કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
30 APR 2025 11:12AM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ 14 મે, 2025થી સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરે છે.
શ્રી જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ભારતનાં મુખ્ય ન્યાયાધિશ (ડેઝિગ્નેટેડ)

|
ભારતના આદરણીય રાષ્ટ્રપતિએ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈની નિમણૂક માટેના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે અને તે મુજબ તેમની નિમણૂકનું જાહેરનામું ભારત સરકારના ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. શ્રી જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ 14 મે, 2025ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધિશ તરીકેનો કાર્યભાર સંભાળશે.
|
24 નવેમ્બર 1960ના રોજ અમરાવતીમાં જન્મેલા તેઓ 16 માર્ચ 1985ના રોજ બારમાં જોડાયા હતા. તેમણે 1987 સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વ.બેરિસ્ટર શ્રી રાજા એસ. ભોંસલે સાથે કામ કર્યું હતું. તેમણે 1987થી 1990 દરમિયાન બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી હતી. 1990 પછી તેમણે મુખ્યત્વે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ સમક્ષ પ્રેક્ટિસ કરી હતી.
તેમણે બંધારણીય કાયદા અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્થાયી સલાહકાર હતા. તેઓ વિવિધ સ્વાયત્ત સંસ્થાઓ અને કોર્પોરેશનો જેવી કે SICOM, DCVL વગેરે તથા વિદર્ભ વિસ્તારની વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલો માટે નિયમિતપણે હાજર રહેતા હતા.
તેમણે ઓગસ્ટ 1992થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચ ખાતે ન્યાયની ઉચ્ચ અદાલતમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કર્યું હતું. 17મી જાન્યુઆરી, 2000ના રોજ તેમને નાગપુર બેન્ચના સરકારી વકીલ અને પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
14 નવેમ્બર, 2003ના રોજ તેમને બોમ્બે હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી અને 12 નવેમ્બર, 2005ના રોજ બોમ્બે હાઇકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ મુંબઈની મુખ્ય બેઠક તેમજ નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની બેન્ચોમાં મુખ્ય કાર્યભાર ધરાવતી બેન્ચના અધ્યક્ષપદે રહ્યા હતા. 24 મે 2019ના રોજ તેમને ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી.
છેલ્લાં છ વર્ષમાં તેઓ બંધારણીય અને વહીવટી કાયદા, નાગરિક કાયદા, ફોજદારી કાયદા, વાણિજ્યિક વિવાદો, લવાદનો કાયદો, વીજળીનો કાયદો, શૈક્ષણિક બાબતો, પર્યાવરણને લગતા કાયદા વગેરે સહિત વિવિધ વિષયો સાથે સંબંધિત બાબતો સાથે સંબંધિત આશરે 700 બેંચનો ભાગ રહ્યાં છે.
તેમણે કાયદાના શાસનને સમર્થન આપતા અને નાગરિકોના મૂળભૂત અધિકારો, માનવાધિકારો અને કાનૂની અધિકારોની સુરક્ષા માટે વિવિધ મુદ્દાઓ પર બંધારણીય બેંચના ચુકાદાઓ સહિત લગભગ 300 ચુકાદાઓ લખ્યા છે.
તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો છે, જેમાં ઉલાનબતાર (મોંગોલિયા), ન્યૂયોર્ક (USA), કાર્ડિફ (UK) અને નૈરોબી (કેન્યા)નો સમાવેશ થાય છે.
તેમણે કોલમ્બિયા યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી સહિતની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં વિવિધ બંધારણીય અને પર્યાવરણીય મુદ્દાઓ પર વ્યાખ્યાનો આપ્યા છે.
તેઓ 23 નવેમ્બર 2025ના રોજ નિવૃત્ત થવાના છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2125403)
Visitor Counter : 25