પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુવાહાટીમાં બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ 'બાગુરુમ્બા દ્વૌઉ' દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
17 JAN 2026 8:47PM by PIB Ahmedabad
નમોષ્કાર! ખુલુમ્બાઈ! મા ખોબોર? માઘ બિહુ આરુ માઘ દોમાશીર હુભેચ્છા આરુ મરોમ જોનાઈશુ.
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાજી, કેન્દ્રમાં મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, પવિત્રા માર્ગરીટાજી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વોજીત દોઈમારીજી, બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર હાગ્રામા મોહીલારી જી, રાજ્ય સરકારના મંત્રીગણ, તમામ મહાનુભાવ નાગરિક બંધુ-ભગિનીઓ અને આસામના મારા ભાઈઓ અને બહેનો.
મારું સૌભાગ્ય છે કે મને આસામની સંસ્કૃતિ, અહીંની બોડો પરંપરાઓને નજીકથી જોવાનો અવસર મળતો રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકે જેટલી વાર હું આસામ આવ્યો છું, એટલી વાર અગાઉ કોઈ પીએમ આવ્યા નથી. મારી હંમેશા ઈચ્છા રહી છે કે આસામની કલા અને સંસ્કૃતિને મોટું મંચ મળે. ભવ્ય આયોજનો દ્વારા તેની ઓળખ દેશ અને દુનિયામાં બને. આ માટે પહેલા પણ સતત પ્રયાસો થતા રહ્યા છે. મોટા સ્તર પર બિહુ સાથે જોડાયેલા આયોજન હોય, ઝુમોઈર બિનોન્દિનીની અભિવ્યક્તિ હોય, દિલ્હીમાં સવા વર્ષ પહેલા થયેલો ભવ્ય બોડોલેન્ડ મહોત્સવ હોય, કે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, આસામની કલા સંસ્કૃતિમાં જે અદભૂત આનંદ છે, તે મેળવવાની હું એક પણ તક છોડતો નથી. આજે ફરી એકવાર બાગુરુમ્બાનું આ આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજન બોડો ઓળખનો જીવંત ઉત્સવ છે. આ બોડો સમાજનું અને આસામની વિરાસતનું સન્માન પણ છે. હું આયોજન સાથે જોડાયેલા તમામ લોકો અને વિશેષ રૂપે તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
‘બાગુરુમ્બા દ્વૌઉ’ એ માત્ર એક ઉત્સવ નથી. તે એક માધ્યમ છે - આપણી મહાન બોડો પરંપરાને સન્માન આપવાનું, બોડો સમાજની મહાન વિભૂતિઓને યાદ કરવાનું તે એક માધ્યમ છે. બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મા, ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા, રૂપનાથ બ્રહ્મા, સતીશ ચંદ્ર બસુમતારી, મોરાદમ બ્રહ્મા, કનકેશ્વર નરજરી - એવા અનેક મહાન વ્યક્તિત્વો રહ્યા છે, જેમણે સામાજિક સુધારા, સાંસ્કૃતિક પુનર્જાગરણ અને રાજકીય ચેતનાને મજબૂતી આપી છે. આ અવસરે, હું બોડો સમાજના તમામ મહાન વ્યક્તિત્વોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.
સાથીઓ,
ભાજપ આસામની સંસ્કૃતિને સમગ્ર ભારતનું ગૌરવ માને છે. આસામના ભૂતકાળ અને આસામના ઈતિહાસથી જ ભારતનો ઈતિહાસ પૂર્ણ થાય છે. અને એટલા માટે જ, ભાજપ સરકારમાં બાગુરુમ્બા દ્વૌઉ જેવા આટલા મોટા ભવ્ય ઉત્સવો થાય છે, બિહુને રાષ્ટ્રીય ઓળખ આપવામાં આવે છે, અમારા પ્રયાસોથી ‘ચોરાઈદેઉ મોઈદામ’ને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન મળે છે, અસમિયા ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવામાં આવે છે.
ભાઈઓ બહેનો,
અમે બોડો ભાષાને પણ આસામની એસોસિએટ ઓફિશિયલ લેંગ્વેજ (સહાયક સત્તાવાર ભાષા)નો દરજ્જો આપ્યો છે. બોડો ભાષામાં શિક્ષણને મજબૂત કરવા માટે અલગ નિર્દેશાલયની સ્થાપના પણ કરી છે. અમારા આ જ કમિટમેન્ટ (પ્રતિબદ્ધતા)ને કારણે, બાથોઉ ધર્મને પૂરા સન્માન સાથે માન્યતા મળી છે, બાથોઉ પૂજા પર સ્ટેટ હોલીડે (રાજ્ય રજા) જાહેર કરવામાં આવી છે. આ ભાજપ જ છે જેના શાસનમાં એક તરફ મહાયોદ્ધા લસિત બોરફુકનની ભવ્ય પ્રતિમા સ્થાપિત થાય છે, તો સાથે જ, બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું પણ અનાવરણ થાય છે. તેવી જ રીતે, શ્રીમંત શંકરદેવની ભક્તિ અને સામાજિક સમરસતાની પરંપરા, જ્યોતિ પ્રસાદ અગ્રવાલા જીની કલા અને ચેતના - ભાજપ સરકાર આસામની દરેક વિરાસત, દરેક ગૌરવનું સન્માન કરવું પોતાનું સૌભાગ્ય સમજે છે. સંયોગથી આજે જ્યોતિ પ્રસાદ અગ્રવાલા જીની પુણ્યતિથિ પણ છે. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
સાથીઓ,
આજે જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે મારા મનમાં કેટલું બધું ચાલી રહ્યું છે! હું એ વિચારીને ભાવુક પણ થઈ રહ્યો છું કે, મારું આસામ કેટલું આગળ વધી રહ્યું છે. એક સમય હતો જ્યાં અવારનવાર રક્તપાત થતો હતો, આજે ત્યાં સંસ્કૃતિના અદભૂત રંગો સજ્યા છે! એક સમય હતો જ્યાં ગોળીઓના ગુંજારવ હતા, આજે ત્યાં ‘ખામ’ અને ‘સિફુન્ગ’નો મધુર ધ્વનિ છે. પહેલા જ્યાં કર્ફ્યુનો સન્નાટો હતો, આજે ત્યાં સંગીતના સૂર ગુંજી રહ્યા છે. પહેલા જ્યાં અશાંતિ અને અસ્થિરતા હતી, આજે ત્યાં બાગુરુમ્બાની આવી આકર્ષક પ્રસ્તુતિઓ થવા જઈ રહી છે. આવું ભવ્ય આયોજન એ માત્ર આસામની સિદ્ધિ નથી. આ સિદ્ધિ સમગ્ર ભારતની છે. આસામના આ બદલાવ પર દરેક દેશવાસીને ગર્વ છે.
સાથીઓ,
મને સંતોષ છે કે મારા અસમિયા લોકોએ, મારા બોડો ભાઈ-બહેનોએ, આ માટે મારા પર ભરોસો મૂક્યો. તમે ડબલ એન્જિન સરકારને શાંતિ અને વિકાસની જે જવાબદારી આપી, તમારા આશીર્વાદથી અમે તેને પૂરી કરીને બતાવી છે. 2020ના બોડો શાંતિ કરારે વર્ષોથી ચાલ્યા આવતા સંઘર્ષ પર વિરામ લગાવ્યો. આ કરાર પછી ભરોસો પાછો આવ્યો અને હજારો યુવાનોએ હિંસાનો રસ્તો છોડીને મુખ્યધારા અપનાવી લીધી. કરાર પછી બોડો ક્ષેત્રમાં શિક્ષણ અને વિકાસની નવી તકો તૈયાર થઈ. શાંતિ માત્ર કાયદો અને વ્યવસ્થા સુધી સીમિત ન રહી, પરંતુ રોજબરોજના જીવનનો હિસ્સો બની, અને એમાં તમારા પ્રયાસોની સૌથી મોટી ભૂમિકા રહી.
સાથીઓ,
આસામની શાંતિ, આસામનો વિકાસ અને આસામનું ગૌરવ - આ બધાના કેન્દ્રમાં જો કોઈ હોય, તો તે આસામનો યુવાન છે. આસામના યુવાનોએ શાંતિ સ્થાપના માટે જે રાહ પસંદ કરી છે, તેને મારે અને આપણે સૌએ ઉજ્જવળ ભવિષ્ય સુધી લઈ જવાની છે. શાંતિ કરાર પછીથી જ અમારી સરકાર બોડોલેન્ડના વિકાસ માટે સતત કામ કરી રહી છે. સરકારે પુનર્વસનની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધારી છે, હજારો યુવાનોને કરોડો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે, જેથી તેઓ એક નવી શરૂઆત કરી શકે!
સાથીઓ,
ભાજપ સરકારના પ્રયાસોનું પરિણામ આજે આપણી સૌની સામે છે. મારા પ્રતિભાશાળી બોડો યુવાનો આજે આસામના સાંસ્કૃતિક દૂતો બની રહ્યા છે. રમતગમતના ક્ષેત્રમાં પણ બોડો સમાજના દીકરા-દીકરીઓ નામ રોશન કરી રહ્યા છે. તેઓ આજે નવા વિશ્વાસ સાથે ખુલીને નવા સપના જોઈ રહ્યા છે, પોતાના સપના પૂરા કરી રહ્યા છે, અને આસામના વિકાસને પણ ગતિ આપી રહ્યા છે.
સાથીઓ,
જ્યારે આપણે આસામની કલા, સંસ્કૃતિ અને ઓળખનું સન્માન કરીએ છીએ, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમને તકલીફ થાય છે. આપ સૌ જાણો છો, આસામનું સન્માન કઈ પાર્ટીના લોકોને ગમતું નથી? જવાબ એક જ છે - કોંગ્રેસ પાર્ટી! તે કઈ પાર્ટી છે જેણે ભૂપેન હજારિકા જીને ભારત રત્ન આપવાનો વિરોધ કર્યો હતો? કોંગ્રેસ પાર્ટી! આસામમાં સેમીકન્ડક્ટર યુનિટનો વિરોધ કઈ પાર્ટીએ કર્યો હતો? ખુદ કોંગ્રેસની કર્ણાટક સરકારના એક મંત્રીએ, જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના પુત્ર પણ છે. તેમણે સેમીકન્ડક્ટર યુનિટ આસામમાં કેમ લાગી રહ્યું છે, તેનો વિરોધ કર્યો.
સાથીઓ,
આજે પણ જ્યારે હું આસામની સંસ્કૃતિ સાથે જોડાયેલી કોઈ વસ્તુ પહેરું છું, જો ‘ગમછો’ મારી સાથે હોય છે, તો કઈ પાર્ટી આસામની મજાક ઉડાવે છે? કોંગ્રેસ પાર્ટી.
ભાઈઓ બહેનો,
આસામ અને બોડોલેન્ડ ક્ષેત્ર આટલા દાયકાઓ સુધી મુખ્યધારાથી કપાયેલું રહ્યું, તેની જવાબદારી માત્ર અને માત્ર કોંગ્રેસની જ છે. કોંગ્રેસે પોતાના રાજકીય ફાયદા માટે આસામમાં અસ્થિરતા પેદા કરી, કોંગ્રેસે આસામને હિંસાની આગમાં ધકેલ્યું. આઝાદી પછી આસામ સામે પણ પોતાના પડકારો હતા! પરંતુ, કોંગ્રેસે શું કર્યું? કોંગ્રેસે તે સમસ્યાઓના ઉકેલ શોધવાને બદલે તેના પર રાજકીય રોટલા શેક્યા. જરૂર વિશ્વાસની હતી પણ કોંગ્રેસે વિભાજનને વધાર્યું. જરૂર સંવાદની હતી, પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી, વાતચીતના રસ્તા બંધ કર્યા! ખાસ કરીને બોડોલેન્ડ ક્ષેત્ર અને બોડોલેન્ડના લોકોનો અવાજ ક્યારેય સરખી રીતે સાંભળવામાં જ ન આવ્યો. જ્યારે જરૂર પોતાના લોકોના જખમ રૂઝવવાની હતી, જ્યારે જરૂર આસામના લોકોની સેવા કરવાની હતી, કોંગ્રેસ ત્યારે ઘૂસણખોરો માટે આસામના દરવાજા ખોલીને તેમના સ્વાગતમાં લાગેલી હતી.
સાથીઓ,
કોંગ્રેસ આસામના લોકોને પોતાના માનતી નથી. કોંગ્રેસના લોકોને વિદેશી ઘૂસણખોરો વધારે ગમે છે, કારણ કે તેઓ અહીં આવીને કોંગ્રેસની કટ્ટર વોટબેંક બની જાય છે. એટલા માટે કોંગ્રેસના રાજમાં વિદેશી ઘૂસણખોરો આવતા રહ્યા, આસામની લાખો વીઘા જમીન પર કબજો કરતા રહ્યા, અને કોંગ્રેસ સરકાર તેમની મદદ કરતી રહી. મને ખુશી છે કે આજે હેમંતા જીની સરકાર આસામના લોકોના હકની લાખો વીઘા જમીનને ઘૂસણખોરોથી મુક્ત કરાવી રહી છે.
સાથીઓ,
કોંગ્રેસે હંમેશા આસામ અને સમગ્ર પૂર્વોત્તરને ઉપેક્ષાની નજરથી જોયું છે. જે કોંગ્રેસના લોકો પૂર્વોત્તરનો વિકાસ જ જરૂરી નહોતા માનતા, તેમનું ધ્યાન આખરે આસામના વિકાસ પર કેવી રીતે જાય? બોડો ક્ષેત્રની આશાઓ-અપેક્ષાઓ વિશે વિચારવાની તેમને ફુરસદ ક્યાંથી હોય? એટલા માટે, કોંગ્રેસ સરકારોએ જાણી જોઈને આ ક્ષેત્રને મુસીબતોમાં ધકેલ્યું.
ભાઈઓ બહેનો,
કોંગ્રેસના એ પાપોને સાફ કરવાનું કામ પણ અમારી ડબલ એન્જિન સરકાર કરી રહી છે. આજે અહીં જે રફતારથી વિકાસ થઈ રહ્યો છે, તે તમારી સામે છે. તમે જુઓ, અમે ‘બોડો-કચારી વેલ્ફેર ઓટોનોમસ કાઉન્સિલ’નું ગઠન કર્યું. બોડોલેન્ડ ક્ષેત્રમાં બહેતર વિકાસ માટે 1500 કરોડ રૂપિયાનું વિશેષ વિકાસ પેકેજ આપવામાં આવ્યું. કોકરાઝારમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની શરૂઆત થઈ. તામુલપુરમાં પણ મેડિકલ કોલેજના નિર્માણને ગતિ મળી. નર્સિંગ કોલેજ અને પેરા-મેડિકલ સંસ્થાઓ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરવામાં આવી. ગોબરધના, પારબતઝોરા અને હોરિસિંગા જેવા ક્ષેત્રોમાં પોલિટેકનિક અને ટ્રેનિંગ સંસ્થાઓ પણ બનાવવામાં આવી.
સાથીઓ,
બોડોલેન્ડ માટે અલગ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ અને બોડોલેન્ડ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજની સ્થાપના પણ કરવામાં આવી. આનાથી બોડો સમુદાયના કલ્યાણ માટે વધુ સારી નીતિઓ બનાવવામાં મદદ મળી રહી છે.
સાથીઓ,
ભાજપની સરકારે દિલોની દૂરીઓ મિટાવી છે, આસામ અને દિલ્હીનું અંતર ખતમ કર્યું છે, અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આસામમાં એક વિસ્તારથી બીજા વિસ્તારનું અંતર પણ ઓછું કરી રહી છે. જે વિસ્તારોમાં પહેલા પહોંચવું મુશ્કેલ હતું, આજે ત્યાં હાઈવે બની રહ્યા છે. એવા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે જેનાથી આ ક્ષેત્રમાં નવી તકો ખુલે. કોકરાઝારને ભૂતાન સરહદ સાથે જોડતા બિમુરી-સરાલપારા રોડ પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોકરાઝારથી ભૂતાનના ગેલેફુ સુધીનો પ્રસ્તાવિત રેલ પ્રોજેક્ટ પણ એક બીજું મહત્વનું પગલું છે. અમે તેને વિશેષ રેલવે પ્રોજેક્ટ જાહેર કર્યો છે. અમે તેને ‘એક્ટ ઈસ્ટ પોલિસી’નો મહત્વનો હિસ્સો બનાવ્યો છે. આ તૈયાર થયા પછી વેપાર અને પર્યટન બંનેને પ્રોત્સાહન મળશે.
સાથીઓ,
જ્યારે સમાજ પોતાના મૂળિયા સાથે જોડાયેલો રહે છે, જ્યારે સંવાદ અને ભરોસો મજબૂત થાય છે, અને જ્યારે સમાન તકો દરેક વર્ગ સુધી પહોંચે છે, ત્યારે સકારાત્મક બદલાવ દેખાય છે. આસામ અને બોડોલેન્ડની યાત્રા તે જ દિશામાં આગળ વધી રહી છે. આસામનો આત્મવિશ્વાસ, આસામનું સામર્થ્ય અને આસામની પ્રગતિથી ભારતની ગ્રોથ સ્ટોરી (વિકાસ ગાથા)ને નવી શક્તિ મળી રહી છે. આજે આસામ ઝડપથી આગળ વધનારા રાજ્યોમાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે. આસામની અર્થવ્યવસ્થા ગતિ પકડી રહી છે. આ વિકાસમાં, આ બદલાવમાં બોડોલેન્ડ અને અહીંના લોકો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હું ફરી એકવાર આજના આયોજન માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2215739)
आगंतुक पटल : 8