પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 'ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023'નું ઉદઘાટન કર્યું
"વર્ષોથી, ન્યાયતંત્ર અને બાર ભારતની ન્યાયપ્રણાલીના રક્ષક રહ્યા છે"
"કાનૂની વ્યવસાયના અનુભવે સ્વતંત્ર ભારતના પાયાને મજબૂત કરવાનું કામ કર્યું છે અને આજની નિષ્પક્ષ ન્યાયિક વ્યવસ્થાએ પણ ભારતમાં વિશ્વનો વિશ્વાસ વધારવામાં મદદ કરી છે."
"નારી શક્તિ વંદન કાયદો ભારતમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને નવી દિશા અને ઊર્જા પ્રદાન કરશે."
"જ્યારે જોખમો વૈશ્વિક હોય, ત્યારે તેમની સાથે વ્યવહાર કરવાની રીતો પણ વૈશ્વિક હોવી જોઈએ"
"નાગરિકોને લાગવું જોઈએ કે કાયદો તેમનો છે"
"અમે હવે સરળ ભાષામાં ભારતમાં નવા કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ"
"કાનૂની વ્યવસાય દ્વારા નવી તકનીકી પ્રગતિનો લાભ લેવો જોઈએ"
Posted On:
23 SEP 2023 11:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા કરવા, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો તથા આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજણને મજબૂત કરવાનો છે.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક કાયદાકીય સમુદાયનાં મહાન લોકો સાથે આદાનપ્રદાન કરવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઇંગ્લેન્ડના લોર્ડ ચાન્સેલર શ્રી એલેક્સ ચોક અને બાર એસોસિયેશન ઓફ ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ, કોમનવેલ્થ અને આફ્રિકન દેશોના પ્રતિનિધિઓ અને દેશભરના લોકોની ઉપસ્થિતિનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાનું પ્રતીક બની ગઈ છે. પ્રધાનમંત્રીએ ભારતમાં વિદેશી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમના આયોજનમાં આગેવાની લેવા બદલ બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાનો આભાર પણ માન્યો હતો.
પ્રધાનમંત્રીએ કોઈ પણ દેશના વિકાસમાં કાનૂની સમુદાયની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "વર્ષોથી ન્યાયતંત્ર અને બાર ભારતની ન્યાયિક વ્યવસ્થાના સંરક્ષક રહ્યા છે." પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં કાનૂની વ્યાવસાયિકોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, લોકમાન્ય તિલક અને વીર સાવરકરનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, "કાયદાકીય વ્યવસાયનાં અનુભવે સ્વતંત્ર ભારતનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું છે અને આજની નિષ્પક્ષ ન્યાયિક વ્યવસ્થાએ ભારતમાં વિશ્વનો વિશ્વાસ વધારવામાં પણ મદદ કરી છે."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે દેશ કેટલાંક ઐતિહાસિક નિર્ણયોનો સાક્ષી બન્યો છે તથા તેમણે લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાનું યાદ કર્યું હતું, જે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો અધિકાર આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નારી શક્તિ વંદન કાયદો ભારતમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને નવી દિશા અને ઊર્જા પ્રદાન કરશે." તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં તાજેતરમાં સંપન્ન થયેલી જી-20 સમિટમાં દુનિયાને ભારતની લોકશાહી, વસતિ અને મુત્સદ્દીગીરીની ઝલક જોવા મળી હતી. એક મહિના અગાઉ આજના જ દિવસે પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો હતો કે, જેણે ચંદ્રયાન-3ને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનું ભારત, જે આત્મવિશ્વાસથી ભરેલું છે, તે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નાં લક્ષ્યાંકને સાકાર કરવા કામ કરી રહ્યું છે. તેમણે વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતમાં કાનૂન વ્યવસ્થા માટે મજબૂત, સ્વતંત્ર અને નિષ્પક્ષ પાયા બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023 અતિ સફળ સાબિત થશે અને દરેક દેશને અન્ય દેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવાની તક મળશે.
પ્રધાનમંત્રી મોદીએ આજની દુનિયાનાં ઊંડા જોડાણ વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે દુનિયામાં એવી ઘણી તાકાતો છે, જેને સરહદો અને અધિકારક્ષેત્રની કોઈ પરવા નથી. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે જોખમો વૈશ્વિક હોય છે, ત્યારે તેમની સાથે વ્યવહાર કરવાની રીતો પણ વૈશ્વિક હોવી જોઈએ." તેમણે સાયબર આતંકવાદ, મની લોન્ડરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગની શક્યતાઓ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રકારનાં મુદ્દાઓ પર વૈશ્વિક માળખું તૈયાર કરવું એ માત્ર સરકારી બાબતોથી આગળ છે, પણ વિવિધ દેશોનાં કાયદાકીય માળખા વચ્ચે જોડાણની જરૂર છે.
વૈકલ્પિક વિવાદ સમાધાન પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાણિજ્યિક વ્યવહારોની જટિલતામાં વધારો થવાથી એડીઆરનું સમગ્ર વિશ્વમાં ચલણ વધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં વિવાદ નિવારણની અનૌપચારિક પરંપરાને વ્યવસ્થિત કરવા માટે, ભારત સરકારે મધ્યસ્થી કાયદો બનાવ્યો છે. એ જ રીતે લોક અદાલતો પણ મોટી ભૂમિકા ભજવી રહી છે અને લોક અદાલતોએ છેલ્લા 6 વર્ષમાં 7 લાખ જેટલા કેસોનો ઉકેલ લાવી દીધો છે.
ન્યાય પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ પાસા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભાષા અને કાયદાની સરળતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સરકારનાં અભિગમ વિશે જાણકારી આપી હતી અને કોઈ પણ કાયદાને બે ભાષામાં પ્રસ્તુત કરવા સંબંધિત ચાલી રહેલી ચર્ચા વિશે જાણકારી આપી હતી – એકમાં કાયદાકીય વ્યવસ્થા ટેવાયેલી છે અને બીજી સામાન્ય નાગરિકો માટે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "નાગરિકોને એવું લાગવું જોઈએ કે આ કાયદો તેમનો જ છે." શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સરળ ભાષામાં નવા કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેમણે ડેટા સંરક્ષણ કાયદાનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતની સર્વોચ્ચ અદાલતને તેના ચુકાદાઓને 4 સ્થાનિક ભાષાઓ હિંદી, તમિલ, ગુજરાતી અને ઉડિયામાં અનુવાદિત કરવા માટેની વ્યવસ્થા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા ભારતની ન્યાયિક વ્યવસ્થામાં થયેલા મહાન પરિવર્તનને બિરદાવ્યું હતું.
અંતે પ્રધાનમંત્રીએ ટેકનોલોજી, સુધારા અને નવી ન્યાયિક પ્રક્રિયાઓ મારફતે કાયદાકીય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના માર્ગો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તકનીકી પ્રગતિએ ન્યાયિક પ્રણાલી માટે નવા માર્ગો ખોલ્યા છે અને કાનૂની વ્યવસાય દ્વારા તકનીકી સુધારાઓનો લાભ લેવા હાકલ કરી છે.
આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડો. ડી. વાય. ચંદ્રચુડ, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના એટર્ની જનરલ શ્રી આર. વેંકટરામની, ભારતના સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી મનન કુમાર મિશ્રા અને યુકેના લોર્ડ ચાન્સેલર, શ્રી એલેક્સ ચાક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પાશ્વ ભૂમિકા
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 23 થી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ 'ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ' વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા કરવા, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો તથા આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજણને મજબૂત કરવાનો છે. દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ઉભરતા કાનૂની પ્રવાહો, સરહદ પારના મુકદ્દમામાં પડકારો, કાનૂની ટેકનોલોજી, પર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધીશો, કાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાનૂની બિરાદરોના અગ્રણીઓએ ભાગ લીધો હતો.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1959834)
Visitor Counter : 178
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam