સંસ્કૃતિ મંત્રાલય
મહાકુંભ 2025: કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અલ્હાબાદ મ્યુઝિયમમાં 'ભાગવત' પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું
ભાગવત પ્રદર્શન એ ભગવાન વાસુદેવ કૃષ્ણનાં 12 ભાગવતોની લીલાઓ, અવતારો અને વાર્તાઓ પર કેન્દ્રિત 75 લઘુચિત્ર ચિત્રોની શ્રેણી છે
કુંભનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે, તે ભારતની એકતાનું શાશ્વત પ્રતીક છે: શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત
મહાકુંભ મેળો એ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિવિધતાની ઉજવણી છે, જે ભારતનો સમૃદ્ધ વારસો અને એકતાથી દુનિયાને પરિચિત કરાવે છે : શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત
Posted On:
23 JAN 2025 10:58AM by PIB Ahmedabad
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઈકાલે અલ્હાબાદ મ્યુઝિયમમાં લઘુચિત્રો પર આધારિત ભાગવત પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ મહાકુંભનાં પવિત્ર અને દિવ્ય પ્રસંગને વધારે ભવ્ય અને અદ્વિતીય બનાવવા પ્રયાસરત છે. પ્રયાગરાજનાં આ ઐતિહાસિક સંગ્રહાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું 'ભાગવત' પ્રદર્શન આ વિશેષ અવસરને શણગારવાનો એક સાર્થક પ્રયાસ છે. દરેકનાં સામૂહિક પ્રયાસથી જ આ અપ્રતિમ કુંભ દિવ્ય અને ભવ્ય બની રહ્યો છે.
મ્યુઝિયમ પરિસરમાં સ્થિત શહીદ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેન્દ્રીય મંત્રીએ 'ભાગવત' પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. તેમણે મ્યુઝિયમની ટીમને આ સુંદર વ્યવસ્થા માટે અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, આ લઘુચિત્રો વિશ્વ, પરલોક, સમાજ, કળા અને સંસ્કૃતિનું એકસાથે પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રદર્શનમાં સંગ્રહાલયનાં સમૃદ્ધ સંગ્રહને કુંભ પરંપરા અને ભગવાન રામ અને કૃષ્ણનાં ચરિત્ર સાથે જોડવામાં આવ્યું છે.
શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, મહાકુંભનાં પવિત્ર અને દિવ્ય અવસરને વધુ ભવ્ય અને અનન્ય બનાવવા માટે સૌ કોઈ પ્રયાસ કરી રહ્યા છે. પ્રયાગરાજનાં આ ઐતિહાસિક સંગ્રહાલય દ્વારા તૈયાર કરવામાં આવેલું 'ભાગવત' પ્રદર્શન આ અસાધારણ અવસરને શણગારવાનો એક સાર્થક પ્રયાસ છે. આ પ્રદર્શનનાં માધ્યમથી મહાકુંભનું આધ્યાત્મિક મહત્વ અને ભગવાન રામ સાથે જોડાયેલી વાતોને પ્રદર્શિત કરવામાં આવે છે. આ પ્રદર્શન આપણા દેશમાં હાજર કલાની ઉંડાઈને સમજવાની તક આપે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કુંભ ભારતનાં ભવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે. તે તમામ ધાર્મિક માન્યતાઓ, પૂજા, શ્રદ્ધા અને સાંસ્કૃતિક વિચારધારાનાં લોકોને એક જ સ્થળે એકસાથે લાવે છે. જે લોકો આઝાદી પહેલાનાં સમયમાં વિવિધ શાસકોનાં શાસનમાં ભારતનાં જુદા જુદા ભાગોમાં વિભાજનની વાત કરે છે. તેમના માટે કુંભ ભારતની એકતાનો સનાતન પુરાવો છે. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, મહાકુંભ દરમિયાન કલા ગ્રામમાં 'શાશ્વત કુંભ' નામનું પ્રદર્શન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેમાં કુંભે કેવી રીતે દેશને એકતાંતણે બાંધવાનું કામ કર્યું છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનાં ઉદ્ઘાટન બાદ કેન્દ્રીય મંત્રીએ પ્રદર્શન સૂચિનું વિમોચન પણ કર્યું હતું.
આ પછી તેમણે આઝાદ પથ, શિલ્પ કલા ગેલેરી અને ટેરાકોટા આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી. સંગ્રહાલય નિયામક શ્રી રાજેશ પ્રસાદે મ્યુઝિયમનાં સમૃદ્ધ ઇતિહાસ અને સંગ્રહનાં મહત્વ વિશે માહિતી પ્રદાન કરી હતી. કેન્દ્રીય મંત્રીએ સંગ્રહાલયનાં પ્રકાશનો, ત્રિમાસિક સામયિક 'વિવિધ' અને સંગ્રહાલય પ્રવેશ માટે વિશેષ મહાકુંભ ટિકિટનું વિમોચન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુઝિયમનાં તમામ અધિકારીઓ સહિત શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2095363)
Visitor Counter : 36