સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

દેશભરમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનમાં મોટી ભાગીદારી નોંધાઈ


આ અભિયાન હેઠળ 2.83 લાખથી વધુ આરોગ્ય શિબિરો યોજાઈ છે, જેમાં દેશભરમાં 76 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો

Posted On: 21 SEP 2025 6:53PM by PIB Ahmedabad

17 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ કરાયેલ સ્વસ્થ નારી, સશક્ત પરિવારઅભિયાનમાં ભારતભરમાં ભારે ભાગીદારી જોવા મળી રહી છે. જેમાં લાખો મહિલાઓ, બાળકો અને પરિવારો વ્યાપક આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે.

20 સપ્ટેમ્બર 2025 સુધીમાં, અભિયાન હેઠળ 2.83 લાખથી વધુ આરોગ્ય શિબિરો (સ્ક્રીનિંગ અને વિશેષતા શિબિરો) યોજાઈ ચૂક્યા છે, જેમાં દેશભરમાં 76 લાખથી વધુ નાગરિકોનો સમાવેશ થાય છે.

મુખ્ય હાઇલાઇટ્સમાં સામેલ છે:

· હાઇપરટેન્શન અને ડાયાબિટીસ સ્ક્રીનીંગ: 37 લાખથી વધુ નાગરિકોનું હાઇપરટેન્શન માટે અને 35 લાખથી વધુ નાગરિકોનું ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ.

· કેન્સર સ્ક્રીનીંગ: 9 લાખથી વધુ મહિલાઓનું સ્તન કેન્સર માટે અને 4.7 લાખથી વધુ સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. મૌખિક કેન્સર સ્ક્રીનીંગમાં 16 લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

· માતા અને બાળ આરોગ્ય: 18 લાખથી વધુ પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવી છે, જ્યારે 51 લાખથી વધુ બાળકોને જીવનરક્ષક રસીઓ આપવામાં આવી છે.

· એનિમિયા અને પોષણ: 15 લાખથી વધુ લોકોનું એનિમિયા માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. પોષણ પરામર્શ સત્રો લાખો પરિવારો સુધી પહોંચ્યા છે.

· ટીબી અને સિકલ સેલ સ્ક્રીનીંગ: 22 લાખથી વધુ નાગરિકોનું ટીબી માટે અને 2.3 લાખનું સિકલ સેલ રોગ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

· રક્તદાન અને પીએમ-જેએવાય: 1.6 લાખથી વધુ રક્તદાતાઓએ નોંધણી કરાવી છે, સાથે 4.7 લાખ નવા આયુષ્માન/પીએમ-જેએવાય કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

આયુષ્માન આરોગ્ય મંદિરો, એઈમ્સ, રાષ્ટ્રીય મહત્વની અન્ય સંસ્થાઓ (આઈએનઆઈ) સહિત એનએચએમ આરોગ્ય શિબિરોના વ્યાપક નેટવર્ક ઉપરાંત, તૃતીય સંભાળ હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને ખાનગી સંસ્થાઓ પણ આ રાષ્ટ્રીય અભિયાનમાં મોખરે રહી છે. આ સુવિધાઓએ હજારો વિશેષતા શિબિરોનું આયોજન કર્યું છે, જે લાભાર્થીઓને અદ્યતન સ્ક્રીનીંગ, નિદાન, કાઉન્સેલિંગ અને સારવાર સેવાઓ પૂરી પાડે છે, જેનાથી રાજ્ય સરકારો અને સમુદાય-સ્તરના આરોગ્ય કાર્યકરોના પ્રયાસોને પૂરક બનાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારની સંસ્થાઓ, મેડિકલ કોલેજો અને ખાનગી સંસ્થાઓએ કુલ 3410 સ્ક્રીનીંગ અને વિશેષતા આરોગ્ય શિબિરોનું આયોજન કર્યું છે જેનો લાભ 5.8 લાખથી વધુ નાગરિકોને મળ્યો છે.

 

પ્રાદેશિક હાઇલાઇટ્સ

આ અભિયાનને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જન આંદોલન તરીકે ઉજવવામાં આવી રહ્યું છે

· દિલ્હી: સફદરજંગ હોસ્પિટલ, સીજીએચએસ આરકે પુરમ અને આયુષ્માન આરોગ્ય મંદિરોમાં મેગા આરોગ્ય શિબિરોમાં ટીબી, એનસીડી, માનસિક સ્વાસ્થ્ય અને માતૃત્વ તપાસની સુવિધા આપવામાં આવી હતી.

· ગુજરાત: દાહોદ, કચ્છ અને નવસારીમાં કેમ્પોમાં કેન્સર સ્ક્રીનીંગ અને એનસીડી સંભાળ પૂરી પાડવામાં આવી હતી, જેનો સીધો લાભ 42,000 થી વધુ મહિલાઓને મળ્યો હતો.

· જમ્મુ અને કાશ્મીર: શ્રીનગર અને આરએસપુરામાં મેગા આરોગ્ય શિબિરોમાં સેવા પખવાડા હેઠળ મોટી સંખ્યામાં સમુદાયની ભાગીદારી જોવા મળી હતી.

· ઉત્તરપૂર્વ: અરુણાચલના પાપુમ પારેથી મણિપુરના ઇમ્ફાલ સુધી, અભિયાન મફત આરોગ્ય તપાસ અને જાગૃતિ અભિયાન સાથે દૂરના આદિવાસી સમુદાયો સુધી પહોંચ્યું છે.

· ગોવા અને મહારાષ્ટ્ર: પીએચસી અને પંચાયતોએ સક્રિય સમુદાય સંડોવણી સાથે રેલીઓ, સ્ક્રીનીંગ કેમ્પ અને રક્તદાન અભિયાનનું આયોજન કર્યું હતું.

· બિહાર અને ઉત્તર પ્રદેશ: જિલ્લા હોસ્પિટલો અને આયુષ્માન આરોગ્ય મંદિરોમાં હજારો લોકોએ એનસીડી સ્ક્રીનીંગ અને માતૃત્વ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે.

· લદ્દાખ: દૂરના લિંગશેડ ગામમાં કેમ્પોમાં સામાન્ય પરામર્શ, મોતિયાની તપાસ અને માસિક સ્રાવ સ્વચ્છતા જાગૃતિ સત્રો પૂરા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્યસંભાળ કાર્યકરો, રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ અને સામુદાયિક સંગઠનોના અથાક પ્રયાસોની પ્રશંસા કરે છે. જેમની સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાને આગળ ધપાવી રહી છે. 2 ઓક્ટોબર 2025 સુધી સતત સામૂહિક પ્રયાસો સાથે, આ અભિયાનનો ઉદ્દેશ્ય "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર" - સ્વસ્થ મહિલાઓ, મજબૂત પરિવાર અને એક સ્થિતિસ્થાપક રાષ્ટ્ર - સુનિશ્ચિત કરવાનો છે.

SM/IJ/GP/JD


(Release ID: 2169314)