પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જયંતીની ઉજવણીનું ઉદ્‌ઘાટન કર્યું



સ્મારક ઉત્સવ માટે લોગો પ્રકાશિત કર્યો

"મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ચીંધેલો માર્ગ કરોડો લોકોમાં આશાનો સંચાર કરે છે"

"જે અનિષ્ટો ખોટી રીતે ધર્મને આભારી હતા, સ્વામીજીએ તેમને ખુદ ધર્મના પ્રકાશથી જ દૂર કર્યા"

"સ્વામીજીએ સમાજમાં વેદોના બોધ-પ્રકાશને પુનર્જીવિત કર્યો"

"અમૃત કાલમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિ એક પવિત્ર પ્રેરણા બનીને આવી છે"

"આજે દેશ આત્મવિશ્વાસપૂર્વક આપણા વારસા પર ગર્વનું આહ્વાન કરી રહ્યો છે"

"આપણી સાથે, ધર્મનું પ્રથમ અર્થઘટન કર્તવ્ય વિશે છે"

"ગરીબો, પછાત અને વંચિતોની સેવા એ આજે દેશ માટે પ્રથમ યજ્ઞ છે"

Posted On: 12 FEB 2023 1:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે વર્ષભરની ઉજવણીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે સ્મારક ઉત્સવ માટે એક લોગો પણ બહાર પાડ્યો હતો.

કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી આર્ય સમાજનાં વિહંગમ દ્રશ્ય અને જીવંત રજૂઆતોને ચાલીને નિહાળી હતી અને ચાલી રહેલા યજ્ઞમાં આહુતિ પણ અર્પણ કરી હતી. ત્યાર બાદ તેમણે આ કાર્યક્રમમાં શેષ ભારત અને વિશ્વને મહર્ષિ દયાનંદ સરસ્વતીના સંદેશાઓને પ્રબળ બનાવવા પ્રજવલિત થયેલી મશાલને આગળ ધપાવવાનાં પ્રતિકરૂપે યુવા પ્રતિનિધિઓને એલઈડી મશાલ સોંપી હતી.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીના પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો હતો, જે સમગ્ર વિશ્વ માટે ભવિષ્ય અને પ્રેરણાનું સર્જન કરવાનો પ્રસંગ છે. વિશ્વને વધુ સારું સ્થળ બનાવવાના મહર્ષિ દયાનંદના આદર્શનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિખવાદ, હિંસા અને અસ્થિરતાના આ યુગમાં મહર્ષિ દયાનંદે ચીંધેલો માર્ગ આશાનો સંચાર કરે છે. 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ શુભ પ્રસંગ બે વર્ષ માટે ઉજવવામાં આવશે અને કહ્યું હતું કે, સરકારે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. માનવતાનાં કલ્યાણ માટે સતત ચાલી રહેલી પરંપરા પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ હાલ ચાલી રહેલા યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્વામીજીનો જન્મ થયો હતો એ જ ભૂમિમાં જન્મ લેવાનાં સૌભાગ્યનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મહર્ષિ દયાનંદના આદર્શોને તેમનાં જીવનમાં સતત આકર્ષિત કરવા પર ભાર મૂક્યો હતો.

જ્યારે દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો, ત્યારે ભારતની સ્થિતિને યાદ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સદીઓની ગુલામી પછી નબળો પડી ગયો હતો અને તેની આભા અને આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો હતો. તેમણે ભારતના આદર્શો, સંસ્કૃતિ અને મૂળને કચડી નાંખવા માટે થઈ રહેલાં અસંખ્ય પ્રયાસોને યાદ કર્યા હતા. સ્વામીજીએ ભારતની પરંપરાઓ અને ધર્મગ્રંથોમાં કોઈ પણ પ્રકારની ઉણપની કલ્પનાને દૂર કરી હતી, તેમણે ધ્યાન દોર્યું હતું કે, તેમનો સાચો અર્થ ભૂલી જવામાં આવે છે. પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે વેદોનાં ખોટાં અર્થઘટનનો ઉપયોગ ભારતને નીચું દેખાડવા માટે કરવામાં આવતો હતો અને પરંપરાઓને વિકૃત કરવામાં આવતી હતી, આવા સમયમાં મહર્ષિ દયાનંદનો આ પ્રયાસ તારણહાર બનીને આવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મહર્ષિજીએ ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓ સામે મજબૂત અભિયાન શરૂ કર્યું હતું." શ્રી મોદીએ મહર્ષિના તેમના સમયમાં તેમના પ્રયાસોની તીવ્રતા દર્શાવવા માટે 21મી સદીમાં કર્તવ્ય પરના તેમના ભાર સામેના પ્રત્યાઘાતોને તેમના એક પડકાર તરીકે ટાંક્યા હતા. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, "જે અનિષ્ટો ખોટી રીતે ધર્મને કારણે હતા, સ્વામીજીએ તેમને ખુદ ધર્મના પ્રકાશથી જ દૂર કર્યા." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી સ્વામીજીની અસ્પૃશ્યતા સામેની લડાઈને તેમનું સૌથી મોટું યોગદાન ગણતા હતા.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદજી પણ સમાજમાં મહિલાઓ સાથે સંબંધિત વિકસિત થયેલી રૂઢિઓ સામે એક તાર્કિક અને અસરકારક અવાજ તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે મહર્ષિ દયાનંદજીએ મહિલાઓ પ્રત્યેના ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો અને મહિલાઓનાં શિક્ષણ માટે ઝુંબેશ પણ શરૂ કરી હતી, જ્યારે તેમણે ભાર મૂક્યો કે આ તથ્યો 150 વર્ષથી વધુ જૂનાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે પણ કેટલાક સમાજો છે, જે મહિલાઓને તેમનાં શિક્ષણ અને સન્માનના અધિકારથી વંચિત રાખે છે, પણ પશ્ચિમના દેશોમાં પણ મહિલાઓ માટે સમાન અધિકારો દૂરગામી વાસ્તવિકતા છે, ત્યારે મહર્ષિ દયાનંદ જ હતા જેમણે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મહર્ષિજીની સિદ્ધિઓ અને પ્રયાસોની અસાધારણ પ્રકૃતિ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આર્ય સમાજનાં 150 વર્ષ પછી અને તેમના જન્મનાં 200 વર્ષ પછી તેમના પ્રત્યે લોકોની ભાવના અને આદર એ રાષ્ટ્રયાત્રામાં તેમનાં અગ્રણી સ્થાનનો સંકેત છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમૃત કાલમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી એક પવિત્ર પ્રેરણા લઈને આવી છે."

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, દેશ સ્વામીજીના ઉપદેશોને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અનુસરી રહ્યો છે. સ્વામીજીના 'બેક ટુ વેદાસ'નાં આહ્વાનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે દેશ આત્મવિશ્વાસપૂર્વક 'આપણા વારસા પર ગર્વ'નું આહ્વાન કરી રહ્યો છે, કારણ કે તેમણે નોંધ્યું કે ભારતની જનતા સંસ્કૃતિ અને પરંપરાઓને સમૃદ્ધ કરવાની સાથે-સાથે આધુનિકતાનો માર્ગ મોકળો કરવા માટેનો વિશ્વાસ ધરાવે છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં ધર્મની વિસ્તૃત કલ્પના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જે ધાર્મિક વિધિઓથી પર છે અને તેને સંપૂર્ણ જીવનશૈલી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 'આપણી સાથે ધર્મનું પ્રથમ અર્થઘટન કર્તવ્યનું છે.' પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામીજીએ સર્વસમાવેશક અને સંકલિત અભિગમ અપનાવ્યો હતો તથા દેશનાં જીવનનાં ઘણાં પાસાંઓની જવાબદારી અને નેતૃત્વ ધારણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ તત્ત્વજ્ઞાન, યોગ, ગણિત, નીતિ, મુત્સદ્દીગીરી, વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાનમાં ભારતીય ઋષિમુનિઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને ભારતીય જીવનમાં ઋષિઓ અને સંતોની વ્યાપક ભૂમિકા વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્વામીજીએ એ પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

મહર્ષિ દયાનંદના ઉપદેશોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ તેમનાં જીવનકાળ દરમિયાન તેમણે સ્થાપેલી વિવિધ સંસ્થાઓની નોંધ લીધી હતી. મહર્ષિ ક્રાંતિકારી વિચારધારા સાથે જીવતા હોવા છતાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેવી રીતે મહર્ષિએ તેમના તમામ વિચારોને વ્યવસ્થા સાથે જોડ્યા હતા અને દાયકાઓથી વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કલ્યાણકારી કાર્યો સક્રિયપણે હાથ ધર્યા એવી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવા માટે તેમને સંસ્થાગત બનાવ્યા હતા. પ્રધાનમંત્રીએ પરોપકારિણી સભાનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે, આ સંસ્થાની સ્થાપના ખુદ મહર્ષિએ કરી હતી અને આજે વૈદિક પરંપરાઓનો પ્રચાર-પ્રસાર ગુરુકુળ અને પ્રકાશનોનાં માધ્યમથી કરે છે. તેમણે કુરુક્ષેત્ર ગુરુકુળ, સ્વામી શ્રદ્ધાનંદ ટ્રસ્ટ અને મહર્ષિ દયાનંદ ટ્રસ્ટનાં ઉદાહરણો પણ આપ્યાં હતાં તથા આ સંસ્થાઓ દ્વારા આકાર પામેલા યુવાનોનાં અસંખ્ય જીવનની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ધરતીકંપ દરમિયાન સમાજસેવા અને બચાવ કામગીરીમાં જીવન પ્રભાત ટ્રસ્ટનાં નોંધપાત્ર યોગદાનની નોંધ પણ લીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંસ્થા મહર્ષજીના આદર્શોથી પ્રેરિત છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ ભેદભાવ વિનાની નીતિઓ અને પ્રયાસો સાથે પ્રગતિનો સાક્ષી બની રહ્યો છે, જે સ્વામીજી માટે પણ પ્રાથમિકતા હતી. "ગરીબ, પછાત અને કચડાયેલા લોકોની સેવા એ આજે દેશ માટે પ્રથમ યજ્ઞ છે." તેમણે આ સંબંધમાં આવાસ, તબીબી સારવાર અને મહિલા સશક્તીકરણનો ઉલ્લેખ કર્યો હતો. નવી શિક્ષણ નીતિ સ્વામીજીએ શીખવેલી ભારતીયતા પર ભાર મૂકવાની સાથે આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપે છે.

પ્રધાનમંત્રીએ સ્વામીજીની એક સાકાર વ્યક્તિની વ્યાખ્યાને યાદ કરી હતી, જે વ્યક્તિ પોતે લે છે એના કરતા આપે વધુ છે એ સાકાર વ્યક્તિ છે. પર્યાવરણ સહિતનાં અસંખ્ય ક્ષેત્રોમાં આની સુસંગતતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વામીજી વેદોનાં આ જ્ઞાનને ઊંડાણપૂર્વક સમજે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મહર્ષિજી વેદોના અભ્યાસી અને જ્ઞાન માર્ગના સંત હતા." સાતત્યપૂર્ણ વિકાસની શોધમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ સંબંધમાં મિશન લાઇફનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, પર્યાવરણને જી20ના વિશેષ એજન્ડા તરીકે આગળ વધારવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આર્ય સમાજ પ્રાચીન જ્ઞાનના પાયા સાથે આ આધુનિક આદર્શોને પ્રોત્સાહન આપીને મોટી ભૂમિકા અદા કરી શકે છે. તેમણે કુદરતી ખેતીને આગળ ધપાવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ શ્રી અન્નને આગળ ધપાવવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.

મહર્ષિનાં વ્યક્તિત્વમાંથી ઘણું બધું શીખી શકાય છે એ વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ મહર્ષિને મળવા આવેલા એક અંગ્રેજ અધિકારીની કથા વર્ણવી હતી અને તેમને ભારતમાં સતત બ્રિટિશ શાસન ચાલુ રહેવા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું, જેના જવાબમાં મહર્ષિએ નિર્ભયતાથી જવાબ આપ્યો હતો કે, "સ્વતંત્રતા મારો આત્મા છે અને ભારતનો અવાજ છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓ અને સંસ્થાના ઘડવૈયાઓ અને દેશભક્તોએ સ્વામીજી પાસેથી પ્રેરણા લીધી છે તથા તેમણે લોકમાન્ય તિલક, નેતાજી સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, લાલા લજપતરાય, લાલા હરદયાલ, ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ અને અન્ય સ્વતંત્રતા સેનાનીઓનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે મહાત્મા હંસરાજ, સ્વામી શ્રદ્ધાનંદજી, ભાઈ પરમાનંદજી અને અન્ય ઘણાં નેતાઓનાં ઉદાહરણ પણ આપ્યાં હતાં, જેમને મહર્ષિ પાસેથી પ્રેરણા મળી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આર્ય સમાજ પાસે સ્વામીજીના ઉપદેશોનો વારસો છે અને દેશ દરેક 'આર્યવીર' પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, આવતાં વર્ષે આર્ય સમાજ 150મા વર્ષની શરૂઆત કરશે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ તમામને મહાન આયોજન, અમલીકરણ અને વ્યવસ્થાપન આ મહત્વપૂર્ણ પ્રસંગનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "અમૃત કાલમાં આપણે સૌ મહર્ષિ દયાનંદજીના પ્રયાસોમાંથી પ્રેરણા મેળવી શકીએ."

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, સાંસ્કૃતિક રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ અને શ્રીમતી મીનાક્ષી લેખી, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી ધરમ પાલ આર્ય, દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી શ્રી વિનય આર્ય અને સર્વદેશીક આર્ય પ્રતિનિધિ સભાના અધ્યક્ષ શ્રી સુરેશચંદ્ર આર્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પશ્ચાદભૂમિકા

12મી ફેબ્રુઆરી 1824ના રોજ જન્મેલા, મહર્ષિ દયાનંદ સરસ્વતી એક સમાજ સુધારક હતા જેમણે તે સમય દરમિયાન પ્રવર્તતી સામાજિક અસમાનતાઓનો સામનો કરવા માટે 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. આર્ય સમાજે સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકીને દેશની સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

સરકાર સમાજ સુધારકો અને મહત્ત્વની હસ્તીઓની ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને એ લોકો કે જેમનાં યોગદાનને અખિલ ભારતીય સ્તરે હજી સુધી તેમનો જોઇતો હક આપવામાં આવ્યો ન હતો. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરવાથી માંડીને શ્રી અરવિંદની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થવા સુધી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પ્રકારની વિવિધ પહેલનું અગ્રહરોળથી નેતૃત્વ કરી રહ્યા છે.

YP/GP/JD


(Release ID: 1898508) Visitor Counter : 547