પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 550મા વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
28 NOV 2025 7:14PM by PIB Ahmedabad
પરતગાલી જિવોત્તમ મઠાચ્યા, સગળ્ય, ભક્તાંક, આની અનુયાયાંક, મોગાચો નમસ્કાર.
શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠના 24મા મહંત, શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામીજી, રાજ્યપાલ શ્રીમાન અશોક ગજપતિ રાજુજી, લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ પ્રમોદ સાવંતજી, મઠ સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીનિવાસ ડેમ્પોજી, ઉપાધ્યક્ષ શ્રી આર આર કામતજી, કેન્દ્રમાં મારા સહયોગી શ્રી શ્રીપાદ નાઈકજી, દિગંબર કામતજી, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
આજના આ પાવન અવસરથી મન ગહન શાંતિથી ભરાઈ ગયું છે. સાધુ સંતોના સાનિધ્યમાં બેસવું એ પોતાનામાં એક આધ્યાત્મિક અનુભવ હોય છે. અહીં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યા આ મઠની સદીઓ જૂની જીવંત શક્તિને વધુ વધારી રહી છે. હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું, કે આજે આ સમારોહમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું. અહીં આવતા પહેલા મને રામ મંદિર અને વીર વિઠ્ઠલ મંદિરના દર્શનનું સૌભાગ્ય મળ્યું. તે શાંતિ, તે વાતાવરણે આ સમારોહની આધ્યાત્મિકતાને વધુ ગાઢ બનાવી દીધી.
સાથીઓ,
શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠ તેની સ્થાપનાની 550મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. આ ખૂબ જ ઐતિહાસિક અવસર છે. વીતેલા 550 વર્ષોમાં આ સંસ્થાએ સમયના કેટલાય ચક્રવાતો સહન કર્યા છે. યુગ બદલાયો, દોર બદલાયો, દેશ અને સમાજમાં ઘણા પરિવર્તન થયા, પરંતુ બદલાતા યુગો અને પડકારો વચ્ચે પણ આ મઠે પોતાની દિશા ગુમાવી નથી. બલ્કે આ મઠ લોકોને દિશા આપનારું કેન્દ્ર બનીને ઉભર્યો, અને આ જ તેની સૌથી મોટી ઓળખ છે. તે ઇતિહાસમાં મૂળ ધરાવતો હોવા છતાં સમયની સાથે ચાલતો રહ્યો. આ મઠની સ્થાપના જે ભાવનાથી થઈ હતી, તે ભાવના આજે પણ એટલી જ જીવંત દેખાય છે. આ ભાવના સાધનાને સેવા સાથે જોડે છે, પરંપરાને લોક કલ્યાણ સાથે જોડે છે. આ મઠ પેઢી દર પેઢી સમાજને આ સમજ આપતો રહ્યો, કે અધ્યાત્મનો મૂળ ઉદ્દેશ્ય જીવનને સ્થિરતા, સંતુલન અને મૂલ્યો પ્રદાન કરવાનો છે. મઠની 550 વર્ષની યાત્રા તે શક્તિનો પ્રમાણ છે, જે સમાજને કઠિન સમયમાં પણ સંભાળીને રાખે છે. હું અહીંના મઠાધિપતિ, શ્રીમદ વિદ્યાધીશ તીર્થ સ્વામી જી, સમિતિના તમામ સભ્યો, અને આ આયોજન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને, આ ઐતિહાસિક અવસરની અનેક-અનેક શુભકામનાઓ આપું છું.
સાથીઓ,
જ્યારે કોઈ સંસ્થા સત્ય અને સેવા પર ઊભી હોય છે, તો તે સમયના બદલાવથી ડગતી નથી, બલ્કે સમાજને ટકી રહેવાની શક્તિ આપે છે. આજે આ જ પરંપરાને આગળ વધારતા આ મઠ એક નવો અધ્યાય લખી રહ્યો છે. અહીં ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી ભવ્ય કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલા જ, મને અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરના શિખર પર ધર્મધ્વજ આરોહણનું સૌભાગ્ય મળ્યું છે. અને આજે અહીં પ્રભુ શ્રીરામની ભવ્ય મૂર્તિના અનાવરણનો સુ-અવસર મળ્યો છે. આજે રામાયણ પર આધારિત એક થીમ પાર્કનું ઉદ્ઘાટન પણ થયું છે.
સાથીઓ,
આજે આ મઠ સાથે જે નવા આયામો જોડાયા છે, તે આવનારી પેઢીઓ માટે જ્ઞાન, પ્રેરણા અને સાધનાના સ્થાયી કેન્દ્ર બનવા જઈ રહ્યા છે. અહીં વિકસિત થઈ રહેલું સંગ્રહાલય, અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ 3D થિયેટર, આ બધા દ્વારા આ મઠ પોતાની પરંપરાને સંરક્ષિત કરી રહ્યો છે. નવી પેઢીને પોતાની પરંપરાઓ સાથે જોડી રહ્યો છે. તેવી જ રીતે, 550 દિવસોમાં દેશભરના લાખો શ્રદ્ધાળુઓની ભાગીદારીથી થયેલ શ્રીરામ નામ જપ-યજ્ઞ અને તેનાથી જોડાયેલી રામ રથ યાત્રા, આપણા સમાજમાં ભક્તિ અને અનુશાસનની સામૂહિક ઊર્જાનું પ્રતીક બની છે. આ જ સામૂહિક ઊર્જા આજે દેશના દરેક ખૂણામાં એક નવી ચેતનાનો સંચાર કરી રહી છે.
સાથીઓ,
અધ્યાત્મને આધુનિક ટેકનોલોજીથી જોડતી વ્યવસ્થાઓ, આ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. હું આ નિર્માણ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ વિરાટ ઉત્સવમાં, આ વિશેષ અવસરના પ્રતીક રૂપે, સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ પણ જારી કરવામાં આવ્યા છે. આ સન્માન તે આધ્યાત્મિક શક્તિને સમર્પિત છે, જેણે સદીઓથી સમાજને જોડીને રાખ્યો છે.
સાથીઓ,
આ શ્રી મઠને, નિરંતર પ્રવાહમાન રહેવાની શક્તિ, તે મહાન ગુરુ-પરંપરાથી મળી છે, જેણે દ્વૈત વેદાંતની દિવ્ય ભાવભૂમિને સ્થાપિત કરી હતી. શ્રીમદ નારાયણતીર્થ સ્વામીજી દ્વારા, 1475 માં સ્થાપિત આ મઠ તે જ્ઞાન-પરંપરાનું વિસ્તરણ છે. અને તેનો મૂળ સ્ત્રોત જગદગુરુ શ્રી મધવાચાર્ય જેવા અદ્વિતીય આચાર્ય છે. હું આ આચાર્યોના ચરણોમાં શિર નમાવીને પ્રણામ કરું છું. આ પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે ઉડુપી અને પરતગાલી, બંને મઠ એક જ આધ્યાત્મિક સરિતાની જીવંત ધારાઓ છે. ભારતના આ પશ્ચિમી કિનારાની સાંસ્કૃતિક ધારાને દિશા આપનારી ગુરુ-શક્તિ પણ આ જ છે. અને મારા માટે, આ પણ એક વિશેષ સંયોગ છે, કે એક જ દિવસે મને આ પરંપરાથી જોડાયેલા બે કાર્યક્રમોમાં સંમિલિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સાથીઓ,
આપણે સૌને ગર્વ છે કે આ પરંપરાથી જોડાયેલા પરિવારોએ, પેઢી દર પેઢી અનુશાસન, જ્ઞાન, પરિશ્રમ અને ઉત્કૃષ્ટતાને જીવનનો આધાર બનાવ્યો છે. વેપારથી લઈને નાણાં સુધી, શિક્ષણથી લઈને ટેકનોલોજી સુધી, જે પ્રતિભા, નેતૃત્વ અને કાર્ય-નિષ્ઠા તેમનામાં દેખાય છે, તેની પાછળ આ જ જીવન-દૃષ્ટિની ઊંડી છાપ મળે છે. આ પરંપરાથી જોડાયેલા પરિવારો, વ્યક્તિઓની સફળતાની અનેક પ્રેરક ગાથાઓ છે. તે સૌની સફળતાઓના મૂળ વિનમ્રતા, સંસ્કાર અને સેવામાં દેખાય છે. આ મઠ તે મૂલ્યોને સ્થિર રાખનારી આધાર-શિલા રહ્યો છે, અને અમને વિશ્વાસ છે કે આગળ પણ, આવનારી પેઢીઓને આ મઠ આમ જ ઊર્જા આપતો રહેશે.
સાથીઓ,
આ ઐતિહાસિક મઠની એક બીજી વિશેષતાનો ઉલ્લેખ આજે આવશ્યક છે. આ મઠની એક ઓળખ, તે સેવા ભાવના છે જેણે સદીઓથી સમાજના દરેક વર્ગને ટેકો આપ્યો છે. સદીઓ પહેલા જ્યારે આ ક્ષેત્ર પર વિપરીત પરિસ્થિતિઓ આવી, જ્યારે લોકોને પોતાના ઘર-પરિવાર છોડીને નવા પ્રદેશોમાં શરણ લેવી પડી, ત્યારે આ જ મઠે સમુદાયને ટેકો આપ્યો. તેમને સંગઠિત કર્યા અને નવા સ્થાનો પર મંદિરો, મઠો અને આશ્રય સ્થળોની સ્થાપના કરી. આ મઠે ધર્મની સાથે-સાથે માનવતા અને સંસ્કૃતિની પણ રક્ષા કરી. સમયની સાથે મઠની સેવા-ધારા વધુ વિસ્તૃત થતી ગઈ. આજે શિક્ષણથી લઈને છાત્રાલયો સુધી, વૃદ્ધ સેવાથી લઈને જરૂરિયાતમંદ પરિવારોની સહાયતા સુધી, આ મઠે પોતાના સંસાધનોને હંમેશા લોક-કલ્યાણ માટે સમર્પિત રાખ્યા છે. અલગ-અલગ રાજ્યોમાં બનેલા છાત્રાલયો હોય, આધુનિક વિદ્યાલયો હોય, કે કઠિન સમયમાં લોકોને રાહત આપનારા સેવા-કાર્ય, દરેક પહેલ આ વાતનો પ્રમાણ છે કે અધ્યાત્મ અને સેવા જ્યારે સાથે ચાલે છે, તો સમાજને સ્થિરતા પણ મળે છે અને આગળ વધવાની પ્રેરણા પણ મળે છે.
સાથીઓ,
એવો સમય પણ આવ્યો, જ્યારે ગોવાના મંદિરો અને સ્થાનિક પરંપરાઓને સંકટનો સામનો કરવો પડ્યો. જ્યારે ભાષા અને સાંસ્કૃતિક ઓળખ પર દબાણ બન્યું. પરંતુ આ પરિસ્થિતિઓ સમાજની આત્માને કમજોર ન કરી શકી, બલ્કે તેને વધુ દૃઢ બનાવી. ગોવાની આ જ વિશેષતા છે કે અહીંની સંસ્કૃતિએ, દરેક બદલાવમાં પોતાના મૂળ સ્વરૂપને જાળવી રાખ્યું અને સમયની સાથે પુનર્જીવિત પણ કર્યું. આમાં પરતગાલી મઠ જેવી સંસ્થાઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
સાથીઓ,
આજે ભારત એક અદ્ભુત સાંસ્કૃતિક પુનર્જાગરણનો સાક્ષી બની રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરનું પુનર્સ્થાપન, કાશી વિશ્વનાથ ધામનું ભવ્ય પુનરુધ્ધાર, અને ઉજ્જૈનમાં મહાકાલ મહાલોકનું વિસ્તરણ, આ બધું આપણા રાષ્ટ્રની તે જાગૃતિને પ્રગટ કરે છે જે પોતાની આધ્યાત્મિક ધરોહરને નવી શક્તિ સાથે ઉભારી રહી છે. રામાયણ સર્કિટ, કૃષ્ણ સર્કિટ, ગયાજીના વિકાસ કાર્યો, અને કુંભ મેળાનું અભૂતપૂર્વ પ્રબંધન, આ બધા ઉદાહરણો દર્શાવે છે કે આજનો ભારત, પોતાની સાંસ્કૃતિક ઓળખને નવા સંકલ્પો અને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધારી રહ્યો છે. આ જાગૃતિ ભવિષ્યની પેઢીઓને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપે છે.
સાથીઓ,
ગોવાની આ પવિત્ર ભૂમિનું પોતાનું એક વિશિષ્ટ આધ્યાત્મિક સ્વરૂપ પણ છે. અહીં સદીઓથી ભક્તિ, સંત-પરંપરા અને સાંસ્કૃતિક સાધનાનો સતત પ્રવાહ વહેતો રહ્યો છે. આ ધરતી પ્રાકૃતિક સૌંદર્યની સાથે-સાથે **'દક્ષિણ કાશી'**ની ઓળખ પણ સંજોએલી છે. પરતગાલી મઠે આ ઓળખને વધુ ઊંડાઈ આપી છે. આ મઠનો સંબંધ કોંકણ અને ગોવા સુધી સીમિત નથી. તેની પરંપરા દેશના વિવિધ હિસ્સાઓ, અને કાશીની પવિત્ર ભૂમિ સાથે પણ જોડાયેલી છે. કાશીનો સાંસદ હોવાના નાતે મારા માટે આ વધુ ગર્વની વાત છે. સંસ્થાપક આચાર્ય શ્રી નારાયણ તીર્થે ઉત્તર ભારતની પોતાની યાત્રાઓ દરમિયાન કાશીમાં પણ એક કેન્દ્ર સ્થાપિત કર્યું હતું. જેનાથી આ મઠની આધ્યાત્મિક ધારાનું વિસ્તરણ દક્ષિણથી ઉત્તર સુધી થયું. આજે પણ કાશીમાં તેમના દ્વારા સ્થાપિત કેન્દ્ર, સમાજ સેવાનું માધ્યમ બનેલું છે.
સાથીઓ,
આજે જ્યારે આ પવિત્ર મઠના 550 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે આપણે ઇતિહાસનો ઉત્સવ મનાવવાની સાથે જ ભવિષ્યની દિશા પણ નક્કી કરી રહ્યા છીએ. વિકસિત ભારતનો રસ્તો એકતાથી થઈને જાય છે. જ્યારે સમાજ જોડાય છે, જ્યારે દરેક ક્ષેત્ર-દરેક વર્ગ એક સાથે ઊભો રહે છે, ત્યારે જ રાષ્ટ્ર મોટી છલાંગ લગાવે છે. શ્રી સંસ્થાન ગોકર્ણ પરતગાલી જીવોત્તમ મઠનું પ્રમુખ ધ્યેય લોકોને જોડવાનું, મનને જોડવાનું, પરંપરા અને આધુનિકતાની વચ્ચે સેતુ બનાવવાનું છે. એટલા માટે વિકસિત ભારતની યાત્રામાં આ મઠ, એક પ્રમુખ પ્રેરણા કેન્દ્રની ભૂમિકામાં પણ છે.
સાથીઓ,
જેમની સાથે મારો સ્નેહ હોય છે, ત્યાં હું આદરપૂર્વક કેટલાક આગ્રહ કરું છું. જેમ પૂજ્ય સ્વામીજીએ મને એક કામ આપી દીધું એકાદશીનું. તે તો સંત છે, તો એકમાં માની જાય છે, પણ હું એકમાં માનવાવાળાઓમાંથી નથી, અને એટલે આજે તમારી વચ્ચે આવ્યો છું, તો મારા મનમાં સહજ જ કેટલીક વાતો આવી રહી છે, જેને હું તમારી સાથે વહેંચવા માંગુ છું. હું તમારી પાસે 9 આગ્રહ કરવા માંગુ છું, જેને તમારા સંસ્થાનના માધ્યમથી જન-જન સુધી પહોંચાડી શકાય છે. આ આગ્રહ, 9 સંકલ્પની જેમ છે. વિકસિત ભારતનું સપનું ત્યારે જ પૂરું થશે જ્યારે આપણે પર્યાવરણની રક્ષાને આપણો ધર્મ માનીએ. ધરતી આપણી માતા છે, અને મઠોની શિક્ષા આપણને પ્રકૃતિનું સન્માન કરવું શીખવે છે. એટલે આપણો પહેલો સંકલ્પ હોવો જોઈએ, કે આપણે જળ સંરક્ષણ કરવું છે, પાણી બચાવવું છે, નદીઓને બચાવવાની છે. આપણો બીજો સંકલ્પ હોવો જોઈએ, કે આપણે વૃક્ષો વાવીશું. દેશભરમાં એક પેડ મા કે નામ, અભિયાનને ગતિ મળી રહી છે. આ અભિયાનની સાથે જો આ સંસ્થાનનું સામર્થ્ય જોડાઈ જશે, તો તેની અસર વધુ વ્યાપક થશે. આપણો ત્રીજો સંકલ્પ હોવો જોઈએ, સ્વચ્છતાનું મિશન. આજે જ્યારે હું મંદિર પરિસરમાં ગયો, તો ત્યાંની વ્યવસ્થા, ત્યાંનું architecture, ત્યાંની સ્વચ્છતા મારા મનને ખૂબ પ્રભાવિત કરી ગઈ. મેં સ્વામીજીને કહ્યું પણ, કેટલી શાનદાર રીતે આટલું સંભાળ્યું છે. આપણી દરેક ગલી, મોહલ્લો, શહેર સ્વચ્છ હોવો જોઈએ. ચોથા સંકલ્પ તરીકે આપણે સ્વદેશીને અપનાવવું પડશે. આજે ભારત આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના મંત્ર પર આગળ વધી રહ્યું છે. આજે દેશ કહી રહ્યો છે, Vocal for Local, આપણે પણ આ સંકલ્પને લઈને આગળ વધવાનું છે.
સાથીઓ,
આપણો પાંચમો સંકલ્પ હોવો જોઈએ, દેશ દર્શન. આપણે દેશના અલગ-અલગ હિસ્સાઓને જાણવા-સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. છઠ્ઠા સંકલ્પ તરીકે આપણે નેચરલ ફાર્મિંગને આપણા જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. આપણો સાતમો સંકલ્પ હોવો જોઈએ, કે આપણે હેલ્ધી લાઇફ સ્ટાઇલને અપનાવીશું. આપણે શ્રી અન્ન-મિલેટ્સ અપનાવીશું અને ખાવામાં તેલની 10 ટકા માત્રા ઓછી કરીશું. આઠમા સંકલ્પ તરીકે આપણે યોગ અને રમતગમતને અપનાવવું પડશે. અને નવમા સંકલ્પ તરીકે આપણે કોઈના કોઈ રૂપમાં ગરીબની સહાયતા કરીશું. જો એક પરિવાર પણ ગોદ લઈ લે ને આપણે, જોતજોતામાં હિન્દુસ્તાનનું રૂપ રંગ બદલાઈ જશે.
સાથીઓ,
આપણા મઠ આ સંકલ્પને જનસંકલ્પ બનાવી શકે છે. આ મઠનો 550 વર્ષનો અનુભવ આપણને જણાવે છે, પરંપરા જો જીવિત રહે, તો સમાજ આગળ વધે છે, અને પરંપરા ત્યારે જ જીવિત રહે છે, જ્યારે તે સમયની સાથે પોતાની જવાબદારી વધારે છે. આ મઠે 550 વર્ષોમાં સમાજને જે આપ્યું છે, હવે તે જ ઊર્જા આપણે આવનારા ભારતના નિર્માણમાં લગાવવાની છે.
સાથીઓ,
ગોવાની આ ભૂમિનું આધ્યાત્મિક ગૌરવ જેટલું વિશિષ્ટ છે, તેટલો જ પ્રભાવી તેનો આધુનિક વિકાસ પણ છે. ગોવા દેશના તે રાજ્યોમાંથી છે જ્યાં પ્રતિ વ્યક્તિ આવક સૌથી વધુ છે, દેશના પ્રવાસન, ફાર્મા અને સર્વિસ સેક્ટરમાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે. હાલના વર્ષોમાં, શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ગોવાએ નવી સિદ્ધિઓને હાંસલ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવી રહ્યા છે. હાઇવે, એરપોર્ટ અને રેલ કનેક્ટિવિટીના વિસ્તારથી, શ્રદ્ધાળુઓ અને પર્યટકો, બંને માટે યાત્રા વધુ સુગમ થઈ છે. વિકસિત ભારત 2047ના આપણા રાષ્ટ્રીય વિઝનમાં પ્રવાસન એક પ્રમુખ હિસ્સો છે, અને ગોવા તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
સાથીઓ,
ભારત આજે એક નિર્ણાયક દોરમાંથી પસાર થઈ રહ્યું છે. દેશની યુવા શક્તિ, આપણો વધતો આત્મવિશ્વાસ, અને સાંસ્કૃતિક મૂળ પ્રત્યેનો આપણો ઝુકાવ, આ બધું મળીને એક નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. વિકસિત ભારતનો આપણો સંકલ્પ ત્યારે જ પૂરો થશે, જ્યારે અધ્યાત્મ, રાષ્ટ્ર-સેવા અને વિકાસની ત્રણેય ધારાઓ સાથે ચાલશે. ગોવાની આ ભૂમિ, અને અહીંનો આ મઠ, તે જ દિશામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આજે પૂજ્ય સ્વામીજીએ મારા માટે ખૂબ બધી વાતો જણાવી, ખૂબ બધી વસ્તુઓ માટે તેમણે મને શ્રેય આપ્યો, હું તેમનો ખૂબ આભારી છું, જે ભાવના તેમણે વ્યક્ત કરી, પરંતુ સચ્ચાઈ એ છે કે આ જે કંઈ પણ છે જેને તમે સારું માનો છો, તે મોદીનું નહીં, 140 કરોડ દેશવાસીઓનો, તેમનો સંકલ્પ, તેમનો પુરુષાર્થ, તેનું પરિણામ છે અને આગળ પણ સારા પરિણામ આવવાના જ છે, કારણ કે મારો 140 કરોડ દેશવાસીઓ પર પૂરો ભરોસો છે અને જેમ તમે કહ્યું મારા જીવનના કેટલાક પડાવ એવા છે, જેમાં ગોવા બહુ મહત્વપૂર્ણ સ્થાન પર રહ્યું છે, આ કેવી રીતે થયું હશે તે તો હું નથી જાણતો, પણ આ સચ્ચાઈ છે કે દરેક ટર્નિંગ પોઈન્ટ પર આ ગોવાની ભૂમિ જ મને ક્યાંથી ક્યાં લઈ જતી રહી છે. પરંતુ હું પૂજ્ય સંત શ્રીનો ખૂબ આભારી છું તેમના આશીર્વાદ માટે. હું એકવાર ફરી આપ સૌને આ પવિત્ર અવસર પર હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2196088)
आगंतुक पटल : 4