પ્રધાનમંત્રીનું કાર્યાલય

તમિલનાડુનાં મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઇ માટે ડિજિટલ મોબિલિટી પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 27 FEB 2024 9:44PM by PIB Ahmedabad

 

વણક્કમ!

સૌપ્રથમ તો હું તમારા બધાની ક્ષમા માગું છું, કારણ કે મને આવવામાં મોડું થયું હતું અને તમારે ઘણી રાહ જોવી પડી હતી. હું સવારે દિલ્હીથી તો સમયસર નીકળી ગયો હતો, પરંતુ અનેકવિધ કાર્યક્રમો કરતા કરતા, દરેક 5-10 મિનિટ વધારે લે છે અને તેનું જ પરિણામ એ છે કે જે સૌથી છેલ્લે ઊભો રહે છે તેને સજા થઈ જાય છે. એટલે હું તેમ છતાં મોડો આવવા બદલ તમારા બધાની માફી માગું છું.

સાથીઓ,

ટેક્નોલોજી અને ઈનોવેશનનાં ક્ષેત્રમાં આટલા બધા દિમાગ વચ્ચે આવવું એ પોતાનામાં ખૂબ જ સુખદ અનુભવ છે. મને એવું લાગે છે કે હું ભવિષ્યને ઘડનારી કોઇ પ્રયોગશાળામાં આવી ગયો છું. તમિલનાડુએ ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં, ખાસ કરીને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, વૈશ્વિક મંચ પર તેની ભૂમિકા સાબિત પણ કરી છે. મને ખુશી છે કે તમે આ ઈવેન્ટને પણ 'ક્રિએટિંગ ધ ફ્યુચર' નામ પણ આપ્યું છે. 'ક્રિએટિંગ ધ ફ્યુચર - ઓટોમોટિવ એમએસએમઈ સાહસિકો માટે ડિજિટલ ગતિશીલતા'!  હું ટીવીએસ કંપનીને આ કાર્યક્રમ માટે આટલી મોટી સંખ્યામાં એમએસએમઈ અને હજારો પ્રતિભાશાળી યુવાનોને એક મંચ પર લાવવા બદલ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આ પ્લેટફોર્મ ઓટોમોબાઈલ ઉદ્યોગને તેમજ વિકસિત ભારતનાં નિર્માણને વેગ આપશે. હું સમજું છું કે એક સાથે અર્થઘટન ચાલી રહ્યું છે ને.

સાથીઓ,

તમે બધા જાણો છો કે આપણા કુલ જીડીપીના 7 ટકા હિસ્સો દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી આવે છે. જીડીપીમાં 7 ટકા ભાગીદારી, એટલે કે અર્થતંત્રનો એક બહુ મોટો હિસ્સો! તેથી, ઓટોમોબાઈલ્સ માત્ર રસ્તા પર જ ગતિ પ્રદાન કરતું નથી, ઓટોમોબાઈલ ઉદ્યોગ દેશનાં અર્થતંત્ર અને દેશની પ્રગતિને પણ એટલી જ ગતિ પ્રદાન કરે છે. મૅન્યુફેક્ચરિંગ અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવામાં પણ ઓટોમોબાઈલ ઉદ્યોગની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

દેશની અર્થવ્યવસ્થામાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું જે યોગદાન છે, તે જ ભૂમિકા આ ​​ઉદ્યોગમાં એમએસએમઈની છે. ભારતમાં દર વર્ષે 45 લાખ કારનું ઉત્પાદન થાય છે. ભારતમાં લગભગ 2 કરોડ દ્વિચક્રી વાહનો, 10 લાખ કોમર્શિયલ વાહનો અને 8.5 લાખ થ્રી વીઈલર્સનું ઉત્પાદન પણ થાય છે. તમારાથી વધુ સારી રીતે કોણ જાણતું હશે કે કોઈપણ પેસેન્જર વાહનમાં 3થી 4 હજાર પાર્ટ્સ હોય છે. મતલબ કે આવાં વાહનો બનાવવા માટે દરરોજ લાખો પાર્ટસની જરૂર પડે છે. અને આપણા લાખો એમએસએમઈ જ આ સપ્લાયની બહુ મોટી જવાબદારી ઉઠાવે છે. આમાંથી મોટા ભાગના ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં છે. આજે, ભારતીય એમએસએમઈ દ્વારા બનાવવામાં આવેલા ઘટકોનો ઉપયોગ દુનિયાની અનેક ગાડીઓમાં થાય છે. તેનો અર્થ એ છે કે અનેક વૈશ્વિક તકો પણ આપણા દરવાજા ખટખટાવી રહી છે.

સાથીઓ,

આજે આપણા એમ.એસ.એમ.ઇ. પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલાનો મજબૂત ભાગ બનવાનો બહુ મોટો મોકો છે. પરંતુ આ માટે, આપણા એમ.એસ.એમ.ઇ. એ તેમની ગુણવત્તા પર, પોતાની ક્વૉલિટી અને ડ્યુરેબિલિટી (ટકાઉપણું) પર વધુ કામ કરવું પડશે. આપણે વૈશ્વિક માપદંડો પર ખરા ઉતરવા માટે કામ કરવું પડશે. અને મેં એક વાર લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે હવે જો ભારતે વિશ્વ સુધી પહોંચવું હોય તો એક સૂત્રને ગંભીરતાથી સ્વીકારવું પડશે અને મેં કહ્યું હતું કે હવે આપણું ઉત્પાદન ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટવાળું હશે. અને જ્યારે હું ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ કહું છું, તો ઝીરો ડિફેક્ટ તેની ગુણવત્તા સાથે સંબંધિત છે અને ઝીરો ઇફેક્ટ પર્યાવરણ પર કોઈ વિપરીત અસર કરશે નહીં. આપણે આ મૂળ મંત્રને લઈને ચાલવું પડશે.

સાથીઓ,

ઓટોમોટિવ એમ.એસ.એમ.ઇ. સાહસિકો માટે ડિજિટલ ગતિશીલતા. તેનાથી દેશના લઘુ ઉદ્યોગોને નવી દિશા મળશે અને ભવિષ્ય માટે તૈયાર થવામાં મદદ મળશે.

સાથીઓ,

કોરોનાના સમયમાં વિશ્વએ ભારતના લઘુ ઉદ્યોગોનું સામર્થ્ય જોયું છે. ભારતે કોરોના સામેની લડાઈમાં જે જીત હાંસલ કરી છે તેમાં લઘુ ઉદ્યોગોની મોટી ભૂમિકા રહી છે. તેથી આજે દેશ એમ.એસ.એમ.ઇ.નાં ભવિષ્યને દેશનાં ભવિષ્ય તરીકે જોઈ રહ્યો છે. એમ.એસ.એમ.ઇ.s ના સંસાધનોને વધારવા માટે, પૈસાથી લઈને પ્રતિભા સુધી ચોતરફ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

આજે, દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા એમ.એસ.એમ.ઇ. માટે સસ્તી લોન અને કાર્યકારી મૂડીની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સંસાધનો વધવાથી તેમની વિચારસરણી પણ વિસ્તરી રહી છે. અમે અમારા લઘુ ઉદ્યોગો અને નવાં નવાં ક્ષેત્રોમાં નવીનતાઓ પણ અને તેના પર પણ પર આપણે જેટલું વધારે અપગ્રેડ કરીશું, જેટલું વધારે ધ્યાન આપી રહ્યા છીએ. તે આપણને વધારે મજબૂત કરશે. આ યુગમાં, અમારી સરકાર નવી ટેકનોલોજી અને એમ.એસ.એમ.ઇ.ની નવી કુશળતાની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખી રહી છે. આ માટે વિશેષ કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, તાલીમ સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે. અગાઉ આપણે ત્યાં કૌશલ્ય વિકાસને એક રૂટિન કામ ગણવામાં આવતું હતું. જ્યારથી તમે મને સેવા કરવાની તક આપી, મેં કૌશલ્ય વિકાસનું એક અલગ મંત્રાલય બનાવ્યું છે. અને હું સંપૂર્ણ રીતે સમજું છું કે ભાવિ પેઢીને ઘડવામાં કૌશલ્યો મોટી ભૂમિકા ભજવે છે. અને તેથી જ આપણા દેશમાં આધુનિકથી આધુનિક અને સતત અપગ્રેડ થતી કુશળ યુનિવર્સિટીઓ ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

સરકાર આજે જે રીતે ઈવી ને પ્રોત્સાહન આપી રહી છે, તેનાથી પણ એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર માટે નવી તકો ઊભી થઈ રહી છે. હું અહીં ઉપસ્થિત તમામ લઘુ સાહસિકોને વિનંતી કરું છું કે તેઓ EVsની વધતી જતી માગ અનુસાર તેમની ક્ષમતામાં વધારો પણ કરે. અને તમે જાણતા હશો કે ભારત સરકાર હમણાં રૂફ ટોપ સોલરની ખૂબ જ મોટી પોલિસી લાવી છે અને આ રૂફ ટોપ સોલર દરેક પરિવારને મોટી રકમની આર્થિક મદદ, 300 યુનિટ સુધી મફત વીજળી અને વધારાની વીજળીની ખરીદવી એવું એક પેકેજ છે, અને શરૂઆતમાં અમે એક કરોડ ઘરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. અને અમે અમારી કલ્પના છે કે આનાં કારણે જે ઈ-વાહનો છેતેનું  ચાર્જિંગ સ્ટેશન તેનાં પોતાનાં ઘરમાં જ બની જાય, તે રૂફ ટોપ સોલરથી જ ચાલશે, એટલે કે તેનો પરિવહન ખર્ચ શૂન્ય થઈ જવાનો છે. અને આ તમારા લોકો માટે એક બહુ મોટી તક લઈને આવી રહ્યું છે.

સાથીઓ,

સરકારે ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ માટે લગભગ રૂ. 26 હજાર કરોડની પીએલઆઇ સ્કીમ બનાવી છે. મેન્યુફેક્ચરિંગની સાથે સાથે આ સ્કીમ હાઈડ્રોજન વાહનોને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેની મદદથી અમે 100થી વધુ એડવાન્સ્ડ ઓટોમોટિવ ટેક્નોલોજીને પ્રોત્સાહન પણ આપ્યું છે. જ્યારે દેશમાં નવી ટેક્નોલોજી આવશે ત્યારે નવી ટેક્નોલોજી સંબંધિત વૈશ્વિક રોકાણ પણ આવવાનું છે. આ પણ આપણા એમ.એસ.એમ.ઇ. માટે આ એક મોટી તક છે. તેથી, આ જ યોગ્ય સમય છે કે આપણા એમ.એસ.એમ.ઇ. ક્ષમતાઓનો વિસ્તાર કરે, નવાં ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કરે.

સાથીઓ,

જ્યાં શક્યતાઓ હોય છે ત્યાં પડકારો પણ આવે છે. આજે એમ.એસ.એમ.ઇ.ને ડિજિટલાઇઝેશન, ઇલેક્ટ્રિફિકેશન, વૈકલ્પિક ઇંધણ વાહનો અને બજારની માગમાં વધઘટ જેવા ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. યોગ્ય સમયે અને યોગ્ય દિશામાં યોગ્ય પગલાં લઈને આપણે આ પડકારોને અવસરમાં ફેરવી શકીએ છીએ. આ માટે પોતાને અપગ્રેડ કરવાની જરૂર છે. આ સાથે એમ.એસ.એમ.ઇ.નું ઔપચારિકકરણ પણ એક મોટો પડકાર છે. અમારી સરકારે આ દિશામાં ઘણાં પગલાં લીધાં છે. અમે એમ.એસ.એમ.ઇ.ની વ્યાખ્યા પણ બદલી છે. આ નિર્ણય બાદ એમ.એસ.એમ.ઇ.ના વિકાસનો માર્ગ સાફ થઈ ગયો છે.

સાથીઓ,

ભારત સરકાર વિકસિત ભારત બનાવવા માટે તેના દરેક ઉદ્યોગ સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે. અગાઉ, તે ઉદ્યોગ હોય કે વ્યક્તિ, નાનામાં નાની બાબતો માટે સરકારી કચેરીઓના ચક્કર મારવા પડતા હતા. પરંતુ, આજે સરકાર દરેક ક્ષેત્રની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે. છેલ્લાં વર્ષોમાં, અમે 40 હજારથી વધુ અનુપાલન દૂર કર્યા છે. અમે ઘણી નાની વ્યાપાર-સંબંધિત ભૂલોને પણ ગુનામુક્ત કરી છે. નહીં તો તમને નવાઈ લાગશે.આપણા દેશમાં એવા કાયદા હતા કે જો તમારી ફેક્ટરીના ટોઈલેટને છ મહિનામાં એકવાર રંગીન ન કરવામાં આવે તો તમને જેલમાં મોકલતા હતા. મેં આ બધું કાઢ્યું અનેતેને કાઢવામાં દેશનાં 75 વર્ષ ગયાં.

સાથીઓ,

નવી લોજિસ્ટિક્સ નીતિ હોય, જીએસટી હોય, આ બધાએ ઓટોમોબાઈલ ઉદ્યોગના નાના પાયાના ઉદ્યોગોને પણ મદદ કરી છે. સરકારે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવીને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને એક દિશા આપી છે. પીએમ ગતિશક્તિમાં દોઢ હજારથી વધુ લેયર્સમાં ડેટા પ્રોસેસ કરીને ભવિષ્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. આનાથી મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીને બહુ મોટી શક્તિ મળવા જઈ રહી છે. અમે દરેક ઉદ્યોગ માટે સપોર્ટ મિકેનિઝમ વિકસાવવા પર પણ ભાર આપી રહ્યા છીએ. હું ઓટોમોબાઈલ એમ.એસ.એમ.ઇ. સેક્ટરને પણ આ સપોર્ટ મિકેનિઝમનો લાભ લેવા માટે કહીશ. આપણે ઈનોવેશન અને સ્પર્ધાત્મકતાને આગળ લઈ જઈને જ આગળ વધવું પડશે. સરકાર સંપૂર્ણપણે તમારી સાથે છે. મને ખાતરી છે કે, આ દિશામાં ટીવીએસનો આ પ્રયાસ તમને ચોક્કસ મદદ કરશે.

સાથીઓ,                                                            

મારે તમને વધુ બે-ત્રણ વાતો કહેવાની છે. તમે જાણો છો કે ભારત સરકારે ભંગાર અંગે એક નીતિ બનાવી છે. અમે ઈચ્છીએ છીએ કે જે જૂનાં વાહનો છે તે સ્ક્રેપ કરી દેવામાં આવે અને નવાં આધુનિક વાહનો બજારમાં આવે. અત્યારે એક મોટી તક છે. અને તેથી જ હું તમે ઉદ્યોગ જગતના લોકોએ ભારત સરકારની આ ભંગાર નીતિનો લાભ ઉઠાવવો જોઈએ અને સ્ક્રેપિંગની દિશામાં આગળ આવવું જોઈએ. હવે આપણો દેશ જહાજ નિર્માણમાં વિશ્વમાં પ્રથમ નંબરે આવી ગયો છે. અને જહાજ બનાવવાની રિસાયકલ સામગ્રીનું વિશાળ બજાર બની ગયું છે. હું માનું છું કે જો આપણે કોઈ મોટી યોજના સાથે આગળ આવીએ તો આપણા પડોશી દેશો પણ તેમનાં વાહનોને પણ, ગલ્ફના દેશો જ્યાં વાહનો ખૂબ જ ઝડપી ગતિએ બદલવામાં આવી રહ્યાં છે. તે પણ ભંગાર માટે ભારત આવશે અને આમ એક વિશાળ ઉદ્યોગની શક્યતા છે. અને તે બધી વસ્તુઓ તમારા એમ.એસ.એમ.ઇ. માટે કોઈને કોઈ રીતે ઉપયોગી છે. આપણે આ બધાનો લાભ કેવી રીતે લઈ શકીએ? તેવી જ રીતે, મને હમણાં કહેવામાં આવ્યું છે કે પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ અહીં છે. જ્યારે પણ હું કોઈ પણ વસ્તુ વિશે વિચારું છું, ત્યારે મને તેની સંપૂર્ણતાના આધારે વિચારવાની આદત છે. જો હું ગતિશીલતાની ચર્ચા કરીશ, પરિવહનની ચર્ચા કરીશ પરંતુ મારા ડ્રાઇવર વિશે ચર્ચા નથી કરતો અથવા તેની ચિંતા કરતો નથી, તો મારું કાર્ય ખૂબ જ અધૂરું છે. અને તેથી તમે થોડા દિવસો પહેલા અખબારમાં કદાચ આ વાંચ્યું હશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમે મુખ્ય હાઈવે પર એક હજાર પ્લેસ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. જેમાં વાહન ચાલકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. અને તેનાં કારણે અકસ્માતો ઘટશે, તેમને આરામ મળશે, તેમને જરૂરી સુવિધાઓ મળશે અને શરૂઆતમાં અમે વૈશ્વિક ધોરણનાં આવાં એક હજાર કેન્દ્રો બનાવવાનું કામ શરૂ કરી રહ્યા છીએ. તેથી પરિવહન ક્ષેત્રનાં જે મારા ભાઈઓ અને બહેનો છે તેમને, તમારા ડ્રાઇવરો માટે વધુ સુરક્ષા પણ, સંતોષ પણ અને તમારા વ્યવસાયને વધારવાની નવી તકો, આ બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી છે.

સાથીઓ,

તમારા બધાની વચ્ચે આવવાની તક મળી. તમારી પણ ઘણી આકાંક્ષાઓ છે, તમારા પણ ઘણાં સપના છે અને હું તમારા બધાં સપનાઓને મારા સંકલ્પો બનાવીને પૂરા કરવા માટે મારાં હૃદયથી કામ કરતો રહું છું. ભરોસો રાખો, આગામી પાંચ વર્ષ માટે તમારી જે પણ યોજના હશે, હિંમતથી આગળ વધો, હું તમારી સાથે રહીશ, હું તમારા માટે રહીશ અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈને રહીશું. ફરી એકવાર હું આપ સૌનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ આભાર માનું છું.

AP/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2009643) Visitor Counter : 59