સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂણેમાં જનતા સહકારી બેંક લિમિટેડની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારંભને સંબોધન કર્યું
પૂજ્ય શ્રી મોરોપંત પિંગળેએ જનતા સહકારી બેંકની સ્થાપના કરીને એક એવું બીજ વાવ્યું જે હવે વડના ઝાડમાં વિકસ્યું છે, જે 10 લાખ લોકોને જોડે છે
જનતા સહકારી બેંકે 'નાના લોકો માટે મોટી બેંક' ની વિભાવનાને સાકાર કરી છે
આજે, બેંકની થાપણો ₹9,600 કરોડથી વધુ છે, જે લોકોનો બેંકમાં વિશ્વાસ દર્શાવે છે
મૂડી વિના પોતાના પરિવારનો વિકાસ કરવાનો અને દેશની પ્રગતિમાં યોગદાન આપવાનો એકમાત્ર રસ્તો સહકાર છે
છેલ્લા 3 વર્ષમાં, મોદી સરકારે સહકારી મોડેલને માર્કેટેબલ બનાવવા પર કામ કર્યું છે અને સહકારી વિકાસ માટે દિશા પૂરી પાડી છે
દેશમાં પ્રથમ વખત સહકારી ક્લિયરિંગ હાઉસ સ્થાપવાનો ખ્યાલ આગામી 2 વર્ષમાં પૂર્ણ થવાનો છે
એક છત્ર હેઠળની સંસ્થાઓની રચના બાદ પછી, દેશના કોઈપણ ભાગમાં સ્થિત સહકારી બેંકોનું ક્લિયરિંગ સહકારી બેંકો દ્વારા જ કરવામાં આવશે
Posted On:
22 FEB 2025 7:09PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પૂણે મહારાષ્ટ્રમાં જનતા સહકારી બેંક લિમિટેડની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી મુરલીધર મોહોલ અને અન્ય કેટલાંક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવાર સામેલ હતાં.
તેમના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે જનતા સહકારી બેંક દ્વારા મેળવેલ વિશ્વાસ આપણા બધા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે જનતા સહકારી બેંકની સ્થાપના આદરણીય શ્રી મોરોપંત પિંગળે દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક અગ્રણી વિચારક અને પ્રખ્યાત આરએસએસ કાર્યકર હતા, જેમણે નિઃસ્વાર્થ જીવન જીવ્યું અને ક્યારેય કોઈપણ પડકાર સામે પીછેહઠ કરી નહીં. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી મોરોપંતે આ બેંકની સ્થાપના સ્વરૂપે વાવેલું બીજ હવે 10 લાખ લોકોને જોડતા એક વિશાળ વટવૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું છે. તેમણે કહ્યું કે આ સંગઠનની તાકાત અને સારા આચરણનો પુરાવો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનતા સહકારી બેંકે દેશભરમાં સકારાત્મક સંદેશ મોકલ્યો છે, જે દર્શાવે છે કે કોઈ પણ સંસ્થા જ્યારે પારદર્શિતા, સમર્પણ અને પ્રામાણિકતા સાથે કામ કરે છે ત્યારે તેની પ્રગતિ માટે કોઈ મર્યાદા હોતી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ બે સંકલ્પ કર્યા છે – વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અને વર્ષ 2027 સુધીમાં દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સહકારી ક્ષેત્રનાં વિકાસ વિના આ ઠરાવો અધૂરાં જ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દરેક વ્યક્તિનો વિકાસ અને દરેક ઘરમાં સમૃદ્ધિ નહીં થાય, તો આ બંને સંકલ્પો અધૂરા રહી શકે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અનુસાર કાર્ય પ્રદાન કરવું અને તેમને દેશના વિકાસ સાથે જોડીને દરેક પરિવારને સમૃદ્ધ બનાવવા માટે સહકારી ચળવળ દ્વારા જ શક્ય છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સહકાર મંત્રાલયનો મંત્ર 'સહકારથી સમૃદ્ધિ' છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન દેશનાં લોકો માટે ઘણી મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે આ લોકો દેશના વિકાસ માટે યોગદાન આપવા માંગે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોતાનાં કુટુંબનો વિકાસ કરવાનો અને મૂડી વિના દેશની પ્રગતિમાં પ્રદાન કરવાનો એકમાત્ર માર્ગ સહકાર છે. શ્રી શાહે નોંધ્યું હતું કે, સહકારનો સાર એ છે કે કશુંક મોટું હાંસલ કરવા માટે નાની-નાની રકમની મૂડી એકઠી કરવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જનતા સહકારી બેંક તેનું મુખ્ય ઉદાહરણ છે, કારણ કે તેણે 'નાના લોકો માટે મોટી બેંક'નો ખ્યાલ બનાવ્યો છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે, મોદી સરકારે છેલ્લા 3 વર્ષમાં સહકારી આંદોલનને વિશેષ મહત્વ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનાં સહકારી સંસ્થાનાં મોડલને માર્કેટેબલ બનાવવામાં આવ્યું છે અને મોદી સરકાર સહકારી શિક્ષણ સાથે આપણાં યુવાનોને સશક્ત બનાવવા સહકારી યુનિવર્સિટી બિલ લાવી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર સહકારી નવીનતાને એકીકૃત કરવા અને દેશના વિકાસ માટે તેને એક ચાલક બળ બનાવવા માંગે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ સહકારી વિકાસને યોગ્ય દિશા પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સતત વૃદ્ધિ માટે સહકારી મંડળીઓ દ્વારા નવી ટેકનોલોજીને અપનાવવી અતિ આવશ્યક છે. તેમણે કહ્યું કે દેશમાં કુલ 1465 શહેરી સહકારી બેંકો છે, જેમાંથી 460 એકલા મહારાષ્ટ્રમાં છે. તેમણે જણાવ્યું હતું કે, શહેરી સહકારી બેંકો માટેની છત્ર સંસ્થા નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી) લાંબા સમયથી વિચારણા હેઠળ હતી અને હવે આ સંસ્થા માટે રૂ. 300 કરોડની રકમ એકત્રિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ છત્ર સંસ્થા સહકારી બેંકોને તમામ પ્રકારની સહાય પૂરી પાડી શકશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ વાર સહકારી બેંકો માટે ક્લિયરિંગ હાઉસની કલ્પના કરવામાં આવી છે, જે આગામી 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે શહેરી સહકારી બેંકોના વ્યવસાયને વધારવા માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સહકારી બેંકો માટે આધાર-સક્ષમ ચુકવણી વ્યવસ્થા ખોલવામાં આવી છે. ગોલ્ડ લોન અને હાઉસિંગ લોન માટેની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તથા સહકારી બેંકો માટે વન-ટાઇમ લોન સેટલમેન્ટ માટેની જોગવાઈ પ્રસ્તુત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક છત્ર હેઠળની સંસ્થાઓની રચના બાદ દેશમાં ક્યાંય પણ આવેલી કોઇ પણ સહકારી બેંક માટે ક્લિયરિંગ કોઓપરેટિવ બેંકો દ્વારા જ કરવામાં આવશે. શ્રી શાહે એવું પણ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીયકૃત બેંકો, લઘુ ધિરાણ કરતી બેંકો અને એનબીએફસીની વધતી જતી સ્પર્ધાનું સમાધાન કરવા માટે સરકાર વહીવટને મજબૂત કરવા અને સહકારી બેંકોમાં ટેકનોલોજીકલ નવીનતાઓને સામેલ કરવા માટે એક નિરીક્ષણ સમિતિની રચના કરી રહી છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 1949માં તેની સ્થાપના પછી જનતા સહકારી બેંક 1988માં એક અનુસૂચિત સહકારી બેંક બની હતી, વર્ષ 2005માં કોર બેંકિંગને અપનાવવામાં આવી હતી, વર્ષ 2012માં તે બહુ-રાજ્ય અનુસૂચિત સહકારી બેંક બની હતી અને તેને દેશની પ્રથમ કોઓપરેટિવ ડિમેટ સંસ્થા શરૂ કરવાનું સન્માન પણ મળ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 71 શાખાઓ, 2 એક્સટેન્શન કાઉન્ટર્સ, 1,75,000 સભ્યો અને 10 લાખથી વધારે સંતુષ્ટ ગ્રાહકો સાથે આ માત્ર એક બેંક જ નહીં, પણ મોટું કુટુંબ છે. તેમણે જણાવ્યું હતું કે, આજે બેન્કની ડિપોઝિટ ₹9,600 કરોડથી વધુ છે, જે લોકોનો બેંકમાં વિશ્વાસ દર્શાવે છે. શ્રી શાહે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, જનતા સહકારી બેંક સમાજ સેવાની દ્રષ્ટિએ ક્યારેય પીછેહઠ કરી નથી, પછી તે લાતુર ધરતીકંપ હોય, કોલ્હાપુર-સાંગલીમાં પૂર હોય કે પછી કોવિડ-19 રોગચાળા દરમિયાન સેવાની વાત હોય.
AP/IJ/GP/JD
(Release ID: 2105560)
Visitor Counter : 36