પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું

“આજે સરકારની નીતિઓ અને નિર્ણયોની જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં તેની સકારાત્મક અસર દેખાઇ રહી છે”
“આજે લોકો સરકારને અવરોધ તરીકે જોતા નથી; તેના બદલે, લોકો અમારી સરકારને નવી તકો માટે ઉત્પ્રેરક તરીકે જુએ છે. ચોક્કસપણે, ટેક્નોલોજીએ આમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે”
“નાગરિકો સરળતાથી સરકાર સુધી પોતાના અભિપ્રાયો પહોંચાડી શકે છે અને તરત જ તેનો ઉકેલ મેળવી શકે છે”
“અમે ભારતમાં આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યાં છીએ અને ડિજિટલ ક્રાંતિના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે એવું પણ સુનિશ્ચિત કરી રહ્યાં છીએ”
“શું આપણે સમાજની એવી 10 સમસ્યાને ઓળખી શકીએ કે જેનો ઉકેલ AI દ્વારા લાવી શકાય”
“સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસનો અભાવ એ ગુલામીની માનસિકતાનું પરિણામ છે”
“સમાજ સાથે વિશ્વાસ દૃઢ કરવા માટે આપણે વૈશ્વિક શ્રેષ્ઠ આચરણોમાંથી શીખવાની જરૂર છે”

Posted On: 28 FEB 2023 11:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગવિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો.

આ વેબિનારમાં સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 21મી સદીનું ભારત સતત પોતાના નાગરિકોને ટેક્નોલોજીના ઉપયોગથી સશક્ત બનાવી રહ્યું છે. તેમણે એ વાત પણ રેખાંકિત કરી હતી કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં દરેક અંદાજપત્રમાં ટેક્નોલોજીની મદદથી લોકો માટે ઇઝ ઓફ લિવિંગ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રમાં ટેક્નોલોજી અને માનવીય સ્પર્શને પ્રાથમિકતા આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ અગાઉની સરકારો દ્વારા આપવામાં આવેલી પ્રાથમિકતાઓમાં રહેલા વિરોધાભાસ પર પ્રકાશ પાડતા યાદ કર્યું હતું કે, એ સમયમાં કેવી રીતે લોકોનો એક ચોક્કસ વર્ગ હંમેશા સરકારી હસ્તક્ષેપ પર નજર રાખતો હતો અને તેનાથી લોકોનું કલ્યાણ થવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો કે, આ સુવિધાઓના અભાવમાં તેમનું આખું જીવન વીતી જતું હતું. તેમણે લોકોના બીજા એક વર્ગ પર પણ પ્રકાશ પાડ્યો હતો કે જે આગળ વધવા માંગતા હતાં પરંતુ દબાણ અને સરકારી હસ્તક્ષેપ દ્વારા ઉભા કરવામાં આવેલા અવરોધો દ્વારા તેઓને નીચે ખેંચી જવામાં આવતા હતા. પ્રધાનમંત્રીએ જે ફેરફારો કરવામાં આવ્યા છે તેની નોંધ લીધી અને જણાવ્યું હતું કે, નીતિઓની સકારાત્મક અસરો એવી પરિસ્થિતિઓમાં જોવા મળી છે જ્યાં જીવનને સરળ બનાવતી વખતે અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતી વખતે તેની અત્યંત જરૂરિયાત છે. તેમણે એવું પણ નોંધ્યું હતું કે, સરકારી હસ્તક્ષેપમાં હવે ઘટાડો થયો છે અને નાગરિકો સરકારને અવરોધ તરીકે નથી માનતા. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, તેના બદલે, નાગરિકો સરકારને હવે ઉત્પ્રેરક તરીકે જોઇ રહ્યા છે જ્યાં ટેક્નોલોજીએ ઘણી મોટી ભૂમિકા નિભાવી છે.

પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ અને JAM (જન ધન- આધાર- મોબાઇલ) ટ્રિનિટી, આરોગ્યસેતુ તેમજ કોવિન (Co-WIN) એપ, રેલવે આરક્ષણ અને સામાન્ય સેવા કેન્દ્રોના ઉદાહરણો આપીને આમાં ટેક્નોલોજીની ભૂમિકા વિશે વિગતવાર વર્ણન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ નિર્ણયોથી સરકારે નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગમાં વધારો કર્યો છે.

પ્રધાનમંત્રીએ સરકાર સાથે સંવાદની સરળતા (ઇઝ ઓફ કમ્યુનિકેશન) વિશેની લોકપ્રિય લાગણી પર પણ પ્રકાશ પાડ્યો હતો કારણ કે, હવે સંવાદ સરળ બન્યો છે અને લોકોને ઝડપી નિરાકરણો મળી રહ્યા છે. તેમણે આવકવેરા પ્રણાલી સંબંધિત ફરિયાદોના ફેસલેસ નિરાકરણના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “હવે તમારી ફરિયાદો અને નિવારણ વચ્ચે કોઇ વ્યક્તિ નથી, પરંતુ માત્ર ટેકનોલોજી જ છે”. પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અને વૈશ્વિક ધોરણો સુધી પહોંચવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિશે સામૂહિક રીતે વિચારવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “એક ડગલું આગળ વધીને, આપણે એવા ક્ષેત્રોને ઓળખી શકીએ છીએ કે જ્યાં સરકાર સાથે સંવાદને વધુ સરળ બનાવી શકાય છે”.

પ્રધાનમંત્રીએ મિશન કર્મયોગીના મુદ્દાને સ્પર્શ કર્યો હતો અને માહિતી આપી હતી કે, સરકારી કર્મચારીઓને વધુ લોક કેન્દ્રિત બનવાના ઉદ્દેશથી તાલીમ આપવામાં આવી રહી છે. તેમણે તાલીમ પ્રક્રિયાને અપડેટ કરતા રહેવાની જરૂરિયાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો અને એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, નાગરિકોના પ્રતિસાદના આધારે ફેરફારો કરીને, નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. પ્રધાનમંત્રીએ એવી પ્રણાલીનું નિર્માણ કરવાનું સૂચન કર્યું હતું કે, જ્યાં તાલીમમાં સુધારો કરવા માટે સરળતાથી પ્રતિસાદ સબમિટ કરી શકાય.

પ્રધાનમંત્રીએ ટેક્નોલોજી દ્વારા દરેકને પ્રદાન કરવામાં આવતી સમાન તકો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, સરકાર ટેક્નોલોજીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે. સરકાર, આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની સાથે સાથે એવું પણ સુનિશ્ચિત કરી રહી છે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ દરેક નાગરિક સુધી સમાન રીતે પહોંચે. તેમણે GeM પોર્ટલ વિશે વાત કરીને આ સમજાવ્યું હતું. આ પોર્ટલ સરકાર દ્વારા કરવામાં આવતી ખરીદીમાં નાના વેપારીઓ અને શેરી પરના વિક્રેતાઓને પણ ઉપસ્થિત રહેવાની સવલત આપે છે. એવી જ રીતે, e-NAMની મદદથી ખેડૂતો વિવિધ સ્થળોએ ખરીદદારો સાથે જોડાઇ પણ શકે છે.

5G અને AIનો સંદર્ભ ટાંકીને તેમજ ઉદ્યોગ, દવા, શિક્ષણ અને કૃષિ પર તેમની અસરનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કેટલાક લક્ષ્યો નક્કી કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “શું આપણે સમાજની એવી 10 સમસ્યાઓને ઓળખી શકીએ કે જેનો ઉકેલ AI દ્વારા લાવી શકાય”.

પ્રધાનમંત્રીએ સરકારમાં ટેક્નોલોજીના ઉપયોગના ઉદાહરણો આપીને એવી સંસ્થાઓ માટે ડિજીલૉકર સેવાઓના મુદ્દાને સ્પર્શ કર્યો હતો કે જ્યાં કંપનીઓ અને સંસ્થાઓ તેમના દસ્તાવેજોને સંગ્રહિત કરી શકે છે અને સરકારી એજન્સીઓ સાથે તે દસ્તાવેજોને શેર પણ કરી શકે છે. તેમણે આ સેવાઓનું વિસ્તરણ કરવા માટેની રીતો શોધવાનું સૂચન પણ કર્યું હતું જેથી કરીને વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઇ શકે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વિતેલા કેટલાંક વર્ષોમાં MSMEને સહકાર આપવા માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે અને MSMEને જે અવરોધોને સામનો કરવો પડે છે તેને ઓળખી કાઢવા માટે તેમજ તેના પર વિચાર કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. વ્યવસાયના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સમય એ નાણાં છે, તે વાત પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નાના ઉદ્યોગો માટે અનુપાલન સંબંધિત ખર્ચમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. સરકારના આ પ્રયાસોથી સમયની બચત થાય છે. તેમણે સૂચન કર્યું હતું કે, બિનજરૂરી અનુપાલનની યાદી બનાવવાનો આ સાચો સમય છે કારણ કે સરકારે ભૂતકાળમાં ચાલીસ હજારથી વધુ ઉપકરણોનો અંત લાવી દીધો છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસનો અભાવ એ ગુલામીની માનસિકતાનું પરિણામ છે” અને તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, સરકારે નાના ગુનાઓનું નિરાપરાધીકરણ કરીને અને MSMEને લોન લેવા માટે તેમના ગેરેન્ટર બનીને નાગરિકોનો વિશ્વાસ ફરી પાછો મેળવ્યો છે. તેમણે સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસ કેળવવા માટે અન્ય દેશોમાં હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો વિશે દુનિયાભરની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી અનુભવ મેળવવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ટેક્નોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડતા સૌનું ધ્યાન દોર્યું હતું કે, ટેક્નોલોજી એવા તૈયાર ઉત્પાદન બનાવવામાં મદદ કરી શકે છે, કે જે વૈશ્વિક બજાર પર કબજો જમાવવામાં મદદરૂપ થઇ શકે તેમ હોય. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, કોઇપણ વ્યક્તિએ પોતાને માત્ર ઇન્ટરનેટ અને ડિજિટલ ટેક્નોલોજી સુધી સીમિત ન રાખવા જોઇએ. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અંદાજપત્ર અથવા કોઇપણ સરકારી નીતિ કેટલી સારી રીતે તૈયાર કરવામાં આવે છે તેના પર તેની સફળતા નિર્ભર રહેલી હોય છે. પરંતુ, આમાં લોકોનો સહકાર પણ મહત્વ હોવાની વાત પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતના પ્રતિભાશાળી યુવાનો, કૌશલ્યવાન માનવબળ અને ગામડાઓમાં ટેક્નોલોજી અપનાવવાની ઇચ્છાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમાંથી મહત્તમ લાભ મેળવવાના માર્ગો શોધી કાઢવાનું સૂચન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “અંદાજપત્રમાંથી મહત્તમ લાભ કેવી રીતે મેળવવો તે અંગે તમારે અવશ્ય ચર્ચા કરવી જોઇએ”.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1902992) Visitor Counter : 109