ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે પંચકુલામાં હરિયાણા સરકાર અને એનએફએસયુ, ગાંધીનગર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં
હરિયાણામાં એનએફએસયુ સાથે હાથ મિલાવીને ફોજદારી ન્યાય પ્રણાલીને પણ મજબૂત બનાવવામાં આવશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બ્રિટિશ યુગના 3 કાયદાઓમાં ઝડપી ન્યાય અને તમામ માટે ન્યાયની વિભાવના સાથે ફેરફાર કરવામાં આવ્યા છે
નવા કાયદાઓમાં 7 વર્ષ કે તેથી વધુની સજા સાથે ગુનાઓ માટે ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત છે, આનાથી દેશભરમાં ફોરેન્સિક નિષ્ણાતોની માંગમાં વધારો થશે, જે એનએફએસયુ દ્વારા પૂરી કરવામાં આવશે
અત્યાર સુધીમાં 9 રાજ્યોમાં એનએફએસયુના કેમ્પસ ખોલવામાં આવ્યા છે, આ યુનિવર્સિટીને દેશના લગભગ 16 રાજ્યોમાં લઈ જવા માટે કામ કરવામાં આવશે
આનાથી પ્રશિક્ષિત માનવશક્તિનું સર્જન થશે અને ગુનાઓના ઉકેલની ગતિને ઝડપી બનાવવામાં અને દોષિત ઠેરવવાના દરમાં સુધારો કરવામાં મદદ મળશે.
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માત્ર બાળકોને શિક્ષિત કરવા અને પ્રશિક્ષિત માનવશક્તિ તૈયાર કરવા માટે જ કામ કરતી નથી, પરંતુ ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે
Posted On:
29 JUN 2024 5:42PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે હરિયાણાના પંચકુલામાં હરિયાણા સરકાર અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ), ગાંધીનગર વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નયાબ સિંહ સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, એનએફએસયુ સાથે જોડાણમાં આજે હરિયાણાની અપરાધિક ન્યાય વ્યવસ્થાને વૈજ્ઞાનિક આધાર પ્રદાન કરવા માટે કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટિશ યુગના 3 કાયદા ભારતીય ન્યાય વ્યવસ્થાને સંચાલિત કરી રહ્યા હતા, તે ઝડપી ન્યાય અને તમામને ન્યાય આપવાની વિભાવના સાથે બદલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ફેરફારોના ભાગરૂપે, હવે 7 વર્ષ કે તેથી વધુની સજા ધરાવતા ગુનાઓ માટે ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત કરવામાં આવી છે. આનાથી દેશભરમાં ફોરેન્સિક નિષ્ણાતોની માંગમાં વધારો થશે, જે એનએફએસયુ પૂરી કરશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા માટે માનવ સંસાધન ઊભું કરવું પડશે. આ અભિગમ સાથે જ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને આગળ વધારવામાં આવી હતી અને સાથે જ આ નવા કાયદાઓની રચના પણ ચાલી રહી હતી. શ્રી શાહે ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં આ યુનિવર્સિટીનાં કેમ્પસ 9 રાજ્યોમાં ખોલવામાં આવ્યાં છે અને આ યુનિવર્સિટીને દેશનાં આશરે 16 રાજ્યોમાં લઈ જવા માટે કામ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, તેનાથી પ્રશિક્ષિત માનવબળનું સર્જન થશે અને ગુનાઓનું સમાધાન કરવાની ગતિ ઝડપી બનાવવામાં મદદ મળશે તથા દોષિત ઠેરવવાનો દર સુધારવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે, તેનાથી માત્ર પ્રશિક્ષિત માનવ સંસાધન જ નહીં મળે, પણ નવા કાયદાઓને પાયાનાં સ્તરે લાગુ કરવામાં પણ મોટો ફાયદો થશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, એક જ કેમ્પસમાં લેબોરેટરી, યુનિવર્સિટી અને તાલીમ સંસ્થા હોવાને કારણે પ્રશિક્ષક અને તાલીમાર્થી બંનેને ઘણું સરળ બનાવી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, જો અહીં એક તાલીમ સંસ્થા ખોલવાનું આયોજન કરવામાં આવે તો ભારત સરકાર પોતાના ખર્ચે ફોરેન્સિક સાયન્સની તાલીમ માટે સારી વ્યવસ્થા પૂરી પાડશે. તેમણે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ફક્ત બાળકોને શિક્ષિત કરવા અને પ્રશિક્ષિત માનવશક્તિ તૈયાર કરવા માટે જ કામ કરતી નથી, પરંતુ ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઇ), નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) અને પોલીસ અધિક્ષક (એસપી) સ્તરનાં અધિકારીઓ અને દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીરનાં ન્યાયાધિશોને મદદ મળશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજે હાથ ધરવામાં આવેલી આ પહેલ આગામી દિવસોમાં હરિયાણાની અપરાધિક ન્યાય પ્રણાલીમાં પરિવર્તન લાવશે.
AP/GP/JD
(Release ID: 2029552)
Visitor Counter : 86