પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવસારીમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન, રાષ્ટ્રને લોકાર્પણ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 FEB 2024 8:32PM by PIB Ahmedabad

ભારત માતાની - જય!

ભારત માતાની - જય!

ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદમાં મારા સાથીઓ, આ જ પ્રદેશના પ્રતિનિધિ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદો તેમજ ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઇઓ તથા બહેનો, કેમ છો તમે બધા?

ગુજરાતમાં આજનો આ મારો ત્રીજો કાર્યક્રમ છે. આજે સવારે જ, મને અમદાવાદમાં આખા ગુજરાતમાંથી આવેલા લાખો પશુપાલક મિત્રો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મળવા અને તેમની સાથે વાત કરવાની તક મળી હતી. તે પછી, મને મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું હતું. અને હવે અહીં નવસારીમાં તમારા બધા વચ્ચે વિકાસની આ ઉજવણીમાં હું જોડાઇ રહ્યો છું. તમે લોકો એક કામ કરો, જે રીતે ભૂપેન્દ્રભાઇએ કહ્યું હતું એમ, આઝાદી પછી કદાચ આ પહેલીવાર એવું બની રહ્યું છે કે, આટલી મોટી રકમના વિકાસના આટલા બધા કામ એક જ વારમાં થઇ રહ્યા હોય તેવું કદાચ આ પ્રથમ વખત છે. તો વિકાસના આટલા મોટા ઉત્સવમાં તમે બધા એક કામ કરશો ને? તમારો મોબાઇલ કાઢો અને તેની ફ્લેશ લાઇટ ચાલુ કરો અને વિકાસના આ ઉત્સવમાં ભાગીદાર બનો. ભારત માતાની જય... આવું ધીમું ધીમું બોલો એ નહીં ચાલે. ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય. શાબ્બાશ. નવસારીમાં આજે જાણે હીરા ચમકી રહ્યા હોય તેવું લાગે છે. થોડા સમય પહેલાં વડોદરા, નવસારી, ભરૂચ, સુરત સહિતના વિસ્તારોને હજારો કરોડ રૂપિયાની નવી પરિયોજનાઓ મળી છે છે. કાપડ, વીજળી અને શહેરી વિકાસ સંબંધિત રૂપિયા 40 હજાર કરોડથી વધુના મૂલ્યની આ પરિયોજનાઓ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

મિત્રો,

આજકાલ આખા દેશમાં એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, તે સંસદથી માંડીને શેરીઓમાં પણ ચાલી રહી છે. અને તે ચર્ચા છે મોદીની ગેરંટીની. દેશનું એક-એક બાળક પણ કહી રહ્યું છે કે મોદીએ જે કહે છે તે કરી બતાવે છે. કદાચ દેશના અન્ય લોકો માટે આ વાત નવી છે, પરંતુ ગુજરાતની જનતા તો વર્ષોથી જાણે છે કે મોદીની ગેરંટી... એટલે... એ ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી હોય છે. તમને યાદ હશે કે, જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે હું પાંચ F વિશે વાત કરતો હતો. પાંચ F શું હતા... તેનો અર્થ હતો - ફાર્મ ટુ ફાઇબર (ખેતરમાંથી કપાસ), ફાઇબર ટુ ફેક્ટરી (કપાસથી ફેક્ટરી), ફેક્ટરી ટુ ફેશન (ફેક્ટરીથી ફેશન), ફેશન ટુ ફોરેન (ફેશનથી વિદેશ) છે. હું ત્યારે પાંચ એફની વાત કરતો હતો, એટલે કે ખેડૂત કપાસ ઉગાડશે, તે કપાસ ફેક્ટરીમાં જશે, ફેક્ટરીમાં બનેલા રેસામાંથી કાપડ બનશે, આ કપડાની વિદેશમાં નિકાસ કરવામાં આવશે.

મારું લક્ષ્ય હતું કે, આપણી પાસે કાપડ ક્ષેત્રની સંપૂર્ણ પુરવઠા અને મૂલ્ય શૃંખલા હોવી જોઇએ. તે થવું જોઇએ ને ... બોલો થવું જોઇએ ને? આજે આપણે આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે આના જેવી જ વ્યવસ્થાઓનું નિર્માણ રહ્યા છીએ. પીએમ મિત્ર પાર્ક, આ પીએમ મિત્ર પાર્ક પણ આ અભિયાનનો જ એક ભાગ છે. નવસારીમાં આજે જે પીએમ મિત્ર પાર્કનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે તે કાપડ ક્ષેત્ર માટે દેશનો આ પ્રકારનો પ્રથમ પાર્ક બનવાનો છે. તેનાથી કાપડ ઉદ્યોગ વધુ મજબૂત થશે અને કાપડની નિકાસમાં ભારતનો હિસ્સો વધશે. તમે કલ્પના કરી શકો છો કે... સુરતના હીરા અને નવસારીના વસ્ત્રો, વિશ્વના ફેશન બજારમાં ગુજરાત કેટલું મોટું નામ કરી શકે છે, ચારેબાજુ ગુજરાતનો જય જયકાર થશે કે નહીં? ગુજરાતનો પડઘો બધે જ સંભળાશે કે નહીં?

મિત્રો,

આજે એક રીતે જોઇએ તો સુરત સિલ્ક સિટીનું વિસ્તરણ નવસારી સુધી થઇ રહ્યું છે. આજે આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો સાથે ભારતે ટક્કર લેવાનું શરૂ કર્યું છે. અને આમાં ગુજરાતના કાપડ ઉદ્યોગનો ફાળો ખૂબ જ મોટો છે. વર્ષોથી સુરતના કાપડ ઉદ્યોગ પોતાની એક સારી ઓળખ મેળવી છે. જ્યારે અહીં પીએમ મિત્ર પાર્ક તૈયાર થઇ જશે ત્યારે આ સમગ્ર વિસ્તારની તસવીર બદલાઇ જશે. આ પાર્કના નિર્માણમાં જ 3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. અહીં, કાંતવાનું, વણાટકામ, જિનિંગ, વસ્ત્રો, ટેક્નિકલ ટેક્સટાઇલ અને કાપડ ઉદ્યોગને લગતી મશીનરી જેવી તમામ પ્રવૃત્તિઓ માટે મૂલ્ય શૃંખલા ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવશે. મતલબ કે, આવા હજારો કારીગરો અને મજૂરો અહીં કામ કરી શકશે. આ પાર્કમાં શ્રમિકો માટે આવાસ, લોજિસ્ટિક્સ પાર્ક, ગોદામો, આરોગ્ય સુવિધાઓ, તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં હશે. મતલબ કે, આ પાર્ક આસપાસના ગામડાઓમાં પણ રોજગાર અને સ્વરોજગારીની તકો ઉભી કરશે.

મિત્રો,

આજે સુરતના લોકો માટે વધુ એક મહત્વની પરિયોજના પર કામ શરૂ થઇ રહ્યું છે. 800 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા તાપી નદી બેરેજનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તાપી નદી બેરેજના નિર્માણથી સુરતમાં આગામી ઘણા વર્ષો સુધી પાણી પુરવઠાનો પડકાર ઉકેલાઇ જશે. આનાથી પૂર જેવા જોખમોનો સામનો કરવામાં પણ મદદ મળશે.

મિત્રો,

ગુજરાત, સમાજ જીવનમાં અને ઔદ્યોગિક વિકાસમાં વીજળીનું મહત્વ કેટલું છે તે સારી રીતે જાણે છે. 20-25 વર્ષ પહેલાંનો એક એવો સમય હતો જ્યારે ગુજરાતમાં કેટલાય કલાકો સુધી વીજકાપ રહેતો હતો. આજે 25-30 વર્ષની ઉંમરના લોકોને તો ખબર પણ નહીં હોય કે તે દિવસોમાં આપણે અંધકારમાં જીવતા હતા. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો મારી પાસે આવતા હતા અને વિનંતી કરતા હતા કે સાંજના ભોજનના સમયે કોઇપણ રીતે વીજળીની વ્યવસ્થા કરવામાં આવે. તમે જરાક વિચારો, પહેલાં લોકો કહેતા હતા કે સાહેબ, કમસે કમ સાંજે જમવાના સમયે તો વીજળી આપો, તે સમયે આવી સ્થિતિ રહેતી હતી. આવી હાલત હતી. તે સમયે વીજળીના ઉત્પાદનમાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. કોલસાની જરૂર હોય તો દૂર દૂરથી લાવવો પડતો અથવા વિદેશથી લાવવો પડતો. જો ગેસમાંથી વીજળી ઉત્પન્ન કરવી હોય તો તેને પણ આયાત કરવો પડતો હતો. પાણીમાંથી વીજળી ઉત્પન્ન થવાની શક્યતા ખૂબ જ ઓછી હતી. આવા સંકટો સાથે ગુજરાતનો વિકાસ થવો અસંભવ હતો. પરંતુ અસંભવને સંભવ બનાવવા માટે જ તો મોદી છે. તેથી, અમે ગુજરાતને વીજળીના સંકટમાંથી બહાર કાઢવા માટે આધુનિક તકનીકને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. અમે સૌર ઉર્જા પર ભાર મૂક્યો, અમે પવન ઉર્જા પર ભાર મૂક્યો. આજે ગુજરાતમાં સૌર અને પવન ઉર્જામાંથી મોટા પાયે વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે.

મિત્રો,

21મી સદીના ભારતમાં વીજળી ઉત્પન્ન કરવામાં આપણા પરમાણુ વીજ પ્લાન્ટ્સની ભૂમિકા હજુ પણ વધુ વધવાની છે. આજે જ તાપીના કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં બે નવા રિએક્ટરનું રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંને રિએક્ટર મેડ ઇન ઇન્ડિયા તકનીકથી તૈયાર કરવામાં આવ્યા છે. એકવાર ભારત માતાની જય બોલો અને આત્મનિર્ભરની સ્થિતિ માટે ગર્વથી તમારા હાથ ઉંચા કરો, ભારત માતાની જય. આ બતાવે છે કે, આજે ભારત દરેક ક્ષેત્રમાં કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે. હવે આ પ્લાન્ટમાંથી ગુજરાત વધુ વીજળી મેળવી શકશે, જેનાથી અહીંના ઔદ્યોગિક વિકાસમાં વધુ મદદ મળશે.

મિત્રો,

નવસારી હોય, વલસાડ હોય, દક્ષિણ ગુજરાતનો આ પ્રદેશ આજે અભૂતપૂર્વ વિકાસના તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. અહીંની માળખાકીય સુવિધાઓ સતત આધુનિક બની રહી છે. અને જ્યારે હું સૌર ઉર્જા વિશે વાત કરું છું - જ્યારે આપણા ગુજરાત વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે ગુજરાતીઓ તો એવા લોકો છીએ જે એક-એક પૈસાનો હિસાબ રાખે છે, બોલો રાખે છે કે નહીં? હિસાબ-કિતાબમાં પાક્કા છે. હવે મોદીએ બીજી ગેરંટી આપી છે, જે તમારા માટે એકદમ લાભદાયી છે, 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ અને આ કાર્યક્રમ છે પીએમ સૂર્યઘર. પીએમ સૂર્યઘરમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. લગભગ મધ્યમ વર્ગીય પરિવાર હોય, તેની પાસે એસી હોય, પંખો હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, આ બધું જ તેમાં આવી જાય. અને એવી જ રીતે, સરકાર ઘરની ઉપર સૌર પેનલ લગાવવા માટે પૈસા પણ આપશે, બેંકમાંથી લોન પણ આપશે. અને ત્રીજું, જો તમારે 300 યુનિટ કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરવી હોય, અને તમારે જરૂરિયાત કરતાં વધુ વીજળી વેચવી હોય, તો સરકાર તે વીજળી ખરીદી લેશે. તેમાંથી પણ તમને પૈસા મળશે, બોલો આમાં નફો છે કે નહીં. ગુજરાતમાં ઘરે-ઘરે, દરેક ઘર પર સૌર વીજળી, સૂર્ય વીજળી અને મફત વીજળી પહોંચાડવાના કાર્યમાં જોડાઇ જાઓ. આ મોદીની ગેરંટી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પણ આ વિસ્તારમાંથી પસાર થવા જઇ રહી છે. આ વિસ્તાર દેશના મુખ્ય આર્થિક કેન્દ્રો મુંબઇ અને સુરતને જોડવા જઇ રહ્યો છે.

મિત્રો,

હવે નવસારીની ઓળખ ઔદ્યોગિક વિકાસના કારણે થઇ રહી છે, પરંતુ નવસારી સહિત આખું દક્ષિણ ગુજરાત ખેતીમાં પણ ઘણું આગળ નીકળી ગયું છે. જ્યારે ભાજપ સરકારે અહીં ખેડૂતોને સુવિધાઓ આપવાનું શરૂ કર્યું ત્યારે ફળની ખેતીની પ્રથા વધી છે. અહીંની હાફુસ કેરી, વલસાડીની કેરી, નવસારીના ચીકુ, આ તો આખી દુનિયામાં પ્રખ્યાત થઇ ગયા છે, હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મને તેના વિશે કહે છે. ડબલ એન્જિન સરકાર આજે ખેડૂતોને દરેક પગલા પર મદદ કરી રહી છે. નવસારીના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી 350 કરોડ રૂપિયા કરતાં વધુની મદદ પણ મળી છે.

મિત્રો,

મોદીએ દેશના ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ એમ તમામ લોકોને સશક્ત કરવાની ગેરંટી આપી છે. અને આ ગેરંટી માત્ર યોજનાઓ બનાવવા પૂરતી જ નથી, પરંતુ યોજનાઓનો સંપૂર્ણ લાભ તેના માટે હકદાર હોય તેવા તમામ લોકો સુધી પહોંચાડવા વિશેની પણ છે. મોદીની ગેરંટી એ સુનિશ્ચિત કરવાની છે કે દેશમાં કોઇ પણ પરિવાર ગરીબ ન રહી જાય કે કોઇને ગરીબીમાં જીવવું ન પડે. તેથી, સરકાર પોતાના તરફથી લાભાર્થીઓ સુધી સામે ચાલીને આવી રહી છે, લાભાર્થીઓને શોધી રહી છે અને તેમને યોજનાઓ સાથે જોડી રહી છે.

મિત્રો,

કોંગ્રેસે લાંબા સમય સુધી દેશમાં અને ગુજરાતમાં સરકારો ચલાવી હતી. પરંતુ ક્યારેય આદિવાસી વિસ્તારો અને દરિયા કિનારે વસેલા ગામોની કાળજી લીધી જ નહોતી. અહીં ગુજરાતમાં ભાજપ સરકારે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં દરેક મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે અથાક મહેનત કરી છે. પરંતુ દેશ કક્ષાએ આવું બન્યું નહોતું. 2014 સુધી દેશના 100થી વધુ જિલ્લા વિકાસના અંતિમ છેડા પર હતા, તેમને કોઇ પૂછનાર પણ નહોતું. આમાંના મોટાભાગના વિસ્તારો આદિવાસીની બહુમતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ હતા. છેલ્લાં 10 વર્ષમાં અમે આ જિલ્લાઓમાં ઝડપી ગતિએ વિકાસ થાય તે માટે તેમને મહત્વાકાંક્ષી બનાવ્યા છે. આજે, મહત્વાકાંક્ષી જિલ્લા અભિયાનને કારણે દેશના આ 100 જિલ્લાઓ ઝડપથી વિકાસમાં આગળ વધી રહ્યા છે.

ભાઇઓ તથા બહેનો,

મોદીની ગેરંટી ત્યાંથી શરૂ થાય છે જ્યાંથી બીજાની આશા ખતમ થઇ જાય છે. દેશના ગરીબોને પહેલીવાર વિશ્વાસ જાગ્યો છે કે તેમને પાકા ઘર મળશે - કારણ કે મોદીની ગેરંટી છે. ગરીબમાં ગરીબને પહેલીવાર ભરોસો બેઠો છે કે તેમને ભૂખ્યા સૂવાની નોબત નહીં આવે, તેમને પીડા સહન નહીં કરવી પડે - કારણ કે મોદીની ગેરંટી છે. સુદૂરવર્તી ગામડાઓમાં રહેતી બહેનોને પણ વિશ્વાસ બેઠો છે કે તેમના ઘરમાં વીજળી આવશે, નળમાં પાણી આવશે - કારણ કે મોદીની ગેરંટી છે. ગરીબો, ખેડૂતો, દુકાનદારો, મજૂરો, તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના માટે પણ વીમા અને પેન્શન યોજનાઓ બનાવવામાં આવશે. પરંતુ આજે આ બધુ જ શક્ય બન્યું છે - કારણ કે મોદીની ગેરંટી છે. બંને હાથ ઉંચા કરો - કારણ કે મોદીની ગેરંટી છે.

મિત્રો,

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની બીમારી એક મોટો પડકાર છે. ગુજરાતમાં હું મુખ્યમંત્રી હતો ત્યારે અમે આના માટે ઘણાં પગલાં લીધાં હતા. પરંતુ આ રોગને નાબૂદ કરવા માટે દેશ સ્તરે પ્રયાસો હાથ ધરવા જરૂરી હતા. હવે અમે સિકલ સેલ એનિમિયાથી છુટકારો મેળવવા માટે રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરી દીધી છે. આ અંતર્ગત આખા દેશના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની તપાસ કરવામાં આવી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પણ લાખો લોકોની તપાસ કરવામાં આવી છે. હવે તો અહીં મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી રહી છે. પહેલાં તો અહીં આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવવી એ મોટી વાત હતી. આજે ઘણા આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો બનાવવામાં આવી છે.

મિત્રો,

ગરીબ હોય કે મધ્યમ વર્ગ, ગામડું હોય કે શહેર, અમારી સરકારનો પ્રયાસ એવો રહ્યો છે કે, દરેક દેશવાસીના જીવનધોરણમાં સુધારો કરવામાં આવે. કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું તે દરમિયાન, તેઓ ભારતને માત્ર 11મા ક્રમનું અર્થતંત્ર બનાવી શક્યા હતા. અર્થતંત્રમાં પાછળ રહેવાનો અર્થ એ થયો કે દેશમાં પૈસાનો અભાવ હતો. તેથી તે સમયે ન તો ગામડાઓનો વિકાસ થઇ શક્યો હતો અને ન તો નાના શહેરોનો વિકાસ થઇ શક્યો હતો. ભાજપ સરકારે પોતાના 10 વર્ષના શાસન દરમિયાન ભારતને 10મા ક્રમેથી આગળ વધીને 5મા ક્રમના અર્થતંત્રમાં પરિવર્તિત કરી દીધું છે. આનો અર્થ એ થયો કે આજે ભારતના નાગરિકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા છે અને તેથી ભારત તેનો ખર્ચ પણ કરી રહ્યું છે. તેથી, આજે દેશના નાના શહેરોમાં પણ ઉત્તમ કનેક્ટિવિટીની શાનદાર માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નાના શહેરોમાંથી પણ હવાઇ મુસાફરી આટલી બધી સરળ થઇ જશે એવી તો કોઇએ કલ્પના પણ કરી ન હતી. આજે દેશના અને નાના નાના શહેરોમાં લોકો હવાઇ મુસાફરીનો લાભ લઇ શકે છે. કોંગ્રેસે દાયકાઓ સુધી કરેલા શાસનમાં શહેરોને ઝૂંપડપટ્ટીઓ જ મળી છે. તેના બદલે હવે ગરીબોને ઝૂંપડપટ્ટીના બદલે પાકા મકાનો મળી રહ્યા છીએ. છેલ્લાં 10 વર્ષોમાં, અમે ગરીબો માટે 4 કરોડથી વધુ પાકાં મકાનો બનાવ્યાં છે... 4 કરોડ, જરા વિચાર કરી જુઓ.

મિત્રો,

આજે દુનિયા ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે. આ એ જ ડિજિટલ ઇન્ડિયા અભિયાન છે, જેની કોંગ્રેસના લોકો એક સમયે મજાક ઉડાવી રહ્યા હતા. આજે ડિજિટલ ઇન્ડિયાના કારણે નાના શહેરોમાં પરિવર્તન આવ્યું છે. આ નાના શહેરોમાં નવા સ્ટાર્ટ-અપ્સ બની રહ્યા છે, રમતગમતના ક્ષેત્રમાં નવા યુવાનો સામે આવી રહ્યા છે. આપણે ગુજરાતમાં નાના શહેરોનું વિસ્તરણ થતું પણ જોઇ રહ્યા છીએ. આપણે આ નાના શહેરોમાં નિયો મિડલ ક્લાસનો ઉદય થતો જોઇ રહ્યા છીએ. આ નિયો મિડલ ક્લાસ ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવશે.

ભાઇઓ તથા બહેનો,

ભાજપ સરકાર વિકાસ પર જેટલો ભાર આપી રહી છે તેટલું જ ધ્યાન તેના વારસા પર પણ આપી રહી છે. આ વિસ્તાર આપણી આસ્થા અને ઇતિહાસનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. આઝાદીની ચળવળ હોય કે રાષ્ટ્ર નિર્માણનું મિશન હોય, આ વિસ્તારનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. પરંતુ જ્યારે પરિવારવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર એ જ રાજનીતિનું એકમાત્ર લક્ષ્ય બની જાય છે, ત્યારે વારસા પર ધ્યાન આપવામાં આવતું નથી. દુર્ભાગ્યવશ, કોંગ્રેસે દાયકાઓ સુધી દેશ સાથે સતત આ અન્યાય કર્યો હતો. આજે આખી દુનિયામાં ભારતના સમૃદ્ધ વારસાનો પડઘો સંભળાઇ રહ્યો છે. તમે દુનિયામાં જ્યાં પણ જશો, તમને જોવા મળશે કે લોકો ભારત આવવા માંગે છે, ભારત વિશે જાણવા માંગે છે. પરંતુ કોંગ્રેસે દાયકાઓ સુધી વિશ્વને ભારતના વાસ્તવિક વારસાથી દૂર રાખ્યું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં પૂજ્ય બાપુએ મીઠા અને ખાદીને આઝાદીના પ્રતીક બનાવ્યા હતા. કોંગ્રેસે ખાદીને પણ બરબાદ કરી નાખી હતી અને મીઠાના સત્યાગ્રહની આ ભૂમિને તો ભૂલી જ ગઇ હતી. દાંડી મીઠાના સત્યાગ્રહના સ્થળે દાંડી સ્મારક બનાવવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. અમે સરદાર પટેલજીના યોગદાનને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. પરંતુ આજદિન સુધી કોંગ્રેસના કોઇ ટોચના નેતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં ગયા નથી. ગુજરાત પ્રત્યેની આ નફરતને કોઇ ગુજરાતી ક્યારેય ભૂલી શકશે નહીં.

મિત્રો,

તમે જોયું હશે કે, આ કોંગ્રેસી લોકો મોદીની જાતિને પણ કેવી રીતે ગાળો આપે છે. પરંતુ કોંગ્રેસના લોકો એ વાત ભૂલી જાય છે કે તેઓ જેટલો વધારે ગાળો દેશે તેટલો 400 પાર કરવાનો સંકલ્પ વધુ મજબૂત થતો જશે. તેઓ જેટલો વધુ કાદવ ફેંકશે - 370 કમળ એટલી જ વધુ શાનથી ખીલશે.

ભાઇઓ તથા બહેનો,

કોંગ્રેસ પાસે આજે મોદીને ગાળો આપવા સિવાય દેશના ભવિષ્યને લગતો કોઇ જ એજન્ડા નથી. આ બાબત બતાવે છે કે જ્યારે કોઇ પક્ષ પરિવારવાદની પકડમાં આવી જાય છે, ત્યારે તે પરિવારથી ઉપર તેમને કોઇ દેખાતું નથી. પરિવારવાદી માનસિકતા નવા વિચારોની દુશ્મન હોય છે. પરિવારવાદી માનસિકતા નવી પ્રતિભાની દુશ્મન હોય છે. પરિવારવાદી માનસિકતા યુવાનોની દુશ્મન હોય છે. પોતાના પરિવારનું રક્ષણ કરવા માટે, તેઓ એ જ જૂની સ્થિતિ જાળવી રાખવા માંગે છે. આજે કોંગ્રેસ સાથે પણ આવું જ થઇ રહ્યું છે. જ્યારે ભાજપે આવનારા 25 વર્ષનોની ભાવિ રૂપરેખા તૈયાર કરી છે અને દેશની સામે વિકાસના ધ્યેય સાથે આગળ આવ્યું છે. આ 25 વર્ષમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું.

મિત્રો,

તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં તમે અહીં આવ્યા છો. તમે સૌએ અમને આશીર્વાદ આપ્યા તે બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર તમને સૌને આ વિકાસના કાર્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. મારી સાથે બોલો -

ભારત માતાની - જય!

બંને હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બોલો -

ભારત માતાની - જય!

ભારત માતાની - જય!

ભારત માતાની - જય!

ખૂબ ખૂબ આભાર!

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2008219) Visitor Counter : 117