભાવુક ક્ષણ હતી.
ભગવાન શ્રી રામની સાર્વત્રિક અપીલ પર વિચાર કરતા, શ્રી સી.પી. રાધાકૃષ્ણને કહ્યું કે શ્રી રામમાં શ્રદ્ધા ભૌગોલિક સીમાઓથી પર છે, જે માત્ર અયોધ્યા અને રામેશ્વરમમાં જ નહીં પરંતુ ફિજી અને કંબોડિયામાં અંકોર વાટ જેવા સ્થળોએ પણ અભિવ્યક્તિ પામે છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન શ્રી રામનું જીવન અને આદર્શો માનવતાને શીખવે છે કે સાચી મહાનતા સદ્ગુણોમાં અને રાજ્યો પર શાસન કરવાને બદલે હૃદય જીતવામાં રહેલી છે. તેમણે નાગરિકોને તેમના પોતાના જીવનમાં આ કાલાતીત આદર્શોને અનુસરવાનો પ્રયત્ન કરવા આહવાન કર્યું.
તેમના સંબોધનના અંતમાં, શ્રી સી.પી. રાધાકૃષ્ણને શ્રી સુરેન્દ્ર કુમાર પચૌરીને તેમના કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે આ પુસ્તક બહોળા વાચકો સુધી પહોંચશે.
આ કાર્યક્રમમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ શ્રી નૃપેન્દ્ર મિશ્રા; ભારતના ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ શ્રી વિનોદ રાય; UPSC ના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી દીપક ગુપ્તા; ભારતના ઉપરાષ્ટ્રપતિના સચિવ શ્રી અમિત ખરે; શ્રી આશિષ ગોસાઈન, હર આનંદ પબ્લિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડ; અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2216582)
आगंतुक पटल : 9