પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ની ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓને સંબોધન કર્યું

“હેકાથોન મારા માટે પણ શીખવાનો એવસર છે અને હું તેની આતુરતાથી રાહ જોઉં છું”


“21મી સદીનું ભારત 'જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન'ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે”


“આજે આપણે સમયના એક એવા વળાંક પર ઉભા છીએ, જ્યાં આપણો દરેક પ્રયાસ આગામી હજાર વર્ષના ભારતનો પાયો મજબૂત કરશે”


“દુનિયાને વિશ્વાસ છે કે વૈશ્વિક પડકારો માટે તેઓ ભારતમાં ઓછા ખર્ચે, ગુણવત્તાયુક્ત, ટકાઉક્ષમ અને વ્યાપક કરી શકાય તેવા ઉકેલો શોધી કાઢશે”


“વર્તમાન સમયની વિશિષ્ટતાને સમજો કારણ કે ઘણા પરિબળો ભેગા થયા છે”


“આપણા ચંદ્રયાન મિશનથી વિશ્વની અપેક્ષાઓમાં અનેકગણો વધારો થયો છે”


“સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન દ્વારા, દેશની યુવા શક્તિ વિકસિત ભારત માટે ઉકેલોનું અમૃત તારવી રહી છે”

Posted On: 19 DEC 2023 10:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ની ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો અને તેમને સંબોધિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કોલસા મંત્રાલયની પરિવહન અને લોજિસ્ટિક્સની થીમ પર કામ કરી રહેલા કર્ણાટકના મૈસૂર ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના શ્રી સોયકત દાસ અને શ્રી પ્રોતિક સાહા સાથે સંવાદ કર્યો હતો. તેઓ રેલવેના માલવહન માટે IoT આધારિત પ્રણાલી તૈયાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતં કે, હેકાથોન તેમના માટે પણ શીખવાનો એક અવસર છે અને તેઓ હંમેશા સહભાગીઓ સાથે વાર્તાલાપ કરવા માટે આતુર રહે છે. સહભાગીઓના ચમકી રહેલા ચહેરાઓ પર નજર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉત્સાહ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણ માટેની તેમની ઇચ્છા ભારતની યુવા શક્તિની ઓળખ બની ગઇ છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી ટીમે પણ પ્રધાનમંત્રીને જાણ કરી હતી કે, તેઓ રેલવે કોલસા વેગનના અન્ડરલોડિંગ અને ઓવરલોડિંગની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેના લીધે નુકસાન અથવા દંડ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ IoT અને AI આધારિત તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. ટીમમાં કુલ છ સભ્યો છે જેમાં ભારતના ત્રણ અને બાંગ્લાદેશના ત્રણ સભ્યો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમણે હાથ ધરેલા આ પ્રયાસથી હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહેલી ભારતીય રેલવેને ફાયદો. તેમણે માહિતી આપી હતી કે, માલ પરિવહન એ ધ્યાનમાં રાખવામાં આવતું ક્ષેત્ર છે અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બાંગ્લાદેશમાંથી ઘણા વધુ વિદ્યાર્થીઓ ભારત આવશે અને ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં અભ્યાસ નામનો કાર્યક્રમ આવા વિદ્યાર્થીઓને મદદરરૂપ થશે.

અમદાવાદ સ્થિત ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીની સુશ્રી તિવારી હર્ષિતા એસ. અને શ્રી જેઠવા જય પી. એ ઇમેજ પ્રોસેસિંગ અને AIનો ઉપયોગ કરીને ઇસરોના મૂનલેન્ડર દ્વારા પ્રાપ્ત થયેલી મધ્યમ રિઝોલ્યુશનની તસવીરોને સુપર રિઝોલ્યુશન તસવીરોમાં રૂપાંતરિત કરીને તેમાં સુધારો કરવાના પ્રોજેક્ટ પર કામ કર્યું હતું અને ચંદ્ર પર જોખમી પ્રદેશનો નકશો તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટમાંથી મળેલું પરિણામ ભવિષ્યના મિશન વખતે ચંદ્ર પર સલામત ઉતરાણ સ્થળ અને નેવિગેશન પાથ નક્કી કરવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ દેશમાં અવકાશ ક્ષેત્રમાં કાર્યરત વિવિધ સ્ટાર્ટઅપ્સની સાથે સાથે ઇસરોની ટીમ પાસેથી દેખરેખ અને માર્ગદર્શન મેળવવાનું તેમને સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચંદ્રયાન 3ની સફળતા બાદ ભારતનો અવકાશ કાર્યક્રમ વિશ્વ માટે આશાનું કિરણ બની ગયો છે અને તેનાથી અન્ય દેશોનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઇ ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેઓ ભારતના અવકાશ ક્ષેત્રમાં યોગદાન આપવા ઇચ્છે છે તેવા યુવાનો માટે વર્તમાન યુગ એકદમ યોગ્ય સમયગાળો છે અને તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આ કારણથી જ અવકાશ ક્ષેત્રના દ્વાર ખાનગી ક્ષેત્ર માટે ખોલી નાખવામાં આવ્યા છે જેથી યુવાનોનું કૌશલ્ય ખીલી શકે. તેમણે ઇસરો દ્વારા નવા યુગના સ્ટાર્ટઅપ્સ માટે તેની સુવિધાઓ ખુલ્લી મૂકી હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને તેમને અમદાવાદમાં સ્થિત IN-SPACeના વડામથકની મુલાકાત લેવાનું સૂચન કર્યું હતું.

ઓડિશાના સંબલપુર ખાતે આવેલી વીર સુરેન્દ્ર સાઇ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના અંકિત કુમાર અને સૈયદ સિદ્દીકી હુસૈને બાળકોના માનસિક સ્વાસ્થ્યના સંદર્ભમાં મુક્ત આવિષ્કાર પર કામ કર્યું હતું અને એક રેટિંગ તૈયાર કર્યું છે જે માતાપિતા અને તબીબી વ્યાવસાયિકોને અગાઉથી ચેતવણી આપીને મદદ કરશે. પ્રધાનમંત્રીની વિનંતી પર, ટીમની એક મહિલા સભ્યએ પ્રધાનમંત્રીને પ્રોજેક્ટ વિશે ટૂંકમાં માહિતી પણ આપી હતી. પ્રધાનમંત્રીએ ટીમને એક મહત્વપૂર્ણ ક્ષેત્ર પસંદ કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને યુવા વસ્તીમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વિશે વિગતવાર વાત કરી હતી તેમજ શિક્ષણ વિભાગના આવા મુદ્દાઓ પર કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શોધાયેલા ઉકેલોને વ્યાપક કરવા અને તેને અમલમાં મૂકવા માટેની રીતોની શોધી હતી. તેમણે કહ્યું હતું કે, “ભારતને વિકસિત દેશ બનાવવા માટે યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે”. તેમણે ટીમ સાથે માય-ઇન્ડિયા પોર્ટલ વિશે પણ વાત કરી હતી.

આસામમાં ગુવાહાટી ખાતે આવેલી આસામ રોયલ ગ્લોબલ યુનિવર્સિટીની સુશ્રી રેશ્મા મસ્તુથા આર. એ AI ટૂલ ભાષિનીનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી સાથે સંવાદ કર્યો હતો. વાસ્તવિક સમયના અનુવાદ માટે ભાષિની ટૂલનો ઉપયોગ પ્રથમ વખત આવા કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સુશ્રી રેશ્મા અને તેમની ટીમ કે જેઓ દક્ષિણ ભારતના છે તેઓ એક ભારત શ્રેષ્ઠ ભારતના સાચા રાજદૂત છે. તેમની ટીમે વેબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જળવિદ્યુત પ્લાન્ટના ઘટકોની ઇનપુટ આધારિત AI જનરેટિવ ડિઝાઇન તૈયાર કરવા પર કામ કર્યું હતું, જેનાથી ભારતને ઊર્જામાં આત્મનિર્ભર રાષ્ટ્ર બનવામાં અને અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળી શકે છે. પ્રધાનમંત્રીએ વીજ ક્ષેત્રને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડવાની રીતો શોધી કાઢવા પર ભાર મૂક્યો હતો કારણ કે વિકસિત ભારત માટે બંને અત્યંત મહત્વપૂર્ણ છે અને ભારતના ભવિષ્યનું ઘડતર કરવામાં તે નિર્ણાયક છે. તેમણે AI આધારિત ઉકેલનો ઉપયોગ કરીને વીજ ઉત્પાદનમાં કાર્યક્ષમતા પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર વીજળીના ટ્રાન્સમિશનની સાથે સાથે વપરાશની દેખરેખમાં તેના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. વિતેલા વર્ષોમાં દરેક ગામ અને પરિવારમાં વીજળી પહોંચાડવાની સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રી મોદીએ કૃષિ ક્ષેત્રોમાં નાના પાયે સોલાર પ્લાન્ટ્સ અને નગરોમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ્સ પર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે છે તેના પર ભાર મૂક્યો અને તેના માટે AI ઉકેલો શોધવાનું સૂચન કર્યું હતું. તેમણે સહભાગીઓને પૂર્વોત્તરની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો.

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં આવેલી નોઇડા ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના શ્રી ઋષભ એસ. વિશ્વામિત્રાએ NTRO દ્વારા બ્લોકચેઇન અને સાઇબર સુરક્ષા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ફિશિંગ ડોમેન્સ શોધવા માટે ઉકેલો પૂરા પાડવા માટે કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ, સાઇબર છેતરપિંડીના સતત ઉભા થઇ રહેલા પડકારો વિશે વાત કરતા, નવી તકનીકોના સંદર્ભમાં ઉચ્ચ સતર્કતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જનરેટિવ AI દ્વારા તૈયાર કરવામાં આવતા ડીપ ફેક વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો અને કોઇપણ ફોટો અથવા વીડિયો પર વિશ્વાસ કરતા પહેલાં સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે AI માટે વૈશ્વિક માળખું તૈયાર કરવા માટેના ભારતના અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.

ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશની સમસ્યાઓના ઉકેલ માટે યુવા પેઢી દ્વારા જે પ્રકારે સમર્પણ સાથે કામ કરી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે અગાઉની હેકાથોનને મળેલી સફળતાનો પુનરોચ્ચાર કર્યો હતો. અગાઉની હેકાથોનમાંથી બહાર આવેલા સ્ટાર્ટઅપ્સ અને ઉકેલો સરકાર તેમજ સમાજ બંનેને મદદ કરી રહ્યાં છે.

21મી સદીના ભારતના મંત્ર એટલે કે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનને યાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, દરેક ભારતીય યથાસ્થિતિની જડતાને છોડી રહ્યો છે. વિશ્વમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ભારતના ઉદયનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભારતના UPIને મેળલી સફળતા, મહામારી દરમિયાન રસીકરણને મળેલી સફળતા વિશે વાત કરી હતી.

યુવા આવિષ્કારકર્તાઓ અને ક્ષેત્ર નિષ્ણાતોને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે વર્તમાન સમયગાળો આગામી એક હજાર વર્ષની દિશા નક્કી કરનારો હોવાથી તે ખૂબ જ મહત્વનો છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતું કે, તેઓ વર્તમાન સમયની વિશિષ્ટતાને સમજે કારણ કે સમગ્ર વિશ્વના સૌથી યુવા દેશો પૈકી એક તરીકેની ભારતની સ્થિતિ, દેશમાં રહેલો કૌશલ્યવાન સમૂહ, સ્થિર અને મજબૂત સરકાર, તેજીમાંથી પસાર થતું અર્થતંત્ર અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજી પર અભૂતપૂર્વ રીતે મૂકવામાં આવતા ભાર જેવા ઘણાં પરિબળો અત્યારે ભેગા થયા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેક્નોલોજી આજે આપણા જીવનનો એક મોટો ભાગ બની ગઇ છે”. યુવા સંશોધકોની ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે નિર્દેશ કર્યો હતો કે, ટેક્નોલોજીનું ઉન્નત સંસ્કરણ ત્યારે જ આવે છે જ્યારે વ્યક્તિ તેના ઉપયોગની આદત પાડવાનું શરૂ કરે છે.

પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતના અમૃતકાળના આગામી 25 વર્ષ યુવા સંશોધકો માટે નિર્ણાયક સમયગાળો હશે. તેમણે આત્મનિર્ભર ભારતના સહિયારા ધ્યેયને રેખાંકિત કર્યું હતું અને કોઇપણ નવી આયાત ન કરવાનો તેમજ અન્ય રાષ્ટ્રો પર નિર્ભર ન રહેવાનો હેતુ દર્શાવ્યો હતો. આત્મનિર્ભરતાની દિશામાં કામ કરી રહેલા સંરક્ષણ ક્ષેત્રનું ઉદાહરણ આપતા તેમણે નિર્દેશ કર્યો કે ભારતને કેટલીક સંરક્ષણ તકનીકો આયાત કરવાની ફરજ પડી છે. તેમણે સેમિકન્ડક્ટર અને ચિપ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ક્વોન્ટમ ટેક્નોલોજી અને હાઇડ્રોજન ઉર્જા ક્ષેત્રમાં ભારતની ઉચ્ચ આકાંક્ષાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર 21મી સદીની આધુનિક ઇકોસિસ્ટમ તૈયાર કરીને આવા તમામ ક્ષેત્રો પર વિશેષ ભાર આપી રહી છે, પરંતુ તેની સફળતા યુવાનોની સફળતા પર નિર્ભર છે.

પ્રધાનમંત્રી મોદીએ યુવા સંશોધકોને કહ્યું હતું કે “દુનિયાને વિશ્વાસ છે કે વૈશ્વિક પડકારો માટે તેઓ ભારતમાં ઓછા ખર્ચે, ગુણવત્તાયુક્ત, ટકાઉક્ષમ અને વ્યાપક કરી શકાય તેવા ઉકેલો શોધી કાઢશે. આપણા ચંદ્રયાન મિશને વિશ્વની અપેક્ષાઓમાં અનેકગણો વધારો કર્યો છેઅને તેમણે તે મુજબ આવિષ્કાર કરવા કહ્યું હતું. હેકાથોનના ઉદ્દેશ્યને સમજાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો ઉદ્દેશ્ય દેશની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો અને ઉકેલ દ્વારા રોજગારીનું સર્જન કરવાનો છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન દ્વારા, દેશની યુવા શક્તિ વિકસિત ભારત માટે ઉકેલોનું અમૃત તારવી રહી છે.” રાષ્ટ્રની યુવા શક્તિમાં ભરોસો હોવાનું જણાવીને, પ્રધાનમંત્રીએ તેમને કોઇપણ સમસ્યાનો ઉકેલ શોધતી વખતે વિકસિત ભારતના સંકલ્પને ધ્યાનમાં રાખવાનો અનુરોધ કહ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “તમે જે કંઇ પણ કરો, તે શ્રેષ્ઠ હોઇ શકે છે. તમારે એવું કામ કરવાનું છે કે દુનિયા તમને અનુસરે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.

પાર્શ્વભૂમિ

યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન (SIH) સરકારના મંત્રાલયો અને વિભાગો, ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓને સામનો કરવો પડતો હોય તેવી મહત્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે વિદ્યાર્થીઓને એક મંચ પૂરું પાડવા માટે હાથ ધરવામાં આવતી એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. 2017માં શરૂ કરવામાં આવેલી, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનને યુવા આવિષ્કારકર્તાઓમાં ભારે લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે. છેલ્લા પાંચ સંસ્કરણોમાં, વિવિધ ક્ષેત્રોમાં આવિષ્કારી ઉકેલો ઉભરી આવ્યા છે અને તે સ્થાપિત સ્ટાર્ટઅપ્સ તરીકે અલગ રીતે ઉભા છે.

આ વર્ષે, SIHનો ગ્રાન્ડ ફિનાલ રાઉન્ડ 19 થી 23 ડિસેમ્બર દરમિયાન યોજાઇ રહ્યો છે. SIH 2023માં, 44,000 ટીમો તરફથી 50,000 કરતાં વધુ આઇડિયા પ્રાપ્ત થયા હતા, જે SIHના પ્રથમ સંસ્કરણની સરખામણીમાં લગભગ સાત ગણી વૃદ્ધિ દર્શાવે છે. સમગ્ર દેશના 48 નોડલ કેન્દ્રો પર નિર્ધારિત કરવામાં આવેલી ગ્રાન્ડ ફિનાલેમાં 12,000થી વધુ સહભાગીઓ અને 2500થી વધુ માર્ગદર્શકો ભાગ લેશે. અવકાશ ટેક્નોલોજી, સ્માર્ટ શિક્ષણ, આપદા વ્યવસ્થાપન, રોબોટિક્સ અને ડ્રોન, ધરોહર અને સંસ્કૃતિ વગેરે સહિતની વિવિધ થીમ પર ઉકેલો આપવા માટે આ વર્ષે કુલ 1282 ટીમોને ગ્રાન્ડ ફિનાલે માટે અલગ તારવવામાં આવી છે.

ભાગ લેનારી ટીમો 25 કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારોના 51 વિભાગો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા 231 સમસ્યા સ્ટેટમેન્ટ (176 સોફ્ટવેર અને 55 હાર્ડવેર) માટેના નિરાકરણો અને ઉકેલો પૂરા પાડશે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023 માટે કુલ ઇનામની રકમ રૂ. 2 કરોડથી વધુ છે, જેમાં દરેક વિજેતા ટીમને પ્રત્યેક સમસ્યા સ્ટેટમેન્ટ બદલ રૂ. 1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1988522) Visitor Counter : 164