ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા

Posted On: 19 APR 2023 7:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આપણે 2047 સુધીમાં નશા મુક્ત ભારતનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે મળીને કામ કરીશું

નશા મુક્ત ભારત આવનારી પેઢીઓ અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આજે આપણે નશા સામેની લડાઈમાં એવા તબક્કે આવીને ઊભા છીએ જ્યાંથી, જો આપણે દૃઢ નિશ્ચય, સામૂહિક પ્રયાસો, ટીમ ઈન્ડિયા અને સમગ્ર સરકારના અભિગમ સાથે આગળ વધીએ તો ચોક્કસ જીત મળી શકે તેમ છે

ડ્રગ્સના વેપારીઓ જે પૈસા માટે દેશની યુવા પેઢીને બરબાદ કરવાની સાથે-સાથે દેશના અર્થતંત્ર અને નાર્કો ટેરરના માધ્યમથી દેશની સુરક્ષામાં છીંડા પાડવાનું કામ કરી રહ્યાં છે, તેમના વિરુદ્ધ આકરાંમાં આકરાં પગલાં લેવા જોઇએ
નશીલા દ્રવ્યોનો યોગ્ય પ્રક્રિયા દ્વારા નાશ કરવો જરૂરી છે, અન્યથા ભ્રષ્ટાચારના કારણે સડી જવાનો રોટેટ થવાનો ભય રહેશે, ડ્રગ્સનો નાશ કરવાના કાર્યક્રમો જાહેરમાં થવા જોઈએ, જેનાથી લોકોમાં જાગૃતિ વધશે

મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત આજે એવા તબક્કે છે કે, જ્યાં આપણે 130 કરોડ ભારતીયોના સંકલ્પ સાથે ડ્રગ્સ સામેની આ લડાઈ જીતી શકીએ છીએ

નાર્કોટિક્સ સામેની આ લડાઈ જો આપણે સુઆયોજિત રીતે સંકલન સાથે લડીશું તો જ આપણે આઝાદીની શતાબ્દી સુધીમાં નશામુક્ત ભારતનું નિર્માણ કરીને આપણી આવનારી પેઢીઓને સારું ભવિષ્ય આપી શકીશું

તમામ રાજ્યોએ નાર્કો સંબંધિત FSL અપગ્રેડેશન હાથ ધરવા માટે પણ કેન્દ્રીય ભંડોળનો ઉપયોગ કરવો જોઈએ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, ગૃહ મંત્રાલયે એક વ્યૂહરચના તૈયાર કરી છે જેમાં 3 મુદ્દા છે - સંસ્થાકીય માળખાનું મજબૂતીકરણ, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાન

મોદીજીની ટીમ ઈન્ડિયા અને સંપૂર્ણ સરકારના અભિગમને સાથે રાખીને આપણે નશા સામેની લડાઈ લડવાની અને જીતવાની છે

દરિયાકાંઠાના રાજ્યો/જિલ્લાઓએ સમુદ્રી માર્ગ દ્વારા થતી નશીલા પદાર્થોની દાણચોરીને રોકવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે તેમનું સંકલન વધુ મજબૂત બનાવવું જોઈએ

આ લડાઈ પક્ષ આધારિત રાજનીતિ અને રાજકીય વિચારધારાથી ઉપર ઊઠીને લડવાની છે, ઝીરો ટોલરન્સના અભિગમ સાથે તમામ રાજ્ય સરકારોએ નશા મુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આગળ વધવું જોઈએ

આપણે 'બોટમ ટુ ટોપ' અને 'ટોપ ટુ બોટમ'ના અભિગમ સાથે આગળ વધીને નશાના આખા નેટવર્કને તોડી પાડવું પડશે

ડ્રગ્સ સામેની લડાઈમાં અમારી પાસે 2 મહત્વપૂર્ણ શસ્ત્રો છે - PITNDPS અને સંપત્તિને ટાંચમાં લેવી, ડ્રગ્સનો ધંધો કરનારા સામે નિર્દયતાપૂર્વક આકરી કાર્યવાહી કરવામાં આવશે તો જ આ લડાઈને ગતિ મળશે

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હી ખાતે યોજવામાં આવેલી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. શ્રી અમિત શાહે NCBના વાર્ષિક અહેવાલ (સ્પેશિયલ એડિશન), 2022 અને નશામુક્ત ભારત – રાષ્ટ્રીય સંકલ્પ બુકનું વિમોચન પણ કર્યું હતું. શ્રી શાહે દેશમાં ગેરકાયદેસર થતી ખેતીને ઓળખવા અને તેનો નાશ કરવા માટે 'મેપ ડ્રગ્સ' નામની એક મોબાઈલ એપ અને વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. ગૃહમંત્રીએ NCB, ઈન્દોર પ્રાદેશિક એકમના કાર્યાલય પરિસરનું પણ ઑનલાઇન માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર, ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ અને NCBના મહાનિદેશક શ્રી એસ.એન. પ્રધાન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WL54.jpg

આ પરિષદમાં શ્રી અમિત શાહે આપેલા સંબોધન વખતે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, આપણે 2047 સુધીમાં નશા મુક્ત ભારતનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે મળીને કામ કરીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે, નશા મુક્ત ભારત આવનારી પેઢીઓ અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, આજે આપણે નશા સામેની લડાઈમાં એવા તબક્કે આવીને ઊભા છીએ જ્યાંથી, જો આપણે દૃઢ નિશ્ચય, સામૂહિક પ્રયાસો, ટીમ ઈન્ડિયા અને સમગ્ર સરકારના અભિગમ સાથે આગળ વધીએ તો ચોક્કસ જીત મળી શકે તેમ છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ખેતીની ઓળખ કરવા માટે આજે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, NCBનો વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે અને તેની સાથે સાથે ઈન્દોરની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ તમામ પગલાં નાર્કોટિક્સ સામેની આપણી લડાઈને વેગ આપનારા સાબિત થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આવનારી પેઢીઓ આપણા દેશના વિકાસનો પાયો છે અને નશીલા પદાર્થો આ પેઢીઓને પોકળ બનાવી દે છે અને જો દેશના વિકાસનો પાયો જ પોકળ હોય તો તેના પર મજબૂત દેશનું નિર્માણ ન થઈ શકે. તેમણે આગળ જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો દેશની યુવા પેઢીને બરબાદ કરવા ઉપરાંત દેશની અર્થવ્યવસ્થા પર પણ વિપરિત અસર કરે છે. નાર્કોટિક્સની દાણચોરી દેશના અર્થતંત્રને ખરાબ કરે છે તેમજ નાર્કો ટેરર ​​દ્વારા દેશની સરહદો અને તેની સુરક્ષામાં છીંડા પાડવાનું પણ કામ કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027CCM.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દુનિયાના અનેક દેશો નશીલા દ્રવ્યો સામેની લડાઈ હારી ગયા છે, પરંતુ આજે ભારત એવા મુકામ પર આવ્યું છે કે 130 કરોડની વસ્તી ધરાવતા દેશના દૃઢ સંકલ્પ સાથે આપણે આ લડાઈ જીતી શકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, આ લડાઈ હારવાના 3 કારણો હોઈ શકે છે- આ લડાઈ માત્ર સરકારની લડાઈ નથી, પરંતુ સમગ્ર જનતાની લડાઈ છે, આ કોઈ એક વિભાગની લડાઈ નથી, પરંતુ બધાએ સમાન તીવ્રતા અને અભિગમ સાથે મળીને લડવાની છે. અમારો ઉદ્દેશ સ્પષ્ટ હોવો જોઈએ કે જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરે છે તે પીડિત છે અને જે ડ્રગ્સનો વેપાર કરે છે તે ગુનેગાર છે અને આપણે તેમની સામે આકરાંમાં આકરાં પગલાં લેવા જોઈએ. શ્રી શાહે કહ્યું કે જો આપણે આ ત્રણ બાબતો પર કામ કરીશું તો ચોક્કસ વિજય પ્રાપ્ત થશે. તેમણે જણાવ્યું હતું કે, આના માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, ગૃહ મંત્રાલયે એક વ્યૂહરચના તૈયાર કરી છે જેમાં 3 મુદ્દા છે - સંસ્થાકીય માળખાનું મજબૂતીકરણ, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાન. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આપણે ટીમ ઈન્ડિયા અને સંપૂર્ણ સરકારના અભિગમને સાથે આગળ વધવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આ લડાઈ પક્ષ આધારિત રાજનીતિ અને રાજકીય વિચારધારાથી ઉપર ઊઠીને લડવાની છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ભલે કોઈપણ પક્ષની સરકાર હોય, ઝીરો ટોલરન્સના અભિગમ સાથે તમામ રાજ્ય સરકારોએ નશા મુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આગળ વધવું પડશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં નશા સામેની લડાઈના પરિણામો પ્રોત્સાહક રહ્યાં છે. શ્રી શાહે માહિતી આપી હતી કે, 2006-2013 દરમિયાન કુલ 1257 કેસ નોંધાયા હતા જે 2014-2022 વચ્ચે 181 ટકા વધીને 3544 થયા હતા. આ જ સમયગાળા દરમિયાન, ધરપકડની કુલ સંખ્યા 1363 હતી તેની સરખામણીમાં લગભગ 300 ટકા વધીને 5408 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 2006-2013 દરમિયાન, 1.52 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું જે 2014-2022 વચ્ચે બમણું વધીને 3.73 લાખ કિલો જપ્ત કરવામાં આવ્યું છે. 2006-2013 દરમિયાન 768 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જે 2014-2022 સુધીમાં 25 ગણાથી વધુ વધીને 22 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030YBW.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આપણે 'બોટમ ટુ ટોપ' અને 'ટોપ ટુ બોટમ'ના અભિગમ સાથે આગળ વધીને નશાના આખા નેટવર્કને તોડી પાડવું પડશે. તેમણે કહ્યું હતું કે, કેટલાક પસંદ કરેલા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કેસોને 'બોટમ ટુ ટોપ' અને 'ટોપ ટુ બોટમ' અભિગમ વિકસાવવા માટે NCBને આપવા જોઈએ જેથી કરીને તે કેસોની યોગ્ય રીતે તપાસ થઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે, એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સોલ્યુશન ઓરિએન્ટેડ થિંકિંગ (ઉકેલ આધારિત મંથન) છે. તેમણે જણાવ્યું હતું કે, નશા વિરોધી લડાઈમાં તમામ આયામો અને હિતધારકોને સાથે રાખીને આગળ વધવા માટે ભારત સરકારે એક સંયુક્ત સમન્વય સમિતિ પણ બનાવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, NCB દ્વારા બનાવવામાં આવેલા NCORD અને NIDAAN પોર્ટલનો ઉપયોગ તમામ રાજ્યો ભરપૂર કરવો જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં અમારી પાસે 2 મહત્વપૂર્ણ શસ્ત્રો છે - PITNDPS અને સંપત્તિને ટાંચમાં લેવી. તેમણે કહ્યું હતું કે, ડ્રગ્સનો ધંધો કરનારા સામે નિર્દયતાપૂર્વક આકરી કાર્યવાહી કરવામાં આવશે તો જ આ લડાઈને ગતિ મળશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, રાજ્યોએ  ડાર્ક નેટ અને ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને રોકવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરવું જોઈએ. તેની સાથે સાથે તમામ રાજ્યોએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જોડે મળીને બ્લૉક ચેઈન વિશ્લેષણ, મેપ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જો આપણે આ ટેકનોલોજીઓ માટે સારી રીતે કામ કરીએ છીએ, તો આપણે આ લડાઈમાં પોતાને 2 કદમ આગળ રાખી શકીશું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ડ્રગ્સનો નાશ યોગ્ય પ્રક્રિયા દ્વારા કરવામાં નહીં આવે સુધી ભ્રષ્ટાચારના કારણે તે રોટેટ થવાનો ભય રહેશે. તેમણે તમામ એજન્સીઓને જણાવ્યું હતું કે, ડ્રગ્સનો નાશ કરવાના કાર્યક્રમો જાહેરમાં યોજવા જોઈએ, જેથી સામાજિક ચેતના જગાડવામાં પણ આપણને તે મદદરૂપ થશે. શ્રી શાહે કહ્યું હતું કે, તમામ રાજ્યોએ NDPS અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા માટે રાજ્યની ઉચ્ચ અદાલતો સાથે સંપર્ક કરવો જોઈએ, જેથી કેસોનો ઝડપથી નિકાલ લાવી શકાય. તેમણે કહ્યું હતું કે, પોલીસ આધુનિકીકરણ અને FSLના અપગ્રેડેશન માટે ઉપલબ્ધ કેન્દ્રીય ભંડોળનો ઉપયોગ નાર્કો સંબંધિત FSL અપગ્રેડેશન માટે પણ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, NDPSની વાણિજ્યિક બાબતો માટે ED અને અન્ય એજન્સીઓ દ્વારા કરાયેલી તપાસનો સંદર્ભ લેવો જોઈએ. શ્રી શાહે કહ્યું હતું કે, આપણે આખું નેટવર્ક તોડી પાડવા પર સંપૂર્ણ ભાર મૂકવો જોઈએ. આ ઉપરાંત, આપણે પુનર્વસન અને જનજાગૃતિ અભિયાન સાથે પણ જોડાવું પડશે, જેનાથી આપણને ઘણો ફાયદો થશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004F2Y8.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ ટેક્નોલોજી મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવશે તેમાં પ્રથમ અગ્રતા નાર્કોટિક્સને આપવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, NCORDની તમામ ચાર બેઠકો, 2 કેન્દ્રીય અને 2 રાજ્ય સ્તરે, નિયમિતપણે યોજવી જોઈએ, જેમાંથી વધારે મહત્વની બેઠક જિલ્લા સ્તરની NCORD બેઠક છે. તેમણે કહ્યું હતું કે, દરેક રાજ્યએ જિલ્લા સ્તરની NCORD બેઠકો યોજવા માટે એકસમાન પ્રયાસ કરવા જોઈએ. શ્રી શાહે કહ્યું હતું કે, જો કેન્દ્રીયકૃત NCORD પોર્ટલ પર તમામ માહિતી અપલોડ કરવામાં આવશે, તો તે નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમના સ્વરૂપમાં બધાને મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નશીલા દ્રવ્યોની તસ્કરીના નેટવર્ક સુધી આપણી તપાસ જરૂર પહોંચવી જોઈએ અને તે નેટવર્કના આપણા દેશમાં આવેલા કોઈપણ ભાગને નષ્ટ કરવાની જવાબદારી તમામ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા અને રાજ્યનો ડ્રગ નેટવર્ક ચાર્ટ અવશ્ય બનાવવો જોઈએ, જેથી આપણને સમસ્યા કેવી રીતે ફેલાઈ રહી છે તેના વિશે તેમજ આપણી લડાઈ કઈ બાબત પર કેન્દ્રિત હોવી જોઈએ તેના વિશે માહિતી મળે. શ્રી શાહે જણાવ્યું હતું કે, વ્યવસ્થાને સફળતામાં બદલવા આપણે તેની સાથે આપણી સંવેદનશીલતાને જોડવી પડશે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, સમુદ્રી માર્ગે થી નશીલા દ્રવ્યોની દાણચોરી રોકવા માટે કેન્દ્રીય એજન્સીઓ અને દરિયાકાંઠાના રાજ્યો અને સ્થાનિક વસ્તી વચ્ચે ખૂબ જ સારું સંકલન હોવું જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નશા સામેની લડાઈ ચોક્કસપણે ઘણી મુશ્કેલ છે પરંતુ આપણે સૌએ મોદીજીના 2047માં નશામુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મક્કમ સંકલ્પ લેવો પડશે અને સાથે મળીને આગળ વધવું પડશે.

YP/GP/JD


(Release ID: 1918082) Visitor Counter : 265