પ્રધાનમંત્રીનું કાર્યાલય

તાન્ઝાનિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત અને ભારત અને તાન્ઝાનિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત દરમિયાન સંયુક્ત નિવેદન (8-10 ઑક્ટોબર, 2023)

Posted On: 09 OCT 2023 6:57PM by PIB Ahmedabad
  1. પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનાં આમંત્રણ પર સંયુક્ત પ્રજાસત્તાક તાન્ઝાનિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસને 8-10 ઑક્ટોબર, 2023 સુધી પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું, જેમાં વિદેશ બાબતો અને પૂર્વ આફ્રિકન સહકાર મંત્રી માનનીય જાન્યુઆરી માકમ્બા (એમપી) અને વિવિધ ક્ષેત્રોના અન્ય સભ્યો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ તાન્ઝાનિયા બિઝનેસ કમ્યુનિટીના સભ્યો સામેલ હતા.
  2. મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનનું 9 ઑક્ટોબર, 2023ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનનાં પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત પણ લીધી હતી. ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વિપક્ષી વાટાઘાટો કરશે અને મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનનાં સન્માનમાં રાજકીય ભોજન સમારંભનું આયોજન પણ કરશે.
  3. રાષ્ટ્રપતિ સમિયા સુલુહુ હસન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સત્તાવાર દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી તથા પારસ્પરિક હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ વર્તમાન ગાઢ, સૌહાર્દપૂર્ણ અને સહકારી સંબંધોની પ્રશંસા કરી હતી તથા નોંધ્યું હતું કે, ભારત અને તાન્ઝાનિયા ઘણાં વર્ષો સુધી સહિયારાં મૂલ્યો અને આદર્શોના લાંબા ઇતિહાસથી બંધાયેલા સમયની કસોટીમાં પાર ઉતરેલા લાંબા ગાળાનાં ભાગીદારો છે. બંને પક્ષોએ સ્વીકાર્યું હતું કે, જુલાઈ, 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાન્ઝાનિયાની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા હતા, જેનાથી વિકાસલક્ષી સહકારને નોંધપાત્ર વેગ મળ્યો હતો.
  4. બંને નેતાઓએ આર્થિક, ટેક્નિકલ અને વૈજ્ઞાનિક સહયોગ પર 10મા સંયુક્ત પંચની સહ-અધ્યક્ષતામાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની તાજેતરની મુલાકાતોને તથા લોકસભાનાં સ્પીકર શ્રી ઓમ બિરલાની આગેવાનીમાં સંસદીય પ્રતિનિધિમંડળની તાન્ઝાનિયાની મુલાકાતને યાદ કરી હતી. આ ઉપરાંત આ વર્ષે તાન્ઝાનિયાના કેટલાક મંત્રીઓની આવી જ મુલાકાતો યોજાઈ હતી. બંને નેતાઓ સંમત થયા હતા કે, આ પ્રકારની ઉચ્ચ-સ્તરીય મુલાકાતોથી તાન્ઝાનિયા અને ભારત વચ્ચે વર્તમાન મજબૂત સંબંધો વધુ મજબૂત થયા છે.
  5. મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન 10 ઑક્ટોબર, 2023ના રોજ ભારત-તાન્ઝાનિયા બિઝનેસ અને રોકાણ મંચમાં પણ ભાગ લેશે, જ્યાં તેઓ ભારતીય અને તાન્ઝાનિયાના વેપારી સમુદાયોને મુખ્ય સંબોધન કરશે. તેઓ મુખ્ય ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વ્યક્તિગત બેઠકો (બી2બી) પણ યોજશે.
  6. વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને સહકારને વિસ્તૃત કરવા બંને નેતાઓએ ભારત-તાન્ઝાનિયાના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'નાં સ્તર સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને પક્ષોએ નોંધ્યું હતું કે, વ્યૂહાત્મક ભાગીદારી બંને દેશોને દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર, વિકાસલક્ષી ભાગીદારી, વેપાર અને રોકાણ જેવા મુદ્દાઓ પર સંયુક્તપણે કામ કરવામાં મદદરૂપ થશે.
  7. આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોને આવરી લેતા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યાદી પરિશિષ્ટ A રાજકીય સંબંધો તરીકે જોડી છે.Annexure A.
  8. બંને પક્ષોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય રાજકીય જોડાણ અને વ્યૂહાત્મક સંવાદનાં વધતાં સ્તર પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ઇન્ડો-પેસિફિક માટે વિઝન અને ઇન્ડો-પેસિફિક પર ઇન્ડિયન ઓશન રિમ એસોસિયેશનનાં આઉટલુકનાં અમલીકરણનો સમાવેશ થાય છે. એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે, ભારત અને તાન્ઝાનિયા દરિયાઈ પડોશી દેશો છે અને તેમનો વેપારનો લાંબો ઇતિહાસ છે અને લોકો વચ્ચેનું જોડાણ છે. એટલે તાન્ઝાનિયા 'સાગર' (પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ)નાં ભારતનાં વિઝનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બંને પક્ષોએ ઇન્ડો-પેસિફિક પર સહકારને પ્રોત્સાહન આપ્યું હતું અને નોંધ્યું હતું કે, ઝડપી આર્થિક વૃદ્ધિ માટે બ્લૂ/દરિયાઈ અર્થતંત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આફ્રિકામાં શાંતિ અને સુરક્ષા માટે એયુનું વિઝન સાગર વિઝન સાથે સુસંગત છે. તેઓએ મોટી કુદરતી આફતો દરમિયાન બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટેના અનુભવોની વહેંચણી માટે ભારતમાં વાર્ષિક હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ ડિઝાસ્ટર રિલીફ (એચએડીઆર) કવાયતમાં તાન્ઝાનિયાની ભાગીદારીને પણ આવકારી હતી.
  9. બંને પક્ષો વિદેશ મંત્રીઓનાં સ્તરે સંયુક્ત પંચની વ્યવસ્થા અને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો મારફતે ઉચ્ચ-સ્તરીય રાજકીય સંવાદ ચાલુ રાખવા સંમત થયા હતા. બંને પક્ષોએ તેમનાં વિદેશ મંત્રાલયો વચ્ચે નીતિ આયોજન સંવાદ શરૂ કરવા સંમતિ વ્યક્ત કરી હતી.

 

સંરક્ષણ સહકાર

  1. બંને નેતાઓએ 28 અને 29 જૂન, 2023ના રોજ આરુશામાં આયોજિત બીજી સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની સફળ બેઠક પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેનાં પરિણામે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર માટે પાંચ વર્ષની યોજના બનાવવામાં આવી હતી.
  2. બંને પક્ષોએ ઑગસ્ટ, 2022 અને ફેબ્રુઆરી, 2023માં તાન્ઝાનિયાના સંરક્ષણ મંત્રીઓની ભારતની સફળ મુલાકાતોને યાદ કરી હતી, જે દરમિયાન બંને પક્ષો સંરક્ષણ સહકારનો અવકાશ વધારવા સંમત થયા હતાં. તાન્ઝાનિયાના પક્ષે દુલુતીમાં કમાન્ડ એન્ડ સ્ટાફ કૉલેજમાં ભારતીય સૈન્ય તાલીમ ટીમ (આઇએમટીટી)ની તૈનાતીની પ્રશંસા કરી હતી.
  3. 31 મે, 2022 અને 2જી ઑક્ટોબર, 2023ના રોજ દાર એ સલામમાં બે વખત ડિફેન્સ એક્સ્પોનાં સફળ આયોજનને ધ્યાનમાં રાખીને, જેમાં ઘણી ક ભારતીય સંરક્ષણ કંપનીઓએ ભાગ લીધો હતો; બંને પક્ષોએ સંરક્ષણ ઉદ્યોગનાં ક્ષેત્રમાં સહકાર વધારવા માટે રસ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ તાન્ઝાનિયાનાં દળો અને ઉદ્યોગનાં ક્ષમતા નિર્માણ માટે બંને પક્ષો વચ્ચે સહકારની પ્રગતિ પર આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

દરિયાઈ સુરક્ષા

  1. ભારત અને તાન્ઝાનિયા દરિયાઈ પડોશી દેશો છે, જેઓ સામાન્ય દરિયાઈ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છે એ વાતનો સ્વીકાર કરીને બંને પક્ષો હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષામાં સહકાર વધારવા સંમત થયા હતા. તેમણે જુલાઈ, 2023માં ભારતીય નૌકાદળનાં જહાજ ત્રિશૂળે ઝાંઝીબાર અને દાર એ સલામની મુલાકાત લીધી હતી, ત્યારે સૌપ્રથમ વખત ઇન્ડિયા-તાન્ઝાનિયા જોઇન્ટ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (ઇઇઝેડ) સર્વેલન્સ કવાયત હાથ ધરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતની પણ નોંધ લીધી હતી કે, ભારત અને તાન્ઝાનિયાએ ઑક્ટોબર, 2022માં ભારતીય નૌકાદળનાં જહાજ તારકશની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય દરિયાઈ કવાયત હાથ ધરી હતી.
  2. તાન્ઝાનિયાના પક્ષે તાજેતરનાં વર્ષોમાં ભારત દ્વારા કરવામાં આવેલા તાન્ઝાનિયાનાં મુખ્ય બંદરોના હાઇડ્રોગ્રાફિક સર્વેની પ્રશંસા કરી હતી. આમ, બંને પક્ષો આ ક્ષેત્રમાં સહકાર ચાલુ રાખવા સંમત થયા હતા.
  3. બંને નેતાઓ તેમનાં સશસ્ત્ર દળો વચ્ચે આંતરવ્યવહારિકતા વધારવા આતુર છે. તેમણે તાન્ઝાનિયાનાં બંદરો પર ભારતીય જહાજો દ્વારા નિયમિત બંદર કૉલની નોંધ લીધી હતી અને ઑક્ટોબર, 2022માં ભારતીય નૌકાદળનાં જહાજ તારકાશની મુલાકાત દરમિયાન મોઝામ્બિક ચેનલમાં ભારત, તાન્ઝાનિયા અને મોઝામ્બિકને સાંકળતી પ્રથમ ત્રિપક્ષીય દરિયાઇ કવાયત હાથ ધરવાની પ્રશંસા કરી હતી.
  4. બંને નેતાઓએ ભારત અને તાન્ઝાનિયા વચ્ચે વ્હાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન વહેંચવા અંગે ટેક્નિકલ સમજૂતી પર હસ્તાક્ષર કરવાની પ્રશંસા કરી હતી.

બ્લૂ ઇકોનોમી

  1. તાન્ઝાનિયાના પક્ષે પ્રવાસન, દરિયાઈ વેપાર, સેવાઓ અને માળખાગત સુવિધાઓ, દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન, દરિયાઈ ખાણકામની ક્ષમતા, દરિયાઈ સંરક્ષણ અને દરિયાઈ સલામતી અને સુરક્ષા સહિત બ્લૂ અર્થતંત્રનાં ક્ષેત્રમાં ભારત સરકાર સાથે સહયોગ કરવામાં રસ દાખવ્યો હતો. ભારત અને તાન્ઝાનિયા શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ હિંદ મહાસાગર ક્ષેત્ર સુનિશ્ચિત કરવા માટે હિંદ મહાસાગર રિમ સંગઠન (આઈઓઆરએ)નાં માળખા હેઠળ સહયોગ કરવા સંમત થયા હતા.

 

વેપાર અને રોકાણ

  1. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને આ માટે સંબંધિત અધિકારીઓને વેપારનાં નવાં ક્ષેત્રો ચકાસવા સૂચના આપી હતી. વધુમાં એવી પણ સંમતિ સધાઈ હતી કે, બંને પક્ષોએ વેપારના જથ્થાના ડેટા વચ્ચે સુમેળ સાધવો જોઈએ અને વ્યાવસાયિક પ્રતિનિધિમંડળોની મુલાકાતો, વ્યાવસાયિક પ્રદર્શનો અને વ્યાવસાયિક સમુદાયો સાથે આદાનપ્રદાનનું આયોજન કરીને દ્વિપક્ષીય વેપારના જથ્થાને વધુ વધારવાની પહેલ કરવી જોઈએ.
  2. તાન્ઝાનિયા પક્ષે સ્વીકાર્યું હતું કે તાન્ઝાનિયા માટે રોકાણના ટોચના પાંચ સ્ત્રોતોમાં ભારતનો સમાવેશ થાય છે, જેમાં 3.74 અબજ અમેરિકી ડૉલરની કિંમતના 630 રોકાણ પ્રોજેક્ટ્સની નોંધણી થઈ છે અને આ રીતે 60,000 નવી રોજગારીનું સર્જન થયું છે. બંને પક્ષોએ તાન્ઝાનિયામાં રોકાણ માટે ભારતીય ઉદ્યોગપતિઓ વચ્ચે નવેસરથી રસ દાખવવાના તાજેતરના પ્રવાહોને આવકાર્યા હતા. બંને પક્ષો તાન્ઝાનિયામાં ઇન્વેસ્ટમેન્ટ પાર્ક સ્થાપિત કરવાની શક્યતાઓ ચકાસવા સંમત થયા હતા, તાન્ઝાનિયાના પક્ષે આ સંબંધમાં સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.
  3. બંને નેતાઓએ સ્થાનિક ચલણોનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય વેપારને વિસ્તૃત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (ભારતીય મધ્યસ્થ બૅન્ક)એ ભારતમાં અધિકૃત બૅન્કોને તાન્ઝાનિયાની કોરસપોન્ડન્ટ બૅન્કોનાં સ્પેશ્યલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (એસઆરવીએ) ખોલવાની મંજૂરી આપીને સ્થાનિક ચલણો એટલે કે ભારતીય રૂપિયો (આઇએનઆર) અને તાન્ઝાનિયા શિલિંગનો ઉપયોગ કરીને વેપારનો માર્ગ મોકળો કરી દીધો છે અને આ વ્યવસ્થાનો ઉપયોગ કરીને લેવડ-દેવડ થઈ ચૂકી છે. બંને પક્ષો કોઈ પણ ચિંતાઓને દૂર કરવા માટે પરામર્શ ચાલુ રાખવા સંમત થયા હતા, જેથી આ વ્યવસ્થાની સ્થિરતા સુનિશ્ચિત થઈ શકે.
  4. બંને પક્ષોએ સ્વીકાર્યું હતું કે, કૃષિ ક્ષેત્રનો સહકાર સંબંધોમાં મજબૂત આધારસ્તંભ રહેલો છે, જેમાં તાન્ઝાનિયાની 98 ટકા પ્રોડક્ટ લાઇનની ભારતની ડ્યુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ (ડીએફટીપી) યોજનાનો ઉપયોગ કરીને ટેરિફ-ફ્રી આયાત થાય છે. તાન્ઝાનિયાના કાજુ, વટાણા, મસાલા, એવોકાડો અને અન્ય કૃષિ ચીજવસ્તુઓ માટે ભારત મુખ્ય સ્થળ છે. બંને પક્ષો આ ક્ષેત્રમાં સહકારને વધુ પુનર્જીવિત કરવા સંમત થયા હતા.

વિકાસ ભાગીદારી

 

  1. તાન્ઝાનિયાએ પાણી, આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ, શિષ્યવૃત્તિ અને માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકી (આઇસીટી) જેવાં ક્ષેત્રોમાં ભારતની વિકાસ ભાગીદારી સહાયની પ્રશંસા કરી હતી.
  2. બંને પક્ષોએ ભારત દ્વારા તાન્ઝાનિયાને આપવામાં આવેલી લાઇન ઑફ ક્રેડિટ (એલઓસી) પર સંતોષ પણ વ્યક્ત કર્યો હતો, જે 1.1 અબજ ડૉલરથી વધારે છે, જે પીવાનાં પાણીની માળખાગત સુવિધા, કૃષિ અને સંરક્ષણનાં ક્ષેત્રોને આવરી લે છે. ખાસ કરીને એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે તાન્ઝાનિયાનાં 24 શહેરોમાં લાઇન ઑફ ક્રેડિટ યોજના મારફતે 500 મિલિયન ડૉલરની કિંમતના વૉટર પ્રોજેક્ટ્સ હાલમાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. એક વખત આ કામ પૂર્ણ થઈ ગયા બાદ તે આ વિસ્તારોના આશરે 60 લાખ રહેવાસીઓને પીવાનું સુરક્ષિત પાણી સરળતાથી ઉપલબ્ધ કરાવશે.
  3. તાન્ઝાનિયાના પક્ષે એ બાબતની પ્રશંસા કરી હતી કે, ભારતીય શિષ્યવૃત્તિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમે માનવ સંસાધન વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. ભારત વર્ષ 2023-24માં લાંબા ગાળાનાં કાર્યક્રમો માટે ક્ષમતા નિર્માણ માટે 450 ભારતીય ટેક્નિકલ અને આર્થિક સહયોગ (આઇટીઇસી) શિષ્યવૃત્તિઓ અને 70 ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઇસીસીઆર) સ્કોલરશિપ ઓફર કરે છે. ભારતીય પક્ષે વર્ષ 2023-24 માટે લાંબા ગાળાની શિષ્યવૃત્તિ (આઇસીસીઆર)ની સંખ્યા 70થી વધારીને 85 કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ગ્લોબલ સાઉથ માટે પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ભારતે તાન્ઝાનિયા માટે 1000 વધારાના આઇટીઇસી સ્લોટની પણ જાહેરાત કરી હતી, જેનો ઉપયોગ સ્માર્ટ પોર્ટ્સ, સ્પેસ, બાયોક્નૉલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એવિએશન મેનેજમેન્ટ વગેરે જેવાં નવાં અને ઉદ્‌ભવતાં ક્ષેત્રોમાં 5 વર્ષના ગાળામાં થશે.

શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આઇસીટીનો વિકાસ

  1. ભારતીય પક્ષે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) અને ડિજિટલ યુનિક આઇડેન્ટિટી (આધાર) સહિત ઇન્ડિયા સ્ટેક હેઠળ સ્પેસ ટેક્નૉલોજી અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં ક્ષેત્રોમાં જોડાણની ઓફર કરી હતી.
  2. તાન્ઝાનિયાના પક્ષે પેમ્બા, ઝાંઝીબારમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (વીટીસી)ની સ્થાપના અને સ્થાનિક બજારની માગને આધારે અભ્યાસક્રમો તૈયાર કરવા માટે ભારતીય સમર્થનને આવકાર આપ્યો હતો. ભારતીય પક્ષે તાન્ઝાનિયાના યુવાનોને તાલીમ અને કૌશલ્ય સંવર્ધન પ્રદાન કરવા માટે ભારતનાં રોજગારલક્ષી કૌશલ્ય કેન્દ્રોની જેમ રોજગારલક્ષી તાલીમ સંસ્થાઓ સ્થાપિત કરવાની ઑફર કરી હતી.
  3. તાન્ઝાનિયાએ ભારત દ્વારા દાર એ સલામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજી અને આરુશામાં નેલ્સન મંડેલા આફ્રિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ટેક્નૉલોજી (એનએમએઆઇએસટી)માં બે આઇસીટી કેન્દ્રો સ્થાપિત કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તાન્ઝાનિયા તરફથી એનએમ-એઆઇએસટીમાં આઇસીટી સેન્ટરને અપગ્રેડ કરવા બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી.

ઝાંઝીબારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજી મદ્રાસ કૅમ્પસ

 

  1. બંને નેતાઓએ ઝાંઝીબારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલોજી (આઇઆઇટી), મદ્રાસનાં પ્રથમ વિદેશી કૅમ્પસની સ્થાપનાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેઓ એ પણ સંમત થયા હતા કે ઝાંઝીબારમાં આઈઆઈટીમાં આફ્રિકન ખંડમાં તકનીકી શિક્ષણ માટેનું પ્રીમિયર સેન્ટર બનવાની સંભાવના છે. તેઓએ નોંધ્યું હતું કે, પ્રથમ બેચ માટેના વર્ગો આ મહિને શરૂ થવાના છે. તાન્ઝાનિયાના પક્ષે આ સંબંધમાં ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી અને ઝાંઝીબારમાં આઇઆઇટીની વૃદ્ધિ અને સ્થાયીત્વ માટે સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.

 

અવકાશ સહયોગ

  1. તાન્ઝાનિયા તરફથી 23 ઑગસ્ટ, 2023ના રોજ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નાં લેન્ડરનાં સફળ ઉતરાણ બદલ ભારતીય પક્ષને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
  2. ભારતીય પક્ષે તાન્ઝાનિયાને અંતરિક્ષ ટેક્નૉલોજીનાં ક્ષેત્રમાં જોડાણની ઓફર કરી હતી, જેને તાન્ઝાનિયાનાં પક્ષે આવકાર આપ્યો હતો.

 

આરોગ્ય

  1. બંને પક્ષોએ જુલાઈ 2023માં તાન્ઝાનિયાના આરોગ્ય મંત્રી માનનીય ઉમ્મી મ્વાલિમુ (એમપી)ની તાજેતરની ભારતની મુલાકાત અને તકો શોધવા માટે ઑગસ્ટ 2022માં તાન્ઝાનિયાની મુલાકાત લેનારા ભારત અને યુ.એ.ઈ.નાં સંયુક્ત પ્રતિનિધિમંડળની મુલાકાતને ધ્યાનમાં રાખીને આરોગ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સહકારની પુષ્ટિ કરી હતી. બંને પક્ષો આરોગ્ય ક્ષેત્રમાં વધુ સહયોગ માટે કામ કરવા સંમત થયા હતા..
  2. તાન્ઝાનિયાના પક્ષે ભારત સરકાર દ્વારા 10 એમ્બ્યુલન્સનાં દાનની પ્રશંસા કરી હતી, જેનો ઉદ્દેશ દર્દીઓને તાત્કાલિક તબીબી સારસંભાળની જોગવાઈમાં મદદ કરવાનો અને હૉસ્પિટલની માળખાગત સુવિધાઓને ટેકો આપવાનો છે.
  3. બંને પક્ષોએ રેડિયેશન થેરપી મશીન "ભાભાટ્રોન II"નું દાન, આવશ્યક દવાઓ, વર્ષ 2019માં આયોજિત કૃત્રિમ અંગોને ફિટમેન્ટ કૅમ્પ સહિત ગ્રાન્ટ પ્રોજેક્ટ્સનાં અમલીકરણમાં દ્વિપક્ષીય સહકારનાં ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં તાન્ઝાનિયાના 520 દર્દીઓને લાભ થયો હતો.

 

લોકોથી લોકો વચ્ચેના સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન

  1. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે મજબૂત લોકો વચ્ચેના સંપર્કો, સાંસ્કૃતિક આદાનપ્રદાન, શૈક્ષણિક જોડાણો અને પ્રવાસનનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તાન્ઝાનિયામાં મોટી સંખ્યામાં વસતા ભારતીય સમુદાયનાં યોગદાનની પ્રશંસા કરી જેમણે બંને દેશો વચ્ચે સેતુ તરીકે કામ કર્યું છે અને તાન્ઝાનિયાનાં અર્થતંત્ર અને સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
  2. બંને પક્ષોએ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહકાર વધારવા સંમતિ વ્યક્ત કરી હતી તથા વર્ષ 2023-27ના ગાળા માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર થયેલા હસ્તાક્ષરની પ્રશંસા કરી હતી. ભારતીય પક્ષે તાન્ઝાનિયાને આગામી ફેબ્રુઆરી, 2024માં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, ફરીદાબાદના સૂરજકુંડમાં યોજાનારા આગામી સૂરજકુંડ મેળામાં ભાગીદાર દેશ બનવા આમંત્રણ આપ્યું હતું.
  3. બંને પક્ષોએ બંને પક્ષોની સાંસ્કૃતિક મંડળીઓનાં આદાન-પ્રદાનની નોંધ લીધી હતી અને બંને દેશો વચ્ચે વધુ સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપ્યું હતું.
  4. તાન્ઝાનિયામાં રમતની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તાન્ઝાનિયાની ટીમે ભારતમાંથી બે કબડ્ડી કૉચની તૈનાતી માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.
  5. બંને નેતાઓ બંને દેશોની યુનિવર્સિટીઓ અને થિંક ટેન્ક્સ વચ્ચે ગાઢ જોડાણ માટે સંમત થયા હતા.

પ્રાદેશિક મુદ્દાઓ

 

  1. ભારતીય પક્ષે તાન્ઝાનિયાને બે મુખ્ય શિખર સંમેલનોનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, જેમાં અનુક્રમે જુલાઈ અને સપ્ટેમ્બર, 2023માં આફ્રિકન હ્યુમન કેપિટલ હેડ્સ ઑફ સ્ટેટ સમિટ અને આફ્રિકા ફૂડ સિસ્ટમ્સ સમિટ સામેલ છે.

 

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ

  1. ભારતીય પક્ષે ઇસ્ટ આફ્રિકન કમ્યુનિટી (ઇએસી) સાથે આદાનપ્રદાન વધારવામાં સાથસહકાર આપવા બદલ તાન્ઝાનિયાનો આભાર માન્યો હતો.
  2. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર બંને દેશો વચ્ચે સમન્વય સ્થાપિત થયો છે. એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે, બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક અભિયાનોમાં સક્રિય ભાગીદારી કરી છે અને પ્રાદેશિક સુરક્ષા પહેલમાં યોગદાન આપ્યું છે. બંને પક્ષોએ સધર્ન આફ્રિકન ડેવલપમેન્ટ કમ્યુનિટી (એસએડીસી)ના નેજા હેઠળ તૈનાત શાંતિ અભિયાનોમાં તાન્ઝાનિયા દ્વારા કરવામાં આવેલા પ્રદાનની નોંધ લીધી હતી.
  3. ભારત અને તાન્ઝાનિયા સભ્યપદની બંને કેટેગરીમાં વિસ્તરણ મારફતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારા માટેની જરૂરિયાત પર સંમત થયા હતા. ભારતીય પક્ષે વર્ષ 2021-22ના ગાળા માટે યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે ભારતના કાર્યકાળ દરમિયાન સાથ-સહકાર આપવા બદલ તાન્ઝાનિયાની પ્રશંસા કરી હતી તથા વર્ષ 2028-29માં યુએનએસસીમાં અસ્થાયી સભ્યપદ માટે ભારતની દાવેદારી માટે તાન્ઝાનિયાનાં સમર્થન માટે પણ પ્રશંસા કરી હતી.
  4. તાન્ઝાનિયાના પક્ષે જી20નાં સફળ પ્રમુખપદ અને સપ્ટેમ્બર, 2023માં જી20 લીડર્સ સમિટમાં અપનાવવામાં આવેલા જી20 નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન માટે ભારતને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં જી20ના નેતાઓએ જી20ના કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયન (એયુ)ને આવકાર્યું હતું. ભારતીય પક્ષે ભારતનાં જી20 પ્રમુખપદને તાન્ઝાનિયાનાં સમર્થન અને જાન્યુઆરી, 2023માં વોઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટમાં તેની ભાગીદારીની પ્રશંસા કરી હતી. તાન્ઝાનિયાના પક્ષે નોંધ્યું હતું કે, જી20માં એયુના પ્રવેશે બહુપક્ષીય આર્થિક સહકાર માટેના ટોચના વૈશ્વિક મંચમાં આફ્રિકાના અવાજને વિસ્તૃત કરવા માટેનું એક મોટું પગલું રજૂ કર્યું હતું અને આફ્રિકાને આ સર્વસમાવેશકતામાંથી હકારાત્મક લાભ થશે.
  5. ભારતીય પક્ષે તાન્ઝાનિયાના આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સ (આઇબીસીએ) અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ (જીબીએ)માં સામેલ થવાના નિર્ણયને આવકાર્યો હતો તથા કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઇ)માં તાન્ઝાનિયાનું સભ્યપદ મેળવવા આતુર છે.
  6. બંને નેતાઓએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની, જ્યારે પણ, જ્યાં પણ અને કોના દ્વારા ક્યારેય આચરવામાં આવે છે અને સરહદ પારના આતંકવાદ માટે આતંકવાદી પ્રોક્સીઓના ઉપયોગની સખત નિંદા કરી હતી. તેઓ સંમત થયા હતા કે આતંકવાદ વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સૌથી ગંભીર જોખમોમાંથી એક છે અને તેનો ગંભીરતાથી સામનો કરવો જોઈએ.
  7. મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસને ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીને તેમના અને તેમની સાથેનાં પ્રતિનિધિમંડળના ઉષ્માસભર આવકાર અને આતિથ્ય સત્કાર બદલ પ્રશંસા કરી હતી. મહામહિમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનનો આભાર માન્યો હતો અને યુનાઇટેડ રિપબ્લિક ઑફ તાન્ઝાનિયાના મૈત્રીપૂર્ણ લોકો માટે તેમના સારાં સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી હતી.

CB/GP/JD
 



(Release ID: 1966153) Visitor Counter : 140