મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી


છેલ્લા એક દાયકામાં, આ યોજનાએ ભારતમાં લિંગ સમાનતા અને કન્યાઓની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

10મી વર્ષગાંઠની ઉજવણી 22 જાન્યુઆરીથી 8 માર્ચ, 2025 સુધી ચાલુ રહેશે, જેનું સમાપન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર થશે

ઉદઘાટન કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રથાઓનો સંગ્રહ, મિશન વાત્સલ્ય પોર્ટલ, મિશન શક્તિ પોર્ટલ અને મિશન શક્તિ મોબાઇલ એપ્લિકેશન સહિત અનેક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવી હતી, જે મહિલાઓ અને બાળકોનાં સશક્તીકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે રચાયેલ છે

Posted On: 22 JAN 2025 6:59PM by PIB Ahmedabad

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આજે બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજનાની 10મી વર્ષગાંઠનો મહત્વપૂર્ણ પ્રસંગ ઉજવ્યો હતો, જે ભારત સરકારની મુખ્ય પહેલ છે. જેનો ઉદ્દેશ લિંગ અસંતુલનને દૂર કરવાનો અને બાળકીઓને સશક્ત બનાવવાનો છે.

નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી તથા મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર સહિત વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં બીબીબીપી યોજના હેઠળ થયેલી પ્રગતિનાં એક દાયકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જે મહિલાઓ અને છોકરીઓનાં સશક્તીકરણ માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેણે દેશનાં વિકસિત ભારત 2047નાં દ્રષ્ટિકોણની પણ પુષ્ટિ કરી હતી, જેમાં લિંગ સમાનતા એ માત્ર નીતિગત પ્રાથમિકતા જ નહીં, પરંતુ સામાજિક ધોરણ છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ પોતાનાં વિશેષ સંબોધનમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાની સફળતા બાળ જાતિનાં ગુણોત્તર, સંસ્થાગત પ્રસૂતિ અને કન્યાઓ માટે સ્વાસ્થ્ય સેવાઓની સુલભતામાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. ભારત સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે દરેક બાળકીને આવતીકાલનાં નેતા બનવા માટે લાયક સંભાળ અને તકો મળે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ પોતાનાં મુખ્ય સંબોધનમાં બીબીબીપીની પરિવર્તનશીલ અસરને સ્વીકારી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યોજના સામાજિક પરિવર્તન માટે ઉત્પ્રેરક બની છે. તેમણે ઉમેર્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓ પહેલ સરકારી યોજના બનવાથી લઈને દેશવ્યાપી આંદોલન તરફ આગળ વધી ગઈ છે. શ્રીમતી દેવીએ વધુમાં ઉમેર્યું હતું કે, 10 વર્ષની યાત્રાએ કન્યાઓનો દરજ્જો સુધારવામાં અને તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંપૂર્ણ વિકાસ માટે સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે વિશેષ સંબોધન કરતાં આ યોજના દ્વારા લાવવામાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બેટી બચાઓ બેટી પઢાઓ મહિલાઓનાં ઉત્થાન માટે અમારી સામૂહિક કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે. શ્રીમતી ઠાકુરે જણાવ્યું હતું કે, અમે આ સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યાં છીએ, ત્યારે અમે એવું વાતાવરણ ઊભું કરવા માટે અમારા સમર્પણની પુનઃપુષ્ટિ કરીએ છીએ, જેમાં દરેક છોકરીને શિક્ષણ, સ્વાસ્થ્ય અને તકોથી ભરપૂર ભવિષ્યનો અધિકાર હોય.

આ પ્રસંગે કેટલીક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવી હતી, જેમાં શ્રેષ્ઠ પદ્ધતિઓનો સંગ્રહ, મિશન વાત્સલ્ય પોર્ટલ, મિશન શક્તિ પોર્ટલ અને મિશન શક્તિ મોબાઇલ એપ સામેલ છે. જે તમામ દેશભરમાં મહિલાઓ અને બાળકોનાં સશક્તીકરણ માટે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવા માટે બનાવવામાં આવી છે.

પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો

આ કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, પોલીસ, અર્ધલશ્કરી દળો, તબીબી, વિજ્ઞાન, સરકાર અને અન્ય સહિત વિવિધ ક્ષેત્રોની આદરણીય મહિલા અધિકારીઓ તેમજ ઉત્સાહી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. છેલ્લા એક દાયકામાં, બીબીબીપી યોજનાએ ભારતમાં લિંગ સમાનતા અને બાળકીઓનાં દરજ્જાને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

નેશનલ સેક્સ રેશિયો એટ બર્થ (એસઆરબી) 2014-15માં 918 હતો, જે 2023-24માં સુધરીને 930 થયો છે. સેકન્ડરી લેવલે છોકરીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 75.51 ટકાથી વધીને 78 ટકા થયો છે અને ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી 61 ટકાથી વધીને 97.3 ટકા થઈ છે. આ ઉપરાંત, પ્રથમ ત્રિમાસિક પ્રસૂતિ પૂર્વેની સંભાળની નોંધણી 61 ટકાથી વધીને 80.5 ટકા થઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી, 2015નાં રોજ તેની શરૂઆત થઈ ત્યારથી બીબીબીપી યોજનાએ ભારતમાં લિંગ ભેદભાવ અને બાળ લિંગનાં ઘટતા જતા ગુણોત્તર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું સમાધાન કર્યું છે. આ યોજના એક સાંસ્કૃતિક પરિવર્તનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે કન્યાઓને મૂલ્યવાન બનાવે છે, તેના અધિકારો અને તકોનું રક્ષણ કરે છે અને મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.

10મી વર્ષગાંઠની ઉજવણી 22 જાન્યુઆરીથી 8 માર્ચ, 2025 સુધી ચાલુ રહેશે. જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમાપ્ત થશે. બીબીબીપી યોજનાનાં ઉદ્દેશોને પ્રોત્સાહન આપવા માટે રેલીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અભિયાનો સહિત રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ભારત સરકારનાં સર્વસમાવેશક વિકાસનાં વિસ્તૃત વિઝનને અનુરૂપ સ્થિરતા અને પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે બીબીબીપી યોજના સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે કામ કરવાનું ચાલુ રાખે, દેશભરમાં છોકરીઓ અને મહિલાઓને સશક્ત બનાવે અને વિકસિત ભારતનાં નિર્માણમાં યોગદાન આપે.

AP/IJ/GP/JD


(Release ID: 2095286) Visitor Counter : 17