સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાએ જિનીવાની પાર્ટનરશિપ ફોર મેટર્નલ, ન્યૂબૉર્ન, ચાઇલ્ડ હેલ્થ (PMNCH) સંસ્થા સાથે જોડાણમાં કિશોરો અને યુવા પેઢીનાં આરોગ્ય અને સર્વાંગી સુખાકારી પર આયોજિત જી20 કો-બ્રાન્ડેડ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

કોઈપણ દેશની વૃદ્ધિની ક્ષમતા અને સંભવિતતા એની યુવા પેઢીની વસતિ અને ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છેઃ ડૉ. માંડવિયા
“ભારતની જી20ની અધ્યક્ષતા એ સુનિશ્ચિત કરવામાં હરણફાળ ભરશે કે વિશ્વનાં 1.8 અબજ યુવાન લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય છે અને તેમને અધિકારો મળે છે, તેમના અભિપ્રાયો ધ્યાનમાં લેવાય છે તથા તેઓ તેમના મહત્તમ વિકાસ માટે સંસાધનો અને જરૂરી તકોની સુલભતા ધરાવે છે”

“માનનીય પ્રધાનમંત્રીનું વિઝન છે કે, ભારતની જી20ની અધ્યક્ષતા સર્વસમાવેશક, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષી હશે, તેને સાકાર કરવામાં યુવા પેઢી ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે”

યુવા પેઢીની સર્વાંગી સુખાકારીમાં રોકાણ કરવું એ નૈતિક જવાબદારી હોવાની સાથે એક વ્યૂહાત્મક નિર્ણય પણ છે, જે આપણાં દેશની સફળતા અને સમૃદ્ધિને નિર્ધારિત કરશેઃ ડૉ. ભારતી પ્રવીણ પવાર
મહાનુભાવો અને પ્રતિનિધિઓએ જી20ની ભારતની અધ્યક્ષતા દરમિયાન ગ્લોબલ સાઉથમાં ભારતનાં નેતૃત્વની પ્રશંસા કરી

Posted On: 20 JUN 2023 3:39PM by PIB Ahmedabad

કોઈપણ દેશની વૃદ્ધિ માટેની ક્ષમતા અને સંભવિતતા એની યુવા વસતિની સંખ્યા અને ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છે. જ્યારે યુવા પેઢીને વિકસવા માટે જરૂરી જ્ઞાન અને તકો પ્રદાન કરવામાં આવે છે, ત્યારે તેઓ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્રેરકબળ બની શકે છે. આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે પાર્ટનરશિપ ફોર મેટર્નલ, ન્યૂબૉર્ન, ચાઇલ્ડ હેલ્થ (PMNCH – માતૃત્વ, નવજાત, બાળકના સ્વાસ્થ્ય માટે ભાગીદારી) સાથે જોડાણમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત જી20 કો-બ્રાન્ડેડ કાર્યક્રમ હેલ્થ ઓફ યૂથ – વેલ્થ ઓફ નેશન કાર્યક્રમમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન કરી હતી. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનો ઉદ્દેશ દુનિયાભરના 1.8 અબજ કિશોરો અને યુવાનોનાં આરોગ્ય અને સર્વાંગી સુખાકારીની જરૂરિયાતોને વ્યક્ત કરવાનો તથા જી20ના સભ્ય દેશો દ્વારા કિશોરો અને યુવા પેઢીના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવા અને રોકાણ કરવા પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવાર, દક્ષિણ આફ્રિકાના નાયબ આરોગ્ય મંત્રી શ્રી સિબોન્જિસેની ઘલોમો, PMNCH બોર્ડના અધ્યક્ષ સુશ્રી હેલેન ક્લાર્ક, સંયુક્ત રાષ્ટ્ર (UN)ના નિવાસી સંયોજક (ભારત) શ્રી શોમ્બી શાર્પ, UNFPA હેડક્વાર્ટરના ટેકનિકલ ડિવિઝનના ડિરેક્ટર ડૉ. જુલિટ્ટા ઓનબેન્જો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002MYEJ.jpg

આ સંમેલનને સંબોધન કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારતની જી20ની અધ્યક્ષતા એ સુનિશ્ચિત કરવા હરણફાળ ભરશે કે દુનિયાનાં 1.8 અબજ યુવાન લોકોની જરૂરિયાતો અને અધિકારો પર ધ્યાન આપવામાં આવે છે, તેમના અભિપ્રાયોને ધ્યાનમાં લેવાયા છે તથા તેઓ તેમના મહત્તમ વિકાસ માટે સંસાધનો અને જરૂરી તકોની સુલભતા ધરાવે છે.તેમણે એવું પણ કહ્યું હતું કે, અમારા પ્રધાનમંત્રીનું વિઝન છે કે, ભારતની જી20ની અધ્યક્ષતા સર્વસમાવેશક, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને કાર્યલક્ષીહોય, જે ભારત અને દુનિયા માટે તકોનું સર્જન કરે અને આશાનું કિરણ બને. તેમના વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા દેશની યુવા પેઢી ભજવી શકે છે.

તેમણે ભારત સરકારની યુવા પેઢીનાં સશક્તિકરણ પ્રત્યેની કટિબદ્ધતા પર પ્રકાશ પાડીને કહ્યું હતું કે, આ કો-બ્રાન્ડેડ કાર્યક્રમ હેલ્થ ઓફ યૂથ - વેલ્થ ઓફ નેશનની થીમ સાથે કિશોરો અને યુવાન લોકોનાં આરોગ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે કિશોરો અને યુવાન લોકોની માનવીય મૂડીમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં ભારત સરકારનાં નેતૃત્વ પર ભાર મૂકે છે. અમે આગામી પેઢીના વિકાસને પ્રોત્સાહન આપવાથી લઈને મજબૂત, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્રો અને જીવંત સમાજોનું નિર્માણ કરવા જી20ના અન્ય સભ્ય દેશોને પ્રેરિત કરવા ઇચ્છીએ છીએ.તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની પોતાની આકાંક્ષા સાથે આગેકૂચ કરવા સક્ષમ તેમજ દુનિયાની યુવા વસતિનો આશરે ચોથો ભાગ ધરાવતા દેશ તરીકે ભારત માટે આ વસતિજન્ય લાભ મેળવવો આવશ્યક છે તથા આ માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને યુવા પેઢીના સ્વાસ્થ્યમાં રોકાણ કરવું જરૂરી છે.

ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીનાં નેતૃત્વ અંતર્ગત ભારતે સતત એવી નીતિઓ અને કાર્યક્રમો બનાવ્યાં છે, જે યુવા પેઢીને અનુકૂળ છે તેમજ તેમની આરોગ્યલક્ષી અને વિકાસલક્ષી જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેમણે કહ્યું હતું કે, એક કટિબદ્ધ રાષ્ટ્રીય ટેલી-માનસિક આરોગ્યલક્ષી કાર્યક્રમ ટેલી-માનસ સુનિશ્ચિત કરે છે કે, આપણા દેશની યુવા પેઢીની માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવે, તેને સ્વીકાર કરવામાં આવે તથા નિષ્ણાતો અને વ્યવસાયિકોની ટીમ દ્વારા કોઈપણ પ્રકારનાં ખર્ચ વિના તેનું સમાધાન થાય.તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, એક વિસ્તૃત સામાજિક આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ પ્રધાનમંત્રીએ શરૂ કર્યો છે, જે શાળાના વિદ્યાર્થીઓને આરોગ્ય અને સુખાકારીના સંદેશવાહકો તરીકે વિકસાવવાની, તેમની શાળાઓની અંદર અને તેમનાં સમુદાયોમાં રોલ મોડલ બનાવવાની કલ્પના કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0039CPQ.jpg

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કિશોરોને અનુકૂળ હેલ્થકેરના ચાવીરૂપ ક્ષેત્રો પર ચર્ચાવિચારણા કરવા મહાનુભાવોને પ્રોત્સાહન આપ્યું હતું, જેમાં માનસિક સ્વાસ્થ્યમાં ટેકો અને સાથસહકાર, પોષણ સંવર્ધક કાર્યક્રમો, જાતિય અને પ્રજોત્પાદન સાથે સંબંધિત હેલ્થકેરની વિસ્તૃત બાબતો સામેલ છે. તેમણે કહ્યું હતું કે, આપણે અર્થસભર ભાગીદારીની કદર કરવી જોઈએ અને આ માટે વિવિધ તકો ઊભી કરવો જોઈએ, જેથી યુવા પેઢીના જીવનને અસર કરે એવી બાબતો અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેઓ સામેલ થાય.તેમણે ઉમેર્યું હતું કે, વળી કિશોરો અલગ-અલગ દેશોમાં જુદી જુદી મુશ્કેલીઓ અનુભવે છે, જેનું સમાધાન કરવા આપણે વિવિધ અસરકારક મોડલ વહેંચીને, નીતિઓને સુસંગત કરીને તથા પોતાના કિશોરોની આરોગ્યલક્ષી અને સુખાકારીની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મર્યાદિત ક્ષમતા ધરાવતા દેશોને ટેકો આપવા સંસાધનો ઊભા કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સાથસહકાર અને જોડાણને વધારવું જોઈએ.

દુનિયામાં સૌથી વધારે યુવા વસતિ ધરાવતાં દેશોમાં ભારત સામેલ છે, જ્યાં 378 મિલિયન કિશોરો અને યુવાનો છે તેમજ દેશની 65 ટકા વસતીની વય 35 વર્ષથી ઓછી છે એ વાત પર પ્રકાશ પાડતા ડૉ. ભારતી પ્રવીણ પવારે કહ્યું હતું કે, અમારી સરકાર દ્રઢપણે પરિવર્તનની તાકાતમાં અને આપણી યુવા પેઢીની પ્રચૂર સંભવિતતામાં વિશ્વાસ ધરાવે છે. અમારી યુવા પેઢીની ઊર્જા, વિચારો અને દ્રઢતા અમારા મહાન દેશનાં ભવિષ્યને દિશા આપવામાં ચાવીરૂપ છે.તેમણે ઉમેર્યુ હતું કે, યુવા પેઢીનાં સર્વાંગી સ્વાસ્થ્યમાં રોકાણ કરવું એ નૈતિક જવાબદારી હોવાની સાથે વ્યૂહાત્મક નિર્ણય પણ છે, જે આપણા દેશની સફળતા અને સમૃદ્ધિને નિર્ધારિત કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004G0BF.jpg

PMNCH બોર્ડના અધ્યક્ષ સુશ્રી હેલેન ક્લાર્કે જણાવ્યું હતું કે, હાલ યુવાનો અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે, જેનું સર્જન થવા માટે તેઓ પોતે જવાબદાર નથી. તેમણે કહ્યું હતું કે, જ્યારે 15થી 19 વર્ષની વય ધરાવતી ઘણી કિશોરીઓ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામે છે, ત્યારે સમગ્ર દુનિયામાં અનેક લોકો માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યાં છે. વર્તમાન યુવા પેઢીના પડકારોનું સમાધાન કરવા દુનિયાનાં દેશોને અપીલ કરીને તેમણે ઉમેર્યું હતું કે, આ માટે કામ કરવાની તાતી જરૂર છે અને અત્યારે યુદ્ધના ધોરણે કામ કરવાનો ઉચિત સમય છે.

દક્ષિણ આફ્રિકાના નાયબ આરોગ્ય મંત્રી શ્રી સિબોન્જિસેની ધલોમોએ જી20ની અધ્યક્ષતા માટે ભારત સરકારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભારતની અધ્યક્ષતા અંતર્ગત જી20ની પ્રાથમિકતાઓ સારી રીતે આકાર લઈ રહી છે. તેમણે યુવા પેઢીના પડકારો પર તથા આ પડકારોનું સમાધાન કરવા તેમજ યુવા પેઢીના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે તેમની સરકારે કરેલા પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આફ્રિકામાં મોટા ભાગની વસતિ યુવાનોની છે અને એટલે આ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે, તેમને યોગ્ય સાધનો, માહિતી, શિક્ષણ અને ભવિષ્યમાં જવાબદાર હિતધારકો બનવાની તક મળે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દુનિયાનાં વિવિધ દેશોને તેમનાં પોતાનાં દેશોમાં કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સંપૂર્ણ સ્વાસ્થ્યને સુધારવા સક્ષમ બનાવતી નીતિઓ અને કાર્યક્રમો લાંબા ગાળે તેમના સામાજિક ક્ષેત્ર અને વસતિની સ્થિતિમાં સુધારો કરશે, જેથી તેઓ વર્તમાન અને ભવિષ્યમાં સકારત્મક પ્રેરકબળ બની શકશે.

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રહેવાસી સંયોજક (ભારત) શ્રી શોમ્બી શાર્પે ભાર મૂક્યો હતો કે, યુવા પેઢી, બહુધ્રુવીયતા, જી20 અને ગ્લોબલ સાઉથના લીડર તરીકે ભારતની શક્તિ યુવા પેઢી માટે અનેક તકો અને સંભવિતતાઓ ઊભી કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમણે ભારત સરકારને કિશોરાવસ્થામાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ નીતિઓ પ્રસ્તુત કરવાનો શ્રેય આપ્યો હતો, પણ સાથે સાથે એ પણ જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશોમાંથી આંતરરાષ્ટ્રીય SDG લક્ષ્યાંકો (સતત વિકાસ લક્ષ્યાંકો)ને સાકાર કરવા વધારે કામગીરી કરવાની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, ભારત સતત વિકાસ લક્ષ્યાંકોને આંતરરાષ્ટ્રીય સ્તરે વાસ્તવિક બનાવી શકે છે. સાથ હૈ તો સંભવ હૈ.

UNFPA હેડક્વાર્ટરના ટેકનિકલ ડિવિઝનના ડાયરેક્ટર ડો. જુલિટ્ટા ઓનબેન્જોએ કહ્યું હતું કે, યુવા પેઢીની ક્ષમતાને ઓળખવી અને તેનો ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે, જે યુવાન લોકોને સકારાત્મક પરિવર્તનના એજન્ટો બનવાની અને કિશોરાવસ્થામાં તેમના સરળ પ્રવેશની સુવિધા આપે છે. તેમણે ભારત સરકારને તેની ઉત્કૃષ્ટ જી20 ઉપસ્થિતિ પર અભિનંદન પણ આપ્યાં હતાં તથા ભારતની અધ્યક્ષતા હેઠળ જી20ની અસરકારક થીમ 'એક પૃથ્વી, એક પરિવાર, એકસમાન ભવિષ્ય'ની પ્રશંસા કરી હતી.

ઇરાકમાંથી ઉપસ્થિત યુવા પ્રતિનિધિ સુશ્રી તુકા અલબકરીએ જાણકારી આપી હતી કે, યુવાનો અને યુવા પેઢી દુનિયામાં પરિવર્તનનો પવન ફૂંકે છે, કારણ કે તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીની પેઢી છે, સક્રિય પેઢી છે, રચનાત્મકતા ધરાવતી અને ઊર્જાવંત પેઢી છે. તેમણે આ યુવાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવા માટે ભારત સરકારનો આભાર માન્યો હતો તથા નીતિનિર્માતાઓને યુવા પેઢીના ઉત્સાહને ટેકો આપવા અને તેમને સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકવા માટે જવાબદારી લેવા સક્ષમ બનાવવા સાથસહકાર આપવાની અપીલ કરી હતી.

અન્ય મહાનુભાવો સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પુખ્તાવયમાં સર્વાંગી સ્વાસ્થ્ય પર બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ) પેપર્સનાં સંકલનનું લોકાર્પણ કર્યું હતું – તેમાં કિશોરાવસ્થામાં સ્વાસ્થ્ય અને એકથી વધારે ક્ષેત્રોની ભાગીદારીને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય મંત્રાલય દ્વારા યુવા પેઢીનું આરોગ્ય – દેશની સંપત્તિ પર કેન્દ્રિત પેપરની સાથે વિશેષણાત્મક લેખોની શ્રેણી સામેલ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00546DG.jpg

આ પ્રસંગે આરોગ્ય મંત્રાલયમાંથી સંયુક્ત સચિવ શ્રી અશોક બાબુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, ગેટ્સ ફાઉન્ડેશન, UNFPA, USAID, WHO, UNICEF જેવી ભાગીદાર સંસ્થાઓમાંથી અધિકારીઓ તથા જી20ના સભ્ય દેશોમાંથી યુવા પેઢીના આઇકોન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1933700) Visitor Counter : 224