સંસ્કૃતિ મંત્રાલય
મહા કુંભ 2025માં 45 કરોડ શ્રદ્ધાળુઓ
મહા કુંભ 2025માં વિક્રમજનક દર્શનાર્થીઓની હાજરી જોવા મળી
Posted On:
11 FEB 2025 2:11PM by PIB Ahmedabad
મહા કુંભ 2025 ઇતિહાસના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનો એક બની ગયો છે. જેમાં 11 ફેબ્રુઆરી, 2025 સુધીમાં 450 મિલિયનથી વધુ (45 કરોડ) ભક્તોએ સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. રાજ્ય સરકાર 45 દિવસમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા રાખી રહી હતી. પરંતુ આ સંખ્યા એક મહિનાની અંદર જ પહોંચી ચૂકી છે. મહા કુંભને પૂર્ણ થવામાં હજી 15 દિવસ બાકી છે. આધ્યાત્મિક મહત્વ, ભવ્ય વિધિઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના મિશ્રણ સાથે આ કુંભ મેળાએ ક્રાઉડ મેનેજમેન્ટ, સેનિટેશન અને ડિજિટલ સુવિધામાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.
મુલાકાતીઓની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ છે, ત્યારે ક્રાઉડ મેનેજમેન્ટ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આગામી અમૃત સ્નાન 12 ફેબ્રુઆરી, 2025ના રોજ, માઘ પૂર્ણિમા સ્નાન છે. જે ગુરુ બૃહસ્પતિના પૂજન સાથેના તેના જોડાણ અને હિન્દુ દેવતા ગંધર્વ સ્વર્ગમાંથી પવિત્ર સંગમ તરફ ઉતરે છે. તેવી માન્યતા માટે પ્રખ્યાત છે. માઘ પૂર્ણિમા સ્નાન દરમિયાન ભીડનું સુચારુ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે મેળા વિસ્તારને 11 ફેબ્રુઆરી, 2025ની સવારથી 'નો વ્હીકલ ઝોન' તરીકે ઘોષિત કર્યો છે. જેમાં ફક્ત આવશ્યક અને ઇમરજન્સી સેવાઓની મંજૂરી આપવામાં આવી છે.
મહાકુંભ 2025ની ભીડનું સંચાલન કરવા માટે ભારતીય રેલ્વે પણ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. 9 ફેબ્રુઆરીએ લગભગ 330 ટ્રેનોએ 12.5 લાખ યાત્રાળુઓનું પરિવહન કર્યું હતું. જ્યારે 10 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીમાં 130 થી વધુ લોકો રવાના થયા હતા. 12 ફેબ્રુઆરી, 2025ના રોજ આગામી અમૃત સ્નાન માટેની તૈયારીઓની અધિકારીઓ અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. પ્રયાગરાજ જંકશન સહિત તમામ આઠ સ્ટેશનો સંપૂર્ણપણે કાર્યરત છે. જ્યારે પ્રયાગરાજ સંગમ સ્ટેશન ભીડના વ્યવસ્થાપન માટે ન્હાવાની મોટી તારીખોની આસપાસ અસ્થાયી રૂપે બંધ છે.
રાજ્ય સરકારે વિવિધ એજન્સીઓના સહયોગથી બહુસ્તરીય સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા અમલી બનાવી હતી. એઆઇ સંચાલિત સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને રિયલ-ટાઇમ એનાલિટિક્સના નેટવર્કે નિર્ધારિત ક્ષેત્રોમાં યાત્રાળુઓની સલામત અવર-જવર સુનિશ્ચિત કરી હતી. વહીવટીતંત્રે ન્હાવાના ઘાટોની સુલભતાને સુવ્યવસ્થિત કરવા માટે ડિજિટલ ટોકન સિસ્ટમ પણ રજૂ કરી હતી. જેનાથી ગીચતામાં ઘટાડો થયો હતો. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ ભક્તો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હતી. જેથી કુંભ એક સર્વસમાવેશક આધ્યાત્મિક અનુભવ બની રહે.
મહાકુંભ 2025ના ઐતિહાસિક મહત્વને ઉમેરતા, ભારતના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ 10 ફેબ્રુઆરી, 2025ના રોજ ધાર્મિક ઉત્સવોમાં ભાગ લીધો હતો. તેમની આ મુલાકાતમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી સામેલ હતી. જે શાસનના સર્વોચ્ચ સ્તરે આ કાર્યક્રમના આધ્યાત્મિક મહત્વને પ્રતિપાદિત કરે છે. રાષ્ટ્રપતિએ મુખ્ય ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને સંતો અને ભક્તો સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મૂ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલોએ પણ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. બોલિવૂડ અને ભારતીય રમતગમત સમુદાયની હસ્તીઓએ પણ તેમની હાજરી નોંધાવી છે. પૂજ્ય સંતો અને આધ્યાત્મિક નેતાઓની ભાગીદારીથી આ કાર્યક્રમની પવિત્રતા અને ભવ્યતામાં વધારો થયો છે.
કલ્પવાસ, ઉપવાસ અને આધ્યાત્મિક શિસ્તનો સમયગાળો, મહા કુંભ દરમિયાન ખૂબ મહત્વ ધરાવે છે. આ વર્ષે, 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં કલ્પવાસની ઉજવણી કરી હતી. જે માઘ પૂર્ણિમાના રોજ અંતિમ પવિત્ર ડૂબકી, પૂજન અને દાન સાથે સંપન્ન થશે. પરંપરા અનુસાર, કલ્પવાસી સત્યનારાયણ કથા, હવન પૂજા કરશે અને તેમના તીર્થપુરોહિતોને દાન આપશે. કલ્પવાસની શરૂઆતમાં વાવવામાં આવેલ જવ ગંગામાં વિસર્જિત થાય છે અને તુલસીનો છોડ દિવ્ય આશીર્વાદ રૂપે ઘરે લઈ જવામાં આવે છે. બાર વર્ષનું કલ્પવાસ ચક્ર મહાકુંભમાં પૂર્ણ થાય છે અને ત્યાર બાદ તેમના ગામોમાં સામુદાયિક ભોજનું આયોજન કરવામાં આવે છે.
7 લાખથી વધુ યાત્રાળુઓએ વિસ્તૃત આરોગ્ય સેવાઓ મારફતે તબીબી સારવાર મેળવી છે. આમાં 23 એલોપેથિક હોસ્પિટલોમાં 4.5 લાખથી વધુ વ્યક્તિઓની સારવાર, 3.71 લાખથી વધુ લોકો પેથોલોજી ટેસ્ટ કરાવી છે અને 3,800 નાની અને 12 મોટી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત 20 આયુષ હોસ્પિટલોએ 2.18 લાખથી વધારે યાત્રાળુઓને આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી સારવાર પ્રદાન કરી છે. એઇમ્સ દિલ્હી, આઇએમએસ બીએચયુનાં નિષ્ણાતો અને કેનેડા, જર્મની અને રશિયાનાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનાં સંકલનથી વૈશ્વિક કક્ષાની હેલ્થકેર સુનિશ્ચિત થઈ છે. પંચકર્મ, યોગ ચિકિત્સા અને આરોગ્ય જાગૃતિની સામગ્રીના વિતરણ જેવી સેવાઓને સારો પ્રતિસાદ મળ્યો છે. જેનાથી ઉપસ્થિત લોકોની એકંદર સુખાકારીમાં વધારો થયો છે.
અત્યાર સુધીનો સૌથી સ્વચ્છ કુંભ મેળો બનાવવાના ઉદ્દેશ્યથી અધિકારીઓએ કચરા વ્યવસ્થાપનની કડક યોજના લાગુ કરી છે. 22,000 થી વધુ સફાઇ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી પરિસર કચરાથી મુક્ત રહે. નદીના પાણીને સ્વચ્છ અને પવિત્ર સ્નાન માટે યોગ્ય રાખવા માટે મોટા પાયે જળ શુદ્ધિકરણ પહેલ પણ અમલમાં મૂકવામાં આવી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અને બાયોડિગ્રેડેબલ કટલરીનો ઉપયોગ કરવા જેવી ઇકો-ફ્રેન્ડલી પ્રથાઓનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો છે. કુંભના મેદાનોમાં હજારો બાયો-ટોઇલેટ્સ અને ઓટોમેટેડ કચરાના નિકાલના એકમોની સ્થાપનામાં સ્વચ્છ ભારત મિશનનો પ્રભાવ જોવા મળે છે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન, શાસ્ત્રીય નૃત્યની રજૂઆતો, લોકસંગીત અને આધ્યાત્મિક પ્રવચનો દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો કેન્દ્રસ્થાને આવે છે. વિવિધ રાજ્યોના પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને લોક મંડળો સહિત પ્રસિદ્ધ કલાકારો કથક, ભરતનાટ્યમ અને લાવણી અને બિહુ જેવા પરંપરાગત લોકનૃત્ય દ્વારા ભારતની વિવિધ પરંપરાઓનું પ્રદર્શન કરે છે. કુંભ મેળામાં વિવિધ સાહિત્યિક મેળાવડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્વાનો પ્રાચીન ગ્રંથો, વૈદિક દર્શન અને સમકાલીન સમયમાં સનાતન ધર્મની પ્રાસંગિકતા વિશે ચર્ચા કરે છે. કારીગરો હસ્તકળા, હાથવણાટના ઉત્પાદનો અને ધાર્મિક કલાકૃતિઓ દર્શાવતા સ્ટોલ ઉભા કરે છે, જેના કારણે મેળાને જીવંત સાંસ્કૃતિક સંગમમાં ફેરવી શકાય છે.
મહાકુંભ 2025 માત્ર એક ધાર્મિક સભા જ નથી, પરંતુ તે સાવચેતીપૂર્વકના આયોજન, સાંસ્કૃતિક જાળવણી અને ટેકનોલોજીકલ ઇનોવેશનનું એક મોટું ઉદાહરણ છે. 45 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ તેમાં સામેલ થઈ ચૂક્યા છે અને આ કુંભ ભારતની આધુનિકતાની સાથે પરંપરાને ભળવાની ક્ષમતાનો પુરાવો છે. જે તમામ માટે આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અને અવિરત અનુભવ સુનિશ્ચિત કરે છે.
સંદર્ભો
ઉત્તર પ્રદેશ સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગ (ડી.પી.આઈ.આર.)
https://kumbh.gov.in/en/bathingdates
મહા કુંભ શ્રેણી: 23/ફીચર
પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો.
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2101725)
Visitor Counter : 39