સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની G-20ની અધ્યક્ષતા


ગાંધીનગરમાં 17 ઑગસ્ટથી G20 આરોગ્ય મંત્રીઓની બેઠકનો આરંભ થશે

G20 એ પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ દર્શાવવાની અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષોમાં, ભારતે પરંપરાગત દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છે: કેન્દ્રીય આયુષ સચિવ

"પરંપરાગત દવા પર વૈશ્વિક સંમેલન આરોગ્ય સંબંધિત ગંભીર પડકારોનો ઉકેલ લાવવા અને વૈશ્વિક આરોગ્ય તેમજ દીર્ઘકાલિન વિકાસમાં પ્રગતિને આગળ ધપાવવામાં પરંપરાગત, પૂરક અને સંકલિત દવાઓની ભૂમિકાનું અન્વેષણ કરશે"


ભારત દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં ધ્યાન આપવામાં આવતા મુખ્ય પાસાઓમાં પોષણક્ષમતા, સુલભતા અને ઉપયોગિતા પર ધ્યાન મુખ્ય પાસાઓ છે જે આપણને આરોગ્ય સંભાળમાં વૈશ્વિક સ્તર પ્રાપ્ત કરવામાં મદદ કરશે: શ્રી લવ અગ્રવાલ

"G20ના સહ-બ્રાન્ડિંગ સાથેનો કાર્યક્રમ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયા 2023, સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે"

"ગ્લોબલ સાઉથની ચિંતાઓને અવાજ આપવા માટે ભારત પોતાની G20ની અધ્યક્ષતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે"

દુનિયામાં ડિજિટલ આરોગ્ય સંભાળ પરિદૃશ્યમાં પ્રયાસોને એકીકૃત કરવા માટે 19 ઑગસ્ટ, 2023ના રોજ ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ શરૂ કરવામાં આવશે

Posted On: 16 AUG 2023 4:39PM by PIB Ahmedabad

ગુજરાતમાં ગાંધીનગર ખાતે 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજવામાં આવશે. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે.

G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ, સજ્જતા અને પ્રતિભાવ; સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ (રસીઓ, ઉપચાર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.

17 ઑગસ્ટ 2023ના રોજ G20ના ડેપ્યુટીઓની બેઠક અને 18-19 ઑગસ્ટ, 2023ના રોજ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક ઉપરાંત, વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયા 2023; WHO પરંપરાગત દવા વૈશ્વિક સંમેલન; ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023; અને દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં ટીબીને નાબૂદ કરવા માટે સતત, ઝડપ પ્રયાસ અને આવિષ્કારસંમેલન સહિત ચાર સમાંતર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ધ્યાન આપવાના કાર્યક્રમ તરીકે 19 ઑગસ્ટના રોજ નાણાં – આરોગ્ય મંત્રીઓ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠક દરમિયાન G20 અને સમાંતરરૂપે યોજાનારા કાર્યક્રમોના સંયુક્ત સત્રો પણ રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલે ગાંધીનગર ખાતે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસીય કાર્યક્રમ પૂર્વે મીડિયાને સંબોધન કરતી વખતે આ માહિતી આપી હતી.

આયુષ સચિવ શ્રી રાજેશ કોટેચા જણાવ્યું હતું કે, “પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે G20 અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષોમાં, ભારતે પરંપરાગત દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં, સમગ્ર દેશમાં 12,500થી વધુ આયુષ-આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત થઇ જશે, જેમાંથી 8,500 કેન્દ્રો પહેલાંથી જ કાર્યરત છે.

કેન્દ્રીય આયુષ સચિવે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, WHO દ્વારા ગુજરાતના જામનગરમાં સ્થાપવામાં આવેલું પરંપરાગત દવાઓનું વૈશ્વિક કેન્દ્ર, કોઇ વિકાસશીલ દેશમાં શરૂ કરવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, 17 અને 18 ઑગસ્ટ, 2023ના રોજ ગાંધીનગરમાં આયુષ મંત્રાલય દ્વારા સહ-આયોજિત પરંપરાગત દવા વૈશ્વિક સંમેલનનું આયોજન WHO દ્વારા કરવામાં આવશે, જે આરોગ્ય સંબંધિત ગંભીર પડકારોનો ઉકેલ લાવવા અને વૈશ્વિક આરોગ્ય તેમજ દીર્ઘકાલિન વિકાસમાં પ્રગતિને આગળ ધપાવવામાં પરંપરાગત, પૂરક અને સંકલિત દવાઓની ભૂમિકાનું અન્વેષણ કરશે.

મેડિકલ વેલ્યુ ટ્રાવેલ અને એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયા 2023 પર યોજાનારા બે કાર્યક્રમો એ G20 સહ-બ્રાન્ડિંગ હેઠળ યોજાનારા બે સમાંતર કાર્યક્રમો છે જેમાં સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ તંત્રના નિર્માણ માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં મેડિકલ વેલ્યુ ટ્રાવેલ માટે યોજાનારો આ સૌથી મોટો સરકારી ભંડોળથી યોજાનારો કાર્યક્રમ છે.

ભારતને મેડટેકનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા અને આગળના માર્ગ પર વિચારણા કરવા માટે તબીબી ઉપકરણોના ક્ષેત્રની નોંધપાત્ર સંભાવનાઓનો ઉપયોગ કરી શકાય તે માટે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023નું આયોજન કરવામાં આવશે.

ટીબી સામેની લડતને વેગવાન બનાવવા અને તેની નાબૂદી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે G20 પહેલ હેઠળ દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં ટીબીને નાબૂદ કરવા માટે સતત, ઝડપ પ્રયાસ અને આવિષ્કાર અંગે મંત્રી સ્તરીય બેઠક યોજવામાં આવશે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતની G20ની અધ્યક્ષતા સમાવિષ્ટ, ક્રિયાલક્ષી અને નિર્ણાયક હશે. 'વસુધૈવ કુટુંબકમ'ની ભારતની વિચારધારાના આધારે માનનીય પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી થીમ: 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય', વિશ્વભરના લોકો માટે મહામારી પછીની તંદુરસ્ત દુનિયાના નિર્માણ માટે સામૂહિક રીતે કામ કરવા માટે એક માર્ગદર્શક સિદ્ધાંત છે.

શ્રી લવ અગ્રવાલે ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ ઓળખવામાં આવેલી ત્રણ મુખ્ય આરોગ્ય પ્રાથમિકતાઓ પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે પોષણક્ષમતા, સુલભતા અને ઉપયોગિતા એ ભારત દ્વારા ધ્યાન આપવામાં આવતા મુખ્ય પાસાઓ છે જે આપણને આરોગ્ય સંભાળમાં વૈશ્વિક સ્તર પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથની ચિંતાઓને અવાજ આપવા માટે પોતાની G20ની અધ્યક્ષતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

શ્રી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, એક કેન્દ્રીત અભિગમ દ્વારા વિનિર્માણ, સંશોધન અને વિકાસના પાસાઓના વિસ્તરણ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ, 19 ઑગસ્ટ, 2023ના રોજ શરૂ થનારી ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલનો ઉદ્દેશ્ય આજે વિશ્વમાં ડિજિટલ આરોગ્ય સંભાળના પરિદૃશ્યમાં ચાલી રહેલા પ્રયાસોને એકીકૃત કરવાનો છે.

ગાંધીનગરમાં યોજાનારી ચોથી HWG બેઠકમાં 19 G20 સભ્ય દેશો, 10 આમંત્રિત રાજ્યો અને 22 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. 'અતિથિ દેવો ભવ'ની ભારતીય વિચારધારા પર આધારિત ભારતની સમૃદ્ધ વિવિધતા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે આ કાર્યક્રમ માટે ગુજરાતી સંસ્કૃતિના આસ્વાદથી ભરપૂર કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિનિધિઓ ગુજરાતની રસોઇકળાની સંસ્કૃતિનો અનુભવ કરશે તેમજ તેના કુદરતી સૌંદર્ય અને ઉદાર આતિથ્યનો આનંદ માણી શકશે.

G20ની અધ્યક્ષતાના વડા તરીકે, ભારતનો ઉદ્દેશ્ય આરોગ્ય ક્ષેત્રની પ્રાથમિકતાઓને ચાલુ રાખવા અને એકીકૃત કરવાનો છે અને અગાઉની અધ્યક્ષતાના મહત્વના પગલાંને મજબૂત કરવાની જરૂર હોય તેવા નિર્ણાયક ક્ષેત્રો પર પ્રકાશ પાડવાનો છે. ભારત, આરોગ્ય સહયોગ અને સંકલિત કાર્યવાહી તરફ કામ કરવાની સાથે સાથે વિવિધ બહુપક્ષીય મંચો પર ચર્ચામાં સંકલન પ્રાપ્ત કરવાનું પણ લક્ષ્ય રાખે છે.

PIB, દિલ્હીના ADG ડૉ. મનીષા વર્મા, અને PIB, ગાંધીનગરના ADG શ્રી પ્રકાશ મગદુમ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1949510) Visitor Counter : 493