પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 3જી નવેમ્બરનાં રોજ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નું ઉદઘાટન કરશે


વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 દરમિયાન ભારતીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની નવીનતા અને તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અગ્રણી ફૂડ પ્રોસેસિંગ કંપનીઓના સીઈઓ સહિત 80થી વધુ દેશોના સહભાગીઓ

મુખ્ય આકર્ષણઃ પરંપરાગત ભારતીય વાનગીઓ દર્શાવતી ફૂડ સ્ટ્રીટ મારફતે રાંધણકળાનો અનોખો અનુભવ

Posted On: 02 NOV 2023 6:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બરનાં રોજ સવારે 10 વાગ્યે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં મેગા ફૂડ ઇવેન્ટ 'વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023'નાં બીજા સંસ્કરણનું ઉદઘાટન કરશે.

સ્વસહાય જૂથોને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી એસએચજીનાં એક લાખથી વધારે સભ્યો માટે બીજું મૂડી સહાયનું વિતરણ કરશે. આ ટેકો એસ.એચ.જી.ને સુધારેલા પેકેજિંગ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન દ્વારા બજારમાં વધુ સારા ભાવની અનુભૂતિ કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રી વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નાં ભાગરૂપે ફૂડ સ્ટ્રીટનું ઉદઘાટન પણ કરશે. તેમાં પ્રાદેશિક વાનગીઓ અને શાહી રાંધણકળાનો વારસો જોવા મળશે, જેમાં 200થી વધારે રસોઇયાઓ ભાગ લેશે અને પરંપરાગત ભારતીય વાનગીઓ પ્રસ્તુત કરશે, જે તેને એક અનોખો રાંધણકળાનો અનુભવ બનાવશે.

આ ઇવેન્ટનો હેતુ ભારતને 'વિશ્વની ફૂડ બાસ્કેટ' તરીકે પ્રદર્શિત કરવાનો અને ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાનો છે. તે સરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક વ્યાવસાયિકો, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને અન્ય હિતધારકોને ચર્ચા-વિચારણામાં જોડાવા, ભાગીદારી સ્થાપિત કરવા અને કૃષિ-ખાદ્ય ક્ષેત્રમાં રોકાણની તકો ચકાસવા માટે નેટવર્કિંગ અને બિઝનેસ પ્લેટફોર્મ પ્રદાન કરશે. રોકાણ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સીઇઓ રાઉન્ડટેબલ્સ યોજાશે.

ભારતીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની નવીનતા અને શક્તિ દર્શાવવા માટે વિવિધ પેવેલિયનની સ્થાપના કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા 48 સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં નાણાકીય સશક્તીકરણ, ગુણવત્તાની ખાતરી અને મશીનરી અને ટેકનોલોજીમાં નવીનતાઓ પર ભાર મૂકવામાં આવશે.

આ ઇવેન્ટમાં અગ્રણી ફૂડ પ્રોસેસિંગ કંપનીઓના સીઇઓ સહિત 80થી વધુ દેશોના સહભાગીઓની યજમાની કરવામાં આવશે. તેમાં રિવર્સ બાયર સેલર મીટ પણ યોજાશે, જેમાં 80થી વધુ દેશોના 1200થી વધુ વિદેશી ખરીદદારો સામેલ હશે. નેધરલેન્ડ ભાગીદાર દેશ તરીકે સેવા આપશે, જ્યારે જાપાન આ ઇવેન્ટનો ફોકસ કન્ટ્રી હશે.

CB/GP/JD



(Release ID: 1974238) Visitor Counter : 148