પ્રધાનમંત્રીનું કાર્યાલય

G20 વેપાર અને રોકાણ મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 AUG 2023 9:12AM by PIB Ahmedabad

મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો, નમસ્કાર!

ગુલાબી નગરી - જયપુરમાં આપનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે! આ પ્રદેશ તેના ગતિશીલ અને ઉદ્યમી લોકો માટે જાણીતો છે.

મિત્રો,

આખા ઇતિહાસ પર નજર કરીએ તો, વેપાર સૌને વિચારો, સંસ્કૃતિઓ અને ટેકનોલોજીના આદાનપ્રદાન તરફ દોરી ગયો છે. તેણે લોકોને એકબીજાની નજીક લાવી દીધા છે. વેપાર અને વૈશ્વિકરણે લાખો લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર પણ કાઢ્યા છે.

મહાનુભાવો,

આજે આપણને ભારતના અર્થતંત્રમાં વૈશ્વિક આશાવાદ અને વિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભારતને નિખાલસતા, અવસરો અને વિકલ્પોના સંયોજન તરીકે જોવામાં આવે છે. છેલ્લાં નવ વર્ષ દરમિયાન ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ અમારા નિરંતર પ્રયાસોનું જ પરિણામ છે. અમે 2014માં 'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ'ની સફરની શરૂઆત કરી હતી. અમે સ્પર્ધાત્મકતા વધારી છે અને પારદર્શિતામાં વધારો કર્યો છે. અમે ડિજિટાઇઝેશનનું વિસ્તરણ કર્યું છે અને આવિષ્કારને પ્રોત્સાહન આપ્યું છે. અમે સમર્પિત ફ્રેઇટ કોરિડોર સ્થાપિત કર્યા છે અને ઔદ્યોગિક ઝોનનું નિર્માણ કર્યું છે. અમે લાલ ફીતાશાહીથી લાલ જાજમ તરફ આગળ વધી ગયા છીએ અને FDIની આવકનો પ્રવાહ ઉદાર બનાવ્યો છે. મેક ઇન ઇન્ડિયા તેમજ આત્મનિર્ભર ભારત જેવી પહેલોએ વિનિર્માણને વેગ આપ્યો છે. આ બધાથી ઉપર, અમે નીતિઓમાં સ્થિરતા લાવ્યા છીએ. અમે આગામી કેટલાક વર્ષોમાં ભારતને ત્રીજી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

મિત્રો,

વર્તમાન સમયના વૈશ્વિક પડકારો, મહામારીથી લઇને ભૌગોલિક-રાજકીય તણાવ સુધીની સ્થિતિઓ, વિશ્વની અર્થવ્યવસ્થાની કસોટી કરી રહ્યા છે. G20 તરીકે, આપણી જવાબદારી છ કે, આપણે આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણમાં ફરીથી વિશ્વાસનું નિર્માણ કરીએ. આપણે અવશ્યપણે એવી લવચિક અને સમાવેશી વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ બનાવવી જોઇએ જે ભવિષ્યના આંચકાઓનો સામનો કરી શકે. આ સંદર્ભમાં, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓના મેપિંગ માટે જેનરિક ફ્રેમવર્ક બનાવવાનો ભારતનો પ્રસ્તાવ મહત્વપૂર્ણ છે. આ ફ્રેમવર્કનો ઉદ્દેશ નબળાઇઓનું મૂલ્યાંકન કરવાનો, જોખમો ઓછાં કરવાનો અને સ્થિતિસ્થાપકતામાં વધારો કરવાનો છે.

મહાનુભાવો,

વેપારમાં ટેકનોલોજીની પરિવર્તનકારી તાકાત નિર્વિવાદ છે. ઑનલાઇન એકલ પરોક્ષ કરની દિશામાં ભારતે કરેલા પરિવર્તન – GSTના કારણે આંતર-રાજ્ય વેપારને વેગ આપવાની સાથે સાથે એકલ આંતરિક બજાર તૈયાર કરવામાં મદદ મળી છે. અમારું યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટર-ફેસ પ્લેટફોર્મ વેપારલક્ષી હેરફેરને સસ્તી અને વધુ પારદર્શક બનાવે છે. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એ એક અન્ય ગેમચેન્જર છે, જે અમારી ડિજિટલ માર્કેટપ્લેસ ઇકો-સિસ્ટમને લોકતાંત્રિક બનાવશે. અમે પેમેન્ટ સિસ્ટમ્સ માટે પહેલાંથી જ અમારી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટર-ફેસની મદદથી કામ કર્યું છે. પ્રક્રિયાઓ ડિજિટાઇઝ કરવાથી અને ઇ-કોમર્સનો ઉપયોગ કરવાથી તેમાં બજારની સુલભતા વધારવાનું સામર્થ્ય હોય છે. મને એ વાતનો આનંદ છે કે, તમારું જૂથ 'વેપાર દસ્તાવેજોના ડિજિટલાઇઝેશન માટે ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતો' પર કામ કરી રહ્યું છે. આ સિદ્ધાંતો દેશોને સરહદપાર ઇલેક્ટ્રોનિક વેપારના પગલાં લાગુ કરવામાં મદદ કરી શકે છે અને અનુપાલનનો બોજ ઓછો કરવામાં મદદ કરી શકે છે. જેમ જેમ સરહદપાર ઇ-કોમર્સમાં વધારો થતો જાય છે તેમ તેમ પડકારો પણ વધે છે. મોટા અને નાના વિક્રેતાઓ વચ્ચે સમાન સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે આપણે સામૂહિક રીતે કામ કરવાની જરૂર છે. આપણે વાજબી કિંમતની શોધ અને ફરિયાદ નિવારણ પદ્ધતિમાં ગ્રાહકોને પડતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની પણ જરૂર છે.

મહાનુભાવો,

ભારત, WTOને મૂળમાં રાખીને નિયમો આધારિત, ખુલ્લી, સમાવેશી, બહુપક્ષીય વેપાર પ્રણાલીમાં વિશ્વાસ રાખે છે. ભારતે 12મી WTO મંત્રી સ્તરીય પરિષદમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓની હિમાયત કરી છે. અમે લાખો ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવા અંગે સર્વસંમતિ સાધવામાં સમર્થ રહ્યા હતા. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં MSMEની મુખ્ય ભૂમિકાને ધ્યાનમાં રાખીને આપણે તેમના પર વધુ ધ્યાન આપવું આવશ્યક છે. રોજગારમાં MSMEનો હિસ્સો 60 થી 70 ટકા જેટલો છે અને વૈશ્વિક GDPમાં તે 50 ટકા યોગદાન આપે છે. તેમને અમારા એકધારા સમર્થનની જરૂર છે. તેમનું સશક્તિકરણ સામાજિક સશક્તિકરણમાં રૂપાંતરિત થાય છે. અમને માનીએ છીએ કે, MSME મતલબ - સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને મહત્તમ સમર્થન. ભારતે અમારા ઑનલાઇન પ્લેટફોર્મ- સરકારી ઇ-માર્કેટપ્લેસ દ્વારા MSMEને જાહેર ખરીદીમાં એકીકૃત કરવામાં આવ્યા છે. અમે પર્યાવરણ પર 'ઝીરો ડિફેક્ટ' અને 'ઝીરો ઇફેક્ટ'ના સિદ્ધાંતોને અપનાવવા માટે અમારા MSME ક્ષેત્ર સાથે કામ કરી રહ્યા છીએ. વૈશ્વિક વેપાર અને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં તેમની ભાગીદારી વધારવી એ ભારતીય પ્રેસિડેન્સીની પ્રાથમિકતા છે. પ્રસ્તાવિત MSME માટે માહિતીના અવરોધરહિત પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે જયપુર પહેલMSMEને બજાર અને વ્યવસાય-સંબંધિત માહિતીની અપૂરતી પહોંચના પડકારનો સામનો કરવો પડે છે તેનો ઉકેલ આપશે. મને એ પણ વિશ્વાસ છે કે, વૈશ્વિક વેપાર સહાય ડેસ્કને અપગ્રેડ કરવાથી વૈશ્વિક વેપારમાં MSMEની ભાગીદારી વધશે.

મહાનુભાવો,

એક પરિવાર તરીકે આપણી સામૂહિક જવાબદારી છે કે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ પ્રક્રિયાઓમાં ફરીથી વિશ્વાસ સ્થાપિત કરીએ. મને વિશ્વાસ છે કે, વૈશ્વિક વેપાર પ્રણાલી ધીમે ધીમે વધુ પ્રતિનિધિત્વ કરતા અને સમાવેશી ભવિષ્યમાં રૂપાંતરિત થાય તે સુનિશ્ચિત કરવા માટે તમે સામૂહિક રીતે કામ કરશો. તમારી ચર્ચાઓમાં તમને સફળતા મળે તેવી હું ઇચ્છા રાખું છુ. ખૂબ ખૂબ આભાર!

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1951620) Visitor Counter : 175