ગૃહ મંત્રાલય

10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં યોગનો અભ્યાસ કર્યો, વિશ્વના તમામ યોગ-પ્રેમીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની તેમની પ્રથમ મુલાકાતમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

'વસુધૈવ કુટુમ્બકમ'નો મંત્ર યોગ પૂર્ણ કરે છે

સમગ્ર વિશ્વ અને માનવતાને ભારત તરફથી સૌથી મોટી ભેટ છે યોગ

યોગ એટલે મન, શરીર અને આત્મા વચ્ચે સુમેળ સાધવો

યોગ દિવસની ભેટ આપી મોદીજીએ દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનનો ધ્વજ ફરકાવ્યો

Posted On: 21 JUN 2024 2:29PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદમાં યોગ અભ્યાસ કર્યો હતો અને દેશ-દુનિયાના તમામ યોગપ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HODS.jpg

જનમેદનીને સંબોધતા શ્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે સમગ્ર વિશ્વ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં દેશે શ્રી નરેન્દ્ર મોદીને ભારતનાં પ્રધાનમંત્રી બનાવવા માટે ઐતિહાસિક જનાદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા બાદ જ્યારે શ્રી નરેન્દ્ર મોદી પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગયા હતા, ત્યારે તેમણે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્ર મોદીએ તેમની દરખાસ્ત મારફતે આપણાં પ્રાચીન વિજ્ઞાનનો પરિચય કરાવ્યો હતો અને વિશ્વનાં નેતાઓને આપણાં ઋષિમુનિઓની અદ્વિતીય ભેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે, થોડા જ દિવસોમાં 170થી વધુ દેશો યોગ દિવસ ઉજવવા માટે સંમત થયા હતા અને ત્યાંથી સમગ્ર વિશ્વ યોગના માર્ગે ચાલ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OWHS.jpg

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ભારતે સમગ્ર વિશ્વ અને માનવતાને ઘણું બધું આપ્યું છે અને યોગ એ તમામમાં સૌથી મોટી ભેટ અને ઉપકાર છે. તેમણે જણાવ્યું હતું કે, મન, શરીર અને આત્મા વચ્ચે સંવાદિતા સ્થાપિત કરવા માટે યોગથી મોટું કોઈ વિજ્ઞાન નથી અને આપણાં મનની અંદર અપાર શક્તિઓનાં મહાસાગરમાં ડૂબકી મારવાનું એકમાત્ર માધ્યમ યોગ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પોતાના મનની શક્તિઓને આત્મા સાથે જોડવા અને વિશ્વ કલ્યાણના માર્ગે આગળ વધવા માટે તેનો ઉપયોગ કરવા માટે યોગથી શ્રેષ્ઠ માધ્યમ બીજું કોઈ ન હોઈ શકે. આ સાથે જ યોગ આજે પ્રચલિત અનેક રોગોનો ઉપાય પણ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં પ્રયાસોનાં પરિણામે યોગ સંપૂર્ણ માનવતા માટે એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે. તેમણે કહ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ યોગને સ્વીકારી રહ્યું છે, શીખી રહ્યું છે અને શીખવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં લાખો લોકોએ યોગને હૃદયપૂર્વક સ્વીકાર્યો છે અને તેને આગળ વધારવા સંયુક્તપણે કામ કર્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ZI1O.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સહિત તમામના સહયોગથી આજે સવારે રાજ્યમાં આશરે 1.25 કરોડ લોકોએ યોગ કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે યોગને પ્રોત્સાહન આપ્યું છે અને તેને એક રમત તરીકે પણ માન્યતા આપી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આપણા વેદોમાં પ્રશસ્ત 'વસુધૈવ કુટુમ્બકમ્'નાં મંત્રને યોગ પૂર્ણ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, 21 જૂનનાં રોજ સમગ્ર દુનિયામાં ક્યાંક ને ક્યાંક યોગ થઈ રહ્યાં છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, યોગનાં માધ્યમથી આપણે સમર્પિત અને સતત પ્રયાસો દ્વારા નિઃસ્વાર્થ કાર્યોની લાક્ષણિકતાને સાકાર કરી શકીએ છીએ. તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વનાં કલ્યાણનાં મંત્રને અમલમાં મૂકવા માટે સતત યોગનો અભ્યાસ જરૂરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GBC5.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005DFJ2.jpg

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ કહ્યું કે, આપણા ઋષિમુનિઓએ આપેલું જ્ઞાન જ આપણને આગળ લઈ જઈ શકે છે. આપણી શારીરિક શક્તિ, મનની શાંતિ, કલ્પનાનો વિસ્તાર, અંતરાત્માની શક્તિને કેન્દ્રિત કરવા, સમગ્ર દેશની સામૂહિક ઊર્જાને જાગૃત કરવા માટે યોગથી મોટું કોઈ સાધન ન હોઈ શકે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભેટ આપીને પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનનો ધ્વજ ફરકાવ્યો છે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2027430) Visitor Counter : 72