પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘મન કી બાત’ (101મો હપ્તો) પ્રસારણ તારીખ :28.05.2023
Posted On:
28 MAY 2023 11:41AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં ફરી એક વાર, આપ સહુનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ વખતે ‘મન કી બાત’નો આ હપ્તો બીજી સદીનો પ્રારંભ છે. ગત મહિને આપણે બધાંએ તેની વિશેષ સદીની ઉજવણી કરી હતી. તમારી ભાગીદારી જ આ કાર્યક્રમની સૌથી મોટી શક્તિ છે. ૧૦૦મા હપ્તાના પ્રસારણના સમયે, એક રીતે, સમગ્ર દેશ એક સૂત્રમાં બંધાઈ ગયો હતો. આપણાં સફાઈ કર્મચારી ભાઈ-બહેન હોય કે પછી અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજો, ‘મન કી બાત’એ બધાંને એક સાથે લાવવાનું કામ કર્યું છે. તમે બધાંએ જે આત્મીયતા અને સ્નેહ ‘મન કી બાત’ માટે દર્શાવ્યો છે, તે અભૂતપૂર્વ છે, ભાવુક કરી દેનારો છે. જ્યારે ‘મન કી બાત’નું પ્રસારણ થયું તો તે સમયે દુનિયાના અલગ-અલગ દેશોમાં, અલગ-અલગ ટાઇમ-ઝૉનમાં ક્યાંક સાંજ પડી રહી હતી તો ક્યાંક મોડી રાત હતી, તેમ છતાં, મોટી સંખ્યામાં લોકોએ ૧૦૦મા હપ્તાને સાંભળવા માટે સમય કાઢ્યો. મેં હજારો કિમી દૂર ન્યૂઝીલન્ડનો તે વિડિયો પણ જોયો જેમાં ૧૦૦ વર્ષનાં એક બા પોતાના આશીર્વાદ આપી રહ્યાં છે. ‘મન કી બાત’ સંદર્ભે દેશ-વિદેશના લોકોએ પોતાના વિચારો રાખ્યા છે. ઘણા બધા લોકોએ Constructive Analysis પણ કર્યું છે. લોકોએ એ વાતની પ્રશંસા કરી કે ‘મન કી બાત’માં દેશ અને દેશવાસીઓની ઉપલબ્ધિઓની જ ચર્ચા થાય છે. હું ફરી એક વાર આપ સહુને આ આશીર્વાદ માટે પૂરા આદર સાથે ધન્યવાદ આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસોમાં, આપણે ‘મન કી બાત’માં કાશી-તમિલ સંગમમની વાત કરી, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમની વાત કરી.
કેટલાક સમય પહેલાં જ વારાણસીમાં કાશી-તેલુગુ સંગમમ્ પણ થયો. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારો આવો જ એક અનોખો પ્રયાસ દેશમાં થયો છે. આ પ્રયાસ છે, યુવા સંગમનો. મેં વિચાર્યું, આ વિશે વિસ્તારથી શા માટે એ લોકોને જ ન પૂછવામાં આવે જે આ અનોખા પ્રયાસના હિસ્સા રહ્યા છે. આ માટે, અત્યારે મારી સાથે ફૉન પર બે યુવાનો જોડાયેલા છે- એક છે અરુણાચલ પ્રદેશના ગ્યામર ન્યોકુમજી અને બીજી દીકરી છે બિહારની દીકરી- વિશાખાસિંહજી. આવો પહેલા આપણે ગ્યામર ન્યોકુમજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી: ગ્યામરજી, નમસ્તે.
ગ્યામરજી: નમસ્તે મોદીજી.
પ્રધાનમંત્રીજી: અચ્છા, ગ્યામરજી, જરા સૌથી પહેલાં તો હું તમારા વિશે જાણવા માગું છું.
ગ્યામરજી: મોદીજી, સૌથી પહેલા તો હું તમારો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે ખૂબ જ કિંમતી સમય કાઢીને મારી સાથે વાત કરવાની મને તક આપી છે. હું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી, અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વર્ષમાં મિકેનિકલ ઍન્જિનિયરિંગમાં ભણી રહ્યો છું.
પ્રધાનમંત્રીજી: અને પરિવારમાં શું કરે છે, પિતાજી વગેરે?
ગ્યામરજી: જી, મારા પિતાજી નાનામોટા ધંધા અને પછી થોડી ખેતી કરે છે.
પ્રધાનમંત્રીજી: યુવા સંગમ વિશે તમને કેવી રીતે ખબર પડી, યુવા સંગમમાં કયા ગયા , કેવી રીતે ગયા, શું થયું?
ગ્યામરજી: મોદીજી, મને યુવા સંગમ વિશે અમારી જે સંસ્થા છે- જે NIT છે તેણે અમને કહ્યું હતું કે તમે તેમાં ભાગ લઈ શકો છો. તો મેં પછી થોડું ઇન્ટરનેટમાં શોધ્યું, પછી મને ખબર પડી કે આ ખૂબ જ સારો કાર્યક્રમ છે જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન છે તેમાં પણ ખૂબ જ યોગદાન આપી શકાય છે. અને મને કંઈક નવી ચીજ જાણવાની તક મળશે, તો તરત મેં પછી તે વેબસાઈટમાં જઈને નોંધણી કરાવી. મારો અનુભવ ખૂબ જ મજાનો રહ્યો, ખૂબ જ સારો રહ્યો.
પ્રધાનમંત્રીજી: કોઈ પસંદગી તમારે કરવાની હતી?
ગ્યામરજી: મોદીજી, જ્યારે વેબસાઇટ ખોલી હતી તો અરુણાચલના લોકો માટે બે વિકલ્પો હતા. પહેલો હતો આંધ્ર પ્રદેશ જેમાં આઈઆઈટી તિરુપતિ હતી અને બીજો હતો સેન્ટ્રલ યુનિવર્સિટી રાજસ્થાન. તો મેં રાજસ્થાનને પહેલા વિકલ્પ તરીકે પસંદ કર્યું હતું. બીજો વિકલ્પ મેં આઈઆઈટી તિરુપતિને રાખ્યો હતો. તો મારી પસંદગી રાજસ્થાન માટે થઈ હતી. તો હું રાજસ્થાન ગયો હતો.
પ્રધાનમંત્રીજી: કેવી રહી તમારી રાજસ્થાન યાત્રા? તમે પહેલી વાર રાજસ્થાન ગયા હતા?
ગ્યામરજી: હા, હું પહેલી વાર અરુણાચલ બહાર ગયો હતો. મેં તો રાજસ્થાનના કિલ્લા એ બધું મેં બસ ફિલ્મ અને ફૉનમાં જ જોયું હતું ને, તો મેં જ્યારે, હું પહેલી વાર ગયો તો મારો અનુભવ ખૂબ જ, ત્યાંના લોકો ખૂબ જ સારા હતા અને અમારી જે સરભરા કરી, ખૂબ જ સારી હતી. અમને નવી-નવી ચીજો શીખવા મળી. મને રાજસ્થાનનાં મોટાં તળાવો અને ત્યાંના લોકો જેમ કે વરસાદના પાણીનું એકત્રીકરણ…ખૂબ જ નવી-નવી ચીજો શીખવા મળી જે મને સાવ ખબર જ નહોતી. તો આ કાર્યક્રમ મને ખૂબ જ સારો લાગ્યો, રાજસ્થાનની મુલાકાત.
પ્રધાનમંત્રીજી: જુઓ, તમને તો સૌથી મોટો ફાયદો એ થયો છે કે અરુણાચલ પણ વીરોની ભૂમિ છે, રાજસ્થાન પણ વીરોની ભૂમિ છે અને રાજસ્થાનમાં સેનામાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો છે, અને અરુણાચલમાં સીમા પર જે સૈનિકો છે તેમાં જ્યારે પણ રાજસ્થાનના લોકો મળે તો તમે જરૂર તેમની સાથે વાત કરજો, કે જુઓ, હું રાજસ્થાન ગયો હતો, તો આવો અનુભવ રહ્યો, તમારી નિકટતા, એકદમ વધી જશે. અચ્છા, તમને ત્યાં કોઈ સમાનતા પણ ધ્યાનમાં આવી હશે. તમને લાગ્યું હશે કે હા, યાર, અરુણાચલમાં પણ આવું જ છે.
ગ્યામરજી: મોદીજી, મને જે એક સમાનતા મને મળી ને, તે હતી
કે જે દેશપ્રેમ છે ને, અને જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન અને જે feeling મને દેખાયાં, કારણકે અરુણાચલમાં પણ લોકો પોતાને ખૂબ જ ગર્વિત અનુભવે છે કે તેઓ ભારતીય છે અને રાજસ્થાનમાં પણ લોકો પોતાની માતૃભૂમિ માટે ખૂબ જ ગર્વ અનુભવે છે. એ ચીજ મને ખૂબ જ વધુ નજરે પડી અને ખાસ કરીને જે યુવા પેઢી છે ને, કારણકે મેં ત્યાં ઘણા બધા યુવાનો સાથે વાતચીત કરી ને તો એ ચીજ જે મને બહુ જ સામ્યતા ધરાવતી દેખાઈ. તેઓ ઈચ્છે છે કે ભારત માટે કંઈક કરવું અને પોતાના દેશ માટે પ્રેમ છે તે ચીજ બંને રાજ્યોમાં ખૂબ જ સરખી નજરે પડી.
પ્રધાનમંત્રીજી: તો ત્યાં જે મિત્રો મળ્યા તેમની સાથે પરિચય વધાર્યો કે આવીને ભૂલી ગયા?
ગ્યામરજી: ના, અમે વધાર્યો, પરિચય કર્યો.
પ્રધાનમંત્રીજી: હા…! તો તમે સૉશિયલ મિડિયામાં ઍક્ટિવ છો?
ગ્યામરજી: જી મોદીજી, હું ઍક્ટિવ છું.
પ્રધાનમંત્રીજી: તો, તમારે બ્લૉગ લખવો જોઈએ. તમારો આ યુવા સંગમનો અનુભવ કેવો રહ્યો, તમે તેમાં કેવી રીતે નોંધણી કરાવી, રાજસ્થાનમાં અનુભવ કેવો રહ્યો જેથી દેશભરના યુવાનોને ખબર પડે કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું મહાત્મ્ય શું છે, આ યોજના શું છે? તેનો ફાયદો યુવકો કેવી રીતે લઈ શકે છે? તમારો પૂરો અનુભવનો બ્લૉગ લખવો જોઈએ, તો ઘણા બધા લોકોને વાંચવાના કામમાં આવશે.
ગ્યામરજી: જી, હું જરૂર કરીશ.
પ્રધાનમંત્રીજી: ગ્યામરજી, ખૂબ સારું લાગ્યું, તમારી સાથે વાત કરીને અને તમે બધા યુવાનો દેશ માટે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે, કારણકે આ ૨૫ વર્ષ અત્યંત મહત્ત્વપૂર્ણ છે- તમારા જીવનનાં પણ અને દેશના જીવનનાં પણ. તો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ધન્યવાદ.
ગ્યામરજી: ધન્યવાદ મોદીજી, આપને પણ.
પ્રધાનમંત્રીજી: નમસ્કાર ભાઈ.
સાથીઓ, અરુણાચલના લોકો એટલી આત્મીયતાથી ભરપૂર હોય છે કે તેમની સાથે વાત કરીને, મને ખૂબ જ આનંદ આવે છે. યુવા સંગમમાં ગ્યામરજીનો અનુભવ તો સારો રહ્યો. આવો, હવે બિહારની દીકરી વિશાખાસિંહજી સાથે વાત કરીએ.
પ્રધાનમંત્રીજી: વિશાખાજી, નમસ્કાર.
વિશાખાજી: સર્વ પ્રથમ તો ભારતના માનનીય પ્રધાનમંત્રીજીને મારા પ્રણામ અને મારી સાથે બધા delegates તરફથી તમને ખૂબ-ખૂબ પ્રણામ.
પ્રધાનમંત્રીજી: અચ્છા, વિશાખાજી, પહેલાં તમારા વિશે જણાવો. પછી મારે યુવા સંગમના વિષયમાં પણ જાણવું છે.
વિશાખાજી: હું બિહારના સાસારામ નામના શહેરની નિવાસી છું અને મને યુવા સંગમ વિશે મારી કૉલેજના વૉટ્સઍપ ગ્રૂપના મેસેજ દ્વારા ખબર પડી હતી સૌથી પહેલા. તો, તે પછી મેં તપાસ કરી તેના વિશે અને ડિટેઇલ્સ કાઢી કે આ શું છે? તો મને ખબર પડી કે આ પ્રધાનમંત્રીજીની એક યોજના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ હેઠળ યુવા સંગમ છે. તો તે પછી મેં ઍપ્લાય કર્યું અને જ્યારે મેં ઍપ્લાય કર્યું તો હું ઍક્સાઇટેડ હતી તેમાં જોડાવા માટે, પરંતુ જ્યારે હું ત્યાં ફરીને તમિલનાડુ જઈને પાછી આવી, તો ત્યાં મને જે લાભ મળ્યો તે પછી મને હવે ખૂબ જ વધુ ગર્વ અનુભવ થાય છે that I have been the part of this programme, તો મને ખૂબ જ વધુ ખુશી છે તે કાર્યક્રમમાં ભાગ લેવાની અને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું આપનો કે આપે અમારા જેવા યુવાનો માટે આટલો સારો કાર્યક્રમ બનાવ્યો જેનાથી આપણે ભારતના વિભિન્ન ભાગની સંસ્કૃતિને અપનાવી શકીએ છીએ.
પ્રધાનમંત્રીજી: વિશાખાજી, તમે શું ભણો છો?
વિશાખાજી: હું કમ્પ્યૂટર સાયન્સ ઍન્જિનિયરિંગની બીજા વર્ષની વિદ્યાર્થિની છું.
પ્રધાનમંત્રીજી: અચ્છા વિશાખાજી, તમેં કયા રાજ્યમાં જવું છે, ક્યાં જોડાવું છે તે નિર્ણય કેવી રીતે કર્યો?
વિશાખાજી: જ્યારે મેં આ યુવા સંગમ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું ગૂગલ પર, ત્યારે મને ખબર પડી ગઈ હતી કે બિહારના delegatesને તમિલનાડુના delegates સાથે ઍક્સ્ચૅન્જ કરવામાં આવે છે. તમિલનાડુ સંસ્કૃતિની રીતે ઘણું સમૃદ્ધ રાજ્ય છે આપણા દેશનું, તો તે સમયે પણ જ્યારે મેં એ જાણ્યું, એ જોયું કે બિહારના લોકોને તમિલનાડુ મોકલવામાં આવી રહ્યા છે, તો તેણે પણ મને વધુ મદદ કરી એ નિર્ણય લેવામાં કે મારે ફૉર્મ ફિલ કરવું જોઈએ, ત્યાં જવું જોઈએ કે નહીં અને હું સાચે જ આજે ખૂબ જ વધુ ગૌરવાન્વિત અનુભવી રહી છું કે મેં તેમાં ભાગ લીધો અને મને ખૂબ જ આનંદ છે.
પ્રધાનમંત્રીજી: તમારે પહેલી વાર જવાનું થયું તમિલનાડુ?
વિશાખાજી: જી, હું પહેલી વાર ગઈ હતી.
પ્રધાનમંત્રીજી: અચ્છા, કોઈ ખાસ યાદગાર ચીજ, જો તમે કહેવા ઈચ્છતા હો, તો શું કહેશો? દેશના યુવાનો સાંભળી રહ્યા છે તમને.
વિશાખાજી: જી, પૂરી યાત્રા જ મારા માટે ખૂબ જ સારી રહી. એક-એક પડાવ પર અમે ઘણી બધી ચીજો શીખી છે. મેં તમિલનાડુ જઈને સારા મિત્રો બનાવ્યા છે. ત્યાંની સંસ્કૃતિને અપનાવી છે. ત્યાંના લોકોને હું મળી. પરંતુ સૌથી વધુ સારી ચીજ જે મને લાગી ત્યાં તે પહેલી ચીજ એ હતી કે કોઈને પણ તક નથી મળી ઈસરોમાં જવાની અને અમે પ્રતિનિધિઓ હતાં તો અમને એ તક મળી હતી કે અમે ઈસરોમાં જઈએ. પ્લસ, બીજી વાત સૌથી સારી હતી તે જ્યારે અમે રાજભવન ગયાં અને અમે તમિલનાડુના રાજ્યપાલજીને મળ્યાં. તે બે ક્ષણ જે હતી તે મારા માટે ઘણી સારી હતી અને મને એવું લાગ્યું કે જે ઍજમાં અમે છીએ ઍઝ અ યૂથ, અમને એ તક ન મળી શકત જે યુવા સંગમ દ્વારા મળી છે. તો આ ઘણી સારી અને સૌથી યાદગાર ક્ષણો હતી મારા માટે.
પ્રધાનમંત્રીજી: બિહારમાં જમવાની રીત અલગ છે, તમિલનાડુમાં જમવાની રીત અલગ છે.
વિશાખાજી: જી.
પ્રધાનમંત્રીજી: તો તે સેટ થઈ ગઈ હતી પૂરી રીતે?
વિશાખાજી: ત્યાં જ્યારે અમે લોકો ગયા હતા તો South Indian Cuisine છે ત્યાં તમિલનાડુમાં. તો જેવા અમે લોકો ગયાં તો અમારા જવાની સાથે અમને ડોસા, ઇડલી, સાંભર, ઉત્તપમ, વડા, ઉપમા આ બધું પીરસવામાં આવ્યું હતું. તો પહેલા અમે જ્યારે ટ્રાય કર્યું તો that was too good! ત્યાંનું ખાણું જે છે તે બહુ જ હૅલ્ધી છે ઍક્ચ્યુઅલી ખૂબ જ, ટેસ્ટમાં પણ ખૂબ જ સારું છે અને અમારા નૉર્થના ભોજન કરતાં ખૂબ જ અલગ છે તો મને ત્યાં જમવાનું પણ બહુ સારું લાગ્યું અને ત્યાંના લોકો પણ બહુ સારા લાગ્યા.
પ્રધાનમંત્રીજી: તો હવે તો દોસ્ત પણ બની ગયા હશે ને તમિલનાડુમાં?
વિશાખાજી: જી. જી ત્યાં અમે રોકાયાં હતાં NIT Trichy માં, તે પછી IIT Madrasમાં તો તે બંને જગ્યાના સ્ટુડન્ટ્સ સાથે તો મારી દોસ્તી થઈ ગઈ છે. પ્લસ વચમાં એક CIIની Welcome Ceremony હતી તો ત્યાં, ત્યાંની આસપાસની કૉલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા. તો ત્યાં અમે તે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી અને મને ખૂબ જ સારું લાગ્યું તે લોકો સાથે મળીને. ઘણા લોકો તો મારા મિત્રો પણ છે. અને કેટલાક Delegates પણ મળ્યાં હતાં, જે તમિલનાડુના Delegates બિહાર આવી રહ્યાં હતાં, તો અમારી વાતચીત તેમની સાથે થઈ હતી અને અમે અત્યારે પણ અરસપરસ વાત કરીએ છીએ તો મને ઘણું સારું લાગે છે.
પ્રધાનમંત્રીજી: તો વિશાખાજી, તમે એક બ્લૉગ લખો અને સૉશિયલ મિડિયા પર, આ તમારો આખો અનુભવ, એક તો આ યુવા સંગમનો, પછી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો અને પછી તમિલનાડુમાં જે આત્મીયતા મળી, જે તમારો સ્વાગત-સત્કાર થયો. તમિલ લોકોનો જે પ્રેમ મળ્યો, તે બધી ચીજો દેશને જણાવો તમે. તો તમે લખશો?
વિશાખાજી: જી, જરૂર.
પ્રધાનમંત્રીજી: તો મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને ખૂબ-ખૂબ ધન્યવાદ.
વિશાખાજી: જી, thank you so much. નમસ્કાર.
ગ્યામર અને વિશાખા, તમને મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. યુવા સંગમમાં તમે જે શીખ્યું છે તે જીવનપર્યંત તમારી સાથે રહે. આ જ મારી તમારા બધાં પ્રત્યે શુભકામના છે.
સાથીઓ, ભારતની શક્તિ તેની વિવિધતામાં છે. આપણા દેશમાં જોવા માટે ઘણું બધું છે. તેને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે ‘યુવા સંગમ’ નામથી એક શ્રેષ્ઠ પહેલ કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય people to people connect વધારવાની સાથે જ દેશના યુવાનોને પરસ્પર હળવામળવાની તક આપવાનો છે. વિભિન્ન રાજ્યોની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેની સાથે જોડવામાં આવી છે. ‘યુવા સંગમ’માં યુવાનો બીજાં રાજ્યોનાં શહેરો અને ગામડાંઓમાં જાય છે. ‘યુવાસંગમ’ના પહેલા રાઉન્ડમાં લગભગ ૧,૨૦૦ યુવાનો દેશનાં ૨૨ રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. જે પણ યુવાનો તેનો હિસ્સો બન્યા છે, તેઓ પોતાની સાથે એવી સ્મૃતિ લઈને પાછા ફર્યા છે જે જીવનભર તેમના હૃદયમાં વસેલી રહેશે. આપણે જોયું છે કે અનેક મોટી કંપનીના CEO, બિઝનેસ લીડર્સે ‘બૅગ પૅકર્સ’ની જેમ ભારતમાં સમય વિતાવ્યો છે. હું જ્યારે બીજા દેશના લીડરોને મળું છું તો ઘણી વાર તેઓ પણ કહે છે કે તેઓ પોતાની યુવાવસ્થામાં ભારત ફરવા આવ્યા હતા. આપણા ભારતમાં એટલું બધું જાણવા અને જોવા માટે છે કે તમારી ઉત્સુકતા દર વખતે વધતી જ જશે. મને આશા છે કે આ રોમાંચક અનુભવોને જાણીને તમે પણ દેશના અલગ-અલગ હિસ્સાઓની યાત્રા માટે જરૂર પ્રેરાશો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસ પહેલાં જ હું જાપાનના હિરોશિમામાં હતો. ત્યાં મને ‘હિરોશિમા પીસ મેમોરિયલ મ્યૂઝિયમ’માં જવાનો અવસર મળ્યો. આ એક ભાવુક કરી દેનારો અનુભવ હતો. જ્યારે આપણે ઇતિહાસની સ્મૃતિઓને સાચવીને રાખીએ છીએ તો તે આવનારી પેઢીઓની બહુ જ મદદ કરે છે. ઘણી વાર મ્યૂઝિયમમાં આપણને નવા પાઠ મળે છે તો અનેક વાર આપણને ઘણું બધું શીખવા મળે છે. કેટલાક દિવસો પહેલાં જ ભારતમાં International Museum Expo નું પણ આયોજન કરાયું હતું. તેમાં દુનિયાના 1200 થી વધુ મ્યૂઝિયમની વિશેષતાઓને દર્શાવવામાં આવી હતી. આપણે ત્યાં ભારતમાં અલગ-અલગ પ્રકારનાં આવાં અનેક મ્યૂઝિયમ છે જે આપણા અતીત સાથે જોડાયેલાં અનેક પાસાંને પ્રદર્શિત કરે છે, જેમ કે ગુરુગ્રામમાં એક અનોખું સંગ્રહાલય છે- Museo Camera તેમાં 1860 પછીના આઠ હજારથી વધુ કેમેરાનો સંગ્રહ રહેલો છે. તમિલનાડુના Museum of possibilities ને આપણા દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને, ડિઝાઇન કરવામાં આવ્યું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પણ આવું જ એક મ્યૂઝિયમ છે જેમાં 70 હજારથી વધુ ચીજો સંરક્ષિત કરવામાં આવી છે. વર્ષ 2010 માં સ્થાપિત, Indian Memory Project એક રીતે online museum છે. તે દુનિયાભરમાંથી મોકલાયેલી તસવીરો અને વાર્તાઓના માધ્યમથી ભારતના ગૌરવશાળી ઇતિહાસની કડીઓને જોડવામાં લાગેલું છે. વિભાજનની વિભિષિકા સાથે જોડાયેલી સ્મૃતિઓને પણ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિતેલાં વર્ષોમાં આપણે ભારતમાં નવા-નવા પ્રકારના મ્યૂઝિયમ અને મેમોરિયલ બનતાં જોયાં છે. સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસી ભાઈ-બહેનોના યોગદાનને સમર્પિત 10 નવાં મ્યૂઝિયમ બનાવવામાં આવી રહ્યાં છે. કોલકાતાના વિક્ટૉરિયા મેમોરિયલમાં બિપ્લોબી ભારત ગેલેરી હોય કે પછી જલિયાવાલાં બાગ મેમોરિયલનો પુનરોદ્ધાર, દેશના બધા પૂર્વ પ્રધાનમંત્રીઓને સમર્પિત PM Museum પણ આજે દિલ્હીની શોભા વધારી રહ્યું છે. દિલ્હીમાં જ National War Memorial અને Police Memorialમાં દર રોજ અનેકો લોકો શહીદોને નમન કરવા આવે છે. ઐતિહાસિક દાંડી યાત્રાને સમર્પિત દાંડી મેમોરિયલ હોય કે પછી Statue Of Unity Museum. ચાલો, મારે અહીં જ અટકી જવું પડશે કારણકે દેશભરમાં મ્યૂઝિયમની સૂચિ ઘણી લાંબી છે અને પહેલી વાર દેશમાં બધાં મ્યૂઝિયમ વિશે જરૂરી જાણકારીઓને સંકલિત પણ કરવામાં આવી છે. મ્યૂઝિયમ કયા થીમ પર આધારિત છે, ત્યાં કયા પ્રકારની વસ્તુઓ રાખી છે, ત્યાંની સંપર્કની વિગતો શું છે- આ બધું એક ઑનલાઇન ડિરેક્ટરીમાં સમાવાયું છે. મારો તમને અનુરોધ છે કે તમે જ્યારે પણ તક મળે, પોતાના દેશનાં આ MUSEUMSને જોવા જરૂર જજો. તમે ત્યાંની આકર્ષક તસવીરોને # (હેશટેગ) Museum Memories પર શૅર કરવાનું પણ ન ભૂલતા. તેનાથી પોતાની વૈભવશાળી સંસ્કૃતિની સાથે આપણા ભારતીયોનું જોડાણ વધુ મજબૂત થશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધાએ એક કહેવત અનેક વાર સાંભળી હશે- વારંવાર સાંભળી હશે. ‘બિન પાની સબ સૂન’. પાણી વગર જીવન પર સંકટ તો રહે જ છે, વ્યક્તિ અને દેશનો વિકાસ પણ ઠપ થઈ જાય છે. ભવિષ્યના આ પડકારને જોઈને આજે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપણાં અમૃત સરોવરો, એટલા માટે વિશેષ છે કારણકે, તે સ્વતંત્રતાના અમૃત કાળમાં બની રહ્યાં છે અને તેમાં લોકોનો અમૃત પ્રયાસ લાગેલો છે. તમને જાણીને સારું લાગશે કે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. તે જળ સંરક્ષણની દિશામાં ઘણું મોટું પગલું છે.
સાથીઓ, આપણે દરેક ઉનાળામાં આ જ રીતે, પાણી સાથે જોડાયેલા પડકારો વિશે વાત કરતા રહીએ છીએ. આ વખતે પણ આપણે આ વિષયને લઈશું પરંતુ આ વખતે ચર્ચા કરીશું જળ સંરક્ષણ સાથે જોડાયેલાં સ્ટાર્ટ અપ્સની. એક સ્ટાર્ટ અપ છે- FluxGen. તે સ્ટાર્ટ અપ IOT enabled ટેક્નિક દ્વારા વૉટર મેનેજમેન્ટનો વિકલ્પ આપે છે. તે ટૅક્નૉલૉજી પાણીના વપરાશની પૅટર્ન જણાવશે અને પાણીના અસરકારક વપરાશમાં મદદ કરશે. એક બીજું સ્ટાર્ટ અપ છે- LivNSense. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર આધારિત પ્લેટફૉર્મ છે. તેની મદદથી પાણી વિતરણની અસરકારક દેખરેખ કરી શકાશે. તેનાથી એ પણ ખબર પડશે કે ક્યાં કેટલું પાણી વેડફાઈ રહ્યું છે. એક બીજું સ્ટાર્ટ અપ છે ‘કુંભી કાગઝ’. આ કુંભી કાગઝ એક એવો વિષય છે, મને પાકો વિશ્વાસ છે કે તમને પણ ખૂબ જ ગમશે. ‘કુંભી કાગઝ’ સ્ટાર્ટ અપે પોતાનું એક વિશેષ કામ શરૂ કર્યું છે. તે જળકુંભીથી કાગળ બનાવવાનું કામ કરી રહ્યું છે, અર્થાત્, જે જળકુંભી ક્યારેક જળસ્રોતો માટે એક સમસ્યા સમજવામાં આવતી હતી તે હવે કાગળ બનાવવા લાગી છે.
સાથીઓ, અનેક યુવાનો જો ઇનૉવેશન અને ટૅક્નૉલૉજી પર કામ કરી રહ્યા છે તો અનેક યુવાનો એવા પણ જે સમાજને જાગૃત કરવાના મિશનમાં પણ લાગેલાં છે, જેમ કે છત્તીસગઢના બાલોદ જિલ્લાના યુવાનો. ત્યાંના યુવાનોએ પાણી બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને જળ સંરક્ષણ માટે જાગૃત કરે છે. ત્યાં લગ્ન જેવા કોઈ પ્રસંગનું આયોજન થાય છે તો યુવાનોનું આ ગ્રૂપ ત્યાં જઈને પાણીના દુરુપયોગને કેવી રીતે રોકી શકાય તેની જાણકારી આપે છે. પાણીના સદુપયોગ સાથે જોડાયેલો એક પ્રેરક પ્રયાસ ઝારખંડના ખૂંટી જિલ્લામાં પણ થઈ રહ્યો છે. ખૂંટીમાં લોકોએ પાણીના સંકટમાંથી ઉગરવા માટે બોરી બાંધનો રસ્તો કાઢ્યો છે. બોરી બાંધનું પાણી એકઠું થવાના કારણે ત્યાં શાક-ભાજીઓ પણ ઉત્પન્ન થવા લાગી છે. તેનાથી લોકોની આવક પણ વધી રહી છે અને વિસ્તારની જરૂરિયાતો પણ પૂરી થઈ રહી છે. જનભાગીદારીનો કોઈ પણ પ્રયાસ કેવી રીતે અનેક પરિવર્તનને સાથે લઈને આવે છે તેનું ખૂંટી એક આકર્ષક ઉદાહરણ બની ગયું છે. હું ત્યાંના લોકોના આ પ્રયાસને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ૧૯૬૫ના યુદ્ધના સમયે, આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. પછી અટલજીએ તેમાં જય વિજ્ઞાન પણ જોડ્યું હતું. કેટલાંક વર્ષ પહેલાં દેશના વૈજ્ઞાનિકો સાથે વાત કરતાં મેં જય અનુસંધાનની વાત કરી હતી. ‘મન કી બાત’માં આજે વાત એક એવા વ્યક્તિની, એક એવી સંસ્થાની, જે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન, આ ચારેયનું પ્રતિબિંબ છે. આ સજ્જન છે, મહારાષ્ટ્રના શ્રીમાન શિવાજી શામરાવ ડોલેજી. શિવાજી ડોલે નાસિક જિલ્લાના એક નાનકડા ગામમાં રહે છે. તેઓ ગરીબ આદિવાસી ખેડૂત પરિવારમાંથી આવે છે અને એક પૂર્વ સૈનિક પણ છે. સેનામાં રહીને તેમણે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું. નિવૃત્ત થયા પછી તેમણે કંઈક નવું શીખવાનો નિર્ણય કર્યો અને Agricultureમાં ડિપ્લૉમા કર્યો, અર્થાત્, તેઓ જય જવાનથી જય કિસાન તરફ આગળ વધ્યા. હવે દરેક પળે તેમનો પ્રયાસ હોય છે કે કૃષિ ક્ષેત્રમાં કેવી રીતે વધુમાં વધુ યોગદાન આપી શકાય. પોતાના આ અભિયાનમાં શિવાજી ડોલેજીએ 20 લોકોની એક નાનકડી ટીમ બનાવી અને કેટલાક પૂર્વ સૈનિકોને પણ તેમાં જોડ્યા. તે પછી તેમની આ ટીમે ‘વેંકટેશ્વર કૉ-ઑપરેટિવ પાવર ઍન્ડ એગ્રો પ્રૉસેસિંગ લિમિટેડ’ નામની એક સહકારી સંસ્થાનું પ્રબંધન પોતાના હાથમાં લઈ લીધું. આ સહકારી સંસ્થા નિષ્ક્રિય હતી, જેને પુનર્જીવિત કરવાનું બીડું તેમણે ઝડપ્યું. જોતજોતામાં આજે વેંકટેશ્વર કૉ-ઑપરેટિવનો વિસ્તાર અનેક જિલ્લામાં થઈ ગયો છે. આજે આ ટીમ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કામ કરી રહી છે. તેમાં લગભગ ૧૮ હજાર લોકો જોડાયેલા છે, જેમાં મોટી સંખ્યામાં આપણા પૂર્વ સૈનિકો પણ છે. નાસિકના માલેગાંવમાં આ ટીમના સભ્ય 500 એકરથી વધુ જમીનમાં ‘ઍગ્રો ફાર્મિંગ’ કરી રહ્યા છે. આ ટીમ જળ સંરક્ષણ માટે પણ અનેક તળાવો બનાવવામાં પણ લાગેલી છે. ખાસ વાત એ છે કે તેમણે ઑર્ગેનિક ફાર્મિંગ અને ડૅરી પણ શરૂ કરી છે. હવે તેમની ઉગાડેલી દ્રાક્ષને યુરોપમાં નિકાસ કરવામાં આવે છે. આ ટીમની જે બે મોટી વિશેષતાઓએ મારું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે જય વિજ્ઞાન અને જય અનુસંધાન. તેના સભ્યો ટૅક્નૉલૉજી અને ‘મૉડર્ન ઍગ્રો પ્રેક્ટિસ’નો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે. બીજી વિશેષતા એ છે કે તેઓ નિકાસ માટે જરૂરી અનેક પ્રકારનાં સર્ટિફિકેશન પર પણ ધ્યાન આપી રહ્યા છે. ‘સહકારથી સમૃદ્ધિ’ની ભાવના સાથે કામ કરી રહેલી આ ટીમની હું પ્રશંસા કરું છું. આ પ્રયાસથી મોટી સંખ્યામાં લોકોનું સશક્તિકરણ તો થયું જ છે, પરંતુ આજીવિકાનાં અનેક સાધન પણ બન્યાં છે. મને આશા છે કે આ પ્રયાસ ‘મન કી બાત’ના પ્રત્યેક શ્રોતાને પ્રેરિત કરશે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ૨૮ મેએ, મહાન સ્વતંત્રતા સેનાની, વીર સાવરકરજીની જયંતી છે. તેમના ત્યાગ, સાહસ અને સંકલ્પ શક્તિ સાથે જોડાયેલી ગાથાઓ આજે પણ આપણને સહુને પ્રેરે છે. હું તે દિવસ નથી ભૂલી શકતો જ્યારે હું અંડમાનમાં, એ કોટડીમાં ગયો હતો જ્યાં વીર સાવરકરે કાળા પાણીની સજા ભોગવી હતી. વીર સાવરકરનું વ્યક્તિત્વ દૃઢતા અને વિશાળતાયુક્ત હતું. તેમના નિર્ભિક અને સ્વાભિમાની સ્વભાવને ગુલામીની માનસિકતા જરા પણ પસંદ નહોતી આવતી. સ્વતંત્રતા આંદોલન જ નહીં, સામાજિક સમાનતા અને સામાજિક ન્યાય માટે પણ વીર સાવરકરે જેટલું કર્યું તેને આજે પણ યાદ કરવામાં આવે છે.
સાથીઓ, કેટલાક દિવસ પછી ચાર જૂને સંત કબીરદાસજીની પણ જયંતી છે. કબીરદાસજીએ જે માર્ગ આપણને દેખાડ્યો છે તે આજે પણ એટલો જ પ્રાસંગિક છે. કબીરદાસજી કહેતા હતા,
“कबीरा कुआँ एक है, पानी भरे अनेक |
बर्तन में ही भेद है, पानी सब में एक ||”
અર્થાત્, કુવા પર ભલે ભિન્ન-ભિન્ન પ્રકારના લોકો પાણી ભરવા આવે, પરંતુ કુવો કોઈની વચ્ચે ભેદ નથી કરતો, પાણી તો બધાં વાસણમાં એક જ હોય છે. સંત કબીરે સમાજને વિભાજીત કરનારી દરેક કુપ્રથાનો વિરોધ કર્યો હતો. સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે, જ્યારે દેશ વિકસિત થવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, તો આપણે, સંત કબીરમાંથી પ્રેરણા લેતાં, સમાજને સશક્ત કરવાના પોતાના પ્રયાસ વધુ વધારવા જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી મહાન હસ્તી વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું જેમણે રાજનીતિ અને ફિલ્મ જગતમાં પોતાની અદ્ભુત પ્રતિભાના જોરે અમિટ છાપ છોડી. તે મહાન હસ્તીનું નામ છે એન. ટી. રામારાવ, જેમને આપણે બધાં NTRના નામથી પણ ઓળખીએ છીએ. આજે એન. ટી. આર.ની 100મી જયંતી છે. પોતાની બહુમુખી પ્રતિભાના જોરે તેઓ ન માત્ર તેલુગુ સિનેમાના મહાનાયક બન્યા, પરંતુ તેમણે કરોડો લોકોનાં મન પણ જીત્યાં. શું તમને ખબર છે કે તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું? તેમણે અનેક ઐતિહાસિક પાત્રોને પોતાના અભિનયના બળ પર ફરીથી જીવંત કરી દીધાં હતાં. ભગવાન કૃષ્ણ, રામ અને એવી કેટલીય અન્ય ભૂમિકાઓમાં એન. ટી. આર.નો અભિનય લોકોને એટલો પસંદ આવ્યો કે લોકો આજે પણ તેમને યાદ કરે છે. એન. ટી. આર.એ સિનેમા જગતની સાથોસાથ રાજનીતિમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમાં પણ તેમને લોકોનો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ મળ્યો. દેશ-દુનિયામાં લાખો લોકોનાં મન પર રાજ કરનારા એન. ટી. રામારાવજીને હું મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આ વખતે આટલું જ. આવતી વખતે કેટલાક નવા વિષયો સાથે આપની વચ્ચે આવીશ, ત્યાં સુધી
કેટલાક વિસ્તારોમાં ગરમી હજુ પણ વધી હશે. ક્યાંક-ક્યાંક વરસાદ પણ શરૂ થઈ જશે. તમારે ઋતુની દરેક પરિસ્થિતિમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે. 21 જૂને આપણે ‘વિશ્વ યોગ દિવસ’ પણ મનાવીશું. તેની પણ દેશ-વિદેશમાં તૈયારીઓ ચાલી રહી છે. તમે આ તૈયારીઓ વિશે પણ તમારા ‘મનની વાત’ મને લખતા રહેજો. કોઈ અન્ય વિષય પર બીજી કોઈ જાણકારી જો તમને મળે તો તે પણ મને જણાવજો. મારા પ્રયાસ વધુમાં વધુ સૂચનોને ‘મન કી બાત’માં લેવાના રહેશે. એક વાર ફરી તમારા સહુનો ખૂબ-ખૂબ ધન્યવાદ. હવે મળીશું- આગલા મહિને, ત્યાં સુધી મને વિદાય આપો. નમસ્કાર.
(Release ID: 1927835)
Visitor Counter : 336
Read this release in:
Punjabi
,
Telugu
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam