સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી જેક સુલિવન સાથે મુલાકાત કરી
ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ, મુખ્ય પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ અંગે ચર્ચા કરી છે
સંરક્ષણ મંત્રીએ યુએસ સંરક્ષણ ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી; કહ્યું, ભારત ક્ષમતા નિર્માણ અને ઔદ્યોગિક ભાગીદારી માટે સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકા સાથે મળીને કામ કરવા માંગે છે, જેથી નવા પડકારોનો સામનો કરી શકાય
Posted On:
24 AUG 2024 8:59AM by PIB Ahmedabad
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 23 ઓગસ્ટ, 2024ના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. તેમણે વિકસતી ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને કેટલાક મુખ્ય પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ ઔદ્યોગિક જોડાણ પ્રોજેક્ટ્સ તથા બંને દેશોના ઉદ્યોગો સાથે મળીને કામ કરી શકે તેવા સંભવિત ક્ષેત્રો પર પણ ચર્ચા કરી હતી.
રક્ષા મંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા આયોજિત એક રાઉન્ડ ટેબલમાં અમેરિકન સંરક્ષણ ઉદ્યોગના વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. રાઉન્ડ ટેબલમાં મોટી સંખ્યામાં અમેરિકાની ડિફેન્સ અને ટેક્નોલોજી કંપનીઓ હાજર રહી હતી.
શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અમેરિકાનાં રોકાણ અને ટેકનોલોજીનાં જોડાણને આવકારે છે તથા કુશળ માનવ સંસાધન આધાર, મજબૂત એફડીઆઇ તરફી અને વેપાર-વાણિજ્ય તરફી ઇકોસિસ્ટમ તથા મોટાં સ્થાનિક બજાર સાથે સજ્જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત ક્ષમતા નિર્માણ માટે સંરક્ષણ ક્ષેત્રમાં અમેરિકા સાથે ખભેખભો મિલાવીને કામ કરવા આતુર છે તથા નવા પડકારોનું સમાધાન કરી શકે તેવી ટેકનોલોજી અને ઔદ્યોગિક ભાગીદારી જાળવવા આતુર છે. ત્યારબાદ રક્ષામંત્રીએ યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના એક પ્રતિનિધિમંડળ સાથે સંક્ષિપ્ત મુલાકાત કરી હતી.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2048429)
Visitor Counter : 79