પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓડિશામાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના શુભારંભથી પર્યટનને પ્રોત્સાહન મળશે અને આ પ્રદેશોમાં સામાજિક-આર્થિક વિકાસમાં વધારો થશે: પીએમ
આજે દેશ વિકસિત ભારતનો સંકલ્પ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે અને આ માટે ભારતીય રેલવેનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે: પીએમ
અમે ચાર માપદંડો પર ભારતમાં રેલવેના વિકાસને આગળ વધારી રહ્યા છીએ. પહેલું – રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, બીજું – રેલવે મુસાફરો માટે આધુનિક સુવિધાઓ, ત્રીજું – દેશના દરેક ખૂણામાં રેલવે કનેક્ટિવિટી, ચોથું – રોજગારીનું સર્જન કરવા માટે, ઉદ્યોગોને ટેકો આપવા માટે રેલવે : પ્રધાનમંત્રી
આજે ભારત રેલવે લાઇનનું લગભગ 100 ટકા વીજળીકરણ કરી રહ્યું છે, અમે રેલવેની પહોંચ પણ સતત વધારી છે: પ્રધાનમંત્રી
Posted On:
06 JAN 2025 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેલંગાણામાં ચરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજી જયંતીનાં પ્રસંગે શુભેચ્છા પાઠવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનાં ઉપદેશો અને જીવન મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનાં સ્વપ્નને પ્રેરિત કરે છે. ભારતની કનેક્ટિવિટીમાં ઝડપથી થઈ રહેલી પ્રગતિની પ્રશંસા કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધી ભારત મેટ્રો રેલ નેટવર્કને 1000 કિલોમીટરથી વધારે વિસ્તારીને તેની પહેલોને વેગ આપી રહ્યું છે. તેમણે દિલ્હી-એનસીઆરમાં તાજેતરમાં નમો ભારત ટ્રેનનાં ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો અને ગઈકાલે દિલ્હી મેટ્રો પરિયોજનાઓનો શુભારંભ કર્યો હતો.
શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ એ વાતનો વધુ એક પુરાવો છે કે સંપૂર્ણ દેશ એક પછી એક સાથે આગળ વધી રહ્યો છે, કારણ કે જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને તેલંગાણામાં શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ દેશના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ વિસ્તારો માટે આધુનિક કનેક્ટિવિટીમાં મોટી હરણફાળ ભરી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, 'સબ કા સાથ, સબ કા વિકાસ'નો મંત્ર વિકસિત ભારતનાં વિઝનને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મદદરૂપ છે. તેમણે આ ઘટનાક્રમો પર આ રાજ્યોના લોકોને અને ભારતના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા આધુનિક રેલવે નેટવર્ક પરની કામગીરી દેશમાં ઝડપથી પ્રગતિ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિશેષ કોરિડોર નિયમિત ટ્રેક પરનું દબાણ ઘટાડશે અને હાઈ-સ્પીડ ટ્રેનો માટે વધુ તકો પણ ઊભી કરશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મેડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની સાથે રેલવેની કાયાપલટ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, મહાનગરો અને રેલવે માટે આધુનિક કોચ વિકસાવવામાં આવી રહ્યાં છે. સ્ટેશનોનો પણ પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે, સ્ટેશનો પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી રહી છે અને રેલવે સ્ટેશનો પર 'વન સ્ટેશન, વન પ્રોડક્ટ' સ્ટોલ લગાવવામાં આવી રહ્યા છે. આ તમામ પહેલથી રેલવે ક્ષેત્રમાં રોજગારીની લાખો નવી તકો ઊભી થઈ રહી છે. છેલ્લા એક દાયકામાં લાખો યુવાનોએ રેલવેમાં કાયમી સરકારી નોકરીઓ મેળવી છે. ટ્રેનના નવા કોચનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં કાચા માલની માગ અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો વધારવા તરફ દોરી જાય છે."
પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના પ્રયાસોમાં દેશની અડગતાનો પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતીય રેલવેનો વિકાસ કેન્દ્રિય છે. છેલ્લા એક દાયકામાં, ભારતીય રેલવેએ ઐતિહાસિક પરિવર્તન કર્યું છે, જેને દેશની છબી બદલી નાખી છે અને તેના નાગરિકોનું મનોબળ નોંધપાત્ર રીતે વધાર્યું છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય રેલવેનો વિકાસ ચાર મુખ્ય માપદંડો પર આગળ વધી રહ્યો છે. પ્રથમ, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, બીજું મુસાફરો માટે આધુનિક સુવિધાઓની જોગવાઈ, ત્રીજું દેશના દરેક ખૂણે રેલવે કનેક્ટિવિટીનું વિસ્તરણ અને ચોથું રેલવે દ્વારા રોજગારીની તકોનું સર્જન અને ઉદ્યોગોને ટેકો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે, “આજનો કાર્યક્રમ આ વિઝનનો પુરાવો છે. નવા વિભાગો અને રેલવે ટર્મિનલની સ્થાપના ભારતીય રેલવેને 21મી સદીના આધુનિક નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.” આ વિકાસ આર્થિક સમૃદ્ધિની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે, રેલવે કામગીરીમાં વધારો કરશે, વધુ રોકાણની તકો પેદા કરશે અને નવી નોકરીઓનું સર્જન કરશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય રેલવે મુસાફરીના અનુભવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ માટે, દેશભરમાં 1,300 થી વધુ અમૃત સ્ટેશનો નવીનીકરણ હેઠળ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રેલ કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધી છે, રેલ લાઇનના લગભગ 100% વિદ્યુતીકરણ સાથે, જે 2014માં 35% હતી. 30,000 કિમીથી વધુ નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, અને સેંકડો રોડ ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. વધુમાં બ્રોડગેજ લાઈનો પરના તમામ માનવરહિત ક્રોસિંગને નાબૂદ કરવામાં આવ્યા છે, જેનાથી મુસાફરોની સુરક્ષામાં સુધારો થશે અને અકસ્માતોમાં ઘટાડો થશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને વિશાળ દરિયાકિનારાથી સમૃદ્ધ છે તથા આંતરરાષ્ટ્રીય વેપાર માટે નોંધપાત્ર સંભવિતતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં રૂ. 70,000 કરોડથી વધુના મૂલ્યના અનેક રેલવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેની સાથે સાત ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સની સ્થાપના પણ થઈ રહી છે, જે વેપાર અને ઉદ્યોગને વેગ આપી રહ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે ઓડિશામાં રાયગડા રેલવે ડિવિઝનનો શિલાન્યાસ થયો છે, જે ઓડિશામાં ખાસ કરીને દક્ષિણ ઓડિશામાં પ્રવાસન, વેપાર અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યનું રેલવે માળખું મજબૂત કરશે, જ્યાં આદિવાસી પરિવારોની સંખ્યા વધારે છે.
તેલંગાણામાં આજે ચર્લાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ 'આઉટર રિંગ રોડ' સાથે જોડાણ કરીને પ્રાદેશિક વિકાસને વેગ આપવાની તેની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આઉટર રિંગ રોડ સાથે જોડાયેલું આ સ્ટેશન આ વિસ્તારમાં વિકાસને નોંધપાત્ર વેગ આપશે." શ્રી મોદીએ સ્ટેશનનાં પ્લેટફોર્મ, લિફ્ટ, એસ્કેલેટર, સૌર ઊર્જાથી ચાલતી કામગીરી સહિતની આધુનિક સુવિધાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, "આ સ્થાયી માળખાગત સુવિધા ઊભી કરવાની દિશામાં એક પગલું છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નવું ટર્મિનલ સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાચિગુડામાં હાલનાં સ્ટેશનો પરનું દબાણ ઓછું કરશે, જેથી લોકો માટે મુસાફરી વધારે અનુકૂળ બનશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વિવિધ પ્રોજેક્ટથી જીવનની સરળતા તો વધે જ છે, પણ સાથે-સાથે વેપાર-વાણિજ્યની સરળતાને પણ પ્રોત્સાહન મળે છે, જે ભારતનાં વ્યાપક માળખાગત લક્ષ્યાંકો સાથે સુસંગત છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, અત્યારે ભારત એક્સપ્રેસવે, જળમાર્ગો અને મેટ્રો નેટવર્ક સહિત માળખાગત સુવિધાઓનું મોટા પાયે વિસ્તરણ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એરપોર્ટની સંખ્યા વર્ષ 2014માં 74 હતી, જે અત્યારે વધીને 150થી વધારે થઈ ગઈ છે અને મેટ્રો સેવાઓ 5 શહેરોથી વધીને દેશભરમાં 21 શહેરોમાં થઈ છે. તેમણે કહ્યું હતું કે, "આ વિવિધ પ્રોજેક્ટ વિકસિત ભારત માટેનાં એક મોટા રોડમેપનો ભાગ છે, જે અત્યારે આ દેશનાં દરેક નાગરિક માટે અભિયાન છે."
ભારતના વિકાસમાં વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મને ખાતરી છે કે, સંયુક્તપણે આપણે આ વૃદ્ધિને વધુ વેગ આપીશું." તેમણે આ સીમાચિહ્નો પર ભારતનાં નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં અને રાષ્ટ્રનિર્માણ માટે સરકારની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી શ્રી જી કિશન રેડ્ડી, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પ્રધાનમંત્રી કાર્યાલય રાજ્યમંત્રી ડો.જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી શ્રી વી. સોમન્ના, રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહ બિટ્ટુ, કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમાર, ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ કંભામપતિ, તેલંગાણાનાં રાજ્યપાલ શ્રી જીષ્ણુ દેવ વર્મા, જમ્મુ અને કાશ્મીરનાં લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા, તેલંગાણાનાં મુખ્યમંત્રી શ્રી એ. રેવંત રેડ્ડી અને ઓડિશાનાં મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
પૃષ્ઠ ભૂમિ
આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવાનાં મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રીએ નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેલંગાણામાં ચર્લાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.
પઠાણકોટ-જમ્મુ-ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા, ભોગપુર સિરવાલ-પઠાણકોટ, બટાલા-પઠાણકોટ અને પઠાણકોટથી લઈને જોગિન્દર નગર વિભાગોને 742.1 કિલોમીટરની ક્ષમતા સાથે જમ્મુ રેલવે ડિવિઝનની રચના કરવાથી જમ્મુ અને કાશ્મીર અને તેની આસપાસનાં વિસ્તારોને નોંધપાત્ર લાભ થશે, જે લોકોની લાંબા સમયથી વિલંબિત આકાંક્ષાઓ પૂર્ણ કરશે તથા ભારતનાં અન્ય ભાગો સાથેની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તે રોજગારીની તકોનું સર્જન કરશે, માળખાગત વિકાસનું સર્જન કરશે, પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને આ વિસ્તારનાં સંપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જશે.
તેલંગાણાના મેડચલ-મલકાજગિરી જિલ્લામાં આવેલા ચર્લાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનને નવા કોચિંગ ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેમાં આશરે રૂ. 413 કરોડના ખર્ચે બીજા પ્રવેશની જોગવાઈ કરવામાં આવી છે. મુસાફરોની સારી સુવિધાઓ ધરાવતા આ પર્યાવરણને અનુકૂળ ટર્મિનલ, શહેરના સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાચેગુડા જેવા હાલના કોચિંગ ટર્મિનલ્સ પરની ભીડને સરળ બનાવશે.
પ્રધાનમંત્રીએ ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો. એનાથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેની આસપાસનાં વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે અને આ વિસ્તારનાં સંપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જશે.
AP/IJ/GP/JD
(Release ID: 2090591)
Visitor Counter : 59
Read this release in:
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam