પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસનાં 350માં વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કર્યું
“રાષ્ટ્રીય કલ્યાણ અને જનકલ્યાણ એ બંને છત્રપતિ શિવાજી મહારાજના સુશાસનનાં મૂળભૂત તત્વો છે”
“શિવાજી મહારાજે ભારતની એકતા અને અખંડિતતાને જાળવવા હંમેશા સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું હતું”
“છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનમાં જોઈ શકાય છે”
“શિવાજી મહારાજ ગુલામીની માનસિકતાનો અંત લાવીને રાષ્ટ્રનિર્માણ માટે લોકોને પ્રેરિત કરે છે”
“છત્રપતિ શિવાજી મહારાજ તેમની દીર્ઘદ્રષ્ટિને કારણે ઇતિહાસનાં અન્ય નાયકોથી સંપૂર્ણપણે અલગ છે”
“ભારતીય નૌકાદળનો ધ્વજ બ્રિટિશ શાસનની ઓળખ ધરાવતો હતો, જેને શિવાજી મહારાજનાં શાસનનાં પ્રતીક સાથે બદલવામાં આવ્યો છે”
“છત્રપતિ શિવાજી મહારાજની સાહસિકતા, વિચારસરણી અને ન્યાયની વ્યવસ્થાએ ઘણી પેઢીઓને પ્રેરિત કરી છે”
“આ સફર છત્રપતિ શિવાજી મહારાજનાં સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવાની સફર હશે. આ સફર સ્વરાજની, સુશાસનની અને આત્મનિર્ભરતાની હશે. આ વિકસિત ભારતની સફર હશે”
Posted On:
02 JUN 2023 11:11AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્રપતિ શિવાજી મહારાજનાં રાજ્યાભિષેકના 350માં વર્ષ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આઝાદી કા અમૃત મહોત્સવમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષિકનો દિવસ દરેક માટે નવી ચેતના અને નવી ઊર્જા લઈને આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ત્રણસો પચાસ વર્ષ અગાઉના ઐતિહાસિક સમયગાળાનું એક વિશેષ પ્રકરણ છે તથા અત્યારે દરેક વ્યક્તિ માટે સ્વશાસન, સુશાસન અને સમૃદ્ધિ માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, “રાષ્ટ્રીય કલ્યાણ અને જનકલ્યાણ એ શિવાજી મહારાજની વહીવટી વ્યવસ્થાનાં મૂળભૂત કે પાયારૂપ તત્વો છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે, એક ભવ્ય કાર્યક્રમ રાયગઢના કિલ્લાના પ્રાંગણમાં યોજાયો છે, જે સ્વરાજ્યની પ્રથમ રાજધાની છે અને આ દિવસની સંપૂર્ણ મહારાષ્ટ્રમાં એક તહેવારની જેમ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આ પ્રકારના કાર્યક્રમો મહારાષ્ટ્રમાં આખું વર્ષ યોજાશે. તેમણે આ કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે મહારાષ્ટ્રની રાજ્ય સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ત્રણસો પચાસ વર્ષ અગાઉ થયો હતો, ત્યારે તેમાં સ્વરાજ્ય અને રાષ્ટ્રવાદનો જુસ્સો સામેલ હતો. તેમણે કહ્યું હતું કે, શિવાજી મહારાજે ભારતની એકતા અને અંખડિતતાને જાળવવાની બાબતને હંમેશા સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનમાં જોઈ શકાશે.
નેતાઓની નાગરિકોને પ્રેરિત કરવાની અને તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખવાની જવાબદારી પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજના સમયગાળામાં આત્મવિશ્વાસના સ્તરની કલ્પના કરી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સેંકડો વર્ષોની ગુલામી અને આક્રમણકારો દ્વારા શોષણની સાથે ગરીબીએ સમાજને નબળો કર્યો હોવાનાં કારણે નાગરિકોનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ડગી ગયો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણાં સાંસ્કૃતિક કેન્દ્રો પર હુમલો કરીને લોકોનું નૈતિક મનોબળ તોડી નાંખવામાં આવ્યું હતું.” તેમણે ધ્યાન દોર્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ આક્રમણખોરો સામે જ લડ્યાં નહોતાં, પરંતુ સાથે સાથે તેમણે જનતામાં એ વિશ્વાસ પણ સ્થાપિત કર્યો હતો કે, સ્વરાજ્ય સંભવ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “શિવાજી મહારાજે ગુલામીની માનસિકતાનો અંત લાવીને રાષ્ટ્રનિર્માણ માટે અનેક લોકોને પ્રેરિત કર્યા છે.”
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ઇતિહાસમાં અનેક શાસકો છે, જેઓ સેનામાં તેમના પ્રભુત્વને કારણે પ્રસિદ્ધ છે, પરંતુ તેમની વહીવટીક્ષમતા નબળી હતી અને એ જ રીતે ઘણાં શાસકો તેમની ઉત્કૃષ્ટ વહીવટીક્ષમતાને માટે જાણીતા છે, પરંતુ તેમની સૈન્યનું નેતૃત્વ કરવાની ક્ષમતા નબળી હતી. તેમણે કહ્યું હતું કે, જોકે છત્રપતિ શિવાજી મહારાજનું વ્યક્તિત્વ ઉત્કૃષ્ટ હતું, કારણ કે તેમણે ‘સ્વરાજ’ની સાથે ‘સુરાજ’ની સ્થાપના કરી હતી. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, જ્યારે શિવાજી મહારાજે નાની વયે કિલ્લાઓ જીતીને અને દુશ્મનોને હરાવીને તેમની અંદર રહેલા સેનાપતિના ગુણોનું ઉદાહરણ આપ્યું હતું, ત્યારે બીજી તરફ એક રાજા તરીકે તેમણે જાહેર વહીવટમાં સુધારાઓનો અમલ કરીને સુશાસનની રીત પણ દર્શાવી હતી. પ્રધાનમંત્રીએ શિવાજીના શાસનના જનકલ્યાણના ગુણ પર ભાર મૂકીને વધુમાં સમજાવ્યું હતું કે, જ્યારે એક તરફ તેમણે તેમના રાજ્ય અને સંસ્કૃતિનું આક્રમણખોરો સામે રક્ષણ કર્યું હતું, ત્યારે બીજી તરફ તેમણે રાષ્ટ્રનિર્માણનું સંપૂર્ણ વિઝન રજૂ કર્યું હતું, જેનાથી લોકોને આત્મસન્માન સાથે જીવન જીવવાની ખાતરી મળી હતી. પ્રધાનમંત્રીએ તેમની વાત આગળ વધારીને ઉમેર્યું હતું કે, આ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ, ધર્મ, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસા પર આક્રમણ કરવાનો પ્રયાસ કરતાં લોકોને કડક અને દ્રઢ સંદેશ પણ આપ્યો હતો, જેનાથી લોકો વચ્ચે વિશ્વાસ વધ્યો હતો અને આત્મનિર્ભરતાનો જુસ્સો પ્રસર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, એના પરિણામે દેશ માટે સન્માનની ભાવના વધી હતી. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ખેડૂત કલ્યાણની વાત હોય, મહિલા સશક્તિકરણની વાત હોય કે સામાન્ય નાગરિક સુધી શાસનને સુલભ બનાવવાની વાત હોય – શિવાજીની વહીવટી વ્યવસ્થા અને તેમની નીતિઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, છત્રપતિ શિવાજી મહારાજનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં એક યા બીજી રીતે આજે પણ આપણને અસર કરે છે. તેમણે જાણકારી આપી હતી કે, ભારતની દરિયાઈ ક્ષમતાઓની સંભવિતતાને સમજીને નૌકાદળનું વિસ્તરણ કરવાની શિવાજીની વહીવટી કુશળતાઓ આજે પણ દરેક માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, તેમણે નિર્માણ કરેલા કિલ્લાં સદીઓની ભરતી અને ઓટનો સામનો કરીને આજે પણ દરિયાની વચોવચ ગર્વ સાથે ઊભા છે. પ્રધાનમંત્રીએ શિવાજીના રાજ્યના વિસ્તરણના મુદ્દે પણ વાત કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, તેમણે દરિયાકિનારાઓથી લઈને પર્વતો પર કિલ્લાઓનું નિર્માણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એ સમયગાળા દરમિયાન જળ વ્યવસ્થાપન સાથે સંબંધિત તેમની વ્યવસ્થાઓ નિષ્ણાતોને આજે પણ ચકિત કરે છે. શિવાજી મહારાજમાંથી પ્રેરણા મેળવવા પર પ્રધાનમંત્રીએ ભાર મૂકીને જણાવ્યું હતું કે, ભારતે ગયા વર્ષે ગુલામીની નિશાનીમાંથી નૌકાદળને મુક્ત કર્યું હતું અને બ્રિટિશ શાસનની ઓળખ ધરાવતો ભારતીય નૌકાદળના ધ્વજને શિવાજી મહારાજનાં નૌકાદળના ચિહ્ન સાથે બદલવામાં આવ્યો છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “અત્યારે આ ધ્વજ દરિયાઓ અને આકાશમાં નવા ભારતના ગર્વનું પ્રતીક છે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “છત્રપતિ શિવાજી મહારાજની સાહસિકતા, વિચારસરણી અને ન્યાયની વ્યવસ્થાએ અનેક પેઢીઓને પ્રેરિત કરી છે. તેમની સાહસિક કામગીરી, વ્યૂહાત્મક કુશળતાઓ અને શાંતિપૂર્ણ રાજકીય વ્યવસ્થા આજે પણ આપણા માટે પ્રેરકરૂપ છે.” પ્રધાનમંત્રીએ સંબોધનને અંતે ગર્વ સાથે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજની નીતિઓની ચર્ચા દુનિયાના ઘણાં દેશોમાં થાય છે, જ્યાં આ નીતિઓ પર સંશોધનો થઈ રહ્યાં છે. શ્રી મોદીએ એક મહિના અગાઉ મોરેશિયસમાં સ્થાપિત થયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ મૂલ્યોના આધારે અમૃતકાળનાં 25 વર્ષોની સફર પૂર્ણ થવી જોઈએ એ બાબત પર ભાર મૂકીને કહ્યું હતું કે, “આઝાદી કા અમૃત કાળમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષકનું 350મું વર્ષ પૂર્ણ થવું એક પ્રેરક પ્રસંગ છે. આટલાં વર્ષો પછી પણ તેમણે સ્થાપિત કરેલાં મૂલ્યો આપણને આગળનો માર્ગ ચીંધે છે.” પ્રધાનમંત્રીએ સંબોધન પૂર્ણ કરતાં કહ્યું હતું કે, “આ સફર છત્રપતિ શિવાજી મહારાજના સ્વપ્નોનાં ભારતનું નિર્માણ કરવાની બની રહેશે. આ સફર સ્વરાજની, સુશાસનની અને આત્મનિર્ભરતની હશે. આ સફર વિકસિત ભારતની સફર હશે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1929322)
Visitor Counter : 264
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam