પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બ્રહ્મા કુમારીઓ દ્વારા જલ-જન અભિયાનના લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

Posted On: 16 FEB 2023 2:22PM by PIB Ahmedabad

બ્રહ્માકુમારી સંસ્થાનના પ્રમુખ રાજયોગિની દાદી રતન મેહિની જી, મંત્રીમંડળના મારા સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, બ્રહ્માકુમારી સંસ્થાની તમામ સદસ્યગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો. મને આનંદ છે કે બ્રહ્માકુમારીઓ દ્નારા શરૂ કરવામાં આવેલા જલ-જન અભિયનના શુભારંભ પ્રસંગે હું આપ સૌ સાથે જોડાઈ રહ્યો છું. આપ સૌની વચ્ચે આવવું, શીખવું હંમેશાં મારા માટે વિશેષ રહ્યું છે. સ્વર્ગીય રાજયોગિની દાદી જાનકી જીને મળેલા આશીર્વાદ આજે મારી ઘણી મોટી મૂડી છે. મને યાદ છે કે 2007માં દાદી પ્રકાશ મણિ જીના બ્રહ્મલોક ગમન પર મને આબુ રોડ આવીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો હતો. છેલ્લા વર્ષોમાં બ્રહ્મકુમારી બહેનોના ઘણા બધા સ્નેહભર્યા આમંત્રણ મને અલગ અલગ કાર્યક્રમો માટે મળતા રહ્યા છે. હું પણ હંમેશાં પ્રયાસ કરું છું કે આ આધ્યાત્મિક પરિવારના સદસ્યના રૂપમાં આપની વચ્ચે આવતો જતો રહું. 2011માં અમદાવાદમાં ફ્યુચર ઓફ પાવરનો કાર્યક્રમ હોય, 2012માં સંસ્થાનની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ હોય, 2013માં સંગમ તીર્થસ્થાનનો કાર્યક્રમ હોય, 2017માં બ્રહ્માકુમારીઓ સંસ્થાનના 80મા સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય કે પછી ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ સાથે સંકળાયેલો સ્વર્ણિમ ભારતનો કાર્યક્રમ હોય, હું જ્યારે પણ આપની વચ્ચે પઘારું છું તો આપનો સ્નેહ અને આ પોતીકાપણું મને અભિભૂત કરી દે છે. બ્રહ્માકુમારીઓ સાથેનો મારો આ સંબંધ તે માટે ખાસ છે કેમ કે સ્વથી ઉપર જઈને સમાજ માટે સર્વસ્વ સમર્પિત કરવું તે આપ સૌના માટે આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ રહ્યું છે.

સાથીઓ,
જલ-જન અભિયાન એક એવા સમયે શરૂ થયું છે જ્યારે પાણીની અછતને સમગ્ર વિશ્વમાં ભવિષ્યના સંકટ તરીકે જોવામાં આવી રહ્યું છે. 21મી સદીમાં દુનિયા એ બાબતની ગંભીરતાને સમજી રહી છે કે આપણી ધરતી પાસે જળ સંસાધન કેટલા મર્યાદિત છે. આવડી મોટી વસ્તિને કારણે જળ સુરક્ષા ભારત માટે પણ એક મોટી સમસ્યા છે. તેથી જ આઝાદીના અમૃતકાળમાં આજે દેશ જળને કલના રૂપમાં જોઈ રહ્યો છે અને તેના માટે બધાએ સાથે મળીને આજથી જ પ્રયાસો કરવા પડશે. મને સંતોષ છે કે જળ સંરક્ષણના સંકલ્પોને હવે દેશ જલ આંદોલનના રૂપમાં આગળ ધપાવી રહ્યો છે. બ્રહ્માકુમારીઓના આ જલ-જન અભિયાનથી જનભાગીદારીના આ પ્રયાસને નવી શક્તિ પ્રદાન થશે. તેનાથી જળ સંરક્ષણ અભિયાનની પહોંચ વધશે. પ્રભાવ પણ વધશે. હું બ્રહ્માકુમારીઓ સંસ્થા સાથે જોડાયેલા તમામ માર્ગદર્શકોનું, તેના લાખો અનુયાયીઓનો હૃદયપૂર્વક અભિવાદન કરું છું.

સાથીઓ,
ભારતના ઋષિઓએ હજારો વર્ષ અગાઉથી પ્રકૃત્તિ, પર્યાવરણ અને પાણીને લઈને સંયમિત, સંતુલિત અને સંવેદનશીલ વ્યવસ્થાનું સર્જન કર્યું હતું. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે મા આપો હિંસી. એટલે કે અમે જળને નષ્ટ કરીએ નહીં, તેનું સંરક્ષણ કરીએ. આ ભાવના હજારો વર્ષથી  આપણા આધ્યાત્મનો હિસ્સો છે, આપણા ધર્મનો હિસ્સો છે. આ આપણા સમાજની સંસ્કૃતિ છે, આપણા સામાજિક ચિંતનનું કેન્દ્ર છે. તેથી જ આપણ જળને દેવોની સંજ્ઞા આપીએ છીએ, નદીઓને માતા માનીએ છીએ. જ્યારે કોઈ સમાજ પ્રકૃતિના આવા ભાવનાત્મક સંબંધ જોડી લે છે, તો વિશ્વ જેને ટકાઉ વિકાસ કહે છે તે તેની સહજ જીવનશૈલી બની જાય છે. તેથી જ આજે જ્યારે ભવિષ્યના પડકારોનો ઉકેલ શોધી રહ્યા છીએ તો આપણે અતીતની એ ચેતનાને પુનઃજાગૃત કરવી પડશે. આપણે દેશવાસીઓમાં જળ સંરક્ષણના મૂલ્યો પ્રત્યે ફરીથી એવી જ આસ્થા પેદા કરવી પડશે. આપણે એ તમામ પ્રકારની વિકૃત્તિને દૂર કરવી પડશે જે જળ પ્રદૂષણનું કારણ બને છે. અને, તેમાં હંમેશાંની માફક ભારતની આધ્યાત્મિક સંસ્થાનોની, બ્રહ્માકુમારીઓની એક મોટી ભૂમિકા છે.

સાથીઓ,
વીતેલા દાયકાઓમાં આપણે ત્યાં એવી એક નકારાત્મક વિચારધારા પણ બની ગઈ  હતી કે આપણે જળ સંરક્ષણ તથા પર્યાવરણ જેવા વિષયોને અઘરા માનીને છોડી દઈએ છીએ. કેટલાક લોકોએ એમ માની લીધું હતું કે આ એટલા મોટા કામ છે કે તેને કરી જ શકાય તેમ નથી પરંતુ વીતેલા આઠથી નવ વર્ષમાં દેશે આ માનસિકતાને બદલી છે અને પરિસ્થિતિ પણ બદલી છે.
નમામિ ગંગે તેનું એક મજબૂત ઉદાહરણ છે. આજે માત્ર ગંગા જ સ્વચ્છ થઈ રહી નથી પરંતુ તેની તમામ સહાયક નદીઓ પણ સ્વચ્છ થઈ રહી છે. ગંગાના કિનારે કુદરતી ખેતી જેવા અભિયાન શરૂ થઈ ગયા છે. નમામિ ગંગે અભિયાન આજે દેશના વિવિધ રાજ્યો માટે એક મોડલ બનીને સામે આવ્યું છે.

સાથીઓ,
જળ પ્રદૂષણની માફક જ નીચે ઉતરી રહેલું ભૂતર સ્તર પણ દેશના માટે એક મોટો પડકાર છએ. તેને માટે દેશે
કેચ ધ રેઇન ઝુંબેશ શરૂ કરી જે હવે ઝડપથી આગળ ધપી રહી છે. દેશની હજારો ગ્રામ પંચાયતોમાં અટલ ભૂ-જળ યોજના અંતર્ગત પણ જળ સંરક્ષણને વેગ આપવામાં આવી રહ્યો છે. દેશના પ્રત્યેક જિલ્લામાં  75 અમૃત સરોવરના નિર્માણનું અભિયાન પણ જળ સંરક્ષણની દિશામાં એક મોટું પગલું છે.

સાથીઓ,
આપણા દેશમાં જળ જેવી જીવનની મહત્વપૂર્ણ વ્યવસ્થા પરંપરાગત રૂપથી મહિલાઓના હાથમાં રહી છે. આજે દેશમાં જળ જીવન મિશન જેવી મહત્વપૂર્ણ યોજનાનું નેતૃત્વ પણ પાણી સમિતિના માધ્યમથી ગામડાઓમાં મહિલાઓ જ કરી રહી છે. આપણી બ્રહ્માકુમારી બહેનો આ જ ભૂમિકા દેશની સાથે સાથે વૈશ્વિક સ્તર પર પણ અદા કરી શકે છે. જળ સંરક્ષણની સાથે સાથે પર્યાવરણ સંબંધી તેની સાથે જોડાયેલા તમામ વિષયોને પણ આપણે એટલી જ તત્પરતાથી ઉઠાવવો પડશે.

ખેતીમાં પાણીથી સંતુલિત ઉપયોગ માટે દેશ ડ્રિપ ઇરિગેશન જેવી ટેકનિકને પ્રોત્સાહન આપી રહ્યો છે. આપ ખેડૂતોને તેનો વધારેમાં વધારે ઉપયોગ કરવા માટે પ્રેરિત કરો. આ કારણે ભારતની આ પહેલને સમગ્ર વિશ્વ, ઇન્ટરનેશનલ મિલેટ યર પણ મનાવી રહ્યું છે. આપણા દેશમાં મિલેટ જેવા શ્રી અન્ન બાજરો, શ્રી અન્ન જુવાર, સદીઓથી ખેતી તથા ખાણીપીણીનો હિસ્સો રહ્યા છે. મિલેટ્સમાં પોષણ ભરપુર હોય છે અને તેની ખેતીમાં પાણી પણ ઓછું જોઇએ છીએ. તેથી વધુમાં વધુ લોકો પોતાના ભોજનમાં મોટા અનાજને સામેલ કરે અને આપ તેના માટે તેમને જણાવશો તો આ અભિયાનને તાકાત મળશે અને જળ સંરક્ષણ પણ વધશે.

મને ખાતરી છે કે અમારા અને આપના આ સહિયારા પ્રયાસ જલ-જન અભિયાનને સફળ બનાવશે. આપણે એક બહેતર ભારત અને બહેતર ભવિષ્યનું નિર્માણ કરીશું. આપ સૌને ફરી એક વાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓમ શાંતિ.

YP/GP/JD


(Release ID: 1899857) Visitor Counter : 247