કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કાઠમંડુ ખાતે કૃષિ પરની ત્રીજી BIMSTEC મંત્રીસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારતનું નેતૃત્વ કર્યુ


ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ષિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

શ્રી ચૌહાણે BIMSTEC સભ્ય દેશોને WAVES - 2025માં ભાગ લેવા અનુરોધ કર્યો

Posted On: 09 APR 2025 2:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નેપાળના કાઠમંડુમાં ત્રીજી BIMSTEC કૃષિ મંત્રીસ્તરીય બેઠક (BAMM)માં ભારતનું નેતૃત્વ કર્યું. આ એક દિવસીય કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા BIMSTEC દેશોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકે કૃષિ વિકાસના ક્ષેત્રમાં વધુ પ્રાદેશિક સહયોગની તક પૂરી પાડી.

છેલ્લા દાયકામાં, BIMSTEC બંગાળની ખાડી ક્ષેત્રમાં પ્રાદેશિક વિકાસ, જોડાણ અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે. "કૃષિ અને ખાદ્ય સુરક્ષા" એ BIMSTEC સહયોગના મુખ્ય ક્ષેત્રોમાંનું એક છે. પ્રાદેશિક કૃષિ સહયોગને આકાર આપતી સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, BAMM ની આ ત્રીજી બેઠક હતી. પહેલી BAMM 12 જુલાઈ 2019ના રોજ મ્યાનમારમાં યોજાઈ હતી, ત્યારબાદ 10 નવેમ્બર 2022ના રોજ ભારતમાં બીજી BAMM યોજાઈ હતી. ત્રીજી BAMM દરમિયાન, કૃષિ મંત્રીઓએ માછીમારી અને પશુધન સહયોગ સહિત BIMSTEC કૃષિ ક્ષેત્રને વધુ ગતિ આપવાના માર્ગો અને માધ્યમો પર ચર્ચા કરી હતી.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે BIMSTEC ભારત માટે 'પડોશી પ્રથમ' અને 'એક્ટ ઈસ્ટ' ની મુખ્ય વિદેશ નીતિ પ્રાથમિકતાઓને પૂર્ણ કરવા માટે એક કુદરતી પસંદગી છે. BIMSTECમાં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાને જોડવાની ક્ષમતા છે. આપણો એક સહિયારો ઇતિહાસ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે જે આપણને કુદરતી ભાગીદાર બનાવે છે. મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત ખેડૂતોને રોકડ સીધી ટ્રાન્સફર, સંસ્થાકીય ધિરાણની પહોંચમાં સુધારો, માટી આરોગ્ય કાર્ડ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન, પાક વીમો, મહિલાઓને ડ્રોન પૂરા પાડવા માટે નમો ડ્રોન દીદી યોજના જેવા લક્ષ્યાંકિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે. ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ તકનીકોનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ સાથે, પર્યાવરણીય સંરક્ષણ અને માટી આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને સજીવ ખેતી અને કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

તેમણે BIMSTEC અંદર કૃષિ સહયોગને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને એ જાણીને આનંદ થયો કે ભારતે BIMSTEC કૃષિ સહયોગ (2023-2027) હેઠળ બીજ વિકાસ, પશુ આરોગ્ય અને જીવાત વ્યવસ્થાપન ક્ષેત્રમાં તાલીમ અને કાર્યશાળાઓનું આયોજન કરીને પહેલ કરી છે. ભારત BIMSTEC સભ્ય દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં M.Sc. અને Ph.D. કરવા માટે સંપૂર્ણ ભંડોળ ધરાવતી BIMSTEC શિષ્યવૃત્તિ પણ પ્રદાન કરે છે. આ પ્રદેશમાં કૃષિ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ વધારવા માટેના અમારા સામૂહિક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

BIMSTEC દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે, ભારતે 'ભારતમાં કૃષિ સહકાર માટે BIMSTEC સેન્ટર ઓફ એક્સેલન્સ' ની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ કેન્દ્ર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં BIMSTEC ની વિવિધ પ્રતિબદ્ધતાઓને સમયસર ઉકેલવામાં અને કાર્યરત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કેન્દ્ર ચોકસાઇ કૃષિ, આબોહવા જોખમ ઘટાડવા, કુદરતી ખેતી, લિંગ સમાનતા અને કૃત્રિમ બુદ્ધિમત્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ડ્રોન, ડિજિટલ તકનીકો સહિત ઉભરતી તકનીકો પર જ્ઞાન અને કુશળતા શેર કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જેથી આ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષા, પોષણ અને આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

શ્રી ચૌહાણે  જનાવ્યું કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2024માં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ- 2025ની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ્ય મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવવાનો છે. તે સામગ્રી સર્જકો માટે સર્જનાત્મકતા અને તકનીકી નવીનતા માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જ્ઞાનના આદાનપ્રદાનને સરળ બનાવશે અને વિશ્વભરના મીડિયા અને મનોરંજન ઉદ્યોગના નેતાઓ સાથે મુદ્દાઓ પર અર્થપૂર્ણ સહયોગમાં જોડાવાની તક પૂરી પાડશે. આ કાર્યક્રમ 1-4 મે 2025 દરમિયાન મુંબઈમાં યોજાઈ રહ્યો છે અને તેમણે BIMSTEC સભ્ય દેશોને આ મેગા ઇવેન્ટમાં ભાગ લેવા વિનંતી કરી.

તેમણે BIMSTEC દેશોના નેતાઓનો 6ઠ્ઠી BIMSTEC સમિટ દરમિયાન BIMSTEC કૃષિ સહયોગ (2023-2027)ને મજબૂત બનાવવા માટે કાર્ય યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે કરવામાં આવેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે આ પ્રદેશના લોકોની આજીવિકા સુધારવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મત્સ્યઉદ્યોગ અને પશુધનના ટકાઉ વિકાસમાં સહયોગ વધારવાના નિર્દેશો બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે BIMSTEC એ પ્રદેશમાં ખાદ્ય સુરક્ષા, આબોહવા અનુકૂલન અને કૃષિને ટકાઉ બનાવવાના અમારા પ્રયાસોમાં કેન્દ્રસ્થાને છે અને આ પ્રયાસો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

AP/SM/GP/JD


(Release ID: 2120474) Visitor Counter : 72