પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં રૂ. 1780 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કર્યો

જળ જીવન મિશન અંતર્ગત પીવાનાં પાણીની 19 યોજનાઓનું લોકાર્પણ કર્યું

"કાશીએ લોકોની આશંકાઓને અવગણી અને શહેરની કાયાપલટ કરવામાં સફળતા મેળવી"

"છેલ્લાં 9 વર્ષમાં દરેક વ્યક્તિએ ગંગા ઘાટનાં પરિદ્રશ્યની કાયાપલટ થતી જોઈ છે"

"છેલ્લાં 3 વર્ષમાં દેશમાં 8 કરોડ કુટુંબોને નળ દ્વારા પાણીનો પુરવઠો મળ્યો છે"

"સરકાર પ્રયાસ કરે છે કે અમૃત કાલમાં ભારતની વિકાસ યાત્રા દરમિયાન દરેક નાગરિક યોગદાન આપે અને કોઈ પણ પાછળ ન રહી જાય"

"ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિકાસનાં દરેક ક્ષેત્રમાં નવા આયામો ઉમેરી રહ્યું છે"

"ઉત્તર પ્રદેશ નિરાશાના પડછાયામાંથી બહાર આવ્યું છે અને હવે તે પોતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓના માર્ગે ચાલી રહ્યું છે"

Posted On: 24 MAR 2023 3:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 1780 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વે, નમામિ ગંગા યોજના અંતર્ગત ભગવાનપુરમાં 55 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સિગરા સ્ટેડિયમના રિડેવલપમેન્ટના બીજા અને ત્રીજા તબક્કા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર સેવાપુરીનાં ઇસારવાર ગામમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ, ભરથરા ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચેન્જિંગ રૂમ્સ સાથે તરતી જેટી સહિત અન્ય પરિયોજનાઓ સામેલ છે. પ્રધાનમંત્રીએ જલ જીવન મિશન હેઠળ  પીવાનાં પાણીની 19 યોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોનાં 3 લાખથી વધારે લોકોને મળશે. તેમણે આ મિશન હેઠળ પીવાનાં પાણીની 59 યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે ફળો અને શાકભાજીનાં ગ્રેડિંગ, સોર્ટિંગ અને પ્રોસેસિંગ માટે કરખિયાઓમાં સંકલિત પેક હાઉસ પણ સમર્પિત કર્યું હતું. તેમણે વારાણસી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવરાત્રિનો શુભ પ્રસંગ છે અને આજે મા ચંદ્રઘંટાની પૂજા કરવાનો દિવસ છે. તેમણે આ વિશેષ પ્રસંગે વારાણસીના નાગરિકોની વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, વારાણસીની સમૃદ્ધિમાં એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, ત્યારે વારાણસીના સર્વાંગી વિકાસ માટે સેંકડો કરોડનાં મૂલ્યનાં અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પીવાનું પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગંગા સ્વચ્છતા, પૂર નિયંત્રણ, પોલીસ સેવાઓ અને રમતગમત સેવાઓ જેવાં ક્ષેત્રો સામેલ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, બીએચયુમાં સેન્ટર ઑફ એક્સલન્સ ઓન મશીન ટૂલ્સ ડિઝાઇનનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જે શહેરમાં વૈશ્વિક ધારાધોરણો ધરાવતી અન્ય એક સંસ્થાનો ઉમેરો કરે છે. પ્રધાનમંત્રીએ વારાણસી અને પૂર્વાંચલનાં લોકોને આજની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કાશીના વિકાસની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે અને દરેક મુલાકાતી નવી ઊર્જા સાથે પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, કાશીએ લોકોની આશંકાઓને અવગણી હતી અને શહેરની કાયાપલટ કરવામાં સફળતા મેળવી હતી. 

પ્રધાનમંત્રીએ કાશીમાં પુરાતન અને નૂતનના એક સાથે 'દર્શન' થવા પર ટિપ્પણી કરી હતી. તેમણે કાશી વિશ્વનાથ ધામ, ગંગા ઘાટનાં કાર્ય અને સૌથી લાંબા રિવર ક્રૂઝની આસપાસ વૈશ્વિક ગુંજારવનો ઉલ્લેખ કર્યો હતો. માત્ર એક જ વર્ષમાં 7 કરોડથી વધુ પ્રવાસીઓએ કાશીની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓ શહેરમાં નવી આર્થિક તકો અને રોજગારીનું સર્જન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ પ્રવાસન અને શહેરનાં બ્યુટિફિકેશન સાથે સંબંધિત નવી વિકાસલક્ષી પરિયોજનાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "માર્ગો હોય, પુલ હોય, રેલવે હોય કે એરપોર્ટ્સ હોય, વારાણસી સાથેની કનેક્ટિવિટી સંપૂર્ણપણે સહજ થઈ છે." તેમણે ધ્યાન દોર્યું હતું કે, નવો રોપ-વે પ્રોજેક્ટ શહેરની કનેક્ટિવિટીને નવાં સ્તરે લઈ જશે. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવાની સાથે શહેરની સુવિધાઓમાં પણ વધારો થશે.  તેમણે માહિતી આપી હતી કે, રોપ-વે પૂર્ણ થયા પછી બનારસ કેન્ટ રેલવે સ્ટેશન અને કાશી-વિશ્વનાથ કોરિડોર વચ્ચેનું અંતર ગણતરીની મિનિટોમાં જ આવરી લેવામાં આવશે, ત્યારે કેન્ટ સ્ટેશન અને ગોદૌલિયા વચ્ચેના વિસ્તારોમાં ટ્રાફિકની ગીચતામાં પણ ઘટાડો થશે.

પ્રધાનમંત્રીએ આસપાસનાં શહેરો અને રાજ્યોમાંથી આવતા લોકોનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ ટૂંકા ગાળામાં આ શહેરની મુલાકાત લઈ શકશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોપ-વે માટે આધુનિક સુવિધાઓથી આર્થિક પ્રવૃત્તિઓ માટે નવું કેન્દ્ર ઊભું થશે.

પ્રધાનમંત્રીએ બાબતપુર એરપોર્ટ પર નવા એટીસી ટાવર વિશે પણ વાત કરી હતી, જે કાશી સાથે હવાઈ જોડાણને મજબૂત કરવાનું એક પગલું છે. પ્રધાનમંત્રીએ ફ્લોટિંગ જેટીના વિકાસ પર પણ વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓની જરૂરિયાતો પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ નમામિ ગંગે મિશન અંતર્ગત જાણકારી આપી હતી કે, ગંગાના કિનારે આવેલાં તમામ શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 9 વર્ષમાં દરેક વ્યક્તિએ ગંગાના ઘાટનાં પરિદ્રશ્યની કાયાપલટ થતી જોઈ છે." તેમણે કહ્યું હતું કે, ગંગાની બંને બાજુએ એક નવું પર્યાવરણીય અભિયાન ચાલી રહ્યું છે, જ્યાં સરકાર 5 કિલોમીટરના વિસ્તારમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે એ પણ નોંધ્યું કે આ માટે આ વર્ષનાં બજેટમાં આ માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવાં કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યાં છે, જેથી ખેડૂતોને કુદરતી ખેતીની વાત આવે ત્યારે સહાય પૂરી પાડવામાં આવે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, વારાણસીની સાથે-સાથે સંપૂર્ણ પૂર્વી ઉત્તર પ્રદેશ પણ કૃષિ અને કૃષિ નિકાસનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે વારાણસીમાં પ્રોસેસિંગ, પરિવહન અને સંગ્રહની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો જે વારાણસીમાં 'લંગડા' કેરી, ગાઝીપુરની 'ભીંડી' અને 'હરી મિર્ચ', જૌનપુરની 'મૂલી અને ખરબૂજે'ને નવી ગતિ આપે છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહ્યાં છે.

પીવાનાં શુદ્ધ પાણીના મુદ્દાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે પસંદ કરેલા વિકાસના પથમાં સેવાકીય તત્ત્વો હોવાની સાથે સાથે સહાનુભૂતિ પણ છે. તેમણે માહિતી આપી હતી કે, આજે પીવાનાં સ્વચ્છ પાણી સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન થયું છે, ત્યારે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ આજે કરવામાં આવ્યો છે. તેમણે 'હર ઘર નલ સે જલ' અભિયાન પર પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે, છેલ્લાં 3 વર્ષમાં દેશમાં 8 કરોડ કુટુંબોને નળ દ્વારા પાણીનો પુરવઠો મળ્યો છે. તેમણે ઉજ્જવલા યોજના વિશે પણ વાત કરી હતી અને નોંધ્યું હતું કે, સેવાપુરીમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટથી લાભાર્થીઓને લાભ થવાની સાથે પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બિહારમાં ગેસ સિલિન્ડરની માગ પણ પૂર્ણ થશે.

કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકારો ગરીબોની સેવામાં માને છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભલે લોકો તેમને 'પ્રધાનમંત્રી' કહીને બોલાવે, પણ તેઓ એવી માન્યતા ધરાવે છે કે તેઓ અહીં માત્ર લોકોની સેવા કરવા માટે જ આવ્યા છે. દિવસની શરૂઆતમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથેની વાતચીતને યાદ કરીને પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, વારાણસીથી હજારો નાગરિકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ વર્ષ 2014 અગાઉનાં એ સમય પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે બૅન્કમાં ખાતું ખોલાવવું એ પોતે જ એક મુશ્કેલીકારક કાર્ય હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે, આજે દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ પાસે પણ જન ધન બૅન્ક ખાતાં છે, જેમાં સરકાર દ્વારા ચુકવણી સ્વરૂપે સહાય સીધી જમા થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નાનો ખેડૂત હોય, ઉદ્યોગપતિ હોય કે મહિલા સ્વસહાય જૂથો હોય, મુદ્રા યોજના મારફતે લોન મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે." તેમણે એ પણ નોંધ્યું હતું કે, પશુઓ અને માછલીનાં સંવર્ધકોને કિસાન ક્રેડિટ કાર્ડ્સ આપવામાં આવ્યા છે, શેરી વિક્રેતાઓએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના મારફતે લોન મેળવવાનું શરૂ કર્યું છે અને ભારતના વિશ્વકર્માઓ માટે પ્રધાનમંત્રી-વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમૃત કાલમાં ભારતની વિકાસયાત્રા દરમિયાન દરેક નાગરિક યોગદાન આપે અને કોઈ પણ પાછળ ન રહી જાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે." 

પ્રધાનમંત્રીએ ખેલો બનારસ સ્પર્ધાના વિજેતાઓ સાથે પોતાની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક લાખ રમતવીરોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સહભાગીઓ અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બનારસના યુવાનો માટે રમતગમતની નવી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. સિગરા સ્ટેડિયમના બીજા અને ત્રીજા તબક્કાના વિસ્તરણ માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે વારાણસીમાં એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિકાસનાં દરેક ક્ષેત્રમાં નવા આયામો ઉમેરી રહ્યું છે." તેમણે માહિતી આપી હતી કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર આવતીકાલે 25 માર્ચનાં રોજ પોતાનાં બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, શ્રી યોગીએ અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી રાજ્યનાં મુખ્યમંત્રી તરીકેનો નવો વિક્રમ સર્જ્યો છે.  તેમણે કહ્યું હતું કે, "ઉત્તર પ્રદેશ નિરાશાના પડછાયામાંથી બહાર આવ્યું છે અને હવે તે તેની આકાંક્ષાઓ અને અપેક્ષાઓના માર્ગે અગ્રેસર છે." તેમણે નોંધ્યું હતું કે, ઉત્તર પ્રદેશ એ સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી વધેલી સુરક્ષા અને સેવાનું સ્પષ્ટ ઉદાહરણ છે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની નવી વિકાસ પરિયોજનાઓ સમૃદ્ધિના માર્ગને મજબૂત કરે છે અને દરેકને ફરી એકવાર અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ છેલ્લાં નવ વર્ષમાં વારાણસીનાં પરિદ્રશ્યની કાયાપલટ કરવા તથા શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોનાં જીવનની સરળતા વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રીએ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનાં મેદાનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રૂ. 1780 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વારાણસી કેન્ટ સ્ટેશનથી ગોદૌલિયા સુધી પેસેન્જર રોપ-વેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 645 કરોડ રૂપિયા છે. રોપ-વે સિસ્ટમની લંબાઈ પાંચ સ્ટેશનો સાથે ૩.૭૫ કિ.મી. હશે. એનાથી વારાણસીનાં પ્રવાસીઓ, યાત્રાળુઓ અને રહેવાસીઓની અવરજવરમાં સરળતા રહેશે.

પ્રધાનમંત્રીએ ભગવાનપુરમાં 55 એમએલડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું શિલારોપણ પણ કર્યું હતું, જે નમામિ ગંગા યોજના હેઠળ રૂ. 300 કરોડથી વધારેના ખર્ચે તૈયાર થશે. પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત સિગરા સ્ટેડિયમના પુનર્વિકાસના કાર્યના બીજા અને ત્રીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્માણ પામનાર સેવાપુરીનાં ઇસારવાર ગામમાં એલપીજી બોટલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું શિલારોપણ પણ કર્યું હતું, જેમાં ભરથરા ગામમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને ચેન્જિંગ રૂમ્સ સાથે ફ્લોટિંગ જેટી સામેલ છે.

જલ જીવન મિશન હેઠળ પ્રધાનમંત્રીએ  પીવાનાં પાણીની 19 યોજનાઓ સમર્પિત કરી હતી, જેનો લાભ 63 ગ્રામ પંચાયતોમાં 3 લાખથી વધારે લોકોને મળશે. ગ્રામીણ પીવાનાં પાણીની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રીએ આ મિશન હેઠળ પીવાનાં પાણીની 59 યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

વારાણસી અને તેની આસપાસના ખેડૂતો, નિકાસકારો અને વેપારીઓ માટે ફળો અને શાકભાજીનું ગ્રેડિંગ, વર્ગીકરણ અને પ્રોસેસિંગ ઇન્ટિગ્રેટેડ પેક હાઉસમાં શક્ય બનશે, જેનું નિર્માણ કરખિયાંમાં કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આ પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો હતો. તેનાથી વારાણસી અને તેની આસપાસના વિસ્તારમાં કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ વારાણસી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું, જેમાં રાજઘાટ અને મહમૂદગંજ સરકારી શાળાઓના પુનર્વિકાસની કામગીરી; શહેરના આંતરિક રસ્તાઓનું બ્યુટિફિકેશન; શહેરના ૬ ઉદ્યાનો અને તળાવોના પુનર્વિકાસ અને અન્ય સામેલ છે. તેમણે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એટીસી ટાવર સહિત અન્ય વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું જેમાં ભેલુપુરમાં વોટર વર્કસ પરિસરમાં 2 મેગાવોટનો સૌર ઊર્જા પ્લાન્ટ; કોનિયા પમ્પિંગ સ્ટેશન ખાતે 800 કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ; સારનાથ ખાતે એક નવું સામુદાયિક આરોગ્ય કેન્દ્ર; ચાંદપુરમાં ઔદ્યોગિક વસાહતમાં માળખાગત સુવિધામાં સુધારો; કેદારેશ્વર, વિશ્વેશ્વર અને ઓમકારેશ્વર ખંડ પરિક્રમાનાં મંદિરોનો કાયાકલ્પ અને અન્ય સામેલ છે.

GP/JD


(Release ID: 1910343) Visitor Counter : 253