રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં સામેલ થયા

Posted On: 25 JAN 2024 1:46PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (25 જાન્યુઆરી, 2024) નવી દિલ્હીમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે દેશને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વર્ષ 2023 દરમિયાન યોજાયેલી ચૂંટણીઓના આયોજનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય અને જિલ્લા કક્ષાના અધિકારીઓને વર્ષ 2023 માટે શ્રેષ્ઠ ચૂંટણી પદ્ધતિઓના એવોર્ડ એનાયત કર્યા હતા. મતદાતાઓની જાગૃતિમાં મૂલ્યવાન પ્રદાન કરવા બદલ સરકારી વિભાગો અને મીડિયા સંસ્થાઓ સહિતના મહત્વપૂર્ણ હોદ્દેદારોને પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણા લોકશાહીની વિશાળતા અને વિવિધતા આપણા માટે ગર્વની વાત છે. આપણા લોકતંત્રની ગૌરવશાળી સફરમાં ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમણે નોંધ્યું હતું કે, અત્યાર સુધીમાં ચૂંટણી પંચ દ્વારા 17 સામાન્ય ચૂંટણીઓ અને 400થી વધુ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ છે. તેમણે નિષ્પક્ષ અને સર્વસમાવેશક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા બદલ ચૂંટણી પંચની વર્તમાન અને અગાઉની ટીમોની પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા દેશની ચૂંટણી પ્રક્રિયામાં મોટા પાયે આધુનિક ટેકનોલોજીનો સફળ ઉપયોગ વિશ્વના તમામ લોકશાહી દેશો માટે ઉદાહરણરૂપ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચૂંટણી પંચ દ્વારા ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં શક્ય તેટલી હદે વધારવામાં આવશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના તમામ ભાગોમાં રહેતા મતદારો માટે વ્યવસ્થા કરવી સરળ નથી. તમામ પ્રકારના પડકારો છતાં ચૂંટણી પંચની ટીમ આ મુશ્કેલ કામ પાર પાડે છે. આ આપણા લોકતંત્રની બહુ મોટી ઉપલબ્ધિ છે. તેમણે જે લોકો મતદાન મથકો પર જઈ શકતા નથી તેમના માટે ઘરે મતદાનની સુવિધા પૂરી પાડવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રયત્નોએ આપણા દેશની ચૂંટણી પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ બનાવી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા યુવાનો આપણા લોકશાહીના ભાવિ નેતાઓ છે. તેમણે મતદાર ફોટો ઓળખકાર્ડ મેળવનારા યુવા મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ અધિકાર મેળવ્યા બાદ તેમની ફરજો પણ વધી છે. તેમણે જણાવ્યું હતું કે, ઉપસ્થિત યુવા મતદારો દેશના કરોડો યુવાનોના પ્રતિનિધિ છે, જેઓ વર્ષ 2047ના સુવર્ણ ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર પાસેથી 'સામાન્ય ચૂંટણીઓ 2024 માટે ઇસીઆઈની પહેલ'ની પ્રથમ નકલ મળી હતી.

વર્ષ 2011થી દર વર્ષે 25 જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં ચૂંટણી જાગૃતિ લાવવાનો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. 'મતદાન જેવું કંઈ નહીં, હું ચોક્કસ મત આપું છું' એ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024ની થીમ છે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1999515) Visitor Counter : 123