સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પેક્સ) દ્વારા કોમન સર્વિસીસ સેન્ટર (સીએસસી) સેવાઓનો શુભારંભ કરવા પર નેશનલ મેગા કોન્ક્લેવનું ઉદઘાટન કર્યું
પેક્સ અને સીએસસીના એકીકરણ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના બે સંકલ્પો આજે પૂર્ણ થઈ રહ્યા છે
ભારત સરકાર અને રાજ્ય સરકારોની 300થી વધુ યોજનાઓને સીએસસી સાથે જોડવામાં આવી છે, સીએસસીને ગામના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે પેક્સથી મોટું કોઈ માધ્યમ હોઈ શકે નહીં
પેક્સ અને સીએસસીના એકીકરણથી ગરીબો માટે સુવિધાઓમાં વધારો થશે, તેની સાથે-સાથે આ નવી ઊર્જા અને તાકાત ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ આપવામાં આવશે, તેનાથી આપણને દેશના વિકાસ માટે વધુમાં વધુ ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ મળશે
જો સહકારી ચળવળને મજબૂત બનાવવી હોય, તો તેના સૌથી નાના એકમ, પેક્સને મજબૂત બનાવવું પડશે, જ્યાં સુધી પેક્સ મજબૂત નહીં થાય, ત્યાં સુધી સહકારી આંદોલન ટકી શકશે નહીં
મોદી સરકાર પેક્સને પારદર્શક બનાવીને તેમની જવાબદારી સુનિશ્ચિત કરી રહી છે અને તેમને આધુનિક પણ બનાવી રહી છે જેથી સરકારી યોજનાઓને પેક્સ સાથે જોડી શકાય
'લઘુતમ સરકાર, મહત્તમ શાસન, છેવાડાનાં વિસ્તારો સુધી પહોંચાડવાની સાથે, પણ ભ્રષ્ટાચાર વિના' આ મંત્રને સાકાર કરવા માટે સીએસસીથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી
અત્યાર સુધીમાં સીએસસીમાં 17,176 પેક્સ રજિસ્ટર થયા છે, જેમાંથી 6,670 લોકોએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને આગામી 15 દિવસમાં બાકીના પેક્સ પણ કામ કરવાનું શરૂ કરી દેશે, તેનાથી લગભગ 14,000 ગ્રામીણ યુવાનોને રોજગાર મળશે
મોદી સરકારની સહકારી યોજનાઓ અને સતત સુધારા તળિયાના સ્તર સુધી પહોંચે છે, તો પછી સહકારી આંદોલનને મજબૂત થવાથી કોઈ રોકી શકશે નહીં
Posted On:
21 JUL 2023 4:18PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (પેક્સ) દ્વારા કોમન સર્વિસીસ સેન્ટર (સીએસસી) સેવાઓનો શુભારંભ કરવા પર નેશનલ મેગા કોન્ક્લેવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી બી. એલ. વર્મા, સહકાર મંત્રાલયના સચિવ શ્રી બી. એલ. વર્મા, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ શ્રી જ્ઞાનેશ કુમાર, શ્રી અલ્કેશકુમાર શર્મા અને સીએસસી-એસપીવીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય રાકેશ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, પેક્સ અને સીએસસીનાં સંકલન સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનાં બે ઠરાવો આજે પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ સીએસસી મારફતે વહીવટમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને ગરીબોનાં ઘરઆંગણે સુવિધાઓ પહોંચાડવા તથા સહકાર મંત્રાલયની રચના કરીને પીએસીએસથી સર્વોચ્ચ સુધીની સંપૂર્ણ સહકારી વ્યવસ્થાને મજબૂત કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે લીધેલા ઠરાવો આજે સંકલિત થયા છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ મહાન વિઝન સાથે સહકાર મંત્રાલયને માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જો સહકારી આંદોલનને મજબૂત બનાવવું હોય તો તેનું સૌથી નાનું એકમ પેક્સ મજબૂત કરવું પડશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પેક્સ મજબૂત નહીં થાય, ત્યાં સુધી સહકારી આંદોલનને મજબૂત નહીં બનાવી શકાય. તેથી, સરકારે પેક્સને પારદર્શક બનાવવા, તેમની જવાબદારી સુનિશ્ચિત કરવા અને તેમને આધુનિક બનાવવા માટે કમ્પ્યુટરાઇઝ કરવાનો નિર્ણય લીધો છે જેથી સરકારની ડિજિટાઇઝ્ડ યોજનાઓને પેક્સ સાથે સંકલિત કરી શકાય. શ્રી શાહે જણાવ્યું હતું કે, સહકાર મંત્રાલયની રચનાનાં 20 દિવસની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેક્સનાં કમ્પ્યુટરાઇઝેશન માટે રૂ. 2,500 કરોડની જોગવાઈ કરી હતી, જેનાં કારણે 65,000 પેક્સનું કમ્પ્યુટરકરણ થયું છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું હતું કે, 'લઘુતમ સરકાર, મહત્તમ શાસન, છેવાડાનાં વિસ્તારો સુધી પહોંચાડવાની સાથે પણ ભ્રષ્ટાચાર વિના'ની ફોર્મ્યુલાનો અમલ કરવા માટે સીએસસીથી મોટું કોઈ માધ્યમ ન હોઈ શકે. તેમણે માહિતી આપી હતી કે, ભારત સરકાર અને રાજ્ય સરકારોની 300થી વધારે નાનાં લાભાર્થીયોજનાઓને સીએસસી સાથે સંકલિત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ગામડાંઓમાં ગરીબમાં ગરીબ વ્યક્તિને, જમીન વિહોણા ખેતમજૂરો અને દલિત તથા આદિજાતિ સમુદાયોને સીએસસી સેવાઓ પ્રદાન કરવા માટે પીએસીએસથી શ્રેષ્ઠ માધ્યમ અન્ય કોઈ હોઈ શકે નહીં. આજે PACS અને CSC એક થઈ રહ્યા છે, તેનાથી ગરીબોની સુવિધાઓ તો વધશે જ, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ નવી ઊર્જા મળશે, મજબૂતી મળશે. આ સાથે જ અમે દેશના વિકાસ માટે પણ વધુમાં વધુ ક્ષમતાનો ઉપયોગ કરી શકીશું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સીએસસીમાં 17,176 પેક્સ નોંધાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, બે મહિનાનાં ટૂંકા ગાળામાં 17,000થી વધારે પેક્સનાં બોર્ડ પર આવવું એ બહુ મોટી સિદ્ધિ છે. શ્રી શાહે સહકાર મંત્રાલયના સચિવ અને મંત્રાલયની સંપૂર્ણ ટીમને આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 17,176 પેક્સમાંથી આશરે 6,670 પેક્સએ કામગીરી શરૂ કરી દીધી છે અને બાકીનાં પીએસીએસ પણ આગામી 15 દિવસમાં કામ કરવાનું શરૂ કરી દેશે. તેનાથી લગભગ 14 હજાર ગ્રામીણ યુવાઓને રોજગાર મળશે અને આ યુવાનો ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ગામડાઓમાં સુવિધાઓને મજબૂત કરવા માટે પણ કામ કરશે. તેમણે કહ્યું હતું કે, આપણાં દેશની 60-65 ટકા વસતિ ગામડાંઓમાં વસે છે અને એટલે આપણે "સહકાર સે સમૃદ્ધિ"નાં મંત્ર સાથે ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાનો અને વિવિધતા લાવવાનો પ્રયાસ કરવો પડશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષ દરમિયાન ભારત સરકારે કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના 60 કરોડ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનું રાશન, મકાન, વીજળી, પાણી, રાંધણ ગેસ, શૌચાલયો અને સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરી છે. હવે 17 હજારથી વધુ PACS પણ આ તમામ સુવિધાઓ માટે રજિસ્ટ્રેશન આપવાનું અને ગ્રામીણ લોકોની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન-ધન ખાતું, આધાર કાર્ડ અને મોબાઇલ પ્રદાન કરવાની સાથે-સાથે ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ ગામડાઓ અને ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પાથરવાનું પણ બહુ મોટું કાર્ય કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 9 વર્ષમાં દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં 250 ટકાનો વધારો થયો છે અને પ્રતિ જીબી ડેટાની કિંમતમાં 96 ટકાનો ઘટાડો થયો છે, જેનાથી ગરીબ અને વંચિત લોકો આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન કરીને સરકારે પીએસીએસને બહુહેતુક બનાવ્યું છે અને તેમને એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન) તરીકે કામ કરવાની સત્તા પણ આપી છે. આ સાથે બીજ ઉત્પાદન, જૈવિક ખેતીનું માર્કેટિંગ અને ખેડૂતોના ઉત્પાદનની નિકાસ માટે ત્રણ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના પણ શરૂ થઈ ગઈ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આગામી 5 વર્ષમાં નાનાં પેક્સ દેશનાં 30 ટકા અનાજનો સંગ્રહ કરશે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હવે PACS એલપીજી, ડિઝલ અને પેટ્રોલનાં વિતરણનું કામ શરૂ કરી શકે છે. તેઓ વાજબી ભાવની દુકાન, જન ઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર અને ખાતરની દુકાન પણ ખોલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યો મારફતે પેક્સ ગામની આર્થિક પ્રવૃત્તિઓનો આત્મા બનશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, જો PACS સમૃદ્ધ બનશે તો ખેડૂત સમૃદ્ધ બનશે, કારણ કે તેનો નફો સીધો જ ખેડૂતનાં ખાતામાં જમા થાય છે. તેમણે કહ્યું કે સરકારે સહકારી ક્ષેત્રમાં અનેક કાનૂની અને વહીવટી સુધારા કર્યા છે અને બહુઆયામી રીતે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારની સહકારી યોજનાઓ અને સતત સુધારાઓ પાયાના સ્તરે પહોંચે છે, પછી સહકારી આંદોલનને મજબૂત થતાં કોઈ અટકાવી નહીં શકે. શ્રી શાહે લોકોને અપીલ કરી હતી કે, તેઓ પેક્સને મજબૂત કરવા પ્રતિજ્ઞા લે અને 'પેક્સને મજબૂત કરીને ગામની સમૃદ્ધિ'ના મંત્રને અપનાવીને તેને આગળ ધપાવે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે તાજેતરમાં એક નવી પહેલ કરી સહારા ગ્રૂપની સહકારી મંડળીઓમાં ફસાયેલા થાપણદારોના નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમણે કહ્યું કે સહકાર મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સહારા જૂથની સહકારી મંડળીઓના અસલી થાપણદારોને કાયદેસરની બાકી નીકળતી રકમની ચુકવણી માટે "સહારા-સેબી રિફંડ એકાઉન્ટ"માંથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ)ને રૂ. 5000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ નિર્દેશને અનુસરીને 18 જુલાઈ, 2023 ના રોજ 'સીઆરસીએસ-સહારા રિફંડ' પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. શ્રી અમિત શાહે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ પોર્ટલમાં નોંધણી કરાવી છે અને સાચા ખાતેદારોને નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, જો સરકાર સક્રિયપણે કામ કરે તો અતિ જટિલ સમસ્યાઓનું પણ સમાધાન થઈ શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
YP/GP/JD
(Release ID: 1941455)
Visitor Counter : 199