પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો


અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોને રૂ. 11,100 કરોડથી વધુની વિકાસ યોજનાઓનો લાભ મળશે

"વિશ્વ 22 મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, હું પણ તેની રાહ જોઈ રહ્યો છું"

"વિકસિત ભારતના અભિયાનને અયોધ્યામાંથી નવી ઊર્જા મળી રહી છે"

"આજનું ભારત પ્રાચીન અને આધુનિક એમ બંને બાબતોને સમાવીને આગળ વધી રહ્યું છે"

"માત્ર અવધ ક્ષેત્ર જ નહીં, પરંતુ અયોધ્યા સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસને નવી દિશા આપશે"

"મહર્ષિ વાલ્મીકિ રામાયણ જ્ઞાનનો માર્ગ છે, જે આપણને શ્રી રામ સાથે જોડે છે"

"આધુનિક અમૃત ભારત ટ્રેન હેઠળ ગરીબોની સેવાની ભાવના"

"દરેક ઘરમાં 22 મી જાન્યુઆરીએ શ્રી રામ જ્યોતિ પ્રગટાવો"

"સુરક્ષા અને લોજિસ્ટિક્સ કારણોસર, સમારોહ પૂર્ણ થયા પછી જ 22 મી જાન્યુઆરી પછી અયોધ્યાની મુલાકાતની યોજના બનાવો"

"મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીથી દેશભરના યાત્રાધામો પર સ્વચ્છતાના વિશાળ અભિયાન સાથે ભવ્ય રામ મંદિરની ઉજવણી કરો"

"આજે દેશને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે કારણ કે મોદી જે ગેરંટી આપે છે તેને પૂર્ણ કરવા માટે તેમના તમામ પ્રયત્નો કરે છે. અયોધ્યા પણ આની સાક્ષી છે"

Posted On: 30 DEC 2023 4:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ધામમાં રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. તેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ અને સમગ્ર ઉત્તર પ્રદેશની અન્ય પરિયોજનાઓ સાથે સંબંધિત લગભગ 4600 કરોડ રૂપિયાની પરિયોજનાઓ સામેલ છે.

આ પહેલા પીએમ મોદીએ પુનર્વિકસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ એરપોર્ટને મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ અયોધ્યા ધામમાં ઉપસ્થિત રહેવાની ખુશી વ્યક્ત કરતાં પોતાના રોડ શો દરમિયાન પવિત્ર શહેરમાં ઉત્સાહ અને ઉમંગની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિશ્વ 22મી જાન્યુઆરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. હું ભારતના દરેક કણ અને વ્યક્તિનો ભક્ત છું, હું પણ આગામી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ માટે આતુર છું.

પ્રધાનમંત્રીએ 1943માં આ દિવસે આંદામાનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે તિરંગો લહેરાવ્યો હોવાથી 30 ડિસેમ્બરનાં મહત્ત્વને નોંધ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "આઝાદીની ચળવળ સાથે સંકળાયેલા આ પ્રકારનાં શુભ દિવસે આજે આપણે અમૃત કાલનાં સંકલ્પને આગળ વધારી રહ્યાં છીએ." તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતનાં અભિયાનને અયોધ્યાથી નવી ઊર્જા મળી રહી છે અને તેમણે વિકાસ યોજનાઓ માટે અયોધ્યાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રીય નકશા પર અયોધ્યાને પુનઃ સ્થાપિત કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વારસાની સારસંભાળ રાખવી એ વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા માટેનું અભિન્ન અંગ છે. તેમણે કહ્યું હતું કે, "આજનું ભારત પ્રાચીન અને આધુનિક એમ બંને બાબતોને સામેલ કરીને આગળ વધી રહ્યું છે." તેમણે રામ લલ્લાનાં ભવ્ય મંદિરને 4 કરોડ ગરીબ નાગરિકો માટે પાકા મકાનો સાથે જોડીને આ મુદ્દાને વિસ્તૃત રીતે સમજાવ્યો હતો કે ડિજિટલ ઇન્ડિયામાં હરણફાળ ભરીને આસ્થાનાં સ્થળોનું નવીનીકરણ; 30,000થી વધુ પંચાયત ભવનો સાથે કાશી વિશ્વનાથ ધામ; 315થી વધુ મેડિકલ કોલેજો સાથે કેદાર ધામનું નવીનીકરણ; હર ઘર જલ સાથે મહાકાલ મહાલોક; વિદેશથી હેરિટેજ કલાકૃતિઓને પાછા લાવવાની સાથે અવકાશ અને સમુદ્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરાઈ છે.

તેમણે આગામી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા આગળ કહ્યું કે 'આજે અહીં પ્રગતિની ઉજવણી છે, કેટલાક દિવસો પછી પરંપરાના પર્વ આવશે, આજે આપણે વિકાસની ભવ્યતા જોઈએ છીએ, કેટલાક દિવસો પછી આપણે વારસાની દિવ્યતા અનુભવીએ છીએ. વિકાસ અને વારસાની આ સામૂહિક શક્તિ ભારતને 21મી સદીમાં આગળ લઈ જશે." ખુદ મહર્ષિ વાલ્મીકિએ વર્ણવેલા અયોધ્યાના પ્રાચીન મહિમાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ અયોધ્યાને આધુનિકતા સાથે જોડીને તેની ભવ્યતાને પાછી લાવવાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, "માત્ર અવધ ક્ષેત્ર જ નહીં, પરંતુ અયોદય સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસને નવી દિશા આપશે." તેમણે ભવ્ય મંદિરના પગલે પવિત્ર શહેરમાં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓના અંદાજિત વધારા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, આ માંગને પહોંચી વળવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પર રાખવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિ રામાયણ જ્ઞાનનો માર્ગ છે, જે આપણને શ્રી રામ સાથે જોડે છે. આધુનિક ભારતમાં આવેલું મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપણને અયોધ્યા ધામ અને ભવ્ય-ભવ્ય રામ મંદિર સાથે જોડશે. પ્રથમ તબક્કામાં એરપોર્ટ વાર્ષિક 10 લાખ મુસાફરોનું સંચાલન કરી શકે છે અને બીજા તબક્કા પછી મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ વાર્ષિક 60 લાખ મુસાફરોને સેવા પૂરી પાડશે. તેમણે માહિતી આપી હતી કે, અયોધ્યા ધામ રેલવે સ્ટેશન 10,000 લોકોનું સંચાલન કરે છે, હવે નવીનીકરણ પૂર્ણ થયા પછી આ સંખ્યા 60 હજાર સુધી પહોંચી જશે. એ જ રીતે તેમણે જણાવ્યું હતું કે, રામ પથ, ભક્તિ પથ, ધર્મ પથ અને શ્રી રામ જન્મભૂમિ પથ, કાર પાર્કિંગ, નવી મેડિકલ કોલેજો, સરયુજીનાં પ્રદૂષણને અટકાવવા, રામ કી પેડીનું કાયાપલટ, ઘાટનું અપગ્રેડેશન, પ્રાચીન કુંડોનું નવીનીકરણ, લતા મંગેશકર ચોક અયોધ્યાને નવી ઓળખ આપી રહ્યાં છે અને પવિત્ર શહેરમાં આવક અને રોજગારીની નવી તકો ઊભી કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ વંદે ભારત અને નમો ભારત પછીની નવી ટ્રેન શ્રેણી 'અમૃત ભારત' ટ્રેનો વિશે માહિતી આપી હતી તથા પ્રથમ અમૃત ભારત ટ્રેન અયોધ્યામાંથી પસાર થઈ રહી છે એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં લોકોને આજે આ ટ્રેનો દોડાવવા બદલ અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રી શ્રીએ ગરીબોની સેવાની ભાવના પર પ્રકાશ પાડ્યો હતો, જે આધુનિક અમૃત ભારત ટ્રેનો અંતર્ગત છે. "જે લોકો ઘણીવાર તેમના કામને કારણે લાંબા અંતરની મુસાફરી કરે છે, અને જેમની પાસે એટલી આવક નથી, તેઓ પણ આધુનિક સુવિધાઓ અને આરામદાયક મુસાફરી માટે હકદાર છે. આ ટ્રેનોની રચના ગરીબોનાં જીવનની ગરિમાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે." પ્રધાનમંત્રીએ વિકાસને વિરાસત સાથે જોડવામાં વંદે ભારત ટ્રેનોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. "દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાશીથી દોડી હતી. આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશના 34 રૂટ પર ચાલી રહી છે. વંદે ભારત કાશી, કટરા, ઉજ્જૈન, પુષ્કર, તિરુપતિ, શિરડી, અમૃતસર, મદુરાઈ, આસ્થાના આવા દરેક મોટા કેન્દ્રને જોડે છે. આ શ્રેણીમાં, આજે અયોધ્યાને વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળી છે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશના તમામ ભાગોમાં 'યાત્રાઓ'ની પ્રાચીન પરંપરાઓની યાદી આપી હતી અને કહ્યું હતું કે, અયોધ્યાધામમાં ઊભી કરવામાં આવેલી સુવિધાઓથી શ્રદ્ધાળુઓની ધામ સુધીની યાત્રા વધુ આરામદાયક બનશે.

પ્રધાનમંત્રીએ તમામ 140 કરોડ ભારતીયોને શ્રી રામ જ્યોતિને પ્રજ્વલિત કરવા જણાવ્યું હતું. "આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદ્ભાગ્યે આપણા બધાના જીવનમાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે દેશ માટે એક નવો સંકલ્પ લેવો પડશે અને તેને નવી ઉર્જાથી ભરવાનો છે." પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉપસ્થિત રહેવાની દરેકની ઇચ્છાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ દરેકને વિનંતી કરી હતી કે તેઓ 22મી જાન્યુઆરીના કાર્યક્રમ પછી જ અયોધ્યાની મુલાકાતનું આયોજન કરે, કારણ કે અયોધ્યા સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેમણે દરેકને 23 જાન્યુઆરી પછી તેમની મુલાકાતનું આયોજન કરવા જણાવ્યું હતું. "અમે 550 વર્ષ સુધી રાહ જોઈ, થોડો વધુ સમય રાહ જુઓ,", તેમણે વિનંતી કરી.

ભવિષ્યમાં અસંખ્ય મુલાકાતીઓ માટે અયોધ્યાના લોકોને તૈયાર કરતાં પ્રધાનમંત્રી શ્રીએ સ્વચ્છતા પર ભાર મૂકવાની વાત પર ભાર મૂક્યો હતો અને અયોધ્યાને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા જણાવ્યું હતું. ભવ્ય રામ મંદિર માટે, 14 જાન્યુઆરી, મકરસંક્રાંતિના દિવસથી દેશભરના યાત્રાધામો પર સ્વચ્છતાનું એક મોટું અભિયાન શરૂ કરવું જોઈએ."

પ્રધાનમંત્રીએ ઉજ્જવલા ગેસ કનેક્શનનાં 10 કરોડમાં લાભાર્થીનાં ઘરની મુલાકાત લેવાનો પોતાનો અનુભવ પણ વર્ણવ્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લામાં પ્રથમ મે, 2016નાં રોજ શરૂ થયેલી ઉજ્જવલા યોજનાએ આટલી બધી મહિલાઓને ધુમાડામાંથી બહાર કાઢવામાં મદદ કરી છે અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં 10 કરોડ મફત જોડાણો સહિત 18 કરોડ ગેસ જોડાણો પ્રદાન કરવામાં આવ્યાં છે, જે અગાઉનાં 50-55 વર્ષમાં ફક્ત 14 કરોડ કનેક્શન હતાં.

પ્રધાનમંત્રીએ પોતાની સંપૂર્ણ તાકાત સાથે લોકોની સેવા કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. "આજકાલ કેટલાક લોકો મને પૂછે છે કે મોદીની ગેરંટીમાં આટલી તાકાત કેમ છે. મોદીની ગેરંટીમાં એટલી તાકાત છે કારણ કે મોદી જે કહે છે તે કરે છે. આજે દેશને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે કારણ કે મોદી જે ગેરંટી આપે છે તેને પૂરી કરવા માટે પોતાના તમામ પ્રયાસો કરે છે. અયોધ્યાની આ નગરી પણ આની સાક્ષી છે. અને આજે હું ફરી એકવાર અયોધ્યાના લોકોને વિશ્વાસ અપાવીશ કે આ પવિત્ર સ્થળના વિકાસમાં અમે કોઈ કસર છોડીશું નહીં."

પ્રોજેક્ટની વિગતો

અયોધ્યામાં નાગરિક માળખાગત સુવિધાઓમાં સુધારો

આગામી શ્રી રામ મંદિરની સુલભતા વધારવા માટે પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને શ્રી રામ જન્મભૂમિ પથ એમ ચાર નવા પુનર્વિકાસ પામેલા, પહોળા અને સુંદર રસ્તાઓનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ નાગરિક માળખાગત સુવિધાને મજબૂત કરતી અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કર્યું હતું, જે અયોધ્યા અને તેની આસપાસનાં જાહેર સ્થળોને સુંદર બનાવશે. આ ઉદઘાટન પરિયોજનાઓમાં રાજર્ષિ દશરથ ઓટોનોમસ સ્ટેટ મેડિકલ કોલેજ સામેલ છે. અયોધ્યા-સુલતાનપુર રોડ-એરપોર્ટને જોડતો ફોર-લેન રોડ; તેધી બજાર સુધી ચાર લેનનો રોડ શ્રી રામ જન્મભૂમિ વાયા એનએચ-27 મહોબ્રા બજારને બાયપાસ; શહેર અને અયોધ્યા બાયપાસ પરની કેટલીક સુંદર સડકો. રાષ્ટ્રીય રાજમાર્ગ – 330એનો જગદીશપુર-ફૈઝાબાદ વિભાગ; મહોલી-બારાગાંવ-દેવધી રોડ અને જસરપુર-ભાઉપુર-ગંગારામણ-સુરેશનગર રોડને પહોળો અને મજબૂત બનાવવો; પંચકોસી પરિક્રમા માર્ગ પર મોટી બુઆ રેલવે ક્રોસિંગ પર આરઓબી; પીખરોલી ગામમાં સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ; અને ડો. વ્રજકિશોર હોમિયોપેથિક કોલેજ અને હોસ્પિટલમાં નવી ઇમારતો અને વર્ગખંડો વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી નગર શ્રીજન યોજનાનાં કામ તથા પાંચ પાર્કિંગ અને વાણિજ્યિક સુવિધાઓ સાથે સંબંધિત કાર્યોનું ઉદઘાટન પણ કર્યું હતું.

અયોધ્યામાં નવી યોજનાઓનો શિલાન્યાસ

પ્રધાનમંત્રીએ નવી યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે અયોધ્યામાં નાગરિક સુવિધાઓને સુધારવામાં વધારે મદદરૂપ થશે, ત્યારે શહેરનાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત કરશે. તેમાં અયોધ્યામાં ચાર ઐતિહાસિક પ્રવેશ દ્વારનું સંરક્ષણ અને બ્યુટિફિકેશન, ગુપ્તર ઘાટ અને રાજઘાટ વચ્ચે નવા કોંક્રિટ ઘાટ અને પૂર્વ-નિર્મિત ઘાટોનું પુનર્વસન; નયા ઘાટથી લક્ષ્મણ ઘાટ સુધી પ્રવાસી સુવિધાઓનો વિકાસ અને બ્યુટિફિકેશન; રામ કી પૈડી ખાતે દીપોત્સવ અને અન્ય મેળાઓ માટે વિઝિટર ગેલેરીનું નિર્માણ; રામ કી પૈડીથી રાજ ઘાટ અને રાજ ઘાટથી રામ મંદિર સુધીના યાત્રા માર્ગને મજબૂત અને નવીનીકરણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ રૂ. 2180 કરોડથી વધારેનાં ખર્ચે વિકસિત થઈ રહેલી અયોધ્યામાં ગ્રીનફિલ્ડ ટાઉનશિપ અને આશરે રૂ. 300 કરોડનાં ખર્ચે વિકસિત થનાર વશિષ્ઠ કુંજ રહેણાંક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાજમાર્ગ-28 (નવા એનએચ-27) લખનૌ-અયોધ્યા વિભાગનો શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રીય રાજમાર્ગ – 28 (નવો એનએચ-27) હાલનાં અયોધ્યા બાયપાસને મજબૂત કરવો અને તેમાં સુધારો કરવો; અયોધ્યામાં સીપેટ (CIPET) કેન્દ્રની સ્થાપના અને મ્યુનિસિપલ કોર્પોરેશન અયોધ્યા અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફિસનું નિર્માણ કાર્ય.

સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પરિયોજનાઓ

જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં અન્ય મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું. તેમાં ગોસાઈ કી બજાર બાયપાસ-વારાણસી (ઘાઘરા પુલ-વારાણસી) (એનએચ-233)ને ચાર માર્ગીય પહોળો કરવાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રાજમાર્ગ – 730નાં ખુટારને લખીમપુર સેક્શનમાં મજબૂત અને અપગ્રેડ કરવું; અમેઠી જિલ્લાના ત્રિશુંડીમાં એલપીજી પ્લાન્ટની ક્ષમતામાં વધારો; પાનખામાં 30 એમએલડી અને કાનપુરના જાજમઉમાં 130 એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ; ઉન્નાવ જિલ્લામાં ગટરો અને સુએજ ટ્રીટમેન્ટની કામગીરીને આંતરવા અને ડાયવર્ઝન; અને કાનપુરના જાજમાઉ ખાતે ટેનેરી ક્લસ્ટર માટે સી..ટી.પી.

રેલ્વે પ્રોજેક્ટ્સ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુનઃવિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું તથા નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓનું પણ લોકાર્પણ કર્યું હતું.

240 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનર્વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનનો પ્રથમ તબક્કો - જે અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાય છે - વિકસાવવામાં આવ્યો છે. ત્રણ માળની આધુનિક રેલવે સ્ટેશનની ઇમારતમાં લિફ્ટ, એસ્કેલેટર, ફૂડ પ્લાઝા, પૂજાની જરૂરિયાત માટેની દુકાનો, ક્લોક રૂમ, ચાઇલ્ડ કેર રૂમ, વેઇટિંગ હોલ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. સ્ટેશનની ઇમારત 'બધા માટે સુલભ' અને 'આઇજીબીસી પ્રમાણિત ગ્રીન સ્ટેશન બિલ્ડિંગ' હશે.

અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશન પર આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ દેશમાં નવી શ્રેણીની સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. અમૃત ભારત ટ્રેન એલએચબી પુશ પુલ ટ્રેન છે, જેમાં નોન એરકન્ડિશન્ડ કોચ છે. વધુ સારી ગતિ માટે આ ટ્રેનના બંને છેડા પર લોકો છે. તે સુંદર અને આકર્ષક ડિઝાઇનવાળી બેઠકો, વધુ સારી લગેજ રેક, યોગ્ય મોબાઇલ હોલ્ડર સાથે મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એલઇડી લાઇટ્સ, સીસીટીવી, જાહેર માહિતી સિસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ રેલ મુસાફરો માટે પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ અને માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનસ (બેંગાલુરુ) અમૃત ભારત એક્સપ્રેસ જેવી બે નવી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

પ્રધાનમંત્રીએ અમૃત ટ્રેનોની ઉદ્ઘાટન યાત્રામાં મુસાફરી કરી રહેલા સ્કૂલનાં બાળકો સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી. તેમાં શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ સામેલ છે. અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ; કોઇમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ; મેંગ્લોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ; જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ.

પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં રેલવે માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે રૂ. 2300 કરોડનાં મૂલ્યનાં ત્રણ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રુમા ચકેરી-ચંદેરી ત્રીજી લાઇનનો પ્રોજેક્ટ, જૌનપુર-અયોધ્યા-બારાબંકી ડબલિંગ પ્રોજેક્ટનો જૌનપુર-તુલસી નગર, અકબરપુર-અયોધ્યા, સોહાવલ-પટરંગા અને સફદરગંજ-રસૌલી વિભાગો; અને મલ્હૌર-ડાલીગંજ રેલવે સેક્શનનો ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ સામેલ છે.

મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અયોધ્યા ધામ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. આ એરપોર્ટને મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે.

1450 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર હશે, જે દર વર્ષે આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ હશે. ટર્મિનલ બિલ્ડિંગના અગ્રભાગમાં અયોધ્યાના આગામી શ્રી રામ મંદિરનું મંદિર સ્થાપત્ય દર્શાવવામાં આવ્યું છે. ટર્મિનલ બિલ્ડિંગના આંતરિક ભાગોને ભગવાન શ્રી રામના જીવનને દર્શાવતી સ્થાનિક કળાઓ, પેઇન્ટિંગ્સ અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યા છે. અયોધ્યા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ વિવિધ ટકાઉ સુવિધાઓથી પણ સજ્જ છે જેમ કે ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ, વરસાદના પાણીનો સંગ્રહ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટ અને આવી ઘણી અન્ય સુવિધાઓ GRIHA-5 સ્ટાર રેટિંગ્સને પહોંચી વળવા માટે પ્રદાન કરવામાં આવી છે. એરપોર્ટથી વિસ્તારમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી પ્રવાસન, વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અને રોજગારીની તકોમાં વધારો થશે.

CB/JD



(Release ID: 1991795) Visitor Counter : 115