શ્રમ અને રોજગાર મંત્રાલય
ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ બમણું થયું
ILOના રિપોર્ટ મુજબ 2024માં કવરેજ 48.8 ટકા સુધી પહોંચી ગયું, જે 2021માં 24.4 ટકા હતું
Posted On:
26 MAR 2025 5:51PM by PIB Ahmedabad

સારાંશ
પરિચય
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ (WSPR) 2024-26 અનુસાર ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2021માં 24.4 ટકાથી બમણું થઈને 2024માં 48.8 ટકા થઈ ગયું છે, જે કલ્યાણકારી પહોંચમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે. અહેવાલમાં આ પ્રગતિ સરકારની મુખ્ય કલ્યાણકારી પહેલોને આભારી છે, જેણે આરોગ્ય વીમા, પેન્શન અને રોજગાર સહાય જેવા લાભો લાખો લોકોને આપ્યા છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર લગભગ 920 મિલિયન લોકો અથવા 65 ટકા વસ્તી હવે કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા ઓછામાં ઓછા એક પ્રકારના સામાજિક સંરક્ષણ દ્વારા આવરી લેવામાં આવ્યા છે, પછી ભલે તે રોકડમાં હોય કે વસ્તુના રૂપમાં હોય. ભારતની પ્રગતિએ વૈશ્વિક સામાજિક સુરક્ષા કવરેજમાં 5 ટકાના વધારામાં પણ ફાળો આપ્યો છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે કલ્યાણકારી પરિણામોને આકાર આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂકે છે.
અહેવાલનું અવલોકન
વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલ એ શ્રમ અધિકારો અને સામાજિક ન્યાયને સમર્પિત યુનાઇટેડ નેશન્સની વિશિષ્ટ એજન્સી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા સમયાંતરે પ્રકાશિત કરવામાં આવતું એક વ્યાપક મૂલ્યાંકન છે. આ અહેવાલ વૈશ્વિક સ્તરે સામાજિક સુરક્ષા પ્રણાલીઓનું મૂલ્યાંકન કરે છે. તેમજ વિવિધ વસ્તીઓ માટે સામાજિક સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં તેમના કવરેજ, અસરકારકતા અને પ્રગતિની તપાસ કરે છે. નીતિઓ અને પ્રવાહોનું વિસ્તૃત વિશ્લેષણ આપીને, તે મજબૂત અને વધુ સર્વસમાવેશક કલ્યાણ પ્રણાલીઓ તરફ કામ કરતી સરકારો, નીતિ ઘડવૈયાઓ અને સંશોધકો માટે ચાવીરૂપ સ્ત્રોત તરીકે સેવા આપે છે.


અહેવાલની 2024-26ની આવૃત્તિ આબોહવા ક્રિયા માટે સાર્વત્રિક સામાજિક સંરક્ષણ અને ન્યાયી સંક્રમણ પર કેન્દ્રિત છે. પ્રથમ વખત તેમાં ટ્રેન્ડ ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે વૈશ્વિક પ્રગતિ પર વધુ ગતિશીલ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. તે સામાજિક સુરક્ષા કવરેજ, પૂરા પાડવામાં આવતા લાભો અને જાહેર ખર્ચ પર વૈશ્વિક, પ્રાદેશિક અને દેશ-સ્તરના આંકડાઓનો વિસ્તૃત સેટ રજૂ કરે છે. વધુમાં એશિયા અને પેસિફિક માટેનો પ્રાદેશિક સાથી અહેવાલ આ ક્ષેત્રમાં સામાજિક સંરક્ષણના વિકાસનું ઊંડું વિશ્લેષણ કરીને વૈશ્વિક તારણોને પૂરક બનાવે છે. આ સહ- અહેવાલ એશિયા અને પેસિફિકની અનન્ય સામાજિક-આર્થિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મુખ્ય પડકારો, પ્રાથમિકતાઓ અને સામાજિક સુરક્ષા અને આબોહવા ક્રિયાના આંતરછેદ પર પ્રકાશ પાડે છે.
સામાજિક સુરક્ષાનું વિસ્તરણઃ સરકારની મુખ્ય પહેલો
ભારતની સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો દ્વારા નોંધપાત્ર વિસ્તરણ થયું છે. જેનો ઉદ્દેશ લાખો લોકોને નાણાકીય સુરક્ષા, હેલ્થકેર અને ખાદ્ય સહાય પૂરી પાડવાનો છે. આ પહેલે આજીવિકામાં સુધારો કરવામાં અને દેશભરમાં ગરીબી ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.
અહીં કેટલીક મુખ્ય સામાજિક સુરક્ષા યોજનાઓ અને પહેલો પ્રસ્તુત છેઃ
આયુષ્યમાન ભારત
26 માર્ચ, 2025 સુધીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ 39.94 કરોડ આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. જે પરિવાર દીઠ રૂપિયા 5 લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય કવરેજની ઓફર કરે છે. આ યોજના દેશભરમાં પેનલમાં સામેલ 24,810 હોસ્પિટલોમાં સુલભ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGK)
કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા માટે શરૂ કરાયેલી આ યોજના સંવેદનશીલ વસતીને નિઃશુલ્ક અનાજ પૂરું પાડે છે. ડિસેમ્બર, 2024 સુધીમાં 80.67 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ મળી રહ્યું છે, જે 81.35 કરોડ લાભાર્થીઓને આવરી લેવાની યોજના છે.
ઈ-શ્રમ પોર્ટલ
26 ઓગસ્ટ, 2021ના રોજ અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ (NDUW) બનાવવા માટે રજૂ કરવામાં આવેલી, આ પહેલ ઉન્નત સામાજિક સુરક્ષા માટે કામદારોને સાર્વત્રિક એકાઉન્ટ નંબર (UAN) પ્રદાન કરે છે. 3 માર્ચ, 2025 સુધીમાં, 30.68 કરોડથી વધુ અસંગઠિત કામદારોએ નોંધણી કરાવી છે, જેમાંથી 53.68% મહિલાઓ છે.
અટલ પેન્શન યોજના (APY)
9 મે, 2015ના રોજ શરૂ કરવામાં આવેલી એપીવાયનો ઉદ્દેશ સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. ખાસ કરીને ગરીબ, વંચિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)ની સાથે-સાથે તે દેશની સામાજિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરે છે. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં 7.25 કરોડ લાભાર્થીઓએ એપીવાયમાં નોંધણી કરાવી છે, જેમાં કુલ ₹43,369.98 કરોડનું ભંડોળ સંચિત છે.
ગરીબીમાં ઘટાડો
છેલ્લા એક દાયકામાં, 24.8 કરોડ લોકો અનેક સામાજિક સુરક્ષા પગલાંને કારણે બહુ-પરિમાણીય ગરીબીમાંથી બહાર આવ્યા છે, જે સરકારના હસ્તક્ષેપોની દૂરગામી અસરને પ્રતિબિંબિત કરે છે.
ભારતે સોશિયલ પ્રોટેક્શન ડેટા પૂલિંગ કવાયત શરૂ કરી
આઈએલઓ દ્વારા 48.8 ટકાનું મૂલ્યાંકન ભારતની સામાજિક સુરક્ષા પરિદ્રશ્યને સંપૂર્ણપણે પકડી શકતું નથી. કારણ કે તે ખાદ્ય સુરક્ષા અને આવાસ સહાયતા અથવા રાજ્ય દ્વારા સંચાલિત કલ્યાણકારી યોજનાઓ જેવા પ્રકારના લાભો માટે જવાબદાર નથી. આ પરિબળોના સંકલન સાથે ભારતનું વાસ્તવિક સામાજિક સંરક્ષણ કવરેજ નોંધપાત્ર રીતે ઊંચું હોવાની અપેક્ષા છે, જે ચાલુ સુધારાઓ અને ડેટા એકત્રીકરણના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા કવરેજનું વિસ્તૃત મૂલ્યાંકન કરવા માટે 19 માર્ચ, 2025ના રોજ ભારતની સોશિયલ પ્રોટેક્શન ડેટા પૂલિંગ કવાયતનો તબક્કો 1 શરૂ કર્યો હતો. આ પહેલનો હેતુ ભારતના કલ્યાણના લેન્ડસ્કેપના વધુ સાકલ્યવાદી ચિત્ર માટે બહુવિધ યોજનાઓમાંથી ડેટાને એકીકૃત કરવાનો છે. પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાત સહિત દસ રાજ્યોની ઓળખ કેન્દ્રીય સ્તરે ડેટા કોન્સોલિડેશન માટે કરવામાં આવી છે.
આ પ્રયાસોને ધ્યાનમાં રાખીને ભારતે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MGNREGA), કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC), અટલ પેન્શન યોજના (APY) અને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM POSHAN) સહિત 34 મુખ્ય કેન્દ્રીય યોજનાઓમાં એક વિશિષ્ટ ઓળખકર્તા તરીકે એન્ક્રિપ્ટેડ આધારનો ઉપયોગ કરીને 200 કરોડથી વધુ રેકોર્ડની પ્રક્રિયા કરી છે.
મંત્રાલય આઇએલઓ સાથે ઉચ્ચ-સ્તરીય સંવાદમાં સામેલ છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ વધારાનાં કલ્યાણકારી પગલાં ભવિષ્યનાં મૂલ્યાંકનમાં પ્રતિબિંબિત થઈ શકે. જીનીવામાં આયોજિત 353મી આઇએલઓ ગવર્નિંગ બોડીની બેઠકમાં તાજેતરમાં દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આઇએલઓએ સ્વીકાર્યું હતું કે, હાઉસિંગ અને ખાદ્ય સુરક્ષા સંયુક્ત રાષ્ટ્રનાં સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો અંતર્ગત વિસ્તૃત સૂચકાંકોનાં સેટનો ભાગ છે તથા આ પ્રકારનાં મૂલ્યાંકનમાં આ પ્રકારની યોજનાઓ પર વિચાર કરવા સંમત થયા છે.
કેન્દ્ર, રાજ્ય સરકારો અને આઇએલઓ વચ્ચે સતત સહયોગ સાથે ભારત સામાજિક સુરક્ષાનાં માળખાને વધારે સુધારવા અને તેની કલ્યાણકારી પહોંચનું વધારે સચોટ ચિત્ર પ્રસ્તુત કરવાની તૈયારીમાં છે.
નિષ્કર્ષ
સામાજિક સંરક્ષણના વિસ્તરણમાં ભારતની હરણફાળ સર્વસમાવેશક કલ્યાણ અને આર્થિક સુરક્ષા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ 2024-26માં દર્શાવ્યા મુજબ કવરેજને બમણું કરવાથી આયુષ્માન ભારત, પીએમજીકેએવાય અને લાખો લોકો માટે નાણાકીય સ્થિરતા, હેલ્થકેર અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇ-શ્રમ પોર્ટલ જેવી મુખ્ય પહેલોની અસર પર ભાર મૂકવામાં આવ્યો છે. સોશિયલ પ્રોટેક્શન ડેટા પૂલિંગ કવાયતનો પ્રારંભ ડેટા-સંચાલિત નીતિ નિર્માણમાં વધારો કરીને અને વર્તમાન મૂલ્યાંકનમાં રહેલી ખામીઓને દૂર કરીને આ પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. ભારત આઈએલઓ સાથે જોડાણમાં તેના સામાજિક સુરક્ષા માળખાને સુધારવાનું ચાલુ રાખે છે, ત્યારે તેનો અભિગમ આર્થિક વિકાસ સાથે કલ્યાણ વિસ્તરણને સંતુલિત કરવા માટેના મોડેલ તરીકે કામ કરે છે.
સંદર્ભો:
પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2115611)
Visitor Counter : 75