નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) ખરડો, 2025 સંસદ દ્વારા પસાર; વીમા કંપનીઓમાં 100% સુધી FDIની છૂટ આપવામાં આવી


વીમા કવચને વધુ વ્યાપક બનાવવા, વ્યવસાય કરવાની સરળતા (Ease of doing business) પ્રદાન કરવા અને નિયમનકારી દેખરેખ તથા ગવર્નન્સમાં સુધારો કરવા માટેનો ખરડો

મૂડીમાં વૃદ્ધિ, અદ્યતન ટેકનોલોજીનો સ્વીકાર અને વીમા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓનો લાભ લેવામાં આવશે

વધતી જતી સ્પર્ધા નાગરિકો માટે ઉત્પાદનો અને સેવાઓમાં કાર્યક્ષમતા લાવશે

વિદેશી પુનઃવીમા શાખાઓ (Foreign Reinsurance Branches) માટે 'નેટ ઓન્ડ ફંડ' (Net Owned Fund) ની જરૂરિયાત 5,000 કરોડથી ઘટાડીને 1,000 કરોડ કરવામાં આવી

પોલિસીધારકોમાં વીમા અંગે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત ફંડ 'પોલિસીધારક શિક્ષણ અને સુરક્ષા ભંડોળ'

प्रविष्टि तिथि: 18 DEC 2025 5:15PM by PIB Ahmedabad

સબકા બીમા સબકી રક્ષા (વીમા કાયદામાં સુધારો) ખરડો, 2025 સંસદ દ્વારા 17.12.2025 ના રોજ પસાર કરવામાં આવ્યો છે. ખરડો વીમા ક્ષેત્રને લગતા ત્રણ કાયદાઓમાં સુધારો કરે છે, જેમાં વીમા અધિનિયમ, 1938, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) અધિનિયમ, 1956 અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અધિનિયમ, 1999 નો સમાવેશ થાય છે.

 

ખરડાની મુખ્ય વિશેષતાઓમાંની એક વીમા કંપનીઓમાં 100% સુધી સીધા વિદેશી રોકાણ (FDI) ની મંજૂરી આપવાની છે, જે ભારતમાં વધુ વિદેશી કંપનીઓ માટે દરવાજા ખોલશે. આનાથી મૂડીમાં વૃદ્ધિ, અદ્યતન ટેકનોલોજી અપનાવવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ લાવવાની સાથે રોજગારીની તકો વધારવામાં મદદ મળશે. વધતી જતી સ્પર્ધા ઉત્પાદનો અને સેવાઓમાં કાર્યક્ષમતા લાવશે જે નાગરિકો માટે ફાયદાકારક સાબિત થશે.

 

મધ્યસ્થીઓ (Intermediaries) માટે વન-ટાઇમ લાયસન્સિંગની જોગવાઈ દાખલ કરીને અને લાયસન્સ સીધું રદ કરવાને બદલે સસ્પેન્ડ કરવાની જોગવાઈ દ્વારા વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વીમા કંપનીઓ માટે, શેર મૂડીના ટ્રાન્સફર માટે પૂર્વ નિયમનકારી મંજૂરી મેળવવાની મર્યાદા 1% થી વધારીને 5% કરવામાં આવી છે, વિદેશી પુનઃવીમા શાખાઓ માટે 'નેટ ઓન્ડ ફંડ' ની જરૂરિયાત 5,000 કરોડ રૂપિયાથી ઘટાડીને 1,000 કરોડ રૂપિયા કરવામાં આવી છે. LIC ને દેશમાં ઝોનલ ઓફિસો ખોલવા અને તેની વિદેશી કચેરીઓને તેમના સંબંધિત અધિકારક્ષેત્રના કાયદા અને નિયમો સાથે સુસંગત બનાવવા માટે સ્વાયત્તતા આપવામાં આવી છે.

 

પોલિસીધારકોના હિતોનું રક્ષણ કરવા માટે, વીમા વિશે જાગૃતિ ફેલાવવા માટે 'પોલિસીધારક શિક્ષણ અને સુરક્ષા ભંડોળ' નામનું સમર્પિત ફંડ ઊભું કરવામાં આવશે. પોલિસીધારકોના ડેટા હવે DPDP એક્ટ 2023 મુજબ એકત્રિત અને સુરક્ષિત રાખવા જરૂરી રહેશે.

 

નિયમન બનાવવા માટે પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા (SOP) રજૂ કરીને અને પરામર્શ પ્રક્રિયાને ફરજિયાત બનાવીને નિયમનકારી ગવર્નન્સને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. IRDAI ને વીમા કંપનીઓ અને મધ્યસ્થીઓ દ્વારા મેળવેલા ખોટા નફાને જપ્ત કરવાની સત્તા આપવામાં આવી રહી છે. દંડને તર્કસંગત બનાવવામાં આવી રહ્યા છે અને દંડ લાદવા માટેના પરિબળો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે.

સુધારાઓનો ઉદ્દેશ્ય લોકો, પરિવારો અને સાહસો સુધી વીમા કવચનો વિસ્તાર કરવાનો, વીમાની પહોંચ ઊંડી બનાવવી, વ્યવસાય કરવાની સરળતા પ્રદાન કરવી અને નિયમનકારી દેખરેખ તથા શાસનમાં સુધારો કરવાનો છે. તમામ પગલાં ભારતીય અર્થવ્યવસ્થાને નાણાકીય સ્થિતિસ્થાપકતા પ્રદાન કરવા માટે ભારતીય વીમા ક્ષેત્રને મજબૂત બનાવશે.

SM/BS/GP/JD

 


(रिलीज़ आईडी: 2206151) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Khasi , English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Odia , Telugu , Malayalam